ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કોના બાપની દિવાળી', 20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યા પછી ઔડાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પડતો મૂક્યો
Last Updated: 03:47 PM, 8 September 2026
ADVERTISEMENT
જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ શરૂ કર્યા બાદ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ હવે આ પ્લાન્ટનું કામ અટકાવી દીધું છે, પરિણામે જાહેર નાણાંના રૂ. ૨૦ કરોડનો ખર્ચ માથે પડ્યો છે. ઔડાએ હવે આ સ્થળે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
શાંતિગ્રામ ટાઉનશિપ નજીક જાસપુર ખાતે આવેલા આ પ્લાન્ટનો ખર્ચ આશરે રૂ. ૧૫૦ કરોડ હતો અને તેનું બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું. આ પ્લાન્ટને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડી એસ.પી. રિંગ રોડ અને એસ.જી. હાઇવે નજીકનાં ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું.
ઔડાએ ગયા વર્ષે જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કામનો આદેશ અપાયા બાદ બાંધકામ શરૂ થયું હતું, જોકે રૂ. ૨૦ કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ ઔડાએ અચાનક પ્રોજેક્ટ રદ કરી દીધો છે.
ADVERTISEMENT
ઔડાના ટોચનાં સૂત્રોએ જણાવ્યું છે કે સમગ્ર પ્રોજેક્ટમાં યોગ્ય આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. મૂળ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં જ છ મહિના લાગ્યા હતા અને હવે અચાનક કામ અટકાવી દેવાયું છે. ઔડા હવે જાસપુર ખાતેના મૂળ સ્થળે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) ધોરણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના ધરાવે છે.
આ માટે ટીપી સ્કીમ નં. ૨૨૯ (જાસપુર-ખોડિયાર) હેઠળના ફાઇનલ પ્લોટ નં. ૩૮ અને ૫૧૩ની સામે આશરે ૭૮,૦૦૦ ચોરસ મીટર જમીન પર નવા પ્લોટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્થળ બદલવાના કારણે થયેલા ખર્ચની ભરપાઈ અને ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવા અંગે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવા ઔડા અધ્યક્ષને સત્તા આપવામાં આવી છે.
ADVERTISEMENT
નવી જગ્યાએ પ્લાન્ટ બનાવાશે, ખર્ચ અને સમય બંને વધશે
ઔડા હવે વર્તમાન સ્થળથી વધુ દૂર એએમસી સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક નવો પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે, જોકે નવી જગ્યાએ કામ શરૂ કરવાથી વધુ ખર્ચ થશે અને મૂળ ટેન્ડરની સરખામણીએ ફરી ટેન્ડર પ્રક્રિયા કરવી પડશે. નવા સ્થળે પ્લાન્ટ માટે ઔડાની દરખાસ્તને બોર્ડે મંજૂરી આપી દીધી છે. હવે ચાલુ બાંધકામ બંધ કરવા અને નવા સ્થળે પ્લાન્ટ વિકસાવવાના ખર્ચ અંગે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલ્હી બોય્ઝ હોસ્ટેલ દુર્ઘટના બાદ અમદાવાદમાં એક્શન, ‘શી’ ટીમ વિદ્યાર્થીઓની સલામતી તપાસશે
૫૫ ગામોને પાણી મળવામાં થશે વિલંબ
ADVERTISEMENT
જાસપુરનો મૂળ પ્લાન્ટ ઔડાના કાર્યક્ષેત્ર હેઠળના એસ.પી. રિંગ રોડ અને એસ.જી. હાઇવે આસપાસનાં ગામોને પીવાનું પાણી પહોંચાડવાનો હતો. પ્લાન્ટનું સ્થળ બદલાતાં આ પાણી પુરવઠામાં નોંધપાત્ર વિલંબ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા સ્થળે પ્લાન્ટ શરૂ કરીને તેને સંપૂર્ણપણે કાર્યરત કરવામાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગી શકે છે. ઔડાના જળજીવન મિશન હેઠળ એસ.પી. રિંગ રોડ નજીકનાં ગામો સુધી પાણી પહોંચાડવા માટે રૂ. ૨૪૦ કરોડની પાઇપલાઇન યોજના પણ અમલમાં છે. મૂળ જાસપુર પ્લાન્ટ સાથે જોડાવાની હતી તેવી પાઇપલાઇનને હવે નવા પ્લાન્ટ સાથે જોડવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.