ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોઢેરા બાદ શિવાલા સર્કલના બ્રિજમાં પણ સળિયા બહાર, કરોડોના બ્રિજની ગુણવત્તા સામે સવાલ
Last Updated: 12:05 PM, 8 September 2026
ADVERTISEMENT
મહેસાણા જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજની ગુણવત્તાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. મોઢેરા પાસેના રણેલા બ્રિજ બાદ હવે શિવાલા સર્કલથી રાધનપુર બાયપાસને જોડતા બ્રિજની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT

શિવાલા સર્કલ નજીકના બ્રિજ પર સળિયા અને એંગલ બહાર દેખાવા લાગતાં બ્રિજની બાંધકામ કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. બ્રિજના કેટલાક ભાગોમાં બાંધકામની અંદરના સળિયા બહાર દેખાતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેને પગલે બ્રિજ કેટલો મજબૂત અને સલામત છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

વાહનવ્યવહાર બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી
ADVERTISEMENT
બ્રિજ પર સળિયા અને એંગલ દેખાવા લાગતાં તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ થોડા જ સમયમાં સમારકામની જરૂરિયાત ઊભી કરે તો બાંધકામની ગુણવત્તા અને દેખરેખની કામગીરી સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.

ADVERTISEMENT
મોઢેરાના રણેલા બ્રિજ બાદ ફરી વિવાદ
મહેસાણા જિલ્લામાં બ્રિજની કામગીરી અંગે આ પ્રકારના સવાલો પહેલીવાર નથી ઉઠ્યા. અગાઉ મોઢેરા નજીકના રણેલા બ્રિજની કામગીરીને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા હતા. આશરે ત્રણ વર્ષ પહેલાં બનેલા આ બ્રિજમાં પણ સળિયા દેખાવા લાગ્યા હોવાના આક્ષેપો થયા હતા. એક તરફ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ થોડા જ વર્ષોમાં બ્રિજના બાંધકામમાં ખામીઓ દેખાય તો જવાબદારી કોની તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ
ADVERTISEMENT
આ બંને ઘટનાઓને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા બ્રિજની ગુણવત્તા, બાંધકામમાં વપરાયેલી સામગ્રી, ટેક્નિકલ દેખરેખ અને કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે તપાસ કરવાની માંગ ઉઠી શકે છે.
આ પણ વાંચોઃ ‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે’, હડતાળ વચ્ચે રિક્ષાચાલકોએ ફરી શરૂ કર્યો ધંધો
જાહેર નાણાંમાંથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા માળખાંની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે જરૂરી છે. શિવાલા સર્કલના બ્રિજમાં સળિયા બહાર આવવાની ઘટના સામે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને બાંધકામની ગુણવત્તાનું ટેક્નિકલ ઓડિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ બાંધકામમાં ખરેખર ખામી કે બેદરકારી હતી કે કેમ તે સ્પષ્ટ થશે. જોકે, બ્રિજ પર સળિયા દેખાવાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગની કામગીરી અને બ્રિજની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.