ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લોનના બહાને દોસ્તી કરી, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરાવ્યું અને પરિવારને ડૂબાડ્યો દેવામાં
Last Updated: 03:48 PM, 1 September 2026
ADVERTISEMENT
નારણપુરાના અર્જુન ગ્રેસમાં રહેતી પૂજા સોનારિયાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જૂની સહકર્મચારી અંકિતા ઝાલા અને તેના પતિ કલ્પેશ ઝાલા સામે ર૯.૬૬ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે અંકિતા સાથે પૂજાની વર્ષોજૂની દોસ્તી હતી, તેના પતિ કલ્પેશે મકાન માટે લોન લેવાની વાત કરી મદદ માગી હતી. વિશ્વાસ રાખીને પૂજા અને તેના પતિ નીરવે ક્રેડિટકાર્ડ આપ્યાં હતાં, પરંતુ તે પછી દંપતી
ADVERTISEMENT
મુશ્કેલીમાં મુકાઈ ગયું હોવાનો આક્ષેપ છે.
પૂજા વર્ષ ર૦૧૪માં બાપુનગરની મુથૂટ ફિનકોર્પ કંપનીમાં નોકરી કરતી હતી. ત્યાં તેની અંકિતા સાથે મિત્રતા થઈ હતી. બંને એકબીજાના ઘરે પણ જતાં હતાં. વર્ષ ર૦ર૦માં લો ગાર્ડનમાં મુલાકાત થતાં અંકિતા અને કલ્પેશે મકાન લેવા માટે લોનની ફાઈલ મૂકી હોવાનું કહી ૩૦ લાખની મદદ માગી હતી. બે-ત્રણ મહિનામાં લોન મંજૂર થતાં રૂપિયા પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
હોટલમાં જમાડીને વિશ્વાસ જીત્યો
નીરવે રોકડમાં ૩૦ લાખ આપવાની અસમર્થતા દર્શાવતાં કલ્પેશે ક્રેડિટકાર્ડથી મદદ કરવાનું કહ્યું હતું. એક અઠવાડિયા બાદ અંકિતા અને કલ્પેશે નીરવ-પૂજાને સીજી રોડની સાસુજી હોટલમાં જમવા બોલાવ્યાં હતાં. ખાસ કરીને ક્રેડિટકાર્ડ લઈને આવવાનું પણ કહ્યું હતું. નીરવ છ અલગ-અલગ બેન્કનાં ક્રેડિટકાર્ડ લઈને પહોંચ્યો હતો. હોટલમાં કલ્પેશે કાર્ડ સ્વાઈપ કર્યાં હતાં અને વ્યવહાર માટે નીરવ પાસેથી ઓટીપી પણ મેળવ્યા હતા.
ADVERTISEMENT
૩૦ લાખની મદદ માગી, ર૯.૬૬ લાખ લઈ લીધા
ફરિયાદ મુજબ કલ્પેશે ક્રેડિટકાર્ડ અને નિફ્ટ મારફતે કુલ ર૯.૬૬ લાખ રૂપિયા મેળવી લીધા હતા. શરૂઆતમાં બે-અઢી મહિના બાદ રૂપિયા પરત આપવાની વાત હતી. સમય પસાર થતાં નીરવે રૂપિયા પરત માગ્યા હતા, પરંતુ રૂપિયા પરત મળવાના બદલે બેન્કોમાંથી ક્રેડિટકાર્ડ અને લોનની ઉઘરાણીના ફોન આવવા લાગ્યા હતા. બેન્કના અધિકારીઓ ઘરે પણ ઉઘરાણી માટે પહોંચવા લાગ્યા હતા. આ અંગે નીરવે અંકિતા અને કલ્પેશને જાણ કરતાં બંનેએ માત્ર આઠ લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના ર૧.૬૬ લાખ રૂપિયા આપ્યા નહોતા. ત્યાર બાદ બંનેએ પૂજા અને નીરવના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT
બેન્કની ઉઘરાણીથી નીરવ ઘરથી દૂર થયો
ક્રેડિટકાર્ડનું દેવું વધતાં નીરવ અને પૂજાની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. બેન્કની ઉઘરાણીના કારણે નીરવ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. ફરિયાદ મુજબ બેન્કની ઉઘરાણીના ડરથી નીરવ ક્યારેક પીજી તો ક્યારેક પરિચિતોના ઘરે રહેવા લાગ્યો હતો. પરિસ્થિતિ એવી બની કે બેન્કનું દેવું ચૂકવવા માટે તેણે મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા અને આશરે બે વર્ષ પહેલાં વિદેશ જતો રહ્યો હતો.
ADVERTISEMENT
વિદેશમાં રહી દેવું ચૂકવે છે, પરિવારથી વિખૂટો
નીરવ હાલ વિદેશમાં નોકરી કરીને બેન્કનું દેવું ચૂકવી રહ્યો છે. વર્ષોથી રૂપિયા ભર્યા હોવા છતાં હજુ ર૪.૩૦ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બેન્કનું દેવું ચૂકવવાની જવાબદારીના કારણે નીરવ પત્ની પૂજા અને દીકરીથી પણ વિખૂટો પડી ગયો છે, બીજી તરફ પૂજા હાલ પોતાની માતા અને ભાઈ સાથે વસ્ત્રાલમાં રહે છે અને નોકરી કરીને પરિવાર ચલાવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મોત, સજા પૂરી થયા બાદ પણ હતો કેદ
દોસ્તીમાં દગો, આખો પરિવાર વેરવિખેર
એક સમયે સાથે નોકરી કરતી અને એકબીજાના ઘરે જતી અંકિતા સાથેની મિત્રતામાં પૂજાએ વિશ્વાસ મૂક્યો હતો. મકાન માટે લોનની જરૂરિયાત હોવાનું કહી મદદ માગવામાં આવતાં પરિવારે પણ ભરોસો કર્યો હતો, પરંતુ ફરિયાદ મુજબ ક્રેડિટકાર્ડ મારફતે રૂપિયા લીધા બાદ મોટા ભાગની રકમ પરત ન મળતાં આર્થિક સંકટ ઊભું થયું. બેન્કની ઉઘરાણી, દેવું અને સતત પરેશાની વચ્ચે પતિ વિદેશ જવા મજબૂર થયો અને પત્ની-દીકરીથી દૂર થયો. આ મામલે નવરંગપુરા પોલીસે અંકિતા અને કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો