ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:40 AM, 24 August 2025
ADVERTISEMENT
શું તમને ખબર છે કે રાજસ્થાનમાં એક એવી જગ્યા છે, જે આફ્રિકાની કોઈ વાઈલ્ડલાઈફ સફારી ડેસ્ટીનેશન જેવી લાગે છે? મને પણ ખબર નહોતી. પછી આવ્યો એ દિવસ કે જયારે હું મારા ફ્રેન્ડસની સાથે નીકળી પડી આ જગ્યા એક્સ્પ્લોર કરવા માટે. એક દિવસ મારા ફ્રેન્ડસ ઘરમાં ઘૂસી ગયા અને હું ઊંઘતી હતી ત્યારે મને ઉઠાડીને લઈ ગયા. વધારાની કોઈ જ વાત કર્યા વિના કે ચાલ ફરવા જઈએ. હું પણ ફટાક દઈને ઉભી થઈ કે યસ... ફરવા જવાની... અને ફટાફટ 15 જ મિનિટમાં જ અમારી ગાડી નીકળી પડી રાજસ્થાન તરફ. આ વખતે હું ભટકતી આત્મા પહોંચી ગઈ 'જવાઈ'. જવાઈ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બેરા સુધી લીધી રોડ ટ્રીપની મજા...
અમારી ગાડી હાઈવે પર ભાગી રહી હતી. આબુ રોડ ક્રોસ કર્યું અને રસ્તામાં રંગબેરંગી બસ જોવા મળી. આ બસને જોઈને જીતેન્દ્રની ફિલ્મ 'કારવાં' યાદ આવી ગઈ. આ ફિલ્મમાં જીતેન્દ્રની બસ પણ આવી જ દેખાય છે. રસ્તામાં આવી જ કલરફૂલ બે-ત્રણ ટ્રક્સ દેખાઈ ગઈ. પછી શું હતું... અમે પણ આખો ફિલ્મી સીન ક્રિએટ કર્યો, અને કારમાં જોરથી વગાડી દીધું 'ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની' ગીત. ને નાચતા-ગાતા આગળ વધ્યા. અને આ રીતે મારી આ રોડ ટ્રીપ જબરદસ્ત રહી. રસ્તો લાંબો હતો પણ મજેદાર હતો - હસતાં-ગાતાં વચ્ચે-વચ્ચે ચા-નાસ્તાની બ્રેક લેતાં-લેતાં અમે પહોંચી ગયા પાલી જિલ્લાના બેરા ગામ. સાંજ થઈ ગઈ હતી, અંધારું થવા આવ્યું હતું, રસ્તામાં મને ખબર પડી કે રોકાવા માટેનું બુકિંગ તો પહેલાથી જ કરી દીધું છે એ પણ એક હેરિટેજ પ્રોપર્ટીમાં. અહીં પહોંચીને ગાડીમાંથી બહાર આવી તો એકદમ રાજસ્થાની વાઇબ્સ આવી ગયા. ફોક મ્યુઝિક વાગતું હતું, બે સ્ત્રીઓ ટ્રેડીશનલ કપડામાં અમારું સ્વાગત કરવા માટે હાથમાં થાળી લઈને ઉભી હતી. અમને તિલક કર્યું, ફૂલોનો હાર પહેરાવીને અમારું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું. પણ સાચું કહું તો થાકી ગયા હતા એટલે વધારે કંઈ કરવાની ઇચ્છા ના થઈ, પણ સવારે ઉઠીને શું કરવાનું છે એ વિશે ચર્ચા કરીને રૂમમાં જઈને ઊંઘી ગયા.
ADVERTISEMENT
જવાઈની વાઈલ્ડલાઈફ જોવી એટલે નસીબ અને ધીરજનો ખેલ
જવાઈ અને બેરાની સાચી ઓળખ છે અહીંની વાઈલ્ડલાઈફ. ખાસ કરીને દીપડા. અહીં હાયના, રીંછ જેવા જંગલી પ્રાણીઓ અને મગર પણ જોવા મળે છે. અમે પણ અહીં આ જ જોવા આવ્યા હતા. પરંતુ જંગલમાં જાનવરો જોવા માટે નસીબ અને ધીરજ બંને જોઈએ. એના માટેનો પહેલો રુલ છે - એ જ, જે મમ્મી-પપ્પા વર્ષોથી કહેતા આવ્યા છે - "સવારે વહેલા ઉઠવાનું રાખો." એટલે અમે વહેલી સવારે અંધારામાં જ ડ્રાઇવર સાથે ઓપન જીપ લઈને નીકળી પડ્યા એ જગ્યાએ જવા માટે કે જ્યાં આગલા દિવસે દીપડો દેખાયો હતો. ઘણીવાર રાહ જોઈ, પછી બીજી જગ્યાએ જતી વખતે રસ્તા પર દીપડાના પગના નિશાન દેખાયા. દીપડાના બચ્ચાના પગના નિશાન પણ હતા. અમે ખુશ થઈ ગયા કે આખરે દીપડો જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લીધી ઓફ-રોડિંગની ભરપૂર મજા
પણ દીપડો જોવા ન મળ્યો... મેં થોડા નિરાશ થઈ ગયા પણ થોડી જ વારમાં અમારી નિરાશા ફરી ખુશીમાં ફેરવાઈ ગઈ. અમે ઓફ-રોડિંગની મજા લીધી. અમારો ડ્રાઇવર જીપને મોટા-મોટા ખડકો પર ચલાવી રહ્યો હતો. જો કોઈએ જવાઈ જોયું હોય તો તેમને અનુભવ હશે કે કોઈ એમ્યુઝમેન્ટની રાઇડમાં બેઠા હોય એવો અનુભવ થાય છે. મારા એક ફ્રેન્ડ તો બોલી ઉઠ્યો કે આપડા ડ્રાઇવરને રોડ નથી ગમતો. ભલે દીપડો જોવા ન મળ્યો, પણ જીવનમાં પહેલીવાર આટલા વહેલા ઉઠવાનો અફસોસ નહોતો થઈ રહ્યો. અમારા ડ્રાઇવરે જીપને રિવર્સ ગિયરમાં નાંખીને મોટા ખડક પર ચઢાવી દીધી. ત્યાં સુધીમાં અજવાળું થવા લાગ્યું. મારી આંખોની સામે દેખાતા ખડકની પાછળથી ઉગતો સૂરજ દેખાયો. દૂર ઉડતા પક્ષીઓ દેખાયા અને સવારમાં ઠંડી હવા ચાલી રહી હતી - આ એ ક્ષણ હતી કે જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. જ્યાં સુધીમાં સૂરજ આખો બહાર આવ્યો, ત્યાં સુધીમાં તો એવું લાગ્યું કે આ ટ્રીપની અડધી મજા તો અહીં જ આવી ગઈ.
ADVERTISEMENT
રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
પછી અમે પાછા પહોંચી ગયા હેરિટેજ રિસોર્ટમાં, અહીં પહોંચ્યા તો દિવસના અજવાળામાં આ જગ્યા કોઈ શાહી સપના જેવી લાગી. આ જગ્યા 400 વર્ષ જુનો મહેલ છે, જે આજે પણ અહીંના રાજવી પરિવાર સંભાળે છે. આ રાજવી પરિવાર સાથે પણ મુલાકાત કરી. જયારે પણ કોઈ રાજવી પરિવાર વિશે વાત કરવામાં આવે ત્યારે હંમેશા એવો વિચાર આવે છે કે રાજવી પરિવાર તો રાજા-મહારાજાઓની જેમ ઠાઠમાઠથી રહેતો હશે, પણ અહીંના રાજવી પરિવારને મળીને જરા પણ એવું ન લાગ્યું. તેઓ ઘણા સિમ્પલ અને સરળ લોકો છે. અમે સવારનો બ્રેકફાસ્ટ એમની સાથે જ કર્યો. જે એમના 80 વર્ષના રાજસ્થાની શેફે બનાવ્યો હતો. એમના હાથનો સ્વાદ એટલો લાજવાબ હતો કે હજુ પણ યાદ આવી જાય છે. બ્રેકફાસ્ટ કરતી વખતે તેમણે અમને અહીંના ઈતિહાસ વિશે પણ જણાવ્યું. તેમના પરિવારનું કનેક્શન મહારાણા પ્રતાપ સાથે છે.
સાંજે થઈ ધીરજની પરીક્ષા
પછી અમે આ મહેલમાં ફર્યા. અહીંના ખૂણે-ખૂણામાં ઈતિહાસ દેખાયો. જૂના ચિત્રો, તસ્વીરો, હથિયારો અને અહીંની આભામાં અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો. પછી તો મેં કશેકથી જુગાડ કરીને અહીંનો રાજસ્થાની પરંપરાગત પોશાક પણ પહેર્યો અને હું જાણે પોતે જ મહારાણી હોઉં એ રીતે મહેલમાં આંટા માર્યા. બપોરે લંચ કરીને થોડીવાર આરામ કર્યા પછી સાંજે અમે ફરી જીપ લઈને સફારી પર ઉપડ્યા. અમારો ડ્રાઇવર અમને એક ગુફા જેવી જગ્યા પાસે લઈ ગયો, જ્યાં દીપડો અને તેના બચ્ચાં રહે છે. ઘણી વાર રાહ જોયા પછી આખરે હલચલ દેખાઈ. દૂરબીન લઈને જોયું તો દૂર સામે દેખાતા ખડક પર એક દીપડો આરામથી બેઠો હતો. બાજુમાં બે-ત્રણ બચ્ચાં રમી રહ્યા હતા. દીપડાનો ઠાઠ પણ કંઈક અલગ જ હતો. અમારી આંખોમાં આંખો નાખીને જાણે એ અમને કહી રહ્યો હતો કે હું અહીંનો રાજા છું. ઘણી મિનિટો સુધી અહીં જીપમાં બેસીને આ દીપડા અને તેના બચ્ચાને જોયા કર્યું. બાજુમાં બચ્ચાને રમતા જોઇને અમે એવું ધારી લીધું કે આ માદા દીપડો છે.
સનડાઉનર પાર્ટીમાં શાહી અનુભવ
આ પછી અમારો ડ્રાઇવર અમને એક બીજી જગ્યાએ લઈ ગયો, જ્યાં મોટા-મોટા ખડકો હતા. આ ખડકો પર એક પાર્ટીનું સેટઅપ હતું. અહીં ટેબલ-ખુરશી ગોઠવેલી હતી. જુદી-જુદી શરાબની બોટલો હતી, અને બે-ત્રણ સર્વર્સ હતા, જેઓ અમને અમારા ટેબલ સુધી દોરી ગયા અને અમને અમારી પસંદગી પ્રમાણેનો શરાબ પીરસ્યો. સારું થયું કે હું આ પાર્ટી માટે પ્રોપર તૈયાર થઈ હતી. મને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે સાંજે એક સરપ્રાઇઝ છે એટલે તું સરસ તૈયાર થજે. એટલે હું તો ટીશ્યુની આછા ગુલાબી રંગની મસ્ત સાડી પહેરીને, કાનમાં મોટા ઝૂમકા અને હાઈ હિલ્સની સેન્ડલ પહેરીને આવી હતી. આ હતી અહીંના રાજવી પરિવાર તરફથી સનડાઉનર પાર્ટી. મારા ગ્રુપ સિવાય અહીં બીજા 8-10 લોકો પણ હતા, જેમાં કેટલાક વિદેશી હતા. મને સાડીમાં જોઈને એક વિદેશી કપલ મારી પાસે આવીને મારા વખાણ કરવા લાગ્યું કે You look so Beautiful. પોતાના વખાણ સંભાળીને મનમાં તો થઈ ગયું કે આયે હાયે, હું આટલી સુંદર દેખાઉં છું... પોતાના જ મીઠડાં લેવાની ઇચ્છા થઈ ગઈ. મારા મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા. પછી હું ફરી રિયાલિટીમાં પાછી આવી અને અમે બધા એકબીજા સાથે રેન્ડમ વાતો કરવા લાગ્યા. આવી પાર્ટી મેં ફિલ્મોમાં જ જોઈ હતી. એ સાંજે મેં આવી પાર્ટી માણી. કોઈ ફિલ્મના સેટ જેવો જ માહોલ હતો. અને પછી જેના માટે બધા અહીં આવ્યા હતા, એ ક્ષણ આવી. 850 મિલિયન વર્ષ જૂના ગ્રેનાઈટના ખડકો પર ઉભા-ઉભા હાથમાં જામ અને ખડકોની પેલે પાર ડૂબતો સૂરજ - એકદમ પોસ્ટકાર્ડ જેવો સીન હતો. સૂરજ ડૂબ્યો કે તરત જ અંધારું થઈ ગયું અને અહીં હાજર સર્વરે ટેબલ પર રાખેલી મીણબત્તી સળગાવી દીધી. આજુબાજુમાં કેરોસીનના ફાનસ પણ મૂકી દીધા. પછી તો મોડી રાત સુધી દારુ સાથે બાર્બેક્યુની મજા લીધી.
બીજા દિવસે સવારે ફરી નીકળી ગયા સફારી પર. પહેલા તો માત્ર વ્યૂની મજા લીધી. ખડકાળ જમીન, છૂટાછવાયા થોર-બાવળ અને દૂર-દૂર દેખાતું પાણી. ચારે તરફ સન્નાટો હતો. દૂર-દૂર સુધી કોઈ સજીવનું નામોનિશાન પણ ન હતું. બધા જ આ સન્નાટાની મજા લઈ રહ્યા હતા, ત્યાં તો અમારા ડ્રાઇવરને ફોન આવ્યો કે નજીકમાં જ એક માદા દીપડો જોવા મળ્યો છે. બસ પછી તો શું હોય, અમારી જીપ તરત જ ત્યાં પહોંચી ગઈ, અને માદા દીપડો દેખાયો. તે પોતાના પથ્થરના સિંહાસન પર બેઠી હતી. થોડી વાર સુધી એ અમને જોતી રહી અને પછી પહાડ ચઢીને જંગલમાં ખોવાઈ ગઈ.
જવાઈ ડેમ પર દોસ્તો સાથે મસ્તી
પછી હેરિટેજ રિસોર્ટ પહોંચ્યા એટલે અમને ત્યાંના માલિકે રોયલ કલેક્શન બતાવ્યું - ઇંગ્લેન્ડ અને જોધપુરના રાજાઓના કફલિંક, 1930ના સમયના જૂના હથિયારો અને શરાબની મિનિએચર બોટલોથી ભરેલો એક કબાટ, જેમાં આખી દુનિયાના દારૂનું કલેક્શન હતું. એને જોઈને જ નશો ચઢી ગયો. અને આ નશો ઉતારવા માટે અમે નીકળી ગયા જવાઈ ડેમ. જવાઈ ડેમના કિનારે અમે ઘણી મસ્તી કરી, મજાક-મસ્તીમાં કેટલોય સમય વિતાવ્યો. સાચું કહું તો અહીં વાઈલ્ડલાઈફ જોવા મળે કે ન મળે, મિત્રો સાથે અહીં આ લેન્ડસ્કેપ અને વાઈબ જ આ ટ્રીપને ખાસ બનાવી દે છે. એટલે જો શહેરના શોરબકોરથી દૂર મિત્રો સાથે સમય પસાર કરવો હોય તો પણ આ એક બેસ્ટ જગ્યા છે. જવાઈ ડેમથી અમારી જીપ જે રસ્તે ચાલી, એકબાજુ ડેમનું પાણી, બીજી બાજુ ડુંગરાળ જમીન અને બાવળના જંગલ દેખાઈ રહ્યા હતા. આ રસ્તેથી નીકળીને અમે પહોંચી ગયા રબારીઓની વસ્તીવાળા વિસ્તારમાં.
પહેલીવાર ચીલમ ટ્રાય કરી, ત્યારે...
અમે અહીં રબારી લોકોને પણ મળ્યા. ચારેક 80 વર્ષની આસપાસની ઉંમરના કાકા ખાટલા અને ખુરશીઓ બેઠા હતા. અમે પણ તેમની સાથે બેસી ગયા ને વાતો કરવા લાગ્યા. વચ્ચે એક કાકાએ ચીલમ સળગાવી અને બધા કાકા વારાફરતી કસ મારી રહ્યા હતા. એમને જોઈને પહેલા તો એવો વિચાર આવ્યો કે આટલી મોટી ઉંમરે પણ આ લોકો ચીલમ પી રહ્યા છે. પછી થયું, ના, આ લોકો જીવી રહ્યા છે... મજા કરી રહ્યા છે... ચાલ થોડી મજા હું પણ કરી લઉં, એવું વિચારીને કાકા પાસેથી ચીલમ લીધી તો ખરી, પણ જેવો પહેલો કસ લીધો કે ખાંસી આવવા લાગી. આ મારું કામ નથી. તેમની સાથે વાતો કરતા જાણવા મળ્યું કે તેઓ તેમના ઘેટાં-બકરાંને ચરાવવા માટે દીપડાના વિસ્તારમાં જ લઈ જાય છે, પણ તેમને પ્રાણીઓ સાથે જીવતા આવડી ગયું છે એટલે જંગલી પ્રાણીઓ જલ્દી તેમની નજીક નથી આવતા. તેમના લીધે જ દીપડાઓ મનુષ્યથી અંતર જાળવી રાખે છે.

જોવા ગયા રીંછ અને મળી ગયો મગર
એ રાતે અમે કંબેશ્વર મહાદેવ મંદિર પાસે ગયા, જ્યાં અમને આવું હતું કે રીંછ જોવા મળશે. રીંછ તો ન દેખાયું, પણ ધાર્યું ન હતું કે રસ્તો ક્રોસ કરતા બે મગર દેખાઈ જશે. રાતના અંધારામાં આ દ્રશ્ય જોઈને જરા ડર પણ લાગી ગયો. પણ મગર શાંતિથી જતા રહ્યા. અમે પણ પહોંચી ગયા હેરિટેજ રિસોર્ટ, જે રાતની લાઈટિંગને લીધે વધુ ભવ્ય દેખાતો હતો. બીજા દિવસે સવારે પાછા ફરવાની તૈયારી કરી અને રિસોર્ટથી નીકળીને અમે 400 વર્ષ જૂના મંદિરો જોયા. પાછા આવતા રસ્તામાં મને લાગ્યું કે જવાઈમાં ફક્ત દીપડા કે વાઈલ્ડલાઈફ સફારી નથી, પરંતુ અહીની જમીન, લોકો, સંસ્કૃતિ અને મિત્રતા પણ છે.
હું ભટકતી આત્મા આ જગ્યાને 100 ટકા રેક્મેન્ડ કરીશ કે જો તમે ભીડથી દૂર વાઇલ્ડલાઇફ અને રાજસ્થાનનું એક વણજોયું પાસું જોવા માંગતા હો, તો ચોક્કસ જવાઈ જવું જોઈએ. અને હા, સવારે વહેલા ઉઠવાનું ભૂલશો નહીં - મમ્મી-પપ્પા સાચું કહેતા હતા, કેટલાક અનુભવો વહેલી સવારે ઉઠવાથી જ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.