ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ જગ્યા, ચોમાસામાં બની જાય છે સ્વર્ગ, પણ તમને આ તો નહીં જ ખબર હોય
Last Updated: 11:58 AM, 17 August 2025
ADVERTISEMENT
એ ટ્રીપ તો હંમેશા યાદ રહી જશે. મારા નામ જેવા જ લક્ષણો આ ટ્રીપમાં સામે આવ્યા હતા. હું ભટકતી આત્મા તમને આજે અમદાવાદની નજીક એક એવા હિલ સ્ટેશન પર લઈ જઈશ, જેના વિશે તમને બધાને જ ખબર હશે. અહીં શનિ-રવિમાં તો ગુજરાતીઓની ભારે ભીડ જોવા મળે છે અને એમાંથી 80 ટકા લોકો તો અમદાવાદના જ હોય છે. મોટાભાગના ગુજરાતીઓ તો અહીં પીવા માટે આવતા હોય છે, ઘણા ઓછા હોય છે જેઓ અહીં ખરેખર ફરવા આવતા હોય છે. અમદાવાદીઓ અંબાજીના દર્શન કરીને આબુ જતા હોય છે અને મોટાભાગના ગુજરાતીઓ પણ આબુ તો આવ્યા જ હશે. મોટાભાગના લોકો આબુમાં નક્કી લેક, અચલ ગઢ, ગુરુશિખર, દેલવાડાના દેરા અને બ્રહ્માકુમારી પાર્કની વિઝિટ કરશે. પણ આજે હું ભટકતી આત્મા એવી જગ્યાઓ વિશે વાત કરીશ કે જે તમે નહીં જોઈ હોય.
ADVERTISEMENT
એ રાતે ઊંઘવાની તૈયારી ચાલી જ રહી હતી કે અચાનક ફોનની રીંગ વાગી. જાણીતો નંબર જ હતો, એટલે ઉઠાવીને વાત કરી. સામે છેડેથી અવાજ આવ્યો, 'જલ્દી તૈયાર થઈ જા, રેઇનકોટ અને સ્વેટર બંને વસ્તુઓ પેક કરજે. અને ત્રણ દિવસ માટે બહાર જવાનું છે, તારી પાસે અડધો કલાક જ છે, નીચે આવી જજે. અમે લેવા આવીએ છીએ.' આટલું જ બોલીને કૉલ કટ કરી દીધો. મને કશું બોલવાનો ચાન્સ જ ન આપ્યો. આખા દિવસની થાકેલી હતી, તો પણ ફટાફટ જરૂરી વસ્તુઓ પેક કરીને તૈયાર થઈને નીચે ઉતરી. ગાડી સામે જ ઉભી હતી. મારું બેગ કારની ડેકીમાં મૂકીને હું પણ કારમાં ગોઠવાઈ ગઈ. મને કહેવામાં આવ્યું કે આબુ જઈએ છીએ.
ADVERTISEMENT
ગાડી હાઈવે પર આગળ વધી અને હું ઊંઘી ગઈ. સવારના 4 વાગ્યા હશે કે હું નક્કી લેકની સામે ઉભી હતી. દિવસના સમયે જે જગ્યાએ ખૂબ જ હલચલ જોવા મળે, લોકોની ભીડ જોવા મળે, શોરબકોર થતો હોય, ત્યાં અત્યારે દૂર-દૂર સુધી કોઈ દેખાતું ન હતું... નીરવ શાંતિ હતી... શાંતિ કરતા પણ વધારે સન્નાટો લાગતો હતો. વાતાવરણમાં ઠંડક હતી. એક ક્ષણ માટે શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. પણ આ સન્નાટો-શાંતિ મનને ગમી રહી હતી. હું ગાડીના બોનેટ પર ચઢીને બેસી ગઈ.
ADVERTISEMENT
કંઇક અણધાર્યું થવાની આશંકા
અંધારામાં પણ નક્કી લેક મજાનું દેખાઈ રહ્યું હતું. લાઈટોનું રીફ્લેક્શન લેકના પાણીમાં પડતું હતું, જેને લીધે લેક વધારે સુંદર દેખાઈ રહ્યું હતું. તળાવમાં બધી બોટો એક જગ્યાએ બાંધેલી હતી. આખું તળાવ સ્ટ્રીટ લાઈટના અજવાળે કોઈ અલગ જ જગ્યા જેવું લાગી રહ્યું હતું. આવા અડધી રાતના સન્નાટામાં અચાનક જ એક બુલેટ બાઈકનો અવાજ સંભળાયો, અવાજ વધારે નજીક આવ્યો અને અમારી નજીક આવીને બંધ થઈ ગયો. બુલેટ પર સવાર લોકોએ મારી સામે જે રીતે જોયું કે ડર લાગી ગયો. પછી પાછળ બેસેલો માણસ બુલેટ પરથી નીચે ઉતરીને અમારી સાવ નજીક આવ્યો. હું ડરીને નીચે ઉતરીને એક મિત્રની પાછળ સંતાઈ ગઈ. ત્યાં તો પેલા શખ્સે આવીને મારા એ મિત્રને ભારે હૂંફથી ગળે લગાડ્યો. હવે હું ખરેખર સસ્પેન્સમાં હતી કે આ શું થઈ રહ્યું છે. એમાંય અધૂરામાં પૂરું ઝરમર વરસાદ ચાલુ થયો... હવે વિચારો કે વરસાદમાં કદાચ એક સ્ત્રી અને પુરુષ વળગીને ઉભા હોય અને બેક્ગ્રાઉન્ડમાં ગીત વાતું હોય 'યે રાતે, યે મૌસમ, નદી કા કિનારા...' તો આ કોઈ બોલિવૂડની ફિલ્મનો કોઈ સીન લાગે. ફરક એટલો હતો કે મારી સામે વરસાદમાં બે પુરુષો એકબીજાને ગળે વળગીને ઉભા હતા અને અહીં નદીને બદલે લેક હતું. જો કે તરત જ તેઓ એકબીજાના આલિંગનમાંથી છુટા પડ્યા અને પછી ખબર પડી કે બંને એકબીજાના ઘણા જુના મિત્ર છે અને અમે આ વ્યક્તિના વિલામાં રોકાવાના છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરજ ડૂબા હૈ યારો, દો ઘૂંટ નશે કે મારો...
મારી સામે જોઈને આ વ્યક્તિએ કહ્યું - 'તું જ છે ને પેલી ભટકતી આત્મા? તારા વિશે ઘણું સાંભળ્યું છે આ દોસ્ત પાસેથી. ચિંતા ના કર. તને ખાઈ નહીં જાઉં.' પણ હવે હું વરસાદમાં ભીની થઈ ગઈ હતી, ઠંડી લાગી રહી હતી. હું કોઈ જવાબ આપું એ પહેલા ફરીથી બોલ્યો - 'ઠંડી ઉડાડવાની વ્યવસ્થા મારા વિલામાં જ કરી રાખી છે... શું ફાવશે? બધું જ છે... એક-એક ડ્રિંક લેશો એટલે બધી જ ઠંડી ઉડી જશે.' સીધા પહોંચી ગયા અમે એના વિલા. હવે આ જગ્યા પણ ગમી જાય એવી હતી. ટાઉન એરિયાથી જરાક જ દૂર, રોડ સાઇડ આવેલી આ વિલા. સામે જ પાર્કિંગ... પહેલા સરસ પોર્ચ, પછી મોટો હોલ અને અંદર બીજા રૂમ્સ હતા. પણ અમને ત્યાંથી અંદર લઈ જવાને બદલે બાજુમાંથી નીચે ઉતરતા દાદરાઓ બતાવ્યા. ત્યાંથી નીચે ઉતર્યા તો સરસ મજાનું ગાર્ડન આવ્યું. અને વિલામાં જવાનો પાછલો દરવાજો આવ્યો. એને અમને એક બીજો મોટો હોલ બતાવ્યો. એમાં અંદર જતાની સાથે જ પાર્ટીમાં આવી હોય એવું લાગ્યું. લાલ-પીળી લાઈટો અને અસલ કોઈ બાર જેવું સેટઅપ દેખાયું. બારની બીજી બાજુ જોઈને બધાને જ જે ડ્રિંક લેવું હોય એ બનાવી આપ્યું. બધા જ ભીના હતા અને ઠંડી લાગતી હતી એટલે એક જ ઘૂંટમાં તો ગ્લાસ ખતમ કરી દીધો. થોડી વારમાં વધી જ ઠંડી ઉડી ગઈ. પછી એકબીજા સાથે ઇન્ટ્રોડક્શન થયા. બધા જ વારાફરતી ફ્રેશ થઈ ગયા અને લાંબા સમય સુધી ડ્રિન્ક્સ સાથે ગપ્પા માર્યા. અજવાળું થયું ત્યાં સુધી અમારી પાર્ટી ચાલી. પછી નાસ્તો કરીને બધા ઊંઘી ગયા. આબુ આવીને કોઈએ આવું તો નહીં જ કર્યું હોય! દિવસ ઉગે એ પહેલા તો બે બોટલો ખતમ થઈ ગઈ!
ADVERTISEMENT
ધાર્યું ન હતું એટલી શાંતિ મળી...!
હવે ખરું આબુ જોવાનો ટાઈમ થઈ ગયો હતો. બપોરે ઉઠીને જમ્યા પછી ગૌમુખ ગયા. આ એક એવી અદભૂત જગ્યા હતી કે અહીં પહોંચીને થયું કે આ જગ્યાએ પહેલા કેમ નથી આવી..! ઝરમર વરસાદ ચાલી રહ્યો હતો, આજુબાજુ જંગલ સિવાય કશું જ ન હતું. લગભગ 750 જેટલા દાદરા ઉતરવાના હતા... લગભગ અડધો કલાક લાગ્યો આ દાદરા ઉતરતા, અને એની સાથે જ આખા અઠવાડિયાનો થાક અને સ્ટ્રેસ પણ ઉતરી ગયો. જાણે ટ્રેકિંગ કરતા હોય એવું જ લાગ્યું. જંગલમાં ગૌમુખ જવાનો રસ્તો જાણે સ્વર્ગમાં લઈ જતો હોય એવો અહેસાસ થયો. બંને બાજુ લીલાછમ ઝાડ, ગાઢ જંગલ, ગાઢ ધુમ્મસ હતું કે વાદળો જમીન પર આવી ગયા હતા, એ તો હજુ સુધી ખબર નથી પડી. વાદળો અને વરસાદને લીધે તડકો તો હતો નહીં. અહીં લોકો પણ ન હતા, કોઈ શોરબકોર ન હતો. કદાચ રસ્તામાં એકલ દોકલ વ્યક્તિ દેખાયું હશે! જંગલમાં નીરવ શાંતિ હતી... મને આશ્ચર્ય થયું કે આટલી જોર જગ્યા છે પણ અહીં ટુરિસ્ટ જ નથી. મને થઈ જ ગયું કે અહીં ન આવ્યા તો આબુ આવીને શું જોયું?
અહીં ગાયનું મુખ બનાવ્યું છે, જેમાંથી સરસ્વતી નદીનું પાણી નીકળે છે. જો તમને પણ શાંત જગ્યા પસંદ હોય અને કુદરતને નજીકથી નિહાળવું હોય તો આ જગ્યાએ જરૂર આવવું જોઈએ. અહીં જ વશિષ્ઠ આશ્રમ છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ સાથે શરૂઆતી શિક્ષણ અહીંથી જ મેળવ્યું હતું. પાછું સીઢીઓ ચઢીને ઉપર જતા-જતા થોડો થાક જરૂર લાગ્યો, પણ સાચું કહું તો માઉન્ટ આબુ આવો ત્યારે એકવાર તો આ જગ્યાએ આવવું જ જોઈએ.
આ જગ્યા નહીં જ જોઈ હોય!
દિવસના સમયે પણ ગાઢ ધુમ્મસને લીધે વધારે મજા આવી જાય છે. ત્યાંથી ટ્રેક કરીને એક બીજી જગ્યાએ ગયા - પાલનપુર પોઈન્ટ. વરસાદી માહોલમાં એકદમ ગાઢ જંગલના રસ્તે ચાલીને અમે પહોંચી ગયા, પહાડના છેડા પર. એમ તો અહીંથી અરવલ્લી પર્વતમાળાનું દ્રશ્ય દેખાય છે, પણ અમને માત્ર વાદળો જ દેખાયા. ધુમ્મસને લીધે વિઝિબિલિટી એટલી ઓછી હતી કે માત્ર એટલું જ સમજાઈ રહ્યું હતું કે સામે પહાડો છે. અહીંથી અમે ગયા અપર કોદરા ડેમ જોવા. અહીં જવા માટે પણ થોડું ટ્રેક કરવું પડ્યું. આ પણ એટલી જ સુંદર જગ્યા છે, પણ ગુજરાતી પ્રવાસીઓમાં આ જગ્યા વધારે ફેમસ નથી, પ્લસ મિત્રો સાથે આ જગ્યાએ જવાની જવાની વધારે મજા આવે.
રૂકો ઝરા... સબર કરો...
અહીંથી નીકળીને પહોંચી ગયા નક્કી લેક. સાંજ થઈ ગઈ હતી, એક ભોજનાલયમાં દાળબાટી ખાધી, જે જબરદસ્ત ટેસ્ટી હતી. પછી આબુ જાય ત્યારે બધા જે જગ્યાએ જાય, હું પણ એ જગ્યાએ ગઈ. એ જગ્યા છે ટૉડ રૉક. હું પણ અહીં આવી. ઉપર ચઢીને સાંજના સમયનો આખા આબુ ટાઉનનો નજારો દેખાયો, નીચે નક્કી લેક જોયું, લેકમાં લોકો બોટિંગ કરી રહ્યા હતા. ઉપરથી આ દ્રશ્ય જોઇને એવું લાગ્યું કે બાથટબમાં નાની રમકડાની બોટ ફરી રહી છે. સામે પહાડો દેખાઈ રહ્યા હતા... ટૉડ રૉક પર એક વડીલ કપલ હતું, જે સેલ્ફી લેવાની ટ્રાય કરતુ હતું, પણ એમને ફાવતું ન હતું. એટલે મેં એમને કીધી કે 'અંકલ, હું ફોટો ક્લિક કરી આપું.' મેં એમના થોડાક ફોટો ક્લિક કર્યા, એમાં તો આ અંકલ-આંટી એટલા ખુશ થઈ ગયા. એમને ખુશ જોઈને મને પણ ખુશી થઈ. અહીં વધારે સમય કાઢવો હતો, પણ હવે અહીં થોડા ટપોરી લોકોનું ટોળું આવ્યું એટલે અમે તરત જ નીકળી ગયા.
તાજી થઈ બાળપણની યાદો
નીચે ઉતરીને હું નક્કી લેકને ફરતે બનાવેલા વૉક વે પર ચાલવા ગઈ. વૉક વે પર વધારે ભીડ ન હતી. એકલદોકલ લોકો જ દેખાયા. લેકની ફરતે ચાલતા ચાલતા વચ્ચે એક ઝાડ પર બાંધેલો હિંચકો આવ્યો. એને જોઈને બાળપણ યાદ આવી ગયું. વચ્ચે એક જગ્યાએ નાના પુલ જેવું આવ્યું, જેની બીજી બાજુએથી ધોધ પડતો દેખાયો. જયારે પણ લેકમાં વધારે પાણી આવે એટલે વધારાનું પાણી અહીંથી ધોધ સ્વરૂપે પડે છે. આ જગ્યાએ ધોધ એટલું સરસ દ્રશ્ય રચતો હતો કે મજા આવી ગઈ. ત્યાંથી આગળ ચાલતા ચાલતા ઘણી એવી જગ્યાઓ આવી કે બેસી રહેવાની ઇચ્છા થઈ જાય, પણ હવે અંધારું થઈ ગયું હતું. લેકની ફરતે આંટો મારીને સામે એક ચાની દુકાનમાંથી ચા પીધી. જે જગ્યા સવારે ખૂબ જ શાંત હતી, ત્યાં અત્યારે પ્રવાસીઓનો શોરબકોર હતો. ચા પીધા પછી અમે પાછા ગયા વિલા પર. ત્યાં ફરી એક નાની પાર્ટી અમારી રાહ જોઈ રહી હતી. બધા પોતપોતાના ડ્રિંક લઈને બેસી ગયા અને થાક ઉતાર્યો. હજુ તો બીજું ઘણું જોવાનું બાકી હતું.
ક્યુ ના હમ તુમ, ચાલે ટેઢે મેઢે સે રસ્તો પે... પણ ટ્રેકિંગ શૂઝ પહેરીને!
આબુમાં મારો બીજો દિવસ પણ ખૂબ જ ભરેલો ભરેલો રહ્યો. સવારે ઉઠીને હું પહોંચી ગઈ ગોલ્ડન હોર્ન. અહીં પણ ટ્રેકિંગ કરવું પડ્યું. રસ્તામાં લીલછમ ગાઢ જંગલ આવ્યા, થોડું મેદાન આવ્યું, વચ્ચે એક નાનો ચેક ડેમ પણ આવ્યો... પછી તો મોટા મોટા ખડકો વચ્ચેથી પસાર થવાનું હતું અને થોડું અઘરું ચઢાણ હતું. અહીં ટ્રેક કરતી વખતે થોડું સાવચેત રહેવું પડ્યું અને ક્યાંક-ક્યાંક પડી જવાની બીક પણ લાગી. થોડો થાક પણ લાગ્યો... ઓ ભઈ... થોડી વાર તો એવું પણ લાગ્યું કે આર્મીની ટ્રેનિંગ તો નથી ચાલતી ને! પણ આ અઘરી અને થકાવી દેનાર ટ્રેકિંગના અંતે જે દ્રશ્ય જોવા મળ્યું કે ટ્રેક કરવાનો બધો જ થાક ઉતરી ગયો. નજરોની સામે ખીણ અને પછી પહાડો દેખાઈ રહ્યા હતા, ઉપર અને નીચે સફેદ વાદળો અને વચ્ચે લીલો કલર દેખાઈ રહ્યો હતો. આ દ્રશ્ય કોઈ ચિત્રકારે બનાવ્યું હોય એવું હતું. પહાડોની ટોચ તો શરમાઈને સફેદ વાદળોની વચ્ચે સંતાઈ ગઈ હતી. ખીણમાં પણ સફેદ વાદળો દેખાઈ રહ્યા હતા, જેને જોઈને એવું લાગ્યું કે હું વાદળોની ઉપર ઉભી છું. અહીં થોડીવાર બેસી રહ્યા. એમ તો સવારથી જ ઝરમર વરસાદ ચાલી રહ્યો હતો, પણ હવે વરસાદ વધી રહ્યો હતો. હવે કુદરત સંકેત આપતું હતું કે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. ફરી એ જ રસ્તે નીકળીને પાછા ફર્યા. પહેલી વખત અહીં આવી હતી એટલે જતા વખતે રસ્તો સરપ્રાઈઝિંગ લાગ્યો, પણ હવે તો ખબર જ હતી કે કેવો રસ્તો છે. એટલે મસ્ત મજા માણતા-માણતા અમે બધા જ નીચે આવી ગયા.
યે શામ મસ્તાની...
અહીંથી નીકળીને વચ્ચે જમવાનો બ્રેક લીધા પછી અમે ગયા ટ્રેવર્સ ટેંક. અહીં ગેટ પરથી ટિકિટ લઈને ગાડી અંદર જંગલના રસ્તે આગળ વધી અને એક તળાવ પાસે પહોંચીને ઉભી રહી. આસપાસ ઝાડ અને વચ્ચે તળાવ. આ તળાવમાં મગર છે, મેં પણ એક મોટો મગર જોયો. પછી અમે ગયા ઉપરના વ્યૂ પોઈન્ટ પર. ત્યાંથી તળાવનો મગર નાની ગરોળી જેવો દેખાતો હતો. અહીંથી નીકળીને ગયા સનસેટ પોઈન્ટ. સુર્યાસ્ત થવાનો સમય નજીક હતો અને વાદળો ન હતા એટલે સન સેટ જોવાની આશાએ અમે ઘણું ચાલ્યા. આખા દિવસની આટલી બધી રખડપટ્ટી પછી આખરે અમને સનસેટ પણ જોવા મળી જ ગયો. બે દિવસ વાદળોથી ભરેલું આકાશ જોયા પછી આજે આખરે આકાશે રંગ બદલ્યો. આકાશમાં ડૂબતો પીળો કેસરી સૂરજ અને તેને લીધે આખું આકાશ કેસરી રંગમાં રંગાઈ ગયું હતું. થોડીવારમાં તો સનસેટ થઈ ગયું અને તરત જ અંધારું છવાઈ ગયું. સનસેટ જોયા પછી બધાએ એકબીજાની સામે જોયું અને ઈશારામાં જ વાત કરી લીધી કે છેલ્લી રાત છે આબુમાં. પાર્ટી કરી લઈએ. મોડી રાત સુધી પાર્ટી કરીને બીજા દિવસે ઉઠીને બધાને અલવિદા કહીને અમે નીકળી ગયા અમદાવાદ આવવા.

બે દિવસની આ ટ્રીપની શરૂઆત અને અંત બંને જ એવા રહ્યા કે આખી ટ્રીપ યાદગાર બની ગઈ. હવેની વખતે જો તમે મિત્રો સાથે આબુ જવાના હોવ તો ટ્રેકિંગની મજા ચોક્કસ લેજો. હજુ તો બીજી ઘણી જગ્યાઓ છે આબુ અને આસપાસ કે જે જોવા જેવી છે. મને આબુના લોકલ લોકો પાસેથી ખબર પડી કે જો ભીડભાડથી દૂર અને એક વાર જોવી જોઈએ એવી એક બીજી જગ્યાએ પણ છે - જવઈ. હવેની વખતે જયારે આબુ જાઉં ત્યારે મને ત્યાં પણ જવું છે. વળી પાછું અહીંની સારી વાત એ છે કે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા આવે છે, જેને લીધે અહીં ગુજરાતી ભાષા પણ બોલાય છે. અને એક ખાસ ટીપ આપું? આબુ ફરવા જવું હોય અને ભીડને એવોઇડ કરવી હોય તો ચાલુ દિવસોમાં જવાનું. બાકી શનિ-રવિ કે કોઈ રજાના દિવસોમાં ગુજરાતીઓની ભારે ભીડ જોવા મળશે. કદાચ કોઈ ઓળખીતું પણ મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.