ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:30 PM, 15 August 2025
ADVERTISEMENT
તમે માનશો નહીં પણ ચોમાસામાં રાજસ્થાનની સુંદરતા એટલી વધી જાય છે કે તમને એવું લાગશે કે તમે મેઘાલય કે અરુણાચલ આવી ગયા છો. આ લીલીછમ ડુંગરાળ ધરતી પર પગ મૂકતા જ મગજ કામ કરવાનું બંધ કરી દે છે. મારી જ જેમ આ જગ્યાને જોઈને કદાચ તમને પણ વિશ્વાસ નહીં આવે કે આ રાજસ્થાન છે. આ જગ્યા અમદાવાદથી માત્ર અઢીસો કિલોમીટર દૂર આવેલી છે. હું ભટકતી આત્મા આ વખતે પહોંચી ગઈ "City of a Hundred Islands". હા, હું બાંસવાડાની વાત કરું છું. તમારા માન્યામાં નહીં આવે પણ જયારે હું આ જગ્યા વિશે મારા અનુભવ વિશે લખી પણ રહી છું તો મારા રૂંવાડા ઉભા થઈ ગયા છે. તમે પણ એવું રાજસ્થાન જોઈ શકો છો, જેવું કદાચ ઘણા ઓછા લોકોએ જોયું હશે. સારું થયું કે મેં બાંસવાડા જોવાની તક જતી ન કરી, નહીં તો કદાચ આખી જિંદગી અફસોસ થતે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મારી એક મિત્ર સાગવાડાથી છે, એને હું હંમેશા પૂછતી રહેતી કે તારા ઘરે પાણી આવે? તમે કપડાં કેવી રીતે ધોવો, પાણી વિના? બીજા બધા લોકોની જેમ જ હું પણ એની સાથે રાજસ્થાનમાં તો પાણી જ નથી, રેતીના ઢગલા જ છે, એમ કહીને મજાક કરતી રહેતી. તેઓ એકવાર એને મને કહી દીધું કે ચાલ મારા ઘરે, હું તને બતાવું કે અમારે ત્યાં કેટલું પાણી છે. તો થયું એવું કે એક દિવસ સાંજે મસ્ત વરસાદી માહોલમાં શરૂ કરી અમે અમારી આ રોડ ટ્રીપ. આ મિત્રના ઘરે પહોંચતા-પહોંચતા રાત થઈ ગઈ, પણ એના મમ્મીએ જે મહેમાનગતિ કરી કે એ માણીને મારું મન જ ભરાઈ ગયું.
ADVERTISEMENT
રાજસ્થાનને રંગીલું રાજસ્થાન પણ કહેવાય છે, એના એટલા બધા રંગો છે, અને એવા જ રંગોને માણવા હું ભટકતી આત્મા પહોંચી ગઈ હતી બાંસવાડા. 2 દિવસ મેં જે બાંસવાડા જોયું છે, કે મનમાં માત્ર બે જ શબ્દો આવ્યા - અદભૂત, અવિશ્વસનીય. સવારે ઉઠીને હું, મારી ફ્રેન્ડ અને એનો ભાઈ, એમ અમે ત્રણ જણા નીકળી પડ્યા આ અકલ્પનીય રાજસ્થાનની કુદરતી સુંદરતાને જોવા, મન ભરીને માણવા. અમારી સાથે જોડાઈ ગયો મારી ફ્રેન્ડનો ભાઈ. જો અહીં ફરવું હોય તો અહીંનું કોઈ સ્થાનિક જોડે હોય તો તમને તકલીફ ન પડે. એટલે મેં એના ભાઈને અમારી સાથે આવવા દીધો.
ADVERTISEMENT
સાગવાડાથી બાંસવાડા પહોંચતા એકાદ કલાક જેવો સમય લાગ્યો. પણ આ એક કલાકની ડ્રાઇવમાં મારું બોલિવૂડની હિરોઇનની જેમ ગાડીનું રૂફ ઓપન કરીને ઉભા રહેવાનું સપનું પૂરું થઈ ગયું. ખુલ્લા વાળ, ચહેરાને અડીને ઠંડા પવન મારા વાળને સહેલાવીને એમાંથી પસાર થતા હતા. વચ્ચે મને પવનચક્કી દેખાઈ એટલે ત્યાં ઉભા રહી ગયા. સવારનું વાતાવરણ, વરસાદી માહોલ, ધીમે-ધીમે ફરતી પવનચક્કી ને લીલીછમ ડુંગરાળ ધરતી. કોઈ ફિલ્મના હીરો-હિરોઇન જાણે અમે જ હોઈએ એમ અમે મસ્તી કરી રહ્યા હતા. અમે અમારી મસ્તીમાં જ ખોવાયેલા હતા કે અમને અહેવાસ થયો કે ગામના લોકો અમને જોઈને હસી રહ્યા છે. અમે એમાંથી બે-ત્રણ સ્ત્રીઓ સાથે વાત કરવાની ટ્રાય કરી, પણ તેઓ શરમાઈને જતી રહી. આ લોકો અમારા વિશે શું વિચારતા હશે, એવું વિચારતા-વિચારતા અમે પોતાની જાત પર જ હસતા-હસતા પહોંચ્યા બાંસવાડા. અહીં પહોંચીને એક લારી પર ખમણ અને કચોરી ખાધા. કદાચ તમે પણ અહીંના કોઈને ઓળખતા હોવ તો તમને ખબર હશે કે બાંસવાડામાં કચોરી ખૂબ જ ટેસ્ટી મળે છે. એક વાર ખાધા પછી સ્વાદ ન ભૂલાય એવી.
ADVERTISEMENT
તમને ખબર છે, બાંસવાડાને રાજસ્થાનનું ચેરાપુંજી કહેવાય છે? આને Wettest and Greenest District of Rajasthan પણ કહેવાય છે. અમારો પ્લાન હતો અગામી 2 દિવસ સુધી બાંસવાડાને એક્સ્પ્લોર કરવાનો. અહીં વરસાદ ઘણો વધારે હતો અને નેટવર્ક ઓછું આવતું હતું. એટલે રસ્તામાં લોકોને પૂછતા-પૂછતા અમે આગળ વધ્યા. અને વરસાદની હાલત તો પૂછશો જ નહીં. અમે સૌથી પહેલા પહોંચી ગયા માહી ડેમ. આ ડેમનું દ્રશ્ય જોઈને મોઢામાંથી શબ્દો નીકળી ગયા - Damn, What a dam! જોઇને બાહુબલીની યાદ આવી ગઈ. ડેમના દરવાજા ખુલ્લા હતા અને અને પાણીનો ફ્લો એટલો વધારે હતો કે ડેમની સામેની બાજુનું કઈ જ જોઈ શકાતું ન હતું. પાણીના છાંટા અમારા પર પણ ઉડતા હતા. થોડીવારમાં તો અમે લગભગ ભીના થઈ ગયા. મને એમ હતું કે અહીં ભીડ નહીં હોય, પણ એટલા બધા લોકો દેખાયા કે મેળો ભરાયો હોય એવું લાગ્યું! અમે તો આટલા દૂરથી આવ્યા હતા આ ડેમ જોવા, પણ ઘણા બધા લોકો તો સ્થાનિકો જ હતા કે જેઓ પણ આ ડેમનો નજારો જોવા આવ્યા હતા. પછી ખબર પડી કે આ સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલ્યા છે એટલે આસપાસના લોકો પણ જોવા આવ્યા છે. અહીંનો માહોલ અને લોકોના ચહેરાઓ, બધું જ જોવા લાયક હતું.
ADVERTISEMENT
આટલો જબરદસ્ત માહોલ રાજસ્થાનમાં જોવા મળી જશે એવું તો ક્યારેય ધાર્યું પણ નથી. રાજસ્થાન તો છોડો, આ મેઘાલયમાં પણ જો આવો નજરો જોવા મળ્યો હોત, તો કદાચ મને વિશ્વાસ ન આવત. જોતા જ મોઢું ખુલી જાય. મારી ફ્રેન્ડના ભાઈએ મને પહેલાથી ડિસ્ક્લેમર આપ્યું હતું કે જોઈને ખોવાઈ ન જતા આ નજારાઓમાં. એ પણ મારી જેમ થોડો ફિલ્મી હતો. એને પણ રખડવાનો શોખ હતો એટલે એને આ જગ્યા પહેલાથી જ જોઈ હતી. એ પછી તો એ અમને લઈ ગયો, રાજસ્થાનની સૌથી લીલીછમ અને સૌથી સુંદર જગ્યાએ, ચાચા કોટા. અહીં પહોંચતા રસ્તામાં એક નાની સ્કુલ દેખાઈ, જ્યાં બે-ચાર બાળકો રમી રહ્યા હતા. વચ્ચે એક કાકા અને ગાયને ખેંચીને લઈ જતા દેખાયા. આ જગ્યા એટલી અન્ડરરેટેડ છે કે અહીં કોઈ પણ ટૂરિસ્ટ ન હતા. ચારેય બાજુ લીલાછમ આઈલેન્ડ અને એકદમ વાદળી આકાશ. વિશ્વાસ જ થયો કે હું રાજસ્થાનમાં છું.
ચાચા કોટા પહોંચીને કોઈના ખેતરની બહાર ગાડી પાર્ક કરી. સામે નાના ડુંગર પર ચાર જણા ઉભા હતા, એમની સાથે બૂમો પાડીને વાગડી ભાષામાં કંઇક વાત થઈ, જે મને બધી ન સમજાઈ. પણ એટલી ખબર પડી કે એને અમને એમ કીધું તમે ખેતરમાં થઈને આ બાજુ આવી શકશો. અમે એક મક્કાઈના ખેતરમાંથી પસાર થયા અને પછી અમને અમારી Chilling Spot મળી ગઈ. સામે મોટું તળાવ દેખાયું, બધે જ પાણી-પાણી દેખાયું. હવાની સાથે પાણીમાં નાની-નાની લહેરો ઉઠી રહી હતી. મસ્ત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. વરસાદ પછીનું સાફ થઈ ગયેલું વાદળી આકાશ દેખાતું હતું. શહેરમાં તો કદાચ હવે આવા રંગનું આકાશ જોવા પણ નથી મળતું. અહીં જો ડ્રોન લઈને આવો તો ઉપરથી એટલું સુંદર દ્રશ્ય જોવા મળે. તળાવમાં વચ્ચે-વચ્ચે નાના-મોટા જુદા-જુદા આકારના લીલા ટાપુઓ દેખાશે.
લીલા ઘાસ પર જોડે લાવેલી શેતરંજી પાથરીને બેઠા પછી વિચાર આવ્યો કે શું આ ખરેખર રાજસ્થાન છે? મેં તો પૂછી પણ લીધું કે તમે શ્યોર છો ને કે આ રાજસ્થાન જ છે. અહીં તો રણ પ્રદેશ હોવો જોઈએ ને! મારો સવાલ સાંભળીને મારી ફ્રેન્ડ અને એનો ભાઈ બંને હસી પડ્યા. આ સૌથી Iconic Moment હતી મારા જીવનની. મસ્ત ઠંડી હવાઓ ચાલી રહી હતી. સનસેટ થવાની તૈયારીમાં હતો. અમે આ સનસેટનું દ્રશ્ય જોતા જોતા વાતોમાં ખોવાઈ ગયા. પણ મને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું રાજસ્થાનની ધરતી પર છું. આટલી લીલોતરી જોઇને તો મગજ જ ચકરાવે ચઢી ગયું.
આ ખરેખર મારી અપેક્ષાની બહાર હતું. એમાંય પાછું મારી ફ્રેન્ડે મને કીધું- હવે બોલ, રાજસ્થાનમાં પાણી નથી. કહ્યું હતું ને કે તમે તારી કલ્પનાની બહારનું રાજસ્થાન બતાવીશ. પાછી મને કહે છે કે પિક્ચર અભી બાકી હૈ. એટલે હવે મને પ્રશ્ન થયો કે હજુ શું બાકી હશે. પણ બીજા દિવસે જે જોયું, એ વર્ણવવા મારી પાસે શબ્દો જ નથી. બીજા દિવસે સવાર-સવારમાં અમે એક રિમોટ વોટરફોલ જોવા ગયા. પણ ભારે વરસાદ હતો અને રસ્તાઓ દેખાતા ન હતા. એમાં મારી ફ્રેન્ડનો ભાઈ પણ થોડો ગૂંચવાઈ ગયો કે રસ્તો કયો હતો. એટલે ગૂગલ મેપ્સના સહારે અને 'હવા કે સાથ સાથે, ઘટા કે સંગ સંગ...' ગીત ગાતા-ગાતા અમે કશે તો પહોંચ્યા. આગળ રસ્તો ખતમ થઈ ગયો. તો અમે ગાડી મૂકીને ચાલવા લાગ્યા. રસ્તામાં એક નાનું કાચું માટીનું ઘર દેખાયું એને પૂછ્યો આ વોટરફોલનો રસ્તો. એમને કહ્યું કે ચાલીને જવું પડશે. અડધો કલાક થશે. સારું હતું કે હવે વરસાદ ઓછો થઈ ગયો હતો, ઝરમર વરસી રહ્યો હતો. અમે આગળ ચાલવાનું ચાલુ કર્યું. વચ્ચે એક નદી આવી, જેને ચાલીને ક્રોસ કરી. નદીમાં એક ભેંસ ‘Chill’ કરતી પણ દેખાઈ. આગળ જઈને ગાઢ જંગલ જેવો વિસ્તાર આવ્યો અને પછી જેને શોધતા-શોધતા આટલે દૂર આવ્યા હતા, એ વોટરફોલ પણ આવી જ ગયો.
રાજસ્થાનમાં ટ્રેક કરીને વોટરફોલ સુધી પહોંચવાનો આ મારો પહેલો અનુભવ હતો. જયારે આ વોટરફોલ જોયો તો પહેલા તો વિશ્વાસ જ ન આવ્યો. અરે એમ કીધું હોતે કે આ મેઘાલય છે કે હિમાચલ છે, તો કદાચ માની જતે, મહારાષ્ટ્ર કહેતે તો પણ માની જતે, પણ રાજસ્થાન... માન્યામાં આવતું જ ન હતું. આવું એડવેન્ચર રાજસ્થાનમાં... મને તો આજે પણ વિશ્વાસ નથી આવતો કે હું એટલી સુંદર જગ્યા જોઈ આવી છું, એ પણ રાજસ્થાનમાં. હજુ પણ ઘણી વાર આ જગ્યા યાદ આવે અને ઘણીવાર પોતાની જાતને એ ક્ષણોમાં પછી ફરતી જોઉં છું. એ યાદોમાં ખોવાઈ જાઉં છું. એ જાદુઈ ક્ષણ હતી કે જયારે હું એ વોટરફોલ સામે ઉભી હતી. તમને વોટરફોલ ત્યારે જ અનુભવાય જયારે એના છાંટા તમારા ચહેરા પર ઉડતાં હોય. અહીં થોડો સમય પસાર કર્યા પછી અમે થોડું રોક ક્લાઈમ્બીંગ કર્યું, કીચ્ચડમાં છપાક-છપાક પણ કર્યું અને અમે વોટરફોલની ઉપરના ભાગમાં પહોચ્યા. ભલે કીચ્ચડમાં પગ પડ્યા હોય કે કપડાં ગંદા થયા હોય, પણ આવો અનુભવ કરવામાં પણ મજા આવી ગઈ. જીવનમાં બધા પ્રકારના અનુભવો કરવા જ જોઈએ. જીવન જીવો છો, એવું ફિલ થવું જોઈએ.
અમે ફરીથી જ્યાં ગાડી પાર્ક કરી હતી, ત્યાં આવ્યા અને થોડીવાર સુધી અહીં જ બેઠા. પોતાની જાત સાથે રૂબરૂ થતા હોય એમ બધા જ શાંત બેસી રહ્યા. પછી અમે ગયા જગમેર હિલ્સ. આ એટલું સુંદર લેન્ડસ્કેપ છે કે એવું લાગ્યું કે ઉટીમાં આવી ગઈ હોઉં એવું લાગ્યું. બસ ચાના બગીચાની કમી હતી. સામે દેખાતા લીલા ડુંગરો જોઈને મન ખુશ થઈ ગયું. જમણી બાજુ દેખાતા સૌથી ઊંચા ડુંગર પર માત્ર ત્રણ જ મોટા ઝાડ દેખાતા હતા. જેને લીધે એ ડુંગર અલગ જ તરી આવતો હતો. અમને અહીં બેસવાનું કહીને મારી ફ્રેન્ડનો ભાઈ કશે જતો રહ્યો. દસેક મિનિટ પછી આવ્યો હાથમાં ચા લઈને. ચાની સાથે આ સુંદર દ્રશ્યની મજા બમણી થઈ ગઈ. અંધારું થયું ત્યાં સુધી અહીં જ બેસી રહ્યા અને પછી સાગવાડા મારી ફ્રેન્ડના ઘરે પાછા ગયા.

સાચું કહું તો પહેલા તો આ ટ્રીપ પર આવવાની વધારે ઇચ્છા ન હતી. પણ પછી થયું કે સારું થયું કે હું આ ટ્રીપ પર આવી. મેં એવું રાજસ્થાન જોયું કે જે કદાચ સપનામાં પણ વિચાર્યું ન હતું. અને હવે મેં ભટકતી આત્માએ કાન પકડ્યા કે ક્યારેય નહીં બોલું કે રાજસ્થાનમાં તો ખાલી રણ છે... પાણી નથી... ના બોસ, રાજસ્થાનની આ જગ્યાએ મને એકતા નગરની યાદ અપાવી દીધી. હા, હવે તો નક્કી કરી લીધું છે કે જો કોઈ મને પૂછે કે રોડ ટ્રીપ પર જવું છે? તો જવાબ હામાં જ આપીશ. આવી રીતે હવે હંમેશા કોઈ પણ રેન્ડમ પ્લાનને હા પાડી જ દઈશ. કારણ કે આવી ટ્રીપ્સમાં જાદુ છે. એવું જાદુ કે બધો થાક ઉતારી દે છે. અને હું તો કહીશ કે નાની જિંદગી છે, નીકળી જાઓ, નહીં તો એ નીકળી જશે. Live the Life before it leaves you.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.