ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના શ્રેય મોલ પાસે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ, બુકાનીધારી શખસો ગોળીબાર કરી ફરાર
Last Updated: 12:14 PM, 17 November 2026
ADVERTISEMENT
શહેરના રસ્તાઓ પર સામાન્ય દિવસની જેમ લોકોની અવરજવર ચાલી રહી હતી, ત્યારે અચાનક ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા રોટલીયા હનુમાન મંદિર નજીક ફાયરિંગની ઘટના બની હતી. આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલ નજીક અચાનક ગોળીબાર થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો માટે આ ઘટના અચાનક બની હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભય ફેલાયો છે. પ્રાથમિક અનુમાન મુજબ, શ્રેય ફિટનેસની નીચેના ભાગે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ધોળા દિવસે જાહેર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો સામેલ હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ફાયરિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફાયરિંગ કરવા પાછળનું કારણ શું હતું અને કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ બાબત જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હાલ ફાયરિંગ કરનાર વ્યક્તિ અને ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.
ADVERTISEMENT
હાલ પાટણ જિલ્લા પોલીસ, LCB, SOG અને બી ડિવિઝન પોલીસની ટીમો સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મળતી વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ધોળા દિવસે શહેરના હાસાપુર જેવા વિસ્તારમાં બનેલી આ ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે પોલીસ તપાસમાં ફાયરિંગ કોણે કર્યું અને કયા કારણોસર કર્યું તે અંગે શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.