ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સામે આવ્યું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોકાણકારોના રૂપિયા હડપ કરવાનું ખતરનાક કૌભાંડ, વાંચીને ચોંકી જશો
Last Updated: 04:43 PM, 16 November 2026
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સરકારી સબસિડી અને ફિલ્મના રાઈટ્સના વેચાણથી તગડો નફો રળવાની લાલચ આપીને રોકાણકારોના રૂપિયા હડપ કરવાનું ખતરનાક કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે ભાવનગરના પ્રોડ્યુસર પાસેથી રૂ. ૧૯.૩૭ લાખનું રોકાણ કરાવ્યા બાદ નિર્માતા દ્વારા વધુ રૂ. ૨૦ લાખની માગણી કરવામાં આવી હતી. વધારાના રૂપિયા નહીં મળતાં પ્રોડ્યુસરની જાણ બહાર જ નિર્માતાએ ફિલ્મનું નામ બદલી રિલીઝ કરી હતી. એસોસીએશનની કમિટી સમક્ષ નિર્માતાએ ભૂલ સ્વીકારવા છતાં રૂપિયા પરત નહીં આપતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે.
ADVERTISEMENT
ભાવનગરના સુભાષનગરની મોડેસ્ટ સોસાયટીમાં રહેતા અને શ્રી સિદ્ધિ ફિલ્મ એન્ટરટેઈન્મેન્ટ નામે પ્રોડક્શનનો વ્યવસાય કરતા ભાવેશભાઈ જયંતીલાલ તન્નાની મુલાકાત ૨ મે, ૨૦૨૪ના રોજ અમદાવાદના નિકોલમાં યોજાયેલા ગુજરાતી ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં ચાંદલોડિયામાં રહેતા નિર્માતા અખિલ દિલીપભાઈ કોટક સાથે થઈ હતી. અખિલ કોટકે પોતાની અગાઉની ફિલ્મોના ટ્રેલર અને શૂટિંગના ફોટા બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ બાળવિવાહના વિષય પર આધારિત 'મંજરી' ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે રોકાણ કરવાની ઓફર આપી હતી. રૂ.૨૭ લાખના ખર્ચે ફિલ્મ તૈયાર કરી સરકારી સબસિડી, સેટેલાઈટ અને અન્ય રાઈટ્સના વેચાણથી નફો અપાવવાની વાત કરી હતી.
આ વિશ્વાસના આધારે ભાવેશભાઈએ ૨ જૂનથી ૨૮ જુલાઈ, ૨૦૨૪ દરમિયાન ગૂગલ પે, આરટીજીએસ અને આંગડિયા મારફતે રોકડ સહિત કુલ રૂ.૧૯,૩૭,૫૦૦ ચૂકવ્યા હતા. ફિલ્મમાં તેમના પુત્ર ઓમને પણ ભૂમિકા આપવામાં આવી હતી અને તેનું શૂટિંગ પૂર્ણ થયું હતું. જોકે, શૂટિંગ પૂરું થયા બાદ એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનના નામે નિર્માતાએ વધુ રૂ.૨૦ લાખ માગ્યા હતા. આ રકમ આપવાનો ઈનકાર થતાં ભાવેશભાઈની મંજૂરી કે એનઓસી લીધા વગર ફિલ્મનું નામ બદલી 'ક ખ ગ ઘ' કરી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ કરી દીધી હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીં, બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો
ભાવેશભાઈએ વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોસીએશનમાં રજૂઆત કરતાં કમિટીએ નિર્માતાની ભૂલ સ્વીકારી બાકી નાણાં પરત આપવા જણાવ્યું હતું. ભાવેશ તન્નાના જણાવ્યા મુજબ, કમિટીએ છ મહિનામાં નાણાં ચૂકવવાની બાંયધરી અપાવી હતી. જોકે, નિર્માતાએ નાણાં આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ એસોસીએશન તરફથી કાર્યવાહી અંગેનો પત્ર મળતાં ભાવેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.