ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોનિયા ગાંધીના પુસ્તકમાં 55 ભૂલો, રાજ્યસભા અને કારગિલ યુદ્ધના વર્ણનમાં પણ ચૂક

ગુજરાત / સોનિયા ગાંધીના પુસ્તકમાં 55 ભૂલો, રાજ્યસભા અને કારગિલ યુદ્ધના વર્ણનમાં પણ ચૂક

Published By: Nidhi Panchal

Last Updated: 01:08 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધીના સંસ્મરણોનું નવું પુસ્તક ‘બીલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ વિમોચન પહેલાં જ ચર્ચામાં આવ્યું છે. પુસ્તકમાં રાજ્યસભાની રચના, ઐતિહાસિક ઘટનાઓ અને રાજકીય પ્રસંગોને લઈને કુલ 55 તથ્યાત્મક અને સંદર્ભલક્ષી ભૂલો સામે આવી છે.

ADVERTISEMENT

સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક ‘બીલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’નો ઔપચારિક વિમોચન સમારોહ આજે નવી દિલ્હીની આઈટીસી મૌર્ય હોટેલમાં યોજાવાનો છે. આ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. સંસદમાં બે દાયકાથી વધુ સમય વિતાવનારાં અને હાલમાં રાજ્યસભાનાં સભ્ય સોનિયા ગાંધીએ લખેલાં સંસ્મરણોના નવા પુસ્તકમાં તથ્ય અને સંદર્ભોની અનેક ભૂલો હોવાનું સામે આવ્યું છે. ભારતની સંસદીય વ્યવસ્થાનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે કે લોકસભાના સભ્યો ચૂંટાય છે, જ્યારે રાજ્યસભાના સભ્યોની નિમણૂક થાય છે. હકીકતમાં રાજ્યસભાની ૨૩૮ બેઠકો માટે સભ્યોની પસંદગી રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે, જ્યારે માત્ર ૧૨ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બંધારણની આ પાયાની જોગવાઈ અંગેની ભૂલ લાંબા સમય સુધી ભારતીય સંસદીય રાજકારણના કેન્દ્રમાં રહેલાં નેતા પાસેથી અપેક્ષિત નથી.

soniya

સોનિયા ગાંધીનાં નવા પુસ્તકમાં આ એકમાત્ર તથ્યાત્મક ભૂલ નથી. ૧૦ નવેમ્બરથી બુક સ્ટોરમાં વેચાણ માટે મુકાયેલા આ પુસ્તકમાં ઈટાલીના એક નાનકડા શહેરથી ભારતના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાં પહોંચવા સુધીની તેમની સફર, રાજીવ ગાંધી સાથેનાં લગ્ન, સાસુ ઈન્દિરા ગાંધી અને પતિ રાજીવ ગાંધીની હત્યા તથા દેશનાં સૌથી શક્તિશાળી રાજકીય વ્યક્તિત્વોમાંના એક તરીકે તેમનો ઉદય વર્ણવાયો છે. પુસ્તકનું સૌથી મહત્ત્વનું પાસું તેમનાં અંગત સંસ્મરણો છે, જેમાં અનેક ભાવુક અને નવી જાણકારી આપતી વિગતો છે. જોકે, આ અંગત યાદીઓ સાથે રજૂ કરવામાં આવેલા રાજકીય અને ઐતિહાસિક ઘટનાક્રમમાં અનેક ભૂલો છે. કેટલીક પ્રાથમિક કક્ષાની છે, જ્યારે કેટલીક ઘટનાઓની સમજને જ બદલી નાખે તેવી છે.

સંદર્ભલક્ષી કુલ ૫૫ ભૂલ અને વિસંગતતાઓ સામે આવી

પુસ્તકની વિસ્તૃત તપાસમાં તથ્યાત્મક અને સંદર્ભલક્ષી કુલ ૫૫ ભૂલ અને વિસંગતતાઓ સામે આવી છે. અલબત્ત, આ તમામ ભૂલોનું મહત્ત્વ એકસરખું નથી. તેમ છતાં, પુસ્તક પ્રકાશિત થતાં પહેલાં તેની હસ્તપ્રતની વધુ ઝીણવટભરી તપાસ થવી જોઈતી હતી તે સ્પષ્ટ થાય છે. કેટલીક ભૂલો તો સીધી અને સ્પષ્ટ છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના ૧૯૨૧માં થઈ હતી. હકીકતમાં ડૉ. કેશવ બળિરામ હેડગેવારે ૧૯૨૫માં નાગપુરમાં તેની સ્થાપના કરી હતી. તેમના લાંબા સમય સુધીના રાજકીય સચિવ અને નિકટના વિશ્વાસુ અહેમદ પટેલના મૃત્યુ અંગે પણ તેમણે ખોટો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં અહેમદ પટેલનું કોવિડ-૧૯ને કારણે ૨૦૨૨માં મૃત્યુ થયું હોવાનું લખાયું છે, જ્યારે તેમનું અવસાન ૨૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થયું હતું.

તેમણે અમદાવાદને ગુજરાતની રાજધાની ગણાવ્યું

૨૦૦૨નાં ગુજરાત રમખાણોનું વર્ણન કરતાં તેમણે અમદાવાદને ગુજરાતની રાજધાની ગણાવ્યું છે, જ્યારે ગાંધીનગર ૧૯૭૦થી રાજ્યની રાજધાની છે. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ચાર ડબાઓને આગ ચાંપવામાં આવી હોવાનું પણ પુસ્તકમાં લખાયું છે, જ્યારે જીવલેણ આગ એસ-૬ કોચમાં લાગી હતી. આવી ભૂલોને અલગ-અલગ જોવામાં આવે તો તેને યાદશક્તિની ક્ષતિ અથવા સંપાદકીય ચૂક ગણાવી શકાય. પરંતુ એકસાથે જોવામાં આવે તો પુસ્તકના સંપાદકો દ્વારા ઐતિહાસિક વિગતોની કેટલી ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી તેવો ગંભીર સવાલ ઊભો થાય છે.

ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો મળી હોવાનું સાચું લખે

પુસ્તકમાં અન્ય આંકડાકીય ભૂલો પણ છે. સોનિયા ગાંધી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો મળી હોવાનું સાચું લખે છે, પરંતુ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને ૩૫૩ બેઠકો મળી હોવાનું જણાવે છે. હકીકતમાં ૨૦૧૪માં એનડીએને ૩૩૬ બેઠકો મળી હતી. ૩૫૩ બેઠકોનો આંકડો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનો છે. આમ, પુસ્તકમાં પાંચ વર્ષના અંતરે યોજાયેલી બે અલગ-અલગ ચૂંટણીઓનાં પરિણામો એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યાં છે. ૧૯૮૪ની ચૂંટણીના વર્ણનમાં પણ એક જગ્યાએ કોંગ્રેસને ૪૦૫ બેઠકો અને બીજી જગ્યાએ ૪૦૪ બેઠકો મળી હોવાનું લખાયું છે.

કારગિલ યુદ્ધનાં વર્ણનમાં પણ સમયક્રમની મોટી ભૂલ

૧૯૯૯ના કારગિલ સંઘર્ષ અંગેનું વર્ણન ખાસ ધ્યાન ખેંચે છે. સોનિયા ગાંધી લખે છે કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના આમંત્રણથી ઈસ્લામાબાદમાં હતા ત્યારે લદ્દાખના ભરવાડ તાશી નામગ્યાલે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોયા હતા. હકીકતમાં વાજપેયીની ઐતિહાસિક શાંતિ મુલાકાત ઈસ્લામાબાદ નહીં, પરંતુ લાહોરની હતી. તેઓ ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ લાહોર ગયા હતા. તાશી નામગ્યાલે ઘૂસણખોરોને ૩ મેના રોજ જોયા હતા, એટલે કે વડા પ્રધાનની પાકિસ્તાન મુલાકાતના બે મહિનાથી વધુ સમય પછી.

૧૦ મહિનામાં કબજામાં લેવાયેલો વિસ્તાર પાછો મેળવ્યો

પુસ્તકમાં આગળ લખાયું છે કે ભારતીય સૈનિકોએ આગામી ૧૦ મહિનામાં કબજામાં લેવાયેલો વિસ્તાર પાછો મેળવ્યો હતો. હકીકતમાં કારગિલ યુદ્ધ મે મહિનાથી જુલાઈ ૧૯૯૯ દરમિયાન ચાલ્યું હતું અને ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ જ ઘટનાક્રમમાં એપ્રિલ ૧૯૯૯માં વાજપેયી સરકારના પતનને અવિશ્વાસ પ્રસ્તાવમાં થયેલી હાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. હકીકતમાં તેમની સરકાર વિશ્વાસ પ્રસ્તાવમાં એક મતથી હારી હતી. સરકારની તરફેણમાં ૨૬૯ અને વિરોધમાં ૨૭૦ મત પડ્યા હતા. બંને પ્રક્રિયાઓ વચ્ચે કાનૂની અને સંસદીય તફાવત છે, કારણ કે આ કિસ્સામાં સરકારે પોતે જ લોકસભામાં વિશ્વાસનો મત માગ્યો હતો.

રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં પણ કાનૂની વિગતો ખોટી

રાહુલ ગાંધી સામેના ફોજદારી માનહાનિના કેસના વર્ણનમાં પણ કેટલીક ભૂલો છે. સોનિયા ગાંધી લખે છે કે ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવેલી ટિપણી બદલ ૨૦૨૩માં કેસ દાખલ થયો હતો અને ગુજરાત હાઈકોર્ટે તેમના પુત્રને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હકીકતમાં આ ટિપ્પણી એપ્રિલ ૨૦૧૯માં ચૂંટણીપ્રચાર દરમિયાન કરવામાં આવી હતી અને તે જ વર્ષે ફરિયાદ દાખલ થઈ હતી. ૨૩ માર્ચ, ૨૦૨૩ના રોજ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટે તેમની સજા પર રોક લગાવવાની માગણી ફગાવી હતી.

સુપ્રીમ કોર્ટે જેલની સજા પર રોક લગાવતાં રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ પુનઃસ્થાપિત થયું

પુસ્તકમાં વધુમાં જણાવાયું છે કે એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જેલની સજા પર રોક લગાવતાં રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ પુનઃસ્થાપિત થયું હતું. હકીકતમાં સુપ્રીમ કોર્ટે ૪ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ તેમની દોષિત ઠરાવવાની સજા પર નહીં, પરંતુ દોષિત ઠરાવવાના ચુકાદા પર રોક લગાવી હતી. તેના ત્રણ દિવસ બાદ લોકસભાનું તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થયું હતું. તેમની ગેરલાયકાતના પાંચ મહિના પણ પૂરા થયા નહોતા. દોષિત ઠરાવવાના ચુકાદા પર રોક અને સજાના અમલ પર રોક એ કાયદાકીય રીતે અલગ બાબતો છે અને બંનેની સંસદસભ્યપદ પર અલગ અસર થાય છે.

આંતરરાષ્ટ્રીય ઘટનાઓના ઉલ્લેખમાં પણ ગૂંચવણ

આંતરરાષ્ટ્રીય ઘટનાઓના વર્ણનમાં પણ ભૂલો જોવા મળે છે. સોનિયા ગાંધી લખે છે કે નેલ્સન મંડેલા ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકારવા ભારત આવ્યા હતા, જ્યારે તેમની ભારત મુલાકાત ઑક્ટોબર ૧૯૯૦માં થઈ હતી. ૧૯૯૪માં મંડેલાના રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ સમારોહમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ આર.કે. નારાયણ કરી રહ્યા હતા એવો ઉલ્લેખ પણ પુસ્તકમાં છે. હકીકતમાં આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ કે. આર. નારાયણને કર્યું હતું.

વડાઓની બેઠકને પુસ્તકમાં ૪૯મી શિખર બેઠક ગણાવવામાં આવી

૧૯૮૫માં બહામાસના નાસાઉમાં યોજાયેલી કોમનવેલ્થ દેશોના વડાઓની બેઠકને પુસ્તકમાં ૪૯મી શિખર બેઠક ગણાવવામાં આવી છે, જ્યારે હકીકતમાં તે આઠમી બેઠક હતી. ચીનના નેતા ડેંગ શિયાઓપિંગને રાજીવ ગાંધીની ૧૯૮૮ની ઐતિહાસિક ચીન મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ ગણાવવામાં આવ્યા છે. હકીકતમાં તે સમયે યાંગ શાંગકુન ચીનના રાષ્ટ્રપતિ હતા. ડેંગ શિયાઓપિંગ ચીનના સર્વોચ્ચ નેતા અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ હતા.

આ પણ વાંચો : ભત્રીજી સામે શ્રદ્ધાળુને મારવાનો અને મોબાઇલ આંચકી વીડિયો ડિલીટ કર્યાનો બગદાણા પોલીસના કર્મચારીઓ સામે આક્ષેપ

રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાતના સમયગાળા અંગે પણ સવાલ

પુસ્તકની શરૂઆતમાં રાજીવ ગાંધી સાથેના પ્રેમસંબંધની વાત કરતાં પણ સમયક્રમ અંગે સવાલ ઊભો થાય છે. સોનિયા ગાંધી લખે છે કે કેમ્બ્રિજમાં પ્રથમ મુલાકાત વખતે તેમની ઉંમર ૧૯ વર્ષ અને રાજીવ ગાંધીની ઉંમર ૨૧ વર્ષ હતી. પરંતુ પુસ્તકમાં આ મુલાકાત જૂન ૧૯૬૫ પહેલાં થઈ હોવાનું અને જાન્યુઆરી મહિનાની એક મુલાકાતનો ઉલ્લેખ છે. જો આ મુલાકાત જાન્યુઆરી ૧૯૬૫માં થઈ હોય તો ડિસેમ્બર ૧૯૪૬માં જન્મેલાં સોનિયા ગાંધીની ઉંમર ૧૮ વર્ષ અને ઑગસ્ટ ૧૯૪૪માં જન્મેલા રાજીવ ગાંધીની ઉંમર ૨૦ વર્ષ થતી હતી. એટલે ઉંમર અથવા ઘટનાક્રમ અંગે સ્પષ્ટતાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonia Gandhi Book Belonging A Journey of Love 55 Factual Errors

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ