ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભત્રીજી સામે શ્રદ્ધાળુને મારવાનો અને મોબાઇલ આંચકી વીડિયો ડિલીટ કર્યાનો બગદાણા પોલીસના કર્મચારીઓ સામે આક્ષેપ
Last Updated: 12:54 PM, 16 November 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના બગદાણામાંથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. બગદાણા મંદિરમાં દર્શન કરવા ગયેલા એક શ્રદ્ધાળુ સાથે પોલીસના બે કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, શ્રદ્ધાળુની 13 વર્ષની સગીર ભત્રીજીની હાજરીમાં તેમને માર મારવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસકર્મીઓના વર્તનને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના ઉખરલાના રહેવાસી ગોપાલસિંહ ઝાલા પોતાની 13 વર્ષની ભત્રીજી સાથે બગદાણા ખાતે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બગદાણા પોલીસના બે કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. ગોપાલસિંહનો આક્ષેપ છે કે મહિલા પોલીસકર્મી જાગુબેન અને સંજયભાઈ ભરવાડે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. બંને પોલીસકર્મીઓએ તેમની સાથે ગાળો બોલી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગોપાલસિંહ ઝાલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીઓએ તેમની સગીર ભત્રીજીની હાજરીમાં જ તેમને માર માર્યો હતો. આ દરમિયાન તેમણે ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસકર્મીઓએ તેમનો મોબાઇલ આંચકી લીધો હતો અને તેમાં રહેલો વીડિયો ડિલીટ કરી દીધો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વારાફરતી લાફા મારવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગોપાલસિંહના જણાવ્યા પ્રમાણે, પોલીસ સ્ટેશનમાં પણ તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નહોતું. તેમને ડંડો બતાવીને ધમકાવવામાં આવ્યા હતા અને બળજબરીથી માફીપત્ર લખાવવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. એક તરફ દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુ સાથે આવું વર્તન થયું હોવાનો દાવો છે, તો બીજી તરફ તેમની સાથે ગયેલી 13 વર્ષની ભત્રીજીની હાજરીમાં આ ઘટના બની હોવાની વાતે પણ મામલાને ગંભીર બનાવ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ગોપાલસિંહ ઝાલાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમણે મહિલા પોલીસકર્મી જાગુબેન અને સંજયભાઈ ભરવાડ સામે આક્ષેપો કર્યા છે. છેલ્લા બે દિવસથી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસકર્મીઓ દ્વારા ખરેખર આવું વર્તન કરવામાં આવ્યું હતું કે કેમ અને સમગ્ર ઘટનાની વાસ્તવિકતા શું છે તે તપાસનો વિષય છે.
આ પણ વાંચો : દિનુ સોલંકીના નિવેદન બાદ વિક્રમસિંહ પરમારનો જૂનો વીડિયો વાયરલ!
ADVERTISEMENT
હવે આ મામલે પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ખાસ કરીને એક શ્રદ્ધાળુ સાથે થયેલા કથિત ગેરવર્તન, મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરવાના આક્ષેપ અને બળજબરીથી માફીપત્ર લખાવવાની ફરિયાદ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ ઊઠી રહી છે. જોકે, આ તમામ બાબતો હાલ ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.