ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / PM મોદીના પ્રવાસને લઈ રાજકીય ગરમાવો તેજ, પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓને પણ બોલાવાયા, ગુજરાતના 4 મંત્રીઓ પર લટકતી તલવાર
Last Updated: 06:01 PM, 13 November 2026
ADVERTISEMENT
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે મહત્વનો બની શકે છે. દિવાળી બાદ ગુજરાત આવી રહેલા વડાપ્રધાન 13 નવેમ્બરે ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજાવાની છે. અગાઉ 14 નવેમ્બરે અંબાજી દર્શનનો કાર્યક્રમ પણ નક્કી થયો હતો, જોકે લાભપાંચમના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહેવાની શક્યતાને પગલે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાની માહિતી છે.
ADVERTISEMENT
જોકે, રાજભવનમાં યોજાનારા કાર્યક્રમને યથાવત રાખવામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ મુલાકાત માત્ર દિવાળીની શુભેચ્છા પૂરતી મર્યાદિત નથી, પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપની કામગીરીની સમીક્ષા અને સંગઠનાત્મક ફેરફારોની દિશામાં મહત્વની બની શકે છે.
ADVERTISEMENT
26 સત્તાધીશો સાથે બેઠક, મંત્રીઓનો રિપોર્ટ કાર્ડ તૈયાર?
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને 24 મંત્રીઓ સહિત કુલ 26 સત્તાધીશો સાથે બેઠક કરી શકે છે. તમામ મંત્રીઓને સાંજે 7 વાગ્યે રાજભવનમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાં તમામ મંત્રીઓ સાથે સામૂહિક બેઠક યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન દિવાળીની શુભેચ્છા પાઠવશે. ત્યારબાદ એક પછી એક મંત્રીઓને અલગથી ચર્ચા માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના દાવા પ્રમાણે, વડાપ્રધાન પાસે મંત્રીઓની કામગીરી, તેમના વિભાગોની પ્રગતિ, વિવાદો અને લોકોની ફરિયાદો અંગેની વિગતો પહોંચી છે. આ માહિતીના આધારે મંત્રીઓને તેમની કામગીરી અંગે સવાલો પૂછવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ચાર મંત્રીઓની કામગીરી પર હાઈકમાન્ડની નજર?
ADVERTISEMENT
ગુજરાતના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓની કામગીરી અને તેમના સંબંધિત વિવાદોને લઈને હાઈકમાન્ડ નારાજ હોવાની ચર્ચા છે. ખાસ કરીને જનતાની વચ્ચે નકારાત્મક છબી ધરાવતા અને સતત વિવાદોમાં રહેતા ચાર મંત્રીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કામગીરીમાં સુધારો નહીં જણાય તો મંત્રીમંડળમાં ફેરફાર કરીને નવા ધારાસભ્યોને તક આપવાનો વિકલ્પ પણ વિચારણા હેઠળ હોઈ શકે છે. જોકે, કયા મંત્રીઓને બદલવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
મંત્રીઓને સ્પષ્ટ સંદેશ: લોકોનાં કામમાં વિલંબ નહીં ચાલે
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગમાં વિવિધ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારી, ગેસના ભાવ, CNGના ભાવ, વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને સરકારી તંત્ર સામેની ફરિયાદો ચર્ચાનો વિષય બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપી શકે છે કે સામાન્ય નાગરિકોનાં કામ સમયસર થવાં જોઈએ. નાના કામ માટે પણ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ શકે છે. સોશિયલ મીડિયા પર સરકાર અને મંત્રીઓની કામગીરી અંગે થઈ રહેલી ટીકાઓ પણ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય હોવાનું મનાય છે.
ગુજરાત બાદ દિલ્હીમાં પણ ફેરફારની ચર્ચા
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં મંત્રીમંડળની કામગીરીની સમીક્ષા બાદ કેન્દ્ર સરકારમાં પણ ફેરફારો થઈ શકે છે. 15 નવેમ્બરે દિલ્હીમાં કેટલાક મહત્વના રાજકીય નિર્ણયોની શક્યતા અંગે અટકળો ચાલી રહી છે. જોકે, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ગુજરાત અને દિલ્હી બંને સ્તરે કામગીરીની સમીક્ષા તથા રાજકીય જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચા છે.
2027ની ચૂંટણી પહેલાં ભાજપ માટે પડકારો વધ્યા
ગુજરાત ભાજપનો પરંપરાગત મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અનેક પડકારો સામે આવ્યા છે. ખેડૂતોના પ્રશ્નો, સરકારી કર્મચારીઓની માગણીઓ, વિદ્યાર્થીઓના વિરોધ અને સ્થાનિક સ્તરે ઊભી થતી સમસ્યાઓ સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.
ખેડૂત આંદોલન પણ ચર્ચામાં
મોરબીમાં લાંબા સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન પણ ચર્ચામાં છે. બીજી તરફ, યુવાનોમાં રોજગાર અને વિવિધ સામાજિક-આર્થિક મુદ્દાઓને લઈને અસંતોષ હોવાની ચર્ચા છે.
સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી અને વહીવટી સુધારાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અધિકારીઓની સાથે મંત્રીઓ અને રાજકીય નેતાઓની જવાબદારી નક્કી કરવાની પણ માગ કરી રહ્યા છે.
182 બેઠકોમાંથી 162 ભાજપ પાસે, બેઠકો જાળવવાનો પડકાર
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપ પાસે 162 બેઠકો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 બેઠકો છે. બે અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપે છે, જ્યારે એક બેઠક સમાજવાદી પાર્ટી પાસે છે.
આગામી 2027ની ચૂંટણીમાં ભાજપ પોતાની વર્તમાન બેઠકો જાળવી રાખવા ઉપરાંત બેઠકો વધારવાની રણનીતિ પર કામ કરી શકે છે. બુલેટ ટ્રેન, કોમનવેલ્થ ગેમ્સ અને વિવિધ વિકાસ યોજનાઓને આગળ ધરીને સરકાર વિકાસના એજન્ડાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
હવે સૌની નજર રાજભવનની બેઠક પર છે. વડાપ્રધાન મંત્રીઓની કામગીરી અંગે શું સવાલો પૂછે છે, કોને કડક સૂચના આપે છે અને આગામી દિવસોમાં મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ફેરફારોની શરૂઆત આ મુલાકાતથી થાય છે કે કેમ તે અંગે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.