ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી, 1008થી વધુ વાનગીઓ ધરાવાઈ
7 ફોટો ગેલેરી
Last Updated: 02:42 PM, 13 November 2026
1/7
ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, ભવ્ય શણગાર અને અવનવી વાનગીઓના અન્નકૂટ સાથે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. કાર્તિક દીપોત્સવની ઉજવણીના ભાગરૂપે મંગળવાર, તા. 10 નવેમ્બર 2026ના રોજ હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલાનું સ્મરણ કરવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી વૃંદાવનવાસીઓનું રક્ષણ કરવા માટે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
2/7
હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસે ગોવર્ધન પૂજાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, એક વખત ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે વૃંદાવનવાસીઓ ઇન્દ્રયજ્ઞની તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમણે ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું સૂચન કર્યું હતું. આ વાતથી ઇન્દ્ર ક્રોધિત થયા અને તેમણે વૃંદાવન પર વિનાશકારી વરસાદ વરસાવ્યો હતો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ડાબા હાથની નાની આંગળી પર ગોવર્ધન પર્વતને છત્રની જેમ સાત દિવસ સુધી ધારણ કર્યો હતો અને વૃંદાવનના તમામ રહેવાસીઓને આશ્રય આપ્યો હતો.
ADVERTISEMENT
3/7
અંતે પોતાની ભૂલનો અહેસાસ થતાં ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણની ક્ષમા માગી હતી. સ્વામીજીએ જણાવ્યું કે આ લીલા દ્વારા ભગવાને સમજાવ્યું છે કે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે પરમેશ્વરને શરણે જાય છે અને ભક્તિમય સેવામાં જોડાય છે, તે તમામ બંધનોથી મુક્ત રહે છે. તેને ભૌતિક લાભ માટે અન્ય દેવતાઓની પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવાયેલી આ ગોવર્ધન લીલામાં ભગવાન શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વતને પોતાનું જ સ્વરૂપ ગણાવે છે.
4/7
આ દિવ્ય લીલાની સ્મૃતિમાં મંદિર પરિસરમાં સુંદર ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે 150થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 1008થી વધુ પ્રકારની કેક, કૂકીઝ, મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ ભગવાન શ્રી શ્રી રાધા માધવજી તથા શ્રી ગોવર્ધનજીને ધરાવવામાં આવી હતી. આ ભવ્ય અન્નકૂટ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ADVERTISEMENT
5/7
ખાસ વાત એ હતી કે આ કેક અને કૂકીઝ મંદિરની બેકરીમાં ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને તે સંપૂર્ણપણે શાકાહારી હતી. ત્યારબાદ ભગવાન શ્રી શ્રી રાધા માધવજીને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો અને ભગવાન તથા ગોવર્ધન પર્વતની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ ગોવર્ધન પર્વતની મહિમાનું વર્ણન કરતા આઠ શ્લોકો ધરાવતા શ્રી ગોવર્ધનાષ્ટકમનું ભાવપૂર્વક ગાન કર્યું હતું.
6/7
મહોત્સવ દરમિયાન ભગવાન શ્રી શ્રી રાધા માધવજીની સુવર્ણ રથ પર ભવ્ય નગરયાત્રા પણ યોજાઈ હતી. હરિનામ સંકીર્તન સાથે નીકળેલી આ આનંદમય નગરયાત્રા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભક્તો ભગવાનના નામનું સંકીર્તન કરતા ઉત્સાહપૂર્વક નગરયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની ગોપાલ સ્વરૂપે એટલે કે ગાયોના રક્ષક તરીકે પણ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ ગૌપૂજાનું આયોજન કરાયું હતું. ગાયોને રેશમી વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેમને ગોળ તથા કેળાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગાયોને આગળ રાખીને ભક્તોએ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી હતી.
ADVERTISEMENT
7/7
કાર્યક્રમના અંતે ભગવાનને અર્પણ કરવામાં આવેલી કેક, કૂકીઝ અને અન્ય તમામ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી. આ સાથે કાર્તિક માસ દરમિયાન ઉજવાતા દીપોત્સવ મહોત્સવના ભાગરૂપે ભગવાનની ભવ્ય દીપોત્સવ આરતી પણ કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિ, હરિનામ સંકીર્તન અને દીવાઓના પ્રકાશથી ભક્તિમય બની ગયો હતો. આ રીતે ગોવર્ધન પૂજા, અન્નકૂટ, સુવર્ણ રથની નગરયાત્રા, ગૌપૂજા અને દીપોત્સવ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ