ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઘઉં, ચોખા અને શેરડી જ નહીં, ખેડૂતો અન્ય પાકો તરફ પણ વળે તેવું PM મોદી કેમ ઈચ્છે છે?

નેશનલ / ઘઉં, ચોખા અને શેરડી જ નહીં, ખેડૂતો અન્ય પાકો તરફ પણ વળે તેવું PM મોદી કેમ ઈચ્છે છે?

Published By: Jinal Chauhan

Last Updated: 12:04 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ખેડૂતોની આવકનો મોટો આધાર ઘઉં, ચોખા અને શેરડી જેવા પાક પર છે. પરંતુ પાણીની વધતી જરૂરિયાત અને ખેતીના ખર્ચને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ખેડૂતોને આવકના બીજા રસ્તા અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ADVERTISEMENT

ભારતમાં ખેડૂતોની આવકનો મોટો આધાર ઘઉં, ચોખા અને શેરડી જેવા પાક પર રહેલો છે. પરંતુ આ પાકની ખેતીમાં પાણીનો વધુ વપરાશ થાય છે અને કુદરતી સંસાધનોની જરૂરિયાત પણ વધી જાય છે.આવી સ્થિતિમાં ખેડૂતોને આવકના નવા રસ્તા મળે અને એક જ પાક પરની નિર્ભરતા ઘટે તે જરૂરી બન્યું છે. ખેતીની સાથે દૂધ ઉત્પાદન, માછલી ઉછેર, મધમાખી ઉછેર અને સોલર પાવર જેવા વિકલ્પો ખેડૂતો માટે નવી તકો ઊભી કરી શકે છે. આ જ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સમાં ખેડૂતોને ઘઉં, ચોખા અને શેરડીથી આગળ વિચારવાની અપીલ કરી હતી.

ઘઉં, ચોખા અને શેરડી પર નિર્ભરતા ઘટાડવા પાછળનું કારણ શું?

ભારતમાં લાંબા સમયથી ઘઉં, ચોખા અને શેરડી જેવા પાકની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આ પાક પર વધુ પડતી નિર્ભરતાના કારણે ખેડૂતોની આવકના વિકલ્પો મર્યાદિત રહે છે. ખાસ કરીને ચોખા અને શેરડીના પાકમાં પાણીની વધુ જરૂર પડે છે. તેના કારણે ભૂગર્ભ જળનો વપરાશ વધે છે અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સામે પડકાર ઊભા થાય છે.વડાપ્રધાન મોદીનું કહેવું છે કે હવે માત્ર અનાજનું ઉત્પાદન વધારવું પૂરતું નથી પણ ખેડૂતોની આવક વધે અને ખેતી લાંબા સમય સુધી ટકી શકે તેવા રસ્તા શોધવા જરૂરી છે. જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન, માછલી ઉછેર, મધમાખી ઉછેર અને સોલર ઊર્જા જેવા વ્યવસાય અપનાવે તો એક જ પાક પરની નિર્ભરતા ઘટાડી શકે છે. આ રીતે પાક નિષ્ફળ જાય અથવા બજારમાં ભાવ ઘટે તો આવકના બીજા વિકલ્પો પણ ઉપલબ્ધ રહી શકે છે.

PM Modi Farmers (1)

દૂધ, ઈંડા અને માછલીના ઉત્પાદનમાં કેટલો વધારો થયો?

ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાન મોદીએ ખેતી સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં દેશમાં દૂધના ઉત્પાદનમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. ઈંડાના ઉત્પાદનમાં આશરે 90 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે માછલીનું ઉત્પાદન બમણાથી પણ વધુ થયું છે.મધના ઉત્પાદનમાં પણ મોટો વધારો થયો છે.અગાઉ દેશમાં આશરે 80 હજાર ટન મધનું ઉત્પાદન થતું હતું જે હવે વધીને 1.5 લાખ ટન સુધી પહોંચ્યું છે.આ ઉપરાંત બાગાયતી પાકોનું ઉત્પાદન પણ 280 મિલિયન ટનથી વધીને 350 મિલિયન ટનથી વધુ થયું છે.આ આંકડા દર્શાવે છે કે ખેતીની સાથે જોડાયેલા બીજા ક્ષેત્રોમાં પણ ખેડૂતો માટે આવકની તકો વધી રહી છે.

PM Modi Farmers (2)

સોલર પાવરથી પણ ખેડૂતો કરી શકશે કમાણી

ખેતીની સાથે ખેડૂતોને વીજળીમાંથી પણ આવક મળે તે માટે સરકાર PM-KUSUM યોજના હેઠળ સોલર પંપને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 12 લાખ સોલર પંપ ખેડૂતોને આપવામાં આવ્યા છે. સોલર પંપથી ખેડૂતોને સિંચાઈ માટે વીજળીનો ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે. એટલું જ નહીં ખેતરમાં સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને વધારાની વીજળી ગ્રીડમાં વેચવાની તક પણ મળી શકે છે. વડાપ્રધાને આ બદલાવને ખેડૂતો અન્નદાતા ઉપરાંત ઊર્જાદાતા બની રહ્યા છે તે રીતે રજૂ કર્યો હતો.

solar-nuksan

10 હજાર FPOથી ખેડૂતોને મળશે મોટો ફાયદો

ખેડૂતોને તેમની પેદાશના યોગ્ય ભાવ મળે અને બજાર સુધી સીધી પહોંચ બને તે માટે FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં નાના ખેડૂતો એક સાથે મળીને સંગઠન બનાવે છે અને પોતાની પેદાશનું વેચાણ કરે છે.વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે દેશમાં 10 હજાર FPOનું નેટવર્ક તૈયાર થયું છે. આ સંગઠનો ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ, પેદાશની કિંમત વધારવા અને નિકાસ બજાર સાથે જોડવામાં મદદ કરી શકે છે. તેનાથી ખેડૂતો માત્ર કાચો માલ વેચવાને બદલે તેની પ્રોસેસિંગ કરીને વધુ આવક મેળવી શકે છે.

ખાતરનો ખર્ચ ઘટાડવા સરકારનો પ્રયાસ

વડાપ્રધાન મોદીએ ખાતરની કિંમતો અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 વર્ષમાં ખાતર સસ્તું રાખવા માટે સરકારે આશરે 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 5 હજાર રૂપિયાની કિંમત ધરાવતી DAP ખાતરની થેલી ખેડૂતોને 1,300 રૂપિયામાં મળે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 3 હજાર રૂપિયાની કિંમત ધરાવતી યુરિયાની થેલી ખેડૂતોને 300 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળે છે. જોકે સસ્તા યુરિયાના કારણે તેનો વધુ પડતો ઉપયોગ થવાની સમસ્યા પણ જોવા મળે છે. ખેતીમાં જરૂર કરતાં વધારે યુરિયાનો ઉપયોગ જમીનની ગુણવત્તા અને પાકના હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. આથી ખેડૂતોને ખાતરનો ઉપયોગ જમીનની જરૂરિયાત પ્રમાણે કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાત સહિત 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર, જાણો ક્યાં કેટલા મતદારો!

કુદરતી ખેતી પર પણ વડાપ્રધાનનો ભાર

વડાપ્રધાન મોદીએ ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઘટાડીને કુદરતી ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી. તેમના મતે જમીનની ફળદ્રુપતા જાળવવી અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું ખેતીના ભવિષ્ય માટે જરૂરી છે.કુદરતી ખેતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનો અને કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી રાસાયણિક ખાતર પરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે. જોકે ખેડૂતો માટે આ પદ્ધતિ અપનાવતાં પહેલાં જમીન, પાણી અને પાકની જરૂરિયાત સમજવી પણ જરૂરી છે.

સોઇલ ટેસ્ટિંગ લેબની સંખ્યા 8,400થી વધુ થઈ

ખેડૂતોને કઈ જમીનમાં કયો પાક ઉગાડવો અને કેટલા ખાતરની જરૂર છે તે સમજાવવા માટે જમીનની તપાસ પણ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2014માં દેશમાં સોઇલ ટેસ્ટિંગ લેબની સંખ્યા ઘણી ઓછી હતી જે હવે વધીને 8,400થી વધુ થઈ છે.આ લેબમાં જમીનના નમૂનાની તપાસ કરીને તેમાં રહેલા પોષક તત્વો અને અન્ય ગુણધર્મોની જાણકારી મળે છે. તેના આધારે ખેડૂતો પાકની પસંદગી અને ખાતરના ઉપયોગ અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત પશુઓને થતા ફૂટ એન્ડ માઉથ રોગ સામે 8 કરોડથી વધુ ખેડૂતોનાં પશુઓને મફત રસી આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

શું આ બદલાવથી ખરેખર ખેડૂતોની આવક વધશે?

ખેડૂતોને ઘઉં, ચોખા અને શેરડી સિવાયના વિકલ્પો અપનાવવાની સલાહ આપવી એક વાત છે, પરંતુ તેને ખેતર સુધી પહોંચાડવી મોટો પડકાર છે. દૂધ ઉત્પાદન, માછલી ઉછેર, મધમાખી ઉછેર કે સોલર પાવર જેવા વિકલ્પો અપનાવવા માટે શરૂઆતમાં રોકાણની જરૂર પડે છે.આ ઉપરાંત ખેડૂતોને યોગ્ય તાલીમ, સંગ્રહની સુવિધા, બજાર અને પેદાશના સારા ભાવ મળે તે પણ જરૂરી છે. નાના ખેડૂતો માટે આ વ્યવસ્થા ઊભી કરવી સરળ નથી. જો તેમને સરકારની યોજનાઓ, બેન્કની લોન અને બજારની યોગ્ય સુવિધા મળે તો આવકના નવા રસ્તા ખુલી શકે છે.વડાપ્રધાન મોદીની આ અપીલનો મુખ્ય હેતુ ખેતીને માત્ર પાક ઉગાડવા પૂરતી મર્યાદિત ન રાખીને તેને આવકના વધારે સોર્સ ધરાવતા વ્યવસાયમાં ફેરવવાનો છે. હવે આ દિશામાં ખેડૂતોને કેટલી મદદ મળે છે અને તેમને કેટલો આર્થિક ફાયદો થાય છે તેના પર આ યોજનાઓની સફળતાનો આધાર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Farmers Crop Diversification Diversification

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ