ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં રાત્રે-સવારે ઠંડીનો ચમકારો, બપોરે ગરમીનો અહેસાસ, જાણો આજનું હવામાન!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:51 AM, 13 November 2026
1/6
ગુજરાતમાં હવામાન દરરોજ નવો રંગ બતાવી રહ્યું છે. એક તરફ રાત્રે ઠંડા પવનને કારણે લોકોને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ બપોરના સમયે ગરમીનો પારો ફરી વધી રહ્યો છે. જાણે એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે શું આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ગરમીનો આ જ માહોલ યથાવત રહેશે? હવામાન વિભાગની આગાહી મુજબ આજે 13 નવેમ્બરે પણ રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ યથાવત રહી શકે છે. સાથે જ આગામી 7 દિવસ દરમિયાન વરસાદ કે માવઠાની કોઈ શક્યતા નથી.
2/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગઈકાલની જેમ કેટલાક વિસ્તારોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચું રહી શકે છે, જ્યારે બપોરનું મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે લોકોને સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થતો રહેશે.
ADVERTISEMENT
3/6
બીજી તરફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં હવામાનની ગતિવિધિઓ તેજ બની રહી છે. અહીં દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન ફેલાયેલું છે. તેના પ્રભાવ હેઠળ આજે 13 નવેમ્બરે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 14 નવેમ્બરે આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જ્યારે 15 નવેમ્બરે તે જ વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ વધુ તીવ્ર પણ બની શકે છે.
4/6
આગામી દિવસોમાં અલ નીનોની અસર પણ જોવા મળી શકે છે. કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગર પર હાલમાં અત્યંત મજબૂત અલ નીનોની સ્થિતિ પ્રવર્તી રહી છે. લેટેસ્ટ મોન્સૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટ સિસ્ટમ (MMCFS) અને અન્ય વૈશ્વિક આબોહવા મોડેલની આગાહી મુજબ નવેમ્બર અને ડિસેમ્બર 2026 દરમિયાન પણ અત્યંત મજબૂત અલ નીનોની સ્થિતિ રહેવાની સંભાવના છે. બીજી તરફ હિંદ મહાસાગરમાં ડિસેમ્બર 2026 સુધી ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD)ની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. મેડન જુલિયન ઓસિલેશન (MJO) સિસ્ટમ પણ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોજિનેસિસ એટલે કે દરિયામાં ડિપ્રેશન સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
5/6
ગઈકાલે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો 37.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભુજમાં 36.5, સુરત અને વેરાવળમાં 36, પોરબંદર અને મહુવામાં 35.8, કેશોદમાં 35.6, અમરેલીમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, વડોદરામાં 35.2 અને અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કંડલા પોર્ટમાં 35, ભાવનગરમાં 34.7, ગાંધીનગરમાં 34.5, ડીસામાં 34.2, નલિયામાં 33.8, ઓખામાં 32.3 અને દ્વારકામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
6/6
હવે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 16.8 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં 17, મહુવામાં 18.3, વડોદરામાં 18.4, રાજકોટમાં 18.7, કેશોદ અને ગાંધીનગરમાં 18.8, ડીસામાં 19.4, પોરબંદરમાં 19.5, સુરતમાં 20 અને અમદાવાદમાં 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં 21.3, સુરેન્દ્રનગર અને ભુજમાં 22.2, વેરાવળમાં 22.5, કંડલા પોર્ટમાં 22.8, દ્વારકામાં 23.4 અને ઓખામાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, હાલ રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ યથાવત છે અને આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા ન હોવાથી લોકોને ઠંડી અને ગરમી બંનેનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ