ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કર્મચારી સાથે અફેરના અહેવાલો બાદ Nvidiaના CEO જેન્સન હુઆંગને પદ પરથી હટાવવાની તૈયારી?

વિશ્વ / કર્મચારી સાથે અફેરના અહેવાલો બાદ Nvidiaના CEO જેન્સન હુઆંગને પદ પરથી હટાવવાની તૈયારી?

Published By: Nidhi Panchal

Last Updated: 11:49 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની સૌથી મોટી ચિપ બનાવતી કંપની NVIDIAના CEO જેન્સેન હુઆંગ અત્યારે મોટા વિવાદમાં ફસાયા છે. લગ્નેત્તર સંબંધોના નવા આરોપો અને ચીન સાથેના કથિત જોડાણને કારણે તેમની ખુરશી પર પણ જોખમ ઊભું થયું છે.

ADVERTISEMENT

કોઈ પણ મોટી કંપનીની સફળતા પાછળ તેના નેતૃત્વનો મોટો હાથ હોય છે, પરંતુ જ્યારે કંપનીના સૌથી મોટા ચહેરા સામે જ સવાલો ઊભા થાય ત્યારે તેની અસર માત્ર વ્યક્તિ પૂરતી સીમિત રહેતી નથી. આવું જ કંઈક દુનિયાની અગ્રણી ચિપ બનાવતી કંપની NVIDIAના CEO જેન્સેન હુઆંગ સાથે થઈ રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ તેમના અંગત જીવનને લઈને લગ્નેત્તર સંબંધોના આરોપો લાગી રહ્યા છે, તો બીજી તરફ ચીન સાથેના કથિત જોડાણને લઈને પણ સવાલો ઊભા થયા છે. હવે આ સમગ્ર વિવાદ વચ્ચે કંપનીનું બોર્ડ તેમના ભવિષ્ય અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

NVIDIA-CEO

હુઆંગને CEO પદેથી દૂર કરવા અંગે વિચારણા

અહેવાલ મુજબ, NVIDIAનું બોર્ડ જેન્સેન હુઆંગને CEO પદેથી દૂર કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. આ વિવાદમાં કંપનીના હેલ્થકેર વિભાગનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથેના કથિત સંબંધોના નવા આરોપો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ચીન માટે જાસૂસી કરવાની શંકા ધરાવતા એક ચીની ઉદ્યોગપતિ સાથેના તેમના અગાઉના સંબંધોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જો હુઆંગને પદ પરથી હટાવવામાં આવે તો લગભગ 4 ટ્રિલિયન ડોલરની કંપનીમાં નેતૃત્વને લઈને મોટી અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે. હુઆંગે વર્ષ 1993માં NVIDIAની સ્થાપના કરી હતી અને આજે આ કંપની AI ચિપ્સ બનાવતી દુનિયાની અગ્રણી કંપની બની ગઈ છે.

NVIDIAના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો

આ વિવાદની અસર કંપનીના શેર પર પણ જોવા મળી છે. હુઆંગને CEO પદેથી હટાવવાની શક્યતાઓ અંગેના અહેવાલો બાદ આફ્ટર-અવર્સ ટ્રેડિંગમાં NVIDIAના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બુધવારના ઘટાડા સહિત આ અઠવાડિયે કંપનીના બજાર મૂલ્યમાં લગભગ 600 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અહેવાલ છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, કંપનીનું બોર્ડ સંભવિત નવા CEOની ઓળખ કરવા માટે બહારની એક કંપનીની મદદ પણ લઈ રહ્યું છે. કારણ કે NVIDIA પાસે હાલ કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકાર યોજના નથી.

કિમ્બર્લી પોવેલ સાથેના સંબંધોના આરોપો

જેન્સેન હુઆંગ સામેના વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બુધવારે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે તેમના અને NVIDIAના હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ વચ્ચે કથિત લગ્નેત્તર સંબંધ હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો. અહેવાલ મુજબ, 63 વર્ષીય હુઆંગ અને 48 વર્ષીય પોવેલ વચ્ચેના સંબંધોને લઈને કંપનીના કેટલાક પૂર્વ કર્મચારીઓએ પણ માહિતી આપી હતી. બે પૂર્વ કર્મચારીઓએ દાવો કર્યો હતો કે માર્ચ મહિનામાં સેન જોસની એક હોટલમાં યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન બંનેને એકબીજા સાથે ખૂબ જ નજીકથી વાત કરતા જોયા હતા.

દાવો કરવામાં આવ્યો હતો કે એક રાહદારીએ બંનેનું રેકોર્ડિંગ કર્યું

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એક રાહદારીએ બંનેનું રેકોર્ડિંગ કર્યું હતું. જોકે, હુઆંગની સુરક્ષા ટીમે દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ તે વ્યક્તિને નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ એટલે કે NDA પર સહી કરવા માટે કહેવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આ મામલે કંપની સાથે જોડાયેલા પાંચ લોકોનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે હુઆંગને આ કથિત સંબંધ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે માત્ર એટલું કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે તમારે મારી સાથે સીધી વાત કરવી જોઈએ.'

કંપનીમાં નેતૃત્વને લઈને ચિંતા

હુઆંગને પદ પરથી દૂર કરવાની કોઈ પણ કાર્યવાહી NVIDIA માટે સરળ નહીં હોય. કારણ કે કંપનીમાં તેમનું ખૂબ જ મોટું સ્થાન છે. તેમની પાસે કંપનીના આશરે 3.6 ટકા શેર છે અને કંપનીના અનેક મોટા નિર્ણયો પર તેમનો સીધો પ્રભાવ છે. કંપનીના ડઝનબંધ વરિષ્ઠ અધિકારીઓ સીધા તેમને રિપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં જો તેઓ અચાનક પદ છોડે તો કંપનીમાં નેતૃત્વનું મોટું ખાલીપણું ઊભું થઈ શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે સ્પષ્ટ ઉત્તરાધિકારી ન હોવાથી કંપની માટે તાત્કાલિક નવા CEOની પસંદગી કરવી પડકારરૂપ બની શકે છે.

પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી

આ દરમિયાન રવિવારે હુઆંગે કર્મચારીઓને લખેલા મેમોમાં પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી હતી. જોકે, તેમણે કથિત સંબંધ અંગે કોઈ વિગત આપી નહોતી. તેમણે આ મામલે સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ જ દિવસે NVIDIAના બોર્ડે તપાસ શરૂ કરી હતી કે શું હુઆંગને કોઈ વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ તપાસ સ્વતંત્ર ડિરેક્ટરો દ્વારા બહારના કાનૂની સલાહકારની મદદથી કરવામાં આવી રહી છે. તપાસની જાહેરાત કરતી વખતે બોર્ડે હુઆંગ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ચીન સાથેના કથિત જોડાણથી વોશિંગ્ટનમાં પણ સવાલો

હુઆંગની મુશ્કેલીઓ માત્ર કંપની પૂરતી સીમિત નથી. ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ સાથેના તેમના કથિત સંબંધોને લઈને પણ સવાલો ઊભા થયા છે. અહેવાલો મુજબ, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ એલિસ હુઆંગને ચીની કંપનીઓ સુધી NVIDIAની ચિપ્સ પહોંચાડવામાં મદદ કરવા સાથે જોડ્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. આ મામલે અમેરિકાની કોંગ્રેસ પણ હુઆંગ પાસે જવાબ માગી શકે છે. જો તેઓ ચીન સાથેના કથિત સંબંધો અને બેઇજિંગ સુધી માહિતી પહોંચાડવામાં આવી હોવાના દાવા અંગે બંધ બારણે થનારી બ્રીફિંગમાં હાજર ન રહે અથવા જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તેમને કોંગ્રેસ તરફથી સમન્સ મોકલવામાં આવી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગને સમર્થન આપ્યું

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગને સમર્થન આપ્યું છે. તેમણે હુઆંગને એક માનનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે અમેરિકા માટે અદ્ભુત કામ કર્યું છે. જોકે, આ મામલે અમેરિકામાં તપાસનો વ્યાપ વધી શકે છે. એક્સિઓસના અહેવાલ મુજબ, અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે NVIDIAની ચિપ્સ ચીનમાં પહોંચાડવાની શંકા ધરાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાના ટ્રમ્પના પ્રયાસોને અટકાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે વ્હાઇટ હાઉસ કે લુટનિકના પ્રવક્તા તરફથી તાત્કાલિક કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.

NVIDIAના શેર ઘટ્યા, હરીફ કંપનીઓને ફાયદો

આ સમગ્ર વિવાદની અસર અમેરિકાના શેરબજાર પર પણ પડી છે. NVIDIAના શેરમાં ઘટાડા સાથે અમેરિકાના સ્ટોક ફ્યુચર્સ પણ નીચે આવ્યા હતા. ખાસ કરીને નાસ્ડેક ફ્યુચર્સમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ NVIDIAની હરીફ કંપનીઓ AMD અને બ્રોડકોમના શેરમાં આફ્ટર-અવર્સ ટ્રેડિંગ દરમિયાન અનુક્રમે લગભગ 4 ટકા અને 3 ટકાનો વધારો થયો હતો. બજારના જાણકારોનું માનવું છે કે NVIDIAમાં લાંબા સમય સુધી કોઈ વિક્ષેપ રહે તો AMD અને બ્રોડકોમ જેવી કંપનીઓને બજારમાં પોતાનો હિસ્સો વધારવાની તક મળી શકે છે.

કંપનીઓ અને તેમાં થયેલા રોકાણોને લઈને ચિંતા વધી રહી

જોકે, વિશ્લેષકોનું માનવું છે કે NVIDIAની AI ચિપ્સની માંગમાં તાત્કાલિક મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. પરંતુ કંપની સાથે જોડાયેલી બીજી ઘણી કંપનીઓ અને તેમાં થયેલા રોકાણોને લઈને ચિંતા વધી રહી છે. NVIDIA આજે વૈશ્વિક AI રોકાણની તેજીનું કેન્દ્ર બની ગઈ છે. કંપનીની નાણાકીય વ્યવસ્થા અને રોકાણો એવી ઘણી કંપનીઓને ટેકો આપે છે, જે પોતે પણ NVIDIAની ગ્રાહક છે. સિંગાપોરની વેન્ટેજ પોઈન્ટ એસેટ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિક ફેરેસે ચેતવણી આપી છે કે આ વિવાદ લાંબો ચાલે તો વૈશ્વિક રોકાણ ક્ષેત્રની નબળાઈઓ સામે આવી શકે છે.

આ પણ વાંચો : નોર્વેની મહિલા પત્રકારના ભારતના વિઝા રદ! હૈદરાબાદની ફ્લાઇટના થોડા કલાકો પહેલાં જ લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે જેન્સેન હુઆંગે વર્ષ 1993માં કર્ટિસ પ્રીમ અને ક્રિસ માલાચોવસ્કી સાથે મળીને NVIDIAની સ્થાપના કરી હતી. શરૂઆતમાં કંપની કમ્પ્યુટર ગેમિંગ માટે ગ્રાફિક્સ પ્રોસેસર બનાવતી હતી. ત્યારબાદ કંપનીના CUDA સોફ્ટવેરની મદદથી આ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય કમ્પ્યુટિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી વધ્યો હતો. આજે NVIDIA દુનિયાની સૌથી મહત્વની ટેક્નોલોજી કંપનીઓમાં સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે આટલી મોટી કંપનીના સ્થાપક અને CEO જેન્સેન હુઆંગ સામેના આરોપો વચ્ચે બોર્ડ શું નિર્ણય લે છે અને તેની અસર કંપનીના ભવિષ્ય પર કેવી પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kimberly Powell NVIDIA CEO AI Chip

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ