ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીના તહેવારો વચ્ચે અમૂલનો ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો! ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં વધારો
Last Updated: 06:49 AM, 12 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવારોની મીઠાશ હજુ ઓછી થઈ નથી ત્યાં જ સામાન્ય પરિવારોના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા દૂધના ભાવમાં વધારો થતાં હવે ઘરનું બજેટ પણ ખોરવાઈ શકે છે. ગુજરાતની જાણીતી દૂધ બ્રાન્ડ અમૂલે ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 12 નવેમ્બરથી અમલી થનારા નવા ભાવ મુજબ હવે ગ્રાહકોએ અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા દૂધ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. જોકે, રાહતની વાત એ છે કે ગોલ્ડ અને તાજા સિવાયની અમૂલની અન્ય પ્રોડક્ટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા છ મહિનામાં બીજી વખત અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં મે 2026માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ગોલ્ડ અને તાજા દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવા ભાવ 12 નવેમ્બરથી જ લાગુ થઈ જશે.
ADVERTISEMENT
નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડના અડધા લિટરના પાઉચ માટે અગાઉ 35 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે વધીને 37 રૂપિયા થઈ ગયા છે. એટલે કે ગ્રાહકોએ અડધા લિટરના પાઉચ પર 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે. બીજી તરફ, અમૂલ તાજાના અડધા લિટરના પાઉચની કિંમત 29 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે એક લિટર અમૂલ તાજાના પાઉચની કિંમત 57 રૂપિયાથી વધારીને 59 રૂપિયા કરવામાં આવી છે.
ADVERTISEMENT
અન્ય વેરિઅન્ટની વાત કરીએ તો ગાયના દૂધના 500 મિલી પાઉચની કિંમત 30 રૂપિયા જ રાખવામાં આવી છે. ભેંસના દૂધના 500 મિલી પાઉચની કિંમત પણ 39 રૂપિયા યથાવત્ રહેશે. અમૂલ શક્તિના 500 મિલી અને ટી સ્પેશિયલના એક લિટરના ભાવમાં પણ કોઈ વધારો દર્શાવવામાં આવ્યો નથી. આમ, ભાવવધારો માત્ર અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની GCMMFના જણાવ્યા અનુસાર, દૂધના ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપથી વધારો થવાને કારણે ભાવવધારાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત પશુઆહારમાં ઉપયોગમાં લેવાતા ખોળ, મકાઈ અને ગોળની રસી એટલે કે શીરાના ભાવ પણ વધ્યા છે. દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી બળતણ પણ મોંઘું થયું છે. આ તમામ કારણોને પગલે દૂધના ઉત્પાદન પાછળનો ખર્ચ વધ્યો છે.
ADVERTISEMENT
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ પડવાને કારણે પરિસ્થિતિ પડકારજનક બની છે. વરસાદની અનિયમિતતાની અસર પશુઓ માટેના ચારા અને દૂધ ઉત્પાદન પર પડી રહી છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળી રહે અને મુશ્કેલ સમયમાં તેમને આર્થિક સહાય મળી રહે તે માટે ગ્રાહકો માટે દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ દૂધ ઉત્પાદકોને યોગ્ય વળતર આપવાનો છે.
દરમિયાન, દૂધના અલગ અલગ વેરિઅન્ટ્સમાં ફેટનું પ્રમાણ પણ અલગ હોય છે. ફુલ ક્રીમ મિલ્કમાં ફેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને તેમાં ઓછામાં ઓછું 6 ટકા ફેટ હોય છે. આ દૂધ વધુ ઘટ્ટ અને પોષણથી ભરપૂર માનવામાં આવે છે. ટોન્ડ મિલ્ક હોલ મિલ્ક એટલે કે ફુલ ક્રીમ દૂધમાં સ્કિમ્ડ મિલ્ક અને પાણી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તેમાં ફેટનું પ્રમાણ ઘટાડીને લગભગ 3 ટકા સુધી લાવવામાં આવે છે.
આ પણ વાંચો : નવસારીના સરા ગામમાં 7 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, માતાએ બૂમાબૂમ કરતાં જીવ બચ્યો
ડબલ ટોન્ડ મિલ્કમાં ફેટનું પ્રમાણ વધુ ઘટાડીને લગભગ 1.5 ટકા કરવામાં આવે છે. ઓછી કેલરીવાળો આહાર પસંદ કરનારા લોકો માટે આ દૂધ યોગ્ય માનવામાં આવે છે. જ્યારે બલ્ક ટોન્ડ મિલ્કની વાત કરીએ તો તે મધર ડેરીના વેન્ડિંગ બૂથ પર પાઉચ વગર સીધું વેચવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો