ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોમાસાની વિદાય શરૂ, 11 જિલ્લાઓમાં આજે વરસાદ નહીં પડે, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા
5 ફોટો ગેલેરી
Last Updated: 06:55 AM, 24 September 2026
1/5
ચોમાસાની વિદાયનો સમય શરૂ થઈ ગયો છે, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા હજુ પણ યથાવત છે. હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ ગઈ છે. હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. બીજી તરફ પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આ સિસ્ટમ કલિંગાપટ્ટનમથી આશરે 50 કિ.મી. દક્ષિણ-પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 120 કિ.મી. પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ગોપાલપુરથી 150 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પુરીથી 250 કિ.મી. દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતી.
2/5
આ ડીપ ડિપ્રેશન હવે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આ સિસ્ટમ કલિંગાપટ્ટનમ નજીક વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી વિક્ષોભ મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં 5.8 કિ.મી.ની ઊંચાઈએ ધરી પર યથાવત છે. પ્રદેશના નીચલા સ્તરો પર પશ્ચિમીથી ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સમગ્ર હવામાન સ્થિતિ વચ્ચે આજે એટલે કે 24 સપ્ટેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા નથી. જોકે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
3/5
25 સપ્ટેમ્બરની આગાહી પર નજર કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 26થી 29 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ અને બોટાદમાં વરસાદની શક્યતા નથી. જોકે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આ સમયગાળા દરમિયાન વરસાદ થઈ શકે છે.
4/5
રાજ્યના મુખ્ય શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ થઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે વડોદરામાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
ADVERTISEMENT
5/5
ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હોવા છતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા હજુ પણ છે. ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં 26થી 29 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા ઘટતી જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થઈ શકે છે. એટલે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં વરસાદનું સંપૂર્ણ વિરામ હજુ આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ