ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / ગુજરાતના દરિયાકાંઠે AK-47 સહિત હિંસક હથિયારો ઉતર્યા, મધ્યપ્રદેશમાં સંતાડાયા અને છેડા અમદાવાદ સુધી પહોંચ્યા

ક્રાઈમ / ગુજરાતના દરિયાકાંઠે AK-47 સહિત હિંસક હથિયારો ઉતર્યા, મધ્યપ્રદેશમાં સંતાડાયા અને છેડા અમદાવાદ સુધી પહોંચ્યા

Published By: Nidhi Panchal
Reported By: Maulik Patel

Last Updated: 04:07 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાંથી AK-47 જેવી ઘાતક રાઈફલ સાથે આતંકી પકડાયો, ત્યારે વાંચો ગુજરાતની ધરતી પર ઉતરેલા હિંસક હથિયારોના કન્સાઈનમેન્ટની એવી વાત, જેની અસર આખા દેશમાં થઈ. હથિયારો કેવી રીતે ગુજરાતના દરિયાકાંઠે ઉતર્યા, મધ્યપ્રદેશ પહોંચ્યા અને મુંબઈના બ્લાસ્ટ સાથે શું કનેક્શન હતું?

ADVERTISEMENT

દરિયો શાંત હતો, રાત અંધારી હતી અને ગુજરાતના દરિયાકિનારે એક એવું કન્સાઈનમેન્ટ ઉતરવાની તૈયારીમાં હતું, જેની ગૂંજ મુંબઈના બોમ્બ બ્લાસ્ટથી લઈને અમદાવાદના અંડરવર્લ્ડ સુધી સંભળાવાની હતી. માછીમારોની બોટના ઓઠા હેઠળ આગળ વધી રહેલી લોન્ચમાં માછલી નહીં, પરંતુ RDX, AK-47, AK-56, હેન્ડ ગ્રેનેડ અને હજારો કારતૂસ ભરેલાં હતાં. આ કોઈ સામાન્ય દાણચોરી નહોતી. ભારતની ધરતી પર આતંક અને કોમી હિંસાની આગ લગાડવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના નેટવર્કે રચેલું ખતરનાક ષડયંત્ર હતું. પોરબંદરના ગોસાબારા કિનારે ઉતરેલા હથિયારોની એક ખૂની ચેઈન તૈયાર થઈ હતી. આ ચેઈનનો એક છેડો મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ સુધી પહોંચ્યો, તો બીજો અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફના અડ્ડા સુધી. લતીફે હથિયારો સંતાડવા માટે એવી જગ્યા પસંદ કરી કે જ્યાં પોલીસ પહોંચવાની કલ્પના પણ મુશ્કેલ હતી. મધ્યપ્રદેશના એક ગામના સૂકા કૂવામાં રાઈફલો, ગ્રેનેડ અને હજારો કારતૂસ ઉતારી દેવાયાં. પરંતુ 1995માં લતીફની ધરપકડ બાદ આ કૂવાનું રહસ્ય ખુલ્યુ અને આખું હથિયાર નેટવર્ક તપાસ એજન્સીઓ સામે ખુલ્લું પડ્યું.

દાઉદના ઇશારે પાકિસ્તાનમાં તૈયાર થયું મોતનું કન્સાઈનમેન્ટ

ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ થયા બાદ તેનો બદલો લેવા અને ભારતમાં મોટા પાયે કોમી હિંસા ફેલાવવાના ઇરાદાથી દાઉદ ઈબ્રાહિમે આ ષડયંત્ર ઘડ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. દુબઈમાં બેઠેલા દાઉદે પાકિસ્તાનમાં પોતાના સંપર્કો મારફતે હથિયારોની વ્યવસ્થા કરી હતી. ટાઈગર મેમણ, અનીસ ઈબ્રાહિમ અને અન્ય સાગરીતોને આ ઓપરેશનની જવાબદારી સોંપાઈ હતી. આ માટે ગુજરાતના જૂના દાણચોરી નેટવર્કને ફરી સક્રિય કરવામાં આવ્યું હતું. જામનગરના સલાયા, કચ્છના માંડવી અને પોરબંદરના દરિયાકિનારાના રૂટનો ઉપયોગ નક્કી થયો. 1980 અને 1990ના દાયકામાં આ રૂટ પરથી સોનું, ચાંદી અને ઇલેક્ટ્રોનિક સામાનની દાણચોરી થતી હતી. આ વખતે એ જ દરિયાઈ રસ્તે દેશને લોહીલુહાણ કરવાની સામગ્રી આવવાની હતી. તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની મરીન તથા સૈન્ય અધિકારીઓની સંડોવણીની વિગતો પણ સામે આવી હતી. કરાચી નજીક દરિયામાં પાકિસ્તાની જહાજમાંથી હથિયારોની પેટીઓ દાણચોરોની બોટમાં ઉતારવામાં આવી હતી.

48 કલાક દરિયામાં રોકાયો, પછી વહેંચાયો હથિયારોનો જથ્થો

પાકિસ્તાનથી આવેલા હથિયારો 'સદા અલ બહર' નામની બોટમાં ભરવામાં આવ્યા હતા. તેમાં RDX, બ્લેક પાવડર, 150થી વધુ આધુનિક રાઈફલો, હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ હતાં. આ બોટ લગભગ 48 કલાક સુધી મધદરિયે રોકાઈ રહી હતી. ત્યારબાદ 'બિસ્મિલ્લાહ' અને 'મારવાન' નામની બે લોન્ચ ત્યાં પહોંચી હતી. મધદરિયે જ હથિયારોની વહેંચણી કરવામાં આવી હતી. અડધો જથ્થો 'બિસ્મિલ્લાહ' બોટમાં ટ્રાન્સફર કરીને મહારાષ્ટ્ર તરફ મોકલાયો હતો, જ્યારે 'સદા અલ બહર' ગુજરાતના પોરબંદર તરફ રવાના થઈ હતી. સેટેલાઇટ ફોનથી ક્લિયરન્સ મળ્યા બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરી 1993 દરમિયાન ગોસાબારા ગામના દરિયાકિનારે પુલ નજીક હથિયારો ઉતારવામાં આવ્યાં હતાં.

કૂવામાંથી નીકળ્યો ઘાતક હથિયારોનો જથ્થો 01

ટ્રકથી એમ્બ્યુલન્સ સુધીનો ખેલ, હથિયારો અમદાવાદ પહોંચ્યાં

ગોસાબારાના દરિયાકિનારે ઉતરેલા હથિયારોને ગુજરાત અને અન્ય રાજ્યોમાં પહોંચાડવા માટે પરિવહનની વ્યવસ્થા અગાઉથી ગોઠવાઈ હતી. ટ્રકોમાં હથિયારો ભરીને ધોરાજી, અમદાવાદ અને વલસાડ તરફ મોકલવામાં આવ્યા હતા. આ કામગીરીની જવાબદારી દાણચોર ઈજ્જુ શેખે સંભાળી હતી. પોલીસની નજરથી બચવા માટે વલસાડથી ભિલાડ સુધી હથિયારોનો એક જથ્થો સરકારી એમ્બ્યુલન્સમાં લઈ જવાયો હતો. ભિલાડ પહોંચ્યા બાદ જથ્થાના બે ભાગ કરાયા હતા. એક ભાગ મુંબઈ પહોંચાડાયો, જ્યારે બીજો મોટો જથ્થો અમદાવાદના અબ્દુલ લતીફ સુધી પહોંચ્યો હતો.

કૂવામાંથી નીકળ્યો ઘાતક હથિયારોનો જથ્થો 02

તપાસ એજન્સીઓની ચાર્જશીટ મુજબ, 14 જાન્યુઆરી 1993ના રોજ ઉત્તરાયણના દિવસે હથિયારોનો મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. દાઉદના ષડયંત્રમાં અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને દેશભરમાં કોમી રમખાણો ભડકાવવાનો ઇરાદો હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ થયો હતો.

લતીફના અડ્ડા બન્યા હથિયારોનાં ગોડાઉન

અમદાવાદમાં પહોંચેલા હથિયારો અબ્દુલ લતીફે દરિયાપુર, કાલુપુર અને શાહપુરના પોતાના અડ્ડાઓ પર સંતાડ્યા હતા. શહેરમાં લતીફ ગેંગની દહેશત હતી. આધુનિક રાઈફલો અને કારતૂસનો જથ્થો તેના નેટવર્કને વધુ ખતરનાક બનાવી રહ્યો હતો. અહીં એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે. ઓગસ્ટ 1992માં ઓઢવના રાધિકા જિમખાનામાં થયેલા ગોળીબાર અને હત્યાકાંડમાં લતીફ ગેંગે AK-47નો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં હંસરાજ ત્રિવેદી સહિત નવ લોકોનાં મોત થયાં હતાં. પરંતુ આ રાઈફલો 1992ના અગાઉના કન્સાઈનમેન્ટની હતી. ગોસાબારા મારફતે આવેલો જથ્થો 1993માં પહોંચ્યો હતો. એટલે બંને કન્સાઈનમેન્ટ અલગ હતાં.

કૂવામાંથી નીકળ્યો ઘાતક હથિયારોનો જથ્થો 03

પોલીસનો પીછો શરૂ થતાં હથિયારોને કૂવામાં ઉતાર્યાં

મુંબઈ બ્લાસ્ટ અને અન્ય ગુનાકીય ઘટનાઓ બાદ તપાસ એજન્સીઓની નજર લતીફ ગેંગ પર હતી. પોલીસની ભીંસ વધતાં લતીફે હથિયારો શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે પોતાના સાગરીત સોહરાબુદ્દીન શેખની મદદ લીધી હતી.

કૂવામાંથી નીકળ્યો ઘાતક હથિયારોનો જથ્થો 04

લગભગ 50 જેટલી AK-47 અને AK-56 રાઈફલો, હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ખાચરોદ તાલુકા નજીક આવેલા ઝરણીયા ગામમાં લઈ જવાયાં હતાં. સોહરાબુદ્દીનના ખેતરમાં આવેલા એક ઊંડા સૂકા કૂવામાં આ હથિયારો સંતાડવામાં આવ્યાં હતાં. હથિયારોને કાટ ન લાગે તે માટે તેના પર ગ્રીસ લગાવીને પ્લાસ્ટિક અને કોથળામાં વીંટાળવામાં આવ્યાં હતાં. ત્યારબાદ એક પછી એક હથિયારો કૂવામાં ઉતારવામાં આવ્યાં હતાં. લતીફે પોલીસની નજરથી મોતનો આ જથ્થો દૂર કરી દીધો હોવાનો ભરોસો રાખ્યો હતો. પરંતુ આ ગુપ્ત ગોડાઉનનું રહસ્ય આખરે તેના જ મોઢેથી બહાર આવવાનું હતું.

કૂવામાંથી નીકળ્યો ઘાતક હથિયારોનો જથ્થો 05

દિલ્હીના PCO પરથી ધરપકડ, કૂવામાંથી નીકળ્યો મોતનો ખજાનો

10 ઓક્ટોબર 1995ના રોજ ગુજરાત એટીએસએ દિલ્હીના એક STD/PCO બૂથ પરથી અબ્દુલ લતીફ અને તેના સાગરીત સબ્બીર હુસૈનની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન લતીફે મધ્યપ્રદેશના ઝરણીયા ગામમાં હથિયારો સંતાડ્યાં હોવાની કડી ખોલી હતી. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. સોહરાબુદ્દીનના ખેતરના સૂકા કૂવામાં તપાસ કરતાં હથિયારોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ રિકવરીએ ગુજરાતના દરિયાકિનારે થયેલા લેન્ડિંગથી લઈને અમદાવાદના અંડરવર્લ્ડ સુધી પહોંચેલી હથિયારોની ચેઈનનો મહત્ત્વનો પુરાવો આપ્યો હતો.

આ પણ વાંચો : ભાજપમાં સીએમ કોના અને કોંગ્રેસમાં વિપક્ષના નેતા કોના એની ચર્ચા ચાલુ! પાટીદાર આગેવાનોએ અચાનક કેમ માગી માફી?

33 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ

15 જુલાઈ 1993ના રોજ જામનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટાડા, આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. 1993થી શરૂ થયેલી તપાસ 2018 સુધી ચાલી હતી. તપાસમાં IPS અધિકારીઓ પી.કે. ઝા, સતીશ વર્મા અને મનોજ શશિધરની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Coast AK-47 Weapons Dawood Ibrahim

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ