ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજમાં આક્રોશ, ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આંદોલનની ચીમકી
Last Updated: 07:24 PM, 28 November 2026
ADVERTISEMENT
જેલમાં થયેલા એક મોતે હવે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની આગ ફેલાવી છે. ચાર દિવસથી ન્યાયની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળતાં હવે આ લડતને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી શરૂ થઈ છે. ભાવનગરના પથુભા ગોહિલના મોત મામલે ઉમરાળા તાલુકા રાજપૂત સમાજે વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પથુભા ગોહિલના પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલન માત્ર ભાવનગર જિલ્લા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં ફેલાવવામાં આવશે.
ADVERTISEMENT

ભાવનગરમાં પથુભા ગોહિલના જેલમાં થયેલા મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કીર્તિસિંહ ગોહિલ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન મામલતદારને આવેદનપત્ર પાઠવી પથુભા ગોહિલના મોત મામલે યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યા બાદ તંત્ર સામે વિરોધ નોંધાવવા માટે પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.
ADVERTISEMENT
ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કીર્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર દિવસથી પથુભા ગોહિલના મોત મામલે ન્યાય મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. આ મામલે ભાવનગરના એસપી, કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પથુભા ગોહિલ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન નહોતા, પરંતુ તેમણે દરેક સમાજના લોકોની મદદ કરી હતી. કોઈના દુઃખમાં ભાગ લેવાનું હોય કે સમાજના નાના-મોટા પ્રસંગોમાં હાજરી આપવાની હોય, તેઓ હંમેશાં આગળ રહેતા હતા. આ જ કારણ છે કે આજે તેમના મોતથી માત્ર ક્ષત્રિય સમાજને જ નહીં, પરંતુ ઉમરાળા તાલુકાના તમામ સમાજના લોકોને મોટું દુઃખ થયું છે. ટૂંકા સમયમાં આહવાન કરવા છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે, જે પથુભા ગોહિલ પ્રત્યે લોકોનો પ્રેમ દર્શાવે છે.
ADVERTISEMENT
કીર્તિસિંહ ગોહિલે પથુભા ગોહિલના મોત અંગે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પથુભાને ખોટા કેસોમાં સંડોવવામાં આવ્યા હતા. તેમને પૂરતી સારવાર મળવા દેવામાં આવી નહોતી અને જામીન પણ મળવા દીધા નહોતા. તેમના મતે, પૂરતી સારવાર ન મળી શકવાના કારણે જ પથુભા ગોહિલનું મૃત્યુ થયું હોવાની પરિવારજનોની માન્યતા છે. હવે પરિવારની એક જ લાગણી છે કે પથુભાના મૃત્યુ બાદ પણ તેમને ન્યાય મળવો જોઈએ. આ માટે સરકાર અને સંબંધિત અધિકારીઓ યોગ્ય પ્રયાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પથુભા ગોહિલના મૃતદેહ અંગે પણ કીર્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી હતી કે, આજદિન સુધી મૃતદેહ ઉપાડવામાં આવ્યો નથી. સમાજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તંત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ઉપાડવામાં આવશે નહીં.
ADVERTISEMENT
કીર્તિસિંહ ગોહિલે ચીમકી ઉચ્ચારી હતી કે, જો ન્યાય નહીં મળે તો સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. હવે આ મામલે સરકાર અને તંત્ર કેવું વલણ અપનાવે છે અને પરિવારની ન્યાયની માંગ અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.