ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેશોદના કોયલાણા ગામે દીપડાનો આતંક, વાડીમાં મગફળીનું કામ કરી રહેલા 55 વર્ષીય ખેડૂત પર હુમલો
Last Updated: 07:41 PM, 28 November 2026
ADVERTISEMENT
ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ કોઈ જંગલી પ્રાણી સામે આવી જાય અને જીવ બચાવવા માટે કંઈ વિચારવાનો પણ સમય ન મળે તો શું થાય? આવો જ ભયાનક બનાવ કેશોદ તાલુકાના કોયલાણા ગામે સામે આવ્યો છે. અહીં વાડીમાં મગફળીનું કામ કરી રહેલા 55 વર્ષીય ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલામાં ખેડૂતના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી અને દીપડાને પકડવા માટે તાત્કાલિક બે પાંજરાં ગોઠવી દીધાં છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, કેશોદ તાલુકાના કોયલાણા ગામે આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ ગંભીરસિંહ રાયજાદા (ઉંમર 55 વર્ષ) પોતાની વાડીમાં મગફળીનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી ગંભીરસિંહના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ મામલે જૂનાગઢ સોશિયલ ફોરેસ્ટ્રીના મદદનીશ વન સંરક્ષક એસ.એમ. મકરાણીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. સારવાર દરમિયાન ખેડૂતને ટાંકા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત ખતરાની બહાર છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT

વન વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોયલાણા ગામમાં અગાઉના ટૂંકા સમયમાં દીપડો જોવા મળ્યો હોવાની કોઈ માહિતી કે ફરિયાદ મળી નથી. આ વિસ્તારના આજુબાજુના ચારથી પાંચ ખેડૂતો સાથે વાતચીત અને મુલાકાત કર્યા બાદ જાણવા મળ્યું છે કે, અગાઉ અહીં દીપડાની હાજરી અંગે કોઈ ખાસ સમાચાર મળ્યા નહોતા. શક્યતા છે કે દીપડો આજુબાજુના કોઈ વિસ્તારમાંથી અહીં આવી પહોંચ્યો હોય અને તેના કારણે આ ઘટના બની હોય.
ADVERTISEMENT
ઘટના બાદ વન વિભાગે દીપડાને પકડવા માટે કામગીરી તેજ કરી છે. ખેડૂતની વાડીના વિસ્તારમાં, નદીકાંઠાના ભાગમાં તેમજ તુવેરનું વાવેતર કરેલા વિસ્તારમાં બે પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત વન વિભાગના ટ્રેકર, ગાર્ડ અને ફોરેસ્ટરની ટીમને 24 કલાક વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી દીપડાની હિલચાલ પર નજર રાખી શકાય અને તેને સુરક્ષિત રીતે પકડી શકાય.
ADVERTISEMENT
વન વિભાગે આસપાસના ખેડૂતો અને ખેતમજૂરોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, વિસ્તારમાં દીપડાની હાજરી હોઈ શકે છે, તેથી ખેડૂતોએ અને ખેતમજૂરોએ જાગૃત રહેવું જરૂરી છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં કે વાડી વિસ્તારમાં ખુલ્લામાં સૂવાનું ટાળવું અને પોતાના રક્ષણ માટે પાકા મકાનમાં જ સૂવાનો આગ્રહ રાખવો. હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, એકાએક બનેલી આ ઘટનાને પગલે કોયલાણા ગામ અને આસપાસના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.