બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર દારૂકાંડમાં મોટું અપડેટ, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો, મિથેનોલ કનેક્શનથી તપાસમાં નવા ખુલાસા
Last Updated: 07:24 AM, 21 August 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. આ કેસમાં સત્તાવાર રીતે મૃત્યુઆંક હવે 9 પર પહોંચી ગયો છે, જ્યારે બે શંકાસ્પદ મૃત્યુ સાથે કુલ 11 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ઝેરી દારૂ પીવાથી આશરે 50 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સર ટી હોસ્પિટલ સહિત પાંચ ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી નેફ્રોલોજિસ્ટની નિષ્ણાત તબીબોની ટીમ ભાવનગર પહોંચી છે અને સારવારમાં જોડાઈ છે. બીજી તરફ સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લગભગ 12 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જોકે હજુ પણ સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે મોટાભાગના દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ADVERTISEMENT

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ 21 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવેલી સઘન તપાસમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાતા ગૌતમ સોલંકી, ભાર્ગવ ભટ્ટ, રઈસ સહિતના અનેક બુટલેગરો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ ઉપરાંત A ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા સરકારી ક્વાર્ટરમાંથી દારૂની 13 પેટી પણ જપ્ત કરવામાં આવી છે. ઝડપાયેલા 13 આરોપીઓને SMC દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના 13 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી સમગ્ર કાવતરાની વધુ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે.
ADVERTISEMENT
આ કેસમાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલો મિથેનોલ કેમિકલનો જથ્થો દિલ્હીથી સરખેજ સ્થિત એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ સરખેજથી બુટલેગરોએ આ મિથેનોલનો જથ્થો મેળવ્યો હતો. વધુમાં તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે મધ્યપ્રદેશથી આવેલા એક વ્યક્તિએ નકલી દારૂ બનાવવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, નકલી દારૂમાં અસલી રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ભેળવવામાં આવ્યો હતો અને આ રોયલ સ્ટેગનો જથ્થો પણ મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે હવે મધ્યપ્રદેશથી ભાવનગર સુધીના દારૂના સમગ્ર ટ્રાન્સપોર્ટ રૂટની તપાસ શરૂ કરી છે. સરખેજના ગોડાઉન સહિત અન્ય સંભવિત રૂટ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. દિલ્હીથી મિથેનોલનું પાર્સલ મોકલનાર વ્યક્તિની વિગતો મળતા પોલીસની વિશેષ ટીમને દિલ્હી રવાના કરવામાં આવી છે, જેથી સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થઈ શકે.
ADVERTISEMENT
આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. દારૂકાંડની તપાસનો રોજેરોજનો અહેવાલ દર સાંજે ગૃહ વિભાગ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યના DGPને દિવસમાં બે વખત તપાસની પ્રગતિ અંગે વિગતવાર અપડેટ આપવા પણ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈને દારૂકાંડના આરોપીઓના કેસ નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે બેદરકારી સામે આવતાં બે PI સહિત કેટલાક પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ વિવિધ રાજ્યો વચ્ચેના કનેક્શન, મિથેનોલ સપ્લાય અને સમગ્ર નેટવર્કની તપાસમાં વ્યસ્ત છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.