ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / પ્રકૃતિની ગોદમાં વિધ્નહર્તાનું અનોખું મંદિર, જમણી સૂંઢવાળા ગણપતિજીની છે અઢી ટનની મૂર્તિ
Last Updated: 06:12 AM, 4 September 2025
ADVERTISEMENT
કુદરતના ખોળે જ્યાં અફાટ સૌંદર્ય વેરાયેલુ છે તે ડાંગમાં આવેલા સાપુતારા પાસે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર 1960માં એક ગામ વસાવવામાં આવ્યુ હતું. અને તેને નામ આપવામાં આવ્યુ નવાગામ. નવાગામનો વસવાટ થયો તે પહેલાથી ગામ પાસેના નાના ડુંગર પર ગણપતિજીનું નાનું મંદિર આવેલુ હતુ. વર્ષોથી અહીં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ ગણપતિની પુજા-અર્ચના કરતા હતા. નાના ગણપતિ મંદિરના સ્થાપનનો ઈતિહાસ જોઈએ તો વર્ષો પહેલા આ સ્થળ પર આદિવાસી ગાયો ચરાવવા આવતા હતા ત્યારે તેમને એક પથ્થર મળ્યો હતો જે બિલકુલ ગણેશજીના આકાર જેવો લાગતા તેમણે નાનું મંદિર બનાવી ગણેશજીનું સ્થાપન કરી પૂજન અર્ચન ચાલુ કર્યા હતા જે હાલ પણ યથાવત છે.
ADVERTISEMENT
નવાગામના લોકો વર્ષોથી દર વર્ષે ગણેશ જયંતિના દિવસે મોટા ઉત્સવનું આયોજન કરતા હતા અને પહેલેથી ગામ પાસેના ડુંગર પર ગણપતિનું મંદિર હતુ એટલે તેમણે ઉત્સવ માટે આવતા ફાળામાંથી મોટુ મંદિર બનાવવાનો વિચાર કર્યો. અને વર્ષ 2002માં સાપુતારાના નવાગામ વાસીઓએ લોકફાળો એકત્રિત કરી સુંદર અષ્ટવિનાયક ગણપતિજીના મંદિરનું નિર્માણ કરી ગણેશજીની મોટી પ્રતિમાનું સ્થાપન કર્યુ.

ADVERTISEMENT
ગણેશજીના નાના મંદિરને જ્યારે મોટુ બનાવવામાં આવ્યુ ત્યારે દાદાની જૂની બે ટનની મુર્તિ ખંડિત હોવાથી તેને તળાવમાં પધારાવવામાં આવી હતી અને અષ્ટવિનાયક ગણપતિજીની નવી જમણી સુંઢવાળી અઢી ટનની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ જે રાજસ્થાનમાં કાળા પથ્થરમાંથી બનાવડાવવામાં આવેલી છે. ગણપતિજીના દર્શને આવતા ભાવિકો દર્શન કરીને મંદિરના નીરવ શાંત વાતાવરણમાં બેસી શાંતિના અનુભવનો અહેસાસ કરે છે.
ગણપતિજીની મુર્તિના સુંદર શણગાર કરવામાં આવ્યા છે. સુંદર મુગટધારી ગણપતિજીએ એક હાથમાં કમળ ધારણ કર્યુ છે જે ભક્તોને પવિત્ર જીવન જીવવાની શીખ આપે છે. એક હાથમાં લાડુ છે તે તેમના ભક્તોના જીવનમાં મીઠાશ રહે તેવા આશીર્વાદ આપે છે, એક હાથમાં અંકુશ ધારણ કર્યુ છે અને વરદહસ્તથી ભક્તોને અભયદાન આપે છે. ગણપતિજીના મંદિર પરિસરમાં દાદાના અનેક રૂપ બિરાજમાન કરવામાં આવ્યા છે. ગર્ભગૃહમાં બિરાજમાન ગણપતિજીના દર્શન કરીને દર્શનાર્થીઓ મંદિરમાં પ્રદક્ષિણા કરે ત્યારે ગણેશજીના દરેક સ્વરૂપના દર્શન કરી શકે છે. પ્રદક્ષિણાપથ પર શ્રી સિદ્ધિવિનાયક, શ્રી વિધ્નેશ્વરાય, શ્રી વરદવિનાયક, શ્રી ચિંતામણી, શ્રી મહાગણપતિ અને શ્રી બાલેશ્વરદાદાના ગોખ બનાવવામાં આવ્યા છે. ભાવિકો દાદાના દરેક સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે.
ADVERTISEMENT

કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. તેમ સાપુતારામાં ફરવા આવતા પર્યટકો પહેલા ગણપતિજીના મંદિરે દર્શન કરવા આવે છે અને પછી બીજા પોઈન્ટ પર જાય છે. ગણેશજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો દાદાના દર્શન કરી મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા સાંઈબાબાના નાના મંદિરમાં દર્શન કરી ધન્ય થાય છે. સાઈબાબાના મંદિરમાં શિરડીના મંદિર જેવી જ સાઈબાબાની મુર્તિના દર્શન કરી સ્થાનિક લોકો શિરડીમાં દર્શન કર્યાનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગણેશ વિસર્જન પછી કળશ અને શ્રીફળનું શું કરવું જોઈએ? જાણો શાસ્ત્રોના નિયમો
ADVERTISEMENT
ગણેશ જયંતિના દિવસે સાપુતારા અને તેની આજુબાજુના ગામવાસીઓ મળીને દાદાના મંદિરે મોટા મહોત્સવનું આયોજન કરી દિવસ દરમ્યાન દાદાની પૂજા અર્ચના કરે છે. અને આ દિવસે મંદિરે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો લાભ નવાગામ અને આજુબાજુના ગ્રામવાસીઓ લે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડાંગ જીલ્લાના નવાગામમાં બિરાજમાન ગણપતિજીની મુર્તિ સમગ્ર જીલ્લામાં સૌથી મોટી મુર્તિ છે. ગણપતિજીનું મંદિર બનાવ્યા બાદ કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણમાં દાદાના સાનિધ્યમાં રહેતા નવાગામના લોકોના જીવનમાં ખુશહાલી આવી હોવાની ગામના દરેક લોકોની અતૂટ આસ્થા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો