બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / સુરતના સમાચાર / તમારા કામનું / સુરતના શાહ પરિવારની પ્રેરણાદાયી પ્રવૃત્તિ, 30 દીકરીઓ લીધી દત્તક, આવી રીતે જન્મ થયો 'લાડકી'નો...
Last Updated: 05:05 PM, 16 October 2024
કોરોના મહામારીમાં ઘણી દીકરીઓ નિરાધાર બની ગઇ છે, આવી દીકરીઓ કાં તો રસ્તા પર આવી ગઇ છે અથવા કોઇ પણ સંસ્થામાં રહે છે. એવી દીકરીઓને ભરણપોષણ માટે તેમની નવી જિંદગી આપવા માટે પરગજુ લોકો આગળ આવ્યા છે. જેમાં એક છે શાહ પરિવાર. સુરતના શાહ પરિવારે 30 દીકરીઓને દત્તક લીધી છે અને આ દીકરીઓના અંધકારભર્યા જીવનમાં ઉજાસ પાથરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. આ પરિવાર નિરાધાર દીકરીઓના ભણતરથી લઇને તેમના લગ્ન સુધીની જવાબદારી નિભાવે છે. નિરાધાર દીકરીઓને આગળ લાવવા માટે આ પરિવારે સુરતના અડાજણ સ્થિત પોતાના બંગલામાં એક સંસ્થા ઉભી કરી છે. આ સંસ્થાનું નામ છે: લાડકી.
ADVERTISEMENT

સુરતમાં આવા ભગીરથ કાર્ય કરતા શાહ પરિવારના મોભી રજનીશ શાહ, પત્ની, પુત્રી ઉન્નતી સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી. રજનીશ શાહ આવી સંસ્થા નિર્માણ કરવાના વિચારબીજ અંગે વાત કરતા કહે છે કે મને આ પ્રેરણા મારી દીકરી પાસેથી મળી છે. રજનીશભાઇ જણાવે છે એ પ્રમાણે રજનીશભાઈની બહેને એમની 1.5 કરોડની સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર કરી હતી. આ પછી, ઘરમાં ચર્ચા થઈ કે આવડી મોટી જંગી રકમનો કોઇ સમાજસેવાના પંથે ઉપયોગ કરીએ તો કેમ? રજનીશ ભાઇની દીકરીએ ઉત્સાહથી એક વિચાર સુચવ્યો: 'પાપા, એવી ઘણી દીકરીઓ છે જે ભણવા માંગે છે પણ કોઈ કારણસર ભણી શકતી નથી. ત્યારે તમારે આવી દીકરીઓને ભણાવીને એક પરિવાર આપવો જોઈએ જેથી કોઈએ તેમને અનાથ ન કહેવી પડે.' રજનીશભાઇને દીકરીનો વિચાર ગમી ગયો અને આમ પાયો નખાયો લાડકી સંસ્થાનો.
ADVERTISEMENT

રજનીશ ભાઇ કહે છે, 'લાડકી'ની શરૂઆતમાં અમે સુરતની વિવિધ સંસ્થાઓ અને અનાથાશ્રમોની મુલાકાત લીધી હતી, અને એ લોકોને નિરાધાર દીકરીઓને દત્તક લેવાના અમારા સંકલ્પ વિશે જાણ કરી હતી કે જેમની સંભાળ રાખવા માટે કોઈ ન હોય. અમે આ સંસ્થાઓને નિરાધાર દીકરીઓના યોગ્ય ઉછેર અને ભણતરથી લગ્ન સુધીની તમામ જવાબદારી સુપેરે નિભાવવાની ખાતરી આપી હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ સરકારી શેલટર હોમમાં રહેતી ત્રણ દીકરીઓ સાથે અમારી મુલાકાત કરાવી એક દીકરી 9 બીજી 6 અને ત્રીજી 2 વર્ષની હતી, 4 વર્ષ પહેલા આ દીકરીઓને લીધી હતી દત્તક એ ત્રણ દીકરીઓને અભ્યાસમાં આગળ વધીને ઉચ્ચ કારકિર્દી બનાવવાની હોંશ તો હતી પરંતુ પરિવારની ગેરહાજરીમાં લાચાર હતી. આ દીકરીઓને લઇને અમે સંસ્થામાં લાવ્યા અને એમને શિક્ષણ અપાવ્યું. માત્ર ત્રણ દીકરીઓથી શરૂ થયેલી 'લાડકી'માં અત્યારે ત્રીસ જેટલી દીકરીઓનો ઉછેર થઇ રહ્યો છે. લાડકી સંસ્થા અને શાહ પરિવારના ઘરના જ એક સભ્ય જેવી બની ગયેલી આ દીકરીઓના નામની પાછળની અટક પણ લાડકી લાગે છે.
ADVERTISEMENT

રજનીશભાઈ ઉમેરે છે કે તેઓ માત્ર 3 થી 15 વર્ષની વયની છોકરીઓને જ સ્વીકારે છે.રજનીશભાઈ ઉદાસ સ્વરમાં આગળ કહે છે, "કોરોના પછી ઘણી દીકરીઓ નિરાધાર બની ગઈ છે. લાડકી સંસ્થામાં આવી ઘણી દીકરીઓ ઉછેર પામી રહી છે. અમે માત્ર નિરાધાર દીકરીઓને જ નહીં પણ જેઓ સિંગલ મધર છે તેમને પણ મદદ કરીએ છીએ."
ADVERTISEMENT

રજનીશભાઇ એક ખાસ કિસ્સો યાદ કરતા કહે છે, 'લાડકી'માં થોડા સમય પહેલા એક દીકરી આવી હતી, આ દીકરીના પિતાએ તેની સગી માતાના અવસાન બાદ ફરીથી લગ્ન કર્યા હતા, અને તેણીની નવી માતાએ તેને સખત ત્રાસ આપ્યો હતો. સાવકી માતાના ત્રાસથી કંટાળીને એ છોકરીએ એક દિવસ તો આત્મહત્યાની કોશિશ પણ કરી. પરંતુ નિયતીને બીજું જ કંઇક મંજુર હતું. ઇશ્વરકૃપાથી એક ભાઈએ તેણીને બચાવી લીધી અને અમારો સંપર્ક કર્યો. આજે એ દીકરી અમારી સાથે રાજીખુશીથી રહે છે. અન્ય ત્રણ દીકરીઓ ફૂટપાથમાં પર રહેતી હતી. જે એક સેવાભાવી સંસ્થા દ્વારા અમારી પાસે આવી હતી અને હવે એ દીકરીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહી છે'
ADVERTISEMENT
પહેલા તો રજનીશભાઈ અને તેમની પત્ની મદદ કરવા માટે માત્ર દીકરીઓ જ શોધતા હતા, પરંતુ હવે તેઓ સુરતમાં અસંખ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમની પાસે વિવિધ જગ્યાએથી ઘણી દીકરીઓ આવે છે. રજનીશભાઈના પત્ની જયશ્રી શાહ, જેમને દીકરીઓ બા કહે છે, તેઓ જ આ દીકરીઓની સંભાળ રાખે છે. જેમની પ્રેરણાથી લાડકી સંસ્થાનો પાયો નખાયો એ રજનીશભાઇની દીકરી ઉન્નતિ શાહ પણ આ પરોપકારી કાર્યમાં મદદ કરે છે. ત્રીસમાંથી વધીને હવે 150 નિરાધાર દીકરીઓના અંધકારભર્યા જીવનમાં ઉજાસ લાવવા પ્રયાસ કરતો આ પરિવાર જ્યાં દીકરીઓ સારી રીતે રહી શકે એવી એક મોટી ત્રણ માળની હોસ્ટેલ બનાવી રહ્યો છે. રજનીશભાઈ માને છે કે આ દીકરીઓ માત્ર સંસ્થાનો એક ભાગ નથી; તેઓ કુટુંબ છે અને ઘરમાં રહે છે, અનાથાશ્રમમાં નહીં!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.