બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યમાં 25,000 શિક્ષકોની ઘટ, જે છે તેમની પર બમણું ભારણ
Jaydeep Shah
Last Updated: 08:30 AM, 5 September 2024
શિક્ષક દિન નિમિત્તે રાજ્યભરના શિક્ષકોનું સન્માન કરવામાં આવતું હોય છે. પરંતુ સન્માનના કાંટાળા તાજ નીચે કામગીરી કરતા શિક્ષકોની વેદના સમજવાનો પ્રયાસ ભાગ્યે જ થાય છે. આપણા દેશમાં શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે સાથે વસ્તી ગણતરીથી લઈને ચૂંટણીમાં જુદી જુદી જવાબદારી સ્વરૂપે ઘણા બધા કામ સોંપવામાં આવે છે. જેમાં ઘણીવાર તેમનું મુખ્ય કામ બાજુએ રહી જાય છે. આજે જ્યારે આખો દેશ શિક્ષક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતની શાળાઓમાં 25 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે.
ADVERTISEMENT
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1.91 લાખનું મહેકમ
રાજ્યમાં શિક્ષકોની સ્થિતિ જોવા જઇએ તો સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1.91 લાખનું મહેકમ ફાળવવામાં આવ્યુ છે. પરંતુ તેની સામે હાલ 1.73 શિક્ષકો ફરજ બજાવી રહ્યા હોવાની સત્તાવાર રીતે શિક્ષણ વિભાગ આપી રહ્યુ છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલ 25 હજાર શિક્ષકોની ખોટ વર્તાઇ રહી છે. એટલે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થાય છે, પરંતુ રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી.
ADVERTISEMENT
1.73 લાખ શિક્ષકો ફરજ પર
રાજ્યમાં 33,339 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 1 થી 8 માં હાલ 50,57,477 વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 12 માં 1,85,090 વિદ્યાર્થીઓ મળીને રાજ્યની સરકારી શાળાઓમાં 52,42,567 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેની સામે ફક્ત 1.73 લાખ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. સરકાર દ્વારા 25 હજારમાંથી 10 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ અન્ય ખાલી પડેલ જગ્યાઓને તબક્કાવાર ભરવામાં આવશે.
સરકારી શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની ઘટનો બોજો ફરજ બજાવતા શિક્ષકો પર પડી રહ્યો છે. સરકાર દ્વારા પણ વિવિધ કામગીરીઓનો બોજો સરકારી શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષકો પર નાખી દેવામાં આવે છે. જેના ભાર નીચે દિવસેને દિવસે દબાઈ જતા શિક્ષકોની હાલત કથળી છે. અમુક શાળાઓમાં એવી સ્થિતિ પણ જોવા મળી છે જેમાં ગણિતના શિક્ષકને વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનના વિષયો ભણાવવાની વારી આવી છે.
1606 શાળાઓ એક શિક્ષક થી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો
કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે? પ્રશ્નના જવાબમાં ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે વિકસિત વાયબ્રન્ટ ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળા છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિકસિત ગુજરાતમાં ધો.1થી ધો.8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં 1 શિક્ષક હોય તો તો બાળકોને મળતા શિક્ષણનું સ્તર કેવું હશે તેની કલ્પના કરી શકાય છે. અમદાવાદમાં પણ ૧૭, ભરૂચમાં ૧૦૨, બોટાદમાં ૨૯, છોટાઉદેપુરમાં ૨૮૩, દાહોદમાં ૨૦, ડાંગમાં ૧૦ અને ગાંધીનગર ૮ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ત્યારે ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકાર કર્યો છે.
રાજ્યની ઘણી એવી શાળાઓ છે જેમાં એક વર્ગમાં એક સાથે બે વિષયો પર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, શિક્ષકોની ઘટના કારણે એક શિક્ષકને વધારાના વિષય ભણાવવા પડી રહ્યા છે. ત્યારે આવી સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પણ સરખી રીતે અભ્યાસ કરી શકતા નથી. શિક્ષકોની ઘટ સાથે શાળાઓની બોગસ સ્થિતિ, જર્જરિત વર્ગખંડ, શાળામાં જોઈતી વ્યવસ્થાના અભાવના કારણે રાજ્યના વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર બની છે.
'શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ'
તો આ મામલે ગુજરાત કોંગ્રેસ પણ સરકાર પર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે,'લાંબા સમયથી સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકારનું મોડેલ છે શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ. હાલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 40 હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તથા નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે તે આંકડો 70 હજાર સુધી પહોંચ્યો છે. જેના કારણે શૈક્ષણિક વ્યવસ્થાઓ પર અસર પડી રહી છે. ઉપરાંત તાજેતરમાં વિદેશમાં રહીને શિક્ષકનો પગાર વસુલતા શિક્ષકોની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. સરકાર દ્વારા પણ ભણતર સિવાયની ઘણી કામગીરીઓ શિક્ષકોને આપવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી.'
આ પણ વાંચો: ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો, એક ક્લિકમાં જાણો ઋષિ ભારતી સાથે જોડાયેલો સમગ્ર વિવાદ
શિક્ષણસ્તર ખાડામાં
આ બાબતે સરકારી શાળાના એક શિક્ષકે જણાવ્યું હતું કે શાળામાં શિક્ષકોની ઘટના કારણે હાજર શિક્ષકો પર વધારે કામનો બોજો આવી જવાના કારણે અને સરકારના અન્ય કામોના કારણે વિદ્યાર્થીઓ પર જોઇતું ધ્યાન આપી શકાતું નથી, જ્યારે કહેવામાં આવે છે કે રાજ્યનું શિક્ષણસ્તર ખાડામાં જઈ રહ્યું છે ત્યારે આ કારણ પણ તેની પાછળ જવાબદાર છે. જો શિક્ષકોના મહેકમ સામે તમામ શિક્ષકોની ભરતી કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ પર ધ્યાન પણ રાખી શકાય અને રાજ્યના શિક્ષણની સ્થિતીને પણ સુધારી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.