ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડ્રેનેજથી ત્રસ્ત પાટણના લોકોનો હાઈવે પર ચક્કાજામ, MLA સહિત સ્થાનિકો રસ્તા પર ઉતરતાં વાહનોની લાંબી કતારો!
Last Updated: 04:15 PM, 3 September 2026
ADVERTISEMENT
પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ અને લાંબા સમયથી યથાવત ડ્રેનેજની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 11ના રહીશોએ ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા પાટણ-ચાણસ્મા હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાઈ જવાથી ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો.

ADVERTISEMENT
કોર્પોરેટર્સ અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ
વિરોધ પ્રદર્શનમાં વોર્ડ નંબર 11ના સ્થાનિકો ઉપરાંત કોર્પોરેટર્સ અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ડ્રેનેજની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
ADVERTISEMENT

ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ
ADVERTISEMENT
આ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સ્થાનિકોની સમસ્યાને સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય સહિતના આગેવાનોએ તંત્ર સમક્ષ ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

ADVERTISEMENT
વાહનવ્યવહારને ભારે અસર પહોંચી
નેશનલ હાઈવે પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં કલાકો સુધી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે નગરપાલિકા તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.