ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમામ હેલીપૅડ ‘ઓપરેશનલ’ રાખવા સરકારના કડક આદેશ, દર 3 મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ!
Last Updated: 12:15 PM, 3 September 2026
ADVERTISEMENT
કલ્પના કરો કે રાજ્યમાં અચાનક કોઈ મોટી આપત્તિ આવી છે અને તાત્કાલિક રાહત-બચાવ માટે હેલિકોપ્ટરની જરૂર પડી છે. આવી સ્થિતિમાં હેલીપેડ તૈયાર ન હોય અથવા ત્યાં કોઈ ખામી હોય તો બચાવ કામગીરીમાં વિલંબ થઈ શકે છે. આવી કોઈ પણ સ્થિતિ ન સર્જાય તે માટે ગુજરાત સરકારે હવે રાજ્યના તમામ હેલીપેડને હંમેશા તૈયાર રાખવાની કવાયત શરૂ કરી છે. આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્ય પ્રવાસ દરમિયાન હેલીપેડની ભૂમિકા મહત્વની હોય છે. આ કારણે સરકારે હેલીપેડની જાળવણીને લઈને કડક દિશા-નિર્દેશો આપ્યા છે.
ADVERTISEMENT

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. નવા દિશા-નિર્દેશ મુજબ હવે રાજ્યના દરેક હયાત હેલીપેડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ પર જઈને નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ હેલીપેડની સ્થિતિ અને તેની કાર્યક્ષમતા સતત ચકાસતા રહેવાનો છે.
ADVERTISEMENT
નિરીક્ષણ દરમિયાન હેલીપેડમાં કોઈ પણ પ્રકારની ખામી જોવા મળે અથવા ક્યાંય મરામતની જરૂરિયાત જણાય તો તેને કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. રાજ્યના તમામ હયાત હેલીપેડ હંમેશા સંપૂર્ણ ઉપયોગલાયક અને ‘ઑપરેશનલ કન્ડીશન’માં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અધિક્ષક ઈજનેરો પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હેલીપેડની સમયાંતરે સતત સમીક્ષા કરશે. એટલે માત્ર ત્રણ મહિને એક વખત નિરીક્ષણ પૂરતું નહીં રહે, પરંતુ હેલીપેડની સ્થિતિ અને તેની જાળવણી અંગે સતત નજર રાખવામાં આવશે. હેલીપેડની ગુણવત્તા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ જરૂરી સુવિધાઓની નિયમિત મરામત કરવામાં આવશે. હેલીપેડનો ઉપયોગ કરતી વખતે કોઈ અડચણ ન આવે તે માટે આ તમામ બાબતો યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવશે.
ADVERTISEMENT
આ ઉપરાંત હેલીપેડ અથવા તેની આસપાસ કોઈ પણ પ્રકારનું અનધિકૃત દબાણ કે બાંધકામ થયું હોય તો તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. હેલીપેડની આસપાસ સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા અથવા સરકારી વિભાગો દ્વારા જપ્ત કરવામાં આવેલા બિન-વપરાશી વાહનો જેવા અવરોધો પણ તાત્કાલિક દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
ADVERTISEMENT
સરકારના આ નિર્ણય પાછળ મુખ્ય હેતુ એ છે કે જરૂરિયાતના સમયે હેલીપેડનો તાત્કાલિક અને કોઈ પણ પ્રકારના અવરોધ વગર ઉપયોગ કરી શકાય. ખાસ કરીને આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરી માટે સમય ખૂબ જ મહત્વનો હોય છે. આવી સ્થિતિમાં હેલીપેડ તૈયાર અને સુરક્ષિત હશે તો હેલિકોપ્ટરની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પહોંચવું સરળ બની શકે છે.
ADVERTISEMENT
તે જ રીતે તબીબી કટોકટી દરમિયાન પણ હેલીપેડ તૈયાર હોવું મહત્વનું છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવાસ દરમિયાન પણ હેલીપેડની વ્યવસ્થા મહત્વની રહે છે. તેથી હવે રાજ્યના તમામ હેલીપેડની નિયમિત તપાસ અને જાળવણી પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સરકારના આ નવા દિશા-નિર્દેશથી રાજ્યના હેલીપેડ હંમેશા સજ્જ અને ઉપયોગ માટે તૈયાર રહે તેવી વ્યવસ્થા ઉભી થશે. આપત્તિ વ્યવસ્થાપનથી લઈને રાહત-બચાવ કામગીરી અને VIP મૂવમેન્ટ સુધી, જરૂરિયાતના સમયે હેલીપેડ કોઈ અડચણ વગર કામ કરે તે માટે આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ