ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઘરમાં જ બનાવતો હતો નકલી બ્રાન્ડેડ દારૂ, સસ્તો દારૂ ભરી ફેવિક્વિકથી ઢાંકણા-સ્ટીકર લગાવતો સમીરખાન ઝડપાયો!
Last Updated: 02:44 PM, 3 September 2026
ADVERTISEMENT
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની હેરાફેરી અને વેચાણના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ દારૂ બનાવવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં દરોડો પાડીને નકલી દારૂ બનાવનારા સમીર ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપી પોતાના ઘરમાં જ નકલી બ્રાન્ડેડ દારૂ તૈયાર કરતો હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT

ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે સરખેજ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને આરોપી સમીર ખાનની ગતિવિધિઓ અંગે ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપી પોતાના ઘરમાં જ સસ્તો દારૂ લાવીને તેને બ્રાન્ડેડ કંપનીના દારૂ તરીકે તૈયાર કરતો હતો. આ રીતે તૈયાર કરવામાં આવેલી બોટલોને બાદમાં બજારમાં વેચવામાં આવતી હતી.
ADVERTISEMENT
પોલીસે આરોપી પાસેથી કુલ 174 બ્રાન્ડેડ દારૂની બોટલ અને 96 બિયરના ટીન જપ્ત કર્યા છે. આટલી મોટી માત્રામાં દારૂ અને બીયરનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વધુ તપાસ કરતા આરોપી નકલી બ્રાન્ડેડ દારૂ કેવી રીતે તૈયાર કરતો હતો તેની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી હતી. આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલનો ઉપયોગ કરતો હતો. તેમાં સસ્તો દારૂ ભરીને તેને મોંઘા અને જાણીતા બ્રાન્ડના દારૂ તરીકે તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ બોટલને અસલી બ્રાન્ડેડ દારૂ જેવી દેખાડવા માટે તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવવામાં આવતા હતા.
ADVERTISEMENT
આટલું જ નહીં, આરોપી બોટલને વધુ અસલી દેખાડવા માટે ફેવિક્વિકની મદદથી બ્રાન્ડેડ કંપનીના ઢાંકણા પણ લગાવતો હતો. એટલે કે બહારથી જોતા બોટલ બ્રાન્ડેડ કંપનીની લાગે, પરંતુ તેની અંદર સસ્તો દારૂ ભરેલો હોય તે રીતે આખું નકલી સેટઅપ તૈયાર કરવામાં આવતું હતું. આરોપીની આ મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ રીતે તૈયાર કરેલી નકલી બ્રાન્ડેડ દારૂની બોટલોનું આરોપી વેચાણ કરતો હતો. પોલીસ હવે આરોપી આ નકલી દારૂ ક્યાંથી લાવતો હતો, આ દારૂ કોને વેચતો હતો અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રોડ પર અચાનક ટ્રેલર નીચે કૂદી યુવકે જીવન ટૂંકાવી દીધું, LIVE દ્રશ્યો CCTVમાં કેદ!
ક્રાઈમ બ્રાન્ચે આરોપી સમીર ખાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂ અને બિયરના જથ્થા અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નકલી બ્રાન્ડેડ દારૂનો આ પ્રકારનો ખેલ સામે આવતા ફરી એક વખત દારૂની ગેરકાયદે હેરાફેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હવે પોલીસની તપાસમાં આ નકલી દારૂના નેટવર્ક સાથે જોડાયેલી વધુ વિગતો બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ