બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NEET પેપર લીકની આગ માંડ ઠરી, ત્યાં ગુજરાતની આ યુનિનું પેપર લીક થયું, પરીક્ષા પહેલાં જ વાયરલ થયું પેપર
Last Updated: 03:11 PM, 27 July 2026
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નોની મૂળ પ્રશ્નપત્ર સાથે સરખામણી કરતાં કુલ 12માંથી 11 પ્રશ્નો એકસરખા હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલાએ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષણજગતમાં પણ ભારે ચિંતા ઉભી કરી છે. કારણ કે રાજ્યભરના 26 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 1,200 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જો પેપર લીકની ઘટના સાચી સાબિત થાય તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધી અસર પડી શકે છે.
પરીક્ષા સ્ક્વોડમાં ફરજ બજાવનાર ડૉ. અલ્પેશ જાલસાણીયાએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન બપોર બાદ એક ફેકલ્ટી દ્વારા તેમને વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નોની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સમગ્ર બાબતથી અવગત કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે તપાસ અને અંતિમ નિર્ણય યુનિવર્સિટી સ્તરે લેવામાં આવશે.
ADVERTISEMENT
બીજી તરફ, તપાસ દરમિયાન પરીક્ષા સેંટર પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આ અંગે યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો- ગુજરાતમાં વરસાદની ધડબડાટી, આજે બપોર સુધીમાં 117 તાલુકામાં મેઘો થયો મહેરબાન, સૌથી વધુ આ તાલુકામાં વરસ્યો
ADVERTISEMENT
આ ઘટનાને લઈને NSUI પણ મેદાને ઉતરી છે. જૂનાગઢ જિલ્લા NSUI પ્રમુખ મયૂર સાવલિયાએ રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. તેમણે BAMSનું પેપર તાત્કાલિક રદ કરવા, જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. માંગ નહીં સ્વીકારાય તો વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
દેશ હજુ NEET પેપર લીકની ઘટનામાંથી બહાર આવ્યું નથી, ત્યાં ગુજરાતની યુનિવર્સિટીમાં ફરી પેપર લીકના આક્ષેપો સામે આવતા રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર યુનિવર્સિટીની તપાસ પર છે. જો તપાસમાં પેપર લીકની પુષ્ટિ થશે તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે, પરીક્ષા રદ થશે કે નહીં અને વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લેવાશે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.