બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / VTV વિશેષ / ગુજરાતના મંત્રી મંડળમાં હજુ પણ મોટા ફેરફારના એંધાણ, 12થી 15 નવા ચહેરાઓની થઈ શકે એન્ટ્રી
Last Updated: 07:20 AM, 5 October 2025
ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટાપાયે ફેરફારો થવા જઇ રહ્યાં છે. ખાસ કરીને કેબિનેટમાં રાજ્યકક્ષાના સહકાર, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોટોકોલ, એમએસએમઇઝ, કોટેજ, ખાદી અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સિવિલ એવિયેશન જેવા વિભાગોના મંત્રી જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બનતાં કેબિનેટના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ છે અને આ વખતે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સચિવાયના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્તરણ થયેલી કેબિનેટમાં હાલની સરકારના કેટલાક રહસ્યમય, વિવાદોમાં સપડાયેલા અને નબળાં પરફોર્મન્સવાળા મંત્રીઓને ઘરભેગા કરવામાં આવશે. એટલું જ નહીં નાજૂક તબિયત ધરાવતા મંત્રીઓ પણ ચાલુ રહી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં વધી રહેલી મુલાકાતો જોતાં વિસ્તરણ અંગેની પ્રાથમિક ચર્ચાએ જોર પકડ્યું છે.
સૂત્રો કહે છે કે દિવાળીના તહેવારોમાં કેબિનેટના વિસ્તરણે જોર પકડ્યું છે. પાર્ટીના સંગઠનમાં અસંતોષ ઠારવા માટે નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઇ ચૂકી છે અને હવે સરકારમાં સાફસૂફીના એંધાણ જોવા મળી રહ્યાં છે. પહેલાં એવી અટકળો હતી કે નવરાત્રી દરમ્યાન અથવા તો તે પછી વિસ્તરણ થશે પરંતુ પ્રદેશ પ્રમુખની તૈયારીઓ વચ્ચે વિસ્તરણની પ્રક્રિયાને આગળ લઇ જવામાં આવી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે નવી કેબિનેટમાં સૌરાષ્ટ્રના એક યુવા મહિલા સહિત 12 થી 15 જેટલા નવા ચહેરા આવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્યો બનેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાના ઇન્તજારનો પણ અંત આવી શકે છે. વિસ્તરણમાં જે સભ્યો લેવાના થાય છે તેમાં અમિત ઠાકર અને જયેશ રાદડિયા જેવા કેટલાક યુવા ચહેરાઓ પણ જોવામાં આવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે. હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે.
ADVERTISEMENT
હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા હતા પરંતુ તે પૈકી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે તેથી તેમણે રાજીનામું આપવું પડશે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે આ નેતા જેટલો ટેન્યોર કોઇએ ભોગવ્યો નથી, 7 વર્ષ સુધી પદ પર રહ્યા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી. આ સંજોગોમાં કેટલા મંત્રીઓ પડતા મૂકાય છે અને ક્યા નવા ચહેરા આવે છે તેની ઉપર મીટ મંડાઇ રહી છે. વિસ્તરણની શક્યતા જોતાં ભાજપના ઘણાં ધારાસભ્યોએ તેમના ગોડફાધરોનો સંપર્ક કરવાનો પણ શરૂ કરી દીધો હોવાના અહેવાલ સચિવાલયમાંથી જાણવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.