બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ઉદ્ધવની એક ભૂલને કારણે મોં સુધી આવેલો સત્તારુપી કોળિયો છીનવાયો, વિલાસરાવની સરકાર પાડી દેવાનો કારસો, ઠાકરેનું ધર્મસંકટ, રાણેની બગાવત
Last Updated: 10:33 AM, 16 November 2024
બાલા સાહેબની આંખે નારાયણ રાણેનું નામ ચડી ગયું
છગન ભુજબળની જેમ નારાયણ રાણે પણ બાલ ઠાકરેના ખાસ વફાદાર માણસ હતા. મુંબઇના ચેંબુર વિસ્તારમાં રહેતા નારાયણ રાણે કોંકણના કણકવલી વિસ્તારમાંથી આવતા હતા. કોંકણમાં શિવસેનાને સ્થાપિત કરવામાં નારાયણ રાણેએ એક મહત્વની ભૂમિકા ભજવી હતી. નારાયણ રાણેનું નામ શિવસેનાના કાર્યકર્તાઓમાં સૌથી પહેલી હરોળમાં હતું કે જેઓ દરેક આંદોલનમાં રસ્તા પર ઉતરી આવતા હતા. શિવસેનાના દરેક કાર્યકર્તા પર બાલાસાહેબની ચાંપતી નજર હતી. રાણેનું નામ બાલા સાહેબની આંખે ચડી ગયું. બાલાસાહેબે 1985માં નારાયણ રાણેને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય કાર્યકરો ડૉ. મજુમદાર ચેમ્બુરથી ઉભા હતા. નારાયણ રાણેએ દિવસ-રાત મહેનત કરી અને મજુમદારને હરાવીને બૉમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાયન્ટ કિલર તરીકે પ્રવેશ કર્યો.
ADVERTISEMENT
‘બેસ્ટ’માં ‘ધ બેસ્ટ’ કામગીરી
શિવસેનાના દિગ્ગજ નેતા તરીકે જાણીતા છગન ભુજબળ તે સમયે મુંબઈ મહાનગરપાલિકાના મેયર હતા. બાળાસાહેબ પોતે કોર્પોરેટરોની કામગીરી પર અંગત ધ્યાન આપતા હતા. પછીના બે વર્ષમાં નારાયણ રાણે બેસ્ટની સમિતિના સભ્ય બન્યા. પરેલમાંથી ચૂંટાયેલા વિઠ્ઠલ ચવ્હાણને બેસ્ટ કમિટીના ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી હતી. બે વર્ષ પછી જ્યારે નવા અધ્યક્ષની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે ગૃહના નેતાઓએ ચર્ચા કરી. શિવસેનાના નેતા છગન ભુજબળે બેસ્ટના ભાવિ પ્રમુખ તરીકે નારાયણ રાણેનું નામ આગળ કર્યું.
ઘણા વરિષ્ઠ નેતાઓ હતા ત્યારે ઓછા અનુભવ ધરાવતા રાણે જેવા કોર્પોરેટરને સીધા બેસ્ટના પ્રમુખ તરીકે બનાવવાનો નિર્ણય સ્વભાવિક રીતે ઘણા લોકોને ખૂંચ્યો. રાણેની છબી એક કટ્ટર શિવસૈનિકની હતી જે એક આદેશ પર રસ્તાઓ પર ઉતરી આવતા હતા. પણ ઘણાને શંકા હતી કે એમના જેવો સાદો કાર્યકર આવડું મોટું અને જવાબદારીવાળુ પદ સંભાળી શકશે કે કેમ? બાલાસાહેબ પોતે પણ ભારે અવઢવમાં મુકાઇ ગયા હતા. તેમણે મજાકમાં ભુજબળને પણ કહ્યું કે,
ADVERTISEMENT
‘શું તમે નારાયણને અધ્યક્ષ બનાવવા અને બેસ્ટને તોડવાનું વિચારી રહ્યા છો?’
‘આ સારો છોકરો છે. તમે પાર્ટીની મીટિંગમાં પણ જુઓ કરો છો. એ સારી રીતે કામ કરશે. તમે તેને બેસ્ટની લગામ નિશ્ચિંત રીતે સોંપી દો’ ભુજબળે ઠાકરેની શંકાને દૂર કરતા કહ્યું.
બાલા સાહેબના આશીર્વાદથી નારાયણ રાણેએ 1988-89 સુધી સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટના પ્રમુખ તરીકે કામગીરી કરી. રાણે આ પદનું મહત્વ બરાબર જાણતા હતા. તેઓ જાણતા હતા કે બાલાસાહેબે ઘણા વરિષ્ઠ કોર્પોરેટરોને કોરાણે રાખીને આ પદ આપ્યું છે અને બાલાસાહેબના વિશ્વાસને યોગ્ય ઠેરવવાની જવાબદારી હવે તેમની છે. આ સમયગાળા દરમિયાન નારાયણ રાણેએ સરાહનીય કામ કરીને લોકપ્રિયતા મેળવી. માત્ર મુંબઈમાં જ નહીં, કોંકણના નાના ગામડાઓને પણ બેસ્ટની સેવાનો લાભ આપ્યો. બેસ્ટનું અધ્યક્ષપદ રાણેની રાજકીય કારકિર્દીમાં એક વળાંક હતો.
ADVERTISEMENT
ધારાસભ્ય બન્યા, બાલા સાહેબ પાસેથી રાજકારણના પાઠ શીખ્યા
નારાયણ રાણેની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઇને બાલા સાહેબે એમને માલવણ વિધાનસભાની ટિકિટ આપીને સીધા જ ધારાસભ્ય બનાવ્યા. પછીના દસ વર્ષમાં મંત્રી પદથી મુખ્યમંત્રી પદ સુધીની નારાયણ રાણેએ સફર ખેડી. આ તમામ પદો તેમને માત્ર અને માત્ર બાલાસાહેબ ઠાકરેના આશીર્વાદથી મળ્યા. નારાયણ રાણે તેમની આત્મકથા ‘નો હોલ્ડ્સ બાર્ડ’માં કહે છે,‘બેસ્ટના ચેરમેન બન્યા પછી, મને બાળાસાહેબ સાથે નજીકથી કામ કરવાનો અનુભવ મળ્યો. તેમની પાસે રાજકારણના પાઠ શીખ્યા. હું મારી જાતને ધન્ય માનું છું કે મને મારા માતા-પિતા કરતાં વધું બાળાસાહેબનો પ્રેમ અને માર્ગદર્શન મળ્યા છે’
મનોહર જોશીને હટાવીને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા
વર્ષ 1995માં પહેલીવાર મહારાષ્ટ્રમાં શિવસેના-બીજેપીની ગઠબંધન સરકાર બની. ઠાકરેએ મનોહર જોશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. અફકોર્સ, સત્તાનું રિમોટ કંટ્રોલ ઠાકરેએ પોતાના હાથમાં રાખ્યું. વર્ષ 1997ની આસપાસ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. એ વર્ષે યોજાયેલી મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીથી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. બીજી બાજુ, આ સમયગાળા દરમિયાન, નારાયણ રાણે શિવસેનામાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવ્યા હતા. બાલાસાહેબ ઠાકરેના પ્રિય અને નજદીકી નેતા તરીકે તેમને ઓળખ મળી હતી. શાખાના વડા, કોર્પોરેટર, ત્રણ વર્ષ સુધી બેસ્ટ કમિટીના પ્રમુખ અને ધારાસભ્ય, હવે તેઓ મુખ્યમંત્રી પદ તરફ આગળ વધી રહ્યા હતા. મુખ્યમંત્રી મનોહર જોશી અને ઠાકરે વચ્ચે મતભેદ ઉભા થયા. 1999માં ઠાકરેએ જોશીને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા અને એમને બદલે નારાયણ રાણેને મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન કર્યા.
ADVERTISEMENT
‘ઠાકરે વર્સિસ ઠાકરે’
રાજકીય ગલિયારોમાં થતી ચર્ચા પ્રમાણે નારાયણ રાણેનું મુખ્યમંત્રી બનવું અંદરથી ઉદ્ધવ ઠાકરેને ખટક્યું હતું. 'ઠાકરે વર્સિસ ઠાકરે' પુસ્તકના લેખક અને પત્રકાર ધવલ કુલકર્ણીના કહેવા પ્રમાણે શિવસેનામાં 1995થી બે જૂથ હતા. એક તરફ ઉદ્ધવ ઠાકરે, મનોહર જોશી અને સુભાષ દેસાઈ હતા. બીજી બાજુ રાજ ઠાકરે, નારાયણ રાણે અને સ્મિતા ઠાકરે હતા. નારાયણ રાણે મુખ્યમંત્રી બન્યા પછી આ જૂથવાદ સપાટી પર આવવા માંડ્યો હતો. એ જ વર્ષે રામભાઈ મ્હાલગી પ્રબોધિનીમાં શિવસેનાની શિબિર થઈ. તે સમયે ઉદ્ધવ ઠાકરેની સાથે મુખ્યમંત્રી નારાયણ રાણે પણ ત્યાં હાજર હતા. ત્યારબાદ ઉદ્ધવે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે,‘હું મુખ્યમંત્રી બનવા માંગુ છું’
ઉદ્ધવ ઠાકરેની કંઇ ભૂલને કારણે શિવસેના 1999માં સરકાર ન બનાવી શકી?
આ પછી ઉદ્ધવ અને રાણે વચ્ચે શીતયુદ્ધના મંડાણ થયા. વિધાનસભાના અકાળ વિસર્જનને કારણે, 1999ની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી. નારાયણ રાણેને માત્ર નવ મહિના માટે મુખ્ય પ્રધાનપદ મળ્યું હતું. આ ચૂંટણીમાં સેના-ભાજપ ગઠબંધનનો પરાજય થયો. આ હારને ઉદ્ધવ ઠાકરે અને નારાયણ રાણે વચ્ચેના સંઘર્ષની સત્તાવાર ચિંગારી માનવામાં આવે છે. નારાયણ રાણેએ તેમની આત્મકથા 'નો હોલ્ડ્સ બાર્ડ- માય યર્સ ઇન પોલિટિક્સ'માં આ હારનું ઠીકરું ઉદ્ધવ ઠાકરે પર ફોડ્યું છે. નારાયણ રાણે એમની આત્મકથામાં વિગતવાર લખે છે એ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાને ભંગ કરીને વહેલી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. 1995થી સરકાર ચલાવ્યા પછી, બંને પક્ષોએ સાથે ચૂંટણી લડતી વખતે 171-117ની ફોર્મ્યુલા નક્કી કરી. શિવસેનાએ તેના ક્વોટામાંથી 10 બેઠકો અન્ય સહયોગી પક્ષોને આપવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
નારાયણ રાણેએ પોતાની આત્મકથામાં કરેલા આરોપ પ્રમાણે આ પછી, શિવસેનાના ઉમેદવારોના નક્કી થયેલા નામોમાંથી ઉદ્ધવે આ યાદીમાં 15 ઉમેદવારોના નામ બદલી નાખ્યા હતા. અને અમને બધાને અંધારામાં રાખીને નિર્ણય લીધો. ઉદ્ધવ દ્વારા જે 15 ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા હતા, તેમાંથી 11 અપક્ષ અથવા અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ચૂંટણીમાં શિવસેનાના 69 ઉમેદવારો ચૂંટાયા હતા. જો આ 11 બળવાખોર ધારાસભ્યો વિજેતા પક્ષમાં હોત તો શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 80 થઈ ગઈ હોત. ભાજપના 56 ધારાસભ્યો પણ ચૂંટાયા હતા. તેથી, ગઠબંધન માટે અપક્ષો અને અન્ય નાના પક્ષોની મદદથી સરકાર રચવાનું શક્ય બન્યું હોત. પરંતુ ઉદ્ધવ ઠાકરેના કારણે મોં સુધી આવેલો સત્તારૂપી કોળિયો છીનવાઇ ગયો!

ADVERTISEMENT
સ્ફોટક વિગતોથી ભરપૂર નારાયણ રાણેની આત્મકથા
શિવસેના-ભાજપ ગઠબંધનની હાર, કોંગ્રેસ-એનસીપી સત્તામાં
1999ની ચૂંટણીમાં કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને સેના-ભાજપ ગઠબંધન વચ્ચે ત્રિ-માર્ગીય હરીફાઈ થઈ હતી. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે કોંગ્રેસને 75 બેઠકો મળી હતી. નવી રચાયેલી એનસીપીએ 58 બેઠકો જીતી હતી જ્યારે સેના-ભાજપ ગઠબંધનને 125 બેઠકો મળી હતી. વિજય પુનઃપ્રાપ્ત કરવાની સારી એવી તક શિવસેના-ભાજપ ગઠબંધનના હાથમાંથી સરકી ગઈ હતી. ડાબેરીઓ, સમાજવાદીઓ અને અપક્ષોની મદદથી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર સત્તામાં આવી. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા.
ગઠબંધન સરકારમાં આંતરિક ખેંચતાણ
વર્ષ 2002માં ગઠબંધન સરકારમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઇ. મુખ્ય કારણ સુનિલ તટકરે હતા. એનસીપીએ તેમને મંત્રી પદ આપ્યું પરંતુ સરકારમાં રહેલા શેકાપે(શેતકરી કામદાર પક્ષે) તેમના નામનો વિરોધ કર્યો. મૂળ તો તટકરેની રાયગઢ જિલ્લામાં યોજાયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં શેકાપના ઉમેદવારનો પરાજય થયો હોવાને કારણે શેકાપ પક્ષ આડો ફાટ્યો હતો. શેકાપે રાજ્યપાલને સમર્થન પાછુ ખેંચવાનો પત્ર આપ્યો. શાસક પક્ષની મૂંઝવણ શરુ થઇ અને શિવસેના-ભાજપ ગઠબંધનને મુખ્યમંત્રી પદની ખુરશીની તક દેખાઇ.
માતોશ્રીના સ્પોર્ટસ ક્લબમાં બળવાખોર ધારાસભ્યોને રાખવામાં આવ્યા
નારાયણ રાણેએ સામ,દામ, દંડ અને ભેદના ચક્રો ગતિમાન કર્યા. નારાયણ રાણેએ પહેલા તો એનસીપીના આઠથી દસ ધારાસભ્યોને ફોડી લીધા. આ પછી રાણે કોંગ્રેસના એક ધારાસભ્યને તોડવામાં સફળ થયા. આ સાથે રાણેએ એમ પણ કહ્યું કે તેમને શેકાપ સહિત કેટલાક અપક્ષોનું સમર્થન છે. એનસીપી અને કોંગ્રેસથી અલગ થયેલા આ 12થી 13 ધારાસભ્યોએ રાજ્યપાલ પી.સી એલેક્ઝાન્ડરને પત્ર લખીને આપ્યો.
આ બળવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જયો. બળવાખોર ધારાસભ્યોને જોગેશ્વરીના માતોશ્રી સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદમાકર વલવી પણ હાજર હતા. બાદમાં, તેમની જુબાની અનુસાર, આ ધારાસભ્યોને તેમની ઇચ્છા વિરુદ્ધ નારાયણ રાણેએ માતોશ્રી સ્પોર્ટ્સ ક્લબમાં ધમકાવીને ગોંધી રાખ્યા હતા. તેમણે ત્યાંથી રિક્ષામાં ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ શિવસૈનિકોએ તેમને પકડીને પાછા લાવ્યા અને મારપીટ કરી. પદમાકર વલવીએ આરોપ લગાવ્યો કે નારાયણ રાણેએ તેમને રાજ્યપાલને આપવામાં આવેલા પત્ર પર સહી કરવા દબાણ કર્યું હતું.

નારાયણ રાણે એક સમયે બાલ ઠાકરેના ખાસ માણસ હતા
બે એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ, 100 પોલીસકર્મીઓ રાણેના ગુસ્સા સામે ઠંડા પડી ગયા!
તત્કાલીન ગૃહમંત્રી છગન ભુજબળના આદેશ પ્રમાણે રાતના સમયે ઓપરેશન ઘડાયું. આ કામ ક્રાઇમ બ્રાંચના તેજતર્રાર ડીસીપીને સોંપવામાં આવ્યું. તેઓ પોતાની સાથે બે એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ અને 100 પોલીસકર્મીઓની ફૌજ સાથે માતોશ્રી સ્પોટર્સ કલબ ખાતે પહોંચી ગયા. નારાયણ રાણેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ઉકળી ઉઠ્યા. ગેટ પાસે આવીને એમણે પોલીસને ધમકાવી. રાણે આખરે તો પૂર્વ મુખ્યમંત્રી હતા. અને વિલાસરાવ દેશમુખની સરકાર પડી ભાંગે તો બીજીવાર મુખ્યમંત્રી તરીકે પણ એમનું નામ અલમોસ્ટ નક્કી હતું. પોલીસે વિલા મોઢે પાછા ફરવામાં શાણપણ સમજ્યું.
બેંગ્લોરના રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યોને મોકલી દેવાયાં
બળવાનો ચેપ બીજા ધારાસભ્ચોને પણ લાગ્યો હતો અને એનસીપી અને કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો અલગ થવાની તૈયારીમાં હતા. શરદ પવારે તેમના ધારાસભ્યોને ઈન્દોર મોકલ્યા. શિવસૈનિકો નારાયણ રાણેના આદેશથી ઇન્દોર પહોંચ્યા. વિલાસરાવ દેશમુખે પોતાના ધારાસભ્યોને બેંગ્લોરના ઇગ્લટન રિસોર્ટ ખાતે મોકલી દીધા હતા. કર્ણાટકમાં ત્યારે મુખ્યમંત્રી તરીકે ડી.કે શિવકુમાર હતા એટલે ત્યાં કોંગ્રેસી ધારાસભ્યો માટે સલામત સ્થળ હતું.
ટોયલેટનું બહાનુ બતાવીને કોંગ્રેસી ધારાસભ્ય સ્પીકર પાસે પહોંચી ગયા
આખરે તારીખ 13 જૂનનો દિવસ ઉગ્યો. સવારથી જ વિધાનસભા વિસ્તારમાં સૈન્યની છાવણી જેવો માહોલ જોવા મળ્યો હતો. નારાયણ રાણે પોતાના ધારાસભ્યો સાથે વિધાનસભા ભવન પહોંચી ગયા. ધારાસભ્ય પદમાકર વલવીએ ટોઇલેટ જવાનું બહાનું બતાવીને સ્પીકર અરુણ ગુજરાતીને મળ્યા અને પોતાને ખતરો હોવાની વાત કરી. સ્પીકરના આદેશથી એમને માર્શલ સુરક્ષા આપવામાં આવી.
વિલાસરાવની સરકાર બચી ગઇ, કાર્યકરો વચ્ચે મારામારી, પોલીસનો લાઠીચાર્જ
વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પહેલા સાત ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેમાં પાંચ ધારાસભ્ય એનસીપીના હતા. એક જનતા દળ સેક્યુલર અને એક અપક્ષ ધારાસભ્ય. સદનમાં બેઠકોની સંખ્યા 288થી ઘટીને 281 થઇ ગઇ. આ સિવાય PWPના પાંચ ધારાસભ્યોએ વોટિંગમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો જેના કારણે બહુમતનો આંકડો 138 થઇ ગયો. વિલાસરાવ દેશમુખે વિશ્વાસમત જીતી લીધો. એમને સમર્થનમાં 143 વોટ મળ્યા હતા. જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનને 133 વોટ મળ્યા હતા. આ સમાચાર બહાર આવતા જ શિવસૈનિકો અને એનસીપી કાર્યકર્તાઓ વચ્ચે સામસામી મારામારી થઇ. પોલીસને ટીઅર ગેસ છોડવો પડ્યો અને લાઠીચાર્જ કરવો પડ્યો. વિલાસરાવ દેશમુખની સરકાર બચી ગઇ અને નારાયણ રાણેએ મુખ્યમંત્રી બનવાનો મોકો ગુમાવી દીધો. બાદમાં પદમાકર વલવીએ નારાયણ રાણે સામે અપહરણ અને એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ થોડા જ વર્ષોમાં રાણે પોતે કોંગ્રેસમાં જોડાયા અને તેમની સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો.
ઉદ્ધવે બાલ ઠાકરેની ધમકી આપી કે...
વિલાસરાવ દેશમુખને પાડી દેવાની નિષ્ફળ યોજના પાછળ નારાયણ રાણે ઉદ્ધવની ભૂમિકાને જવાબદાર પરિબળ તરીકે જોઇ રહ્યા હતા. વર્ષ 2003માં બાલ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને પોતાનો વારસદાર ઘોષિત કરતા પાર્ટી અધ્યક્ષની કમાન સોંપી. આ નિર્ણયથી નાખુશ નારાયણ રાણે અકળાયા.
ઉદ્ધવ પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ નારાયણ રાણેના આરોપ પ્રમાણે એમને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા હતા. નારાયણ રાણે જૂથને મહત્વપૂર્ણ બેઠકોમાં સ્થાન નહોતું મળતું. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે નારાયણ રાણેની તાકાત ઓછી કરવાની પેંતરાબાજી કરતા હોવાનો નારાયણ રાણેએ આરોપ લગાવ્યો. નારાયણ રાણે પોતાની આત્મકથામાં લખે છે એ પ્રમાણે બાલાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ વચ્ચે નારાયણ રાણેને કારણે ઝઘડા થતા. એકવાર ઉદ્ધવે બાલાસાહેબને ત્યાં સુધી ધમકી આપી દીધી કે કાં તો રાણે પાર્ટીમાં રહેશે કાં તો પોતે પરિવાર સહિત માતોશ્રી છોડી દેશે.

ઉદ્ધવ ઠાકરેને પાર્ટી અધ્યક્ષ બનાવાતા નારાયણ રાણેની નારાજગીમાં વધારો થયો
નારાયણ રાણેના શિવસેનાને છેલ્લા જુહાર!
વર્ષ 2005નો જુલાઇ માસ. ઉદ્ધવ ઠાકરે સાથેના મતભેદને લઇને આખરે નારાયણ રાણેએ શિવસેના સાથે જય મહારાષ્ટ્ર કહીને છેડો ફાડ્યો અને કોંગ્રેસમાં જોડાઇ ગયા. મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમાચારે ખળભળાટ મચાવી દીધો. નારાયણ રાણે જેવા મજબૂત નેતાનું નીકળી જવું શિવસેનાના ગઢમાં ગાબડુ પડવા જેવી ઘટના હતી.
છગન ભુજબળ પછી શિવસેના માટે આ સૌથી મોટો ફટકો હતો. એવું કહેવામાં આવે છે કે શિવસેનામાં વિદ્રોહીઓને માફીને કોઇ સ્થાન નથી. નારાયણ રાણેના રાજીનામા બાદ માલવણમાં પેટાચૂંટણી યોજાઈ. નારાયણ રાણેને કોઇ પણ રીતે હરાવવાના હતા. શિવસેનાના નાકનો સવાલ હતો. ઉદ્ધવ જૂથ કામે લાગ્યું. કટ્ટર શિવસૈનિક પરશુરામ ઉપરકરને માલવણથી નારાયણ રાણે સામે ટિકિટ આપવામાં આવી.
નારાયણ રાણેએ જ્યારે શિવસેનાના ઉમેદવારને ધૂળ ચટાડી દીધી!
બાલાસાહેબે નારાયણ રાણેની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. આખરે કોંકણમાં શિવસેનાના સામ્રાજ્યનો પણ સવાલ હતો. શિવસેનાના તમામ મહારથીઓને સિંધુદુર્ગ મોકલવામાં આવ્યા હતા. મુંબઈથી આવેલા ઘણા શિવસૈનિકોએ મતવિસ્તારમાં જ ધામા નાખ્યા હતા. ઘરે ઘરે જઈને ઝુંબેશ શરૂ થઈ.
બાલાસાહેબ ઠાકરેની તબિયત બગડતી હોવા છતાં તેમણે માલવણમાં સભા યોજી હતી. શેરીઓથી લઈને દિલ્હી સુધી બધાને ખાતરી હતી કે રાણેનો પરાજય થશે. પરંતુ બધાની ગણતરી ઉંધી પડવાની હતી. માલવણ સિંધુદુર્ગ નારાયણ રાણેનું હોમ ગ્રાઉન્ડ હતું. મુંબઈથી આવેલા શિવસૈનિકોથી નારાયણ રાણે એક ડગલુ આગળ ચાલતા હતા.
સૌ પ્રથમ, નારાયણ રાણેએ સિંધુદુર્ગ જિલ્લાની તમામ પ્રખ્યાત હોટલો અને ખુલ્લા મેદાનોને આરક્ષિત કર્યા. જેના કારણે સેનાના નેતાઓ માટે હોટલ અને મેદાન મળવું મુશ્કેલ બની ગયું હતું. શિવસેનાના કોઈપણ મતદાન મથક પાસે લેખિત પરવાનગી ન હોવાથી પોલીસે દરેક બૂથની સામગ્રી જપ્ત કરી લીધી. નારાયણ રાણેએ પરશુરામ ઉપકરને કારમી હાર આપી. એવી કારમી હાર કે પરશુરામ ઉપરકરે ડિપોઝીટ પણ ગુમાવવી પડી.
રાજ ઠાકરેએ કરી હતી મનસેમાં જોડાવાની ઓફર
નારાયણ રાણેએ પોતાની આત્મકથામાં લખ્યું છે એ પ્રમાણે શિવસેનામાંથી છુટા પડ્યા બાદ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના નામની પાર્ટીનું ગઠન કર્યું. રાજ ઠાકરેને પણ મુખ્ય વાંધો ઉદ્ધવ સામે જ હતો. રાજ ઉદ્ધવ દ્વારા શિવસેનામાં સાઇડ લાઇન થતા હોવાનું અનુભવી રહ્યા હતા. રાજ ઠાકરેએ નારાયણ રાણેને મનસેમાં સાથે આવવાની ઓફર પણ કરી હતી જોકે નારાયણ રાણેએ વિનમ્રતાથી આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.