બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / શિંદે, રાજ ઠાકરે પહેલા આ વ્યક્તિએ તોડી હતી શિવસેનાની તાકાત, જીવલેણ હુમલાઓ, ફાયરિંગ અને આખરે થયું સમાધાન
Last Updated: 10:06 AM, 14 November 2024
મુંબઇનો મઝગાંવ વિસ્તાર.
શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની એક સભાનું આયોજન. ઠાકરે તેજધાર શૈલીમાં ભાષણ આપી રહ્યા હતા. સભામાં ઉપસ્થિત એક યુવક આ ભાષણ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ઠાકરેના ભાષણથી એ યુવક એટલો પ્રભાવિત થયો કે એણે પાર્ટીના સભ્ય બનવાનો નિર્ણય કર્યો. એ યુવક એટલે છગન ભુજબળ. જેઓ એક સમયે બાલા સાહેબના ઠાકરેના પટ્ટશિષ્ય સમાન હતા. પણ પછી આ સંબંધ કેવી રીતે જીવલેણ દુશ્માનવટમાં પલટાઇ ગયો? સુનો બગાવત કી યેં દાસ્તાન...
ADVERTISEMENT
શાકભાજી વેચનાર શખ્સ જ્યારે રાજનીતિમાં આવે છે!
છગન ભુજબળની પૃષ્ઠભૂમિ તરફ એક નજર નાખીએ તો મુંબઈના ભાયખલા શાક માર્કેટમાં પોતાની માતા સાથે શાકભાજી વેચતા હતા. VJTI કોલેજમાંથી ડિપ્લોમા એન્જિનિયરીંગનું ભણેલા હતા. છગન ભુજબળ શિવસેનાની સ્થાપનાના પ્રથમ દિવસથી જ બાળાસાહેબના વિચારોથી ખાસ્સા પ્રભાવિત હતા. છગન ભુજબળને પણ ઠાકરી ભાષામાં સામાન્ય લોકોના પ્રશ્નો માટે નિર્ભયતાથી બેબાક બોલવાની ટેવ હતી. ઠાકરે ભુજબળના વિચારોથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. બાલ ઠાકરેને આવા જ તરવરીયા અને ઉત્સાહી યુવકોની તો જરુરિયાત હતી.
મહાનગરપાલિકા પર પહેલીવાર શિવસેનાનો ભગવો લહેરાયો
છગન ભુજબળ અને બાલ ઠાકરે વચ્ચે શરૂઆતમાં તો ખૂબ સારા સંબધો રહ્યા. શિવસેનામાં જોડાયા પછી ભુજબળનું વર્ચસ્વ વધવા માંડ્યુ. તેજ દિમાગ અને સારી રીતે ભાષણ આપી શકતા છગન ભુજબળ એક સમયે ઠાકરેના અંગત નેતાઓમાં ગણના પામતા હતા. શિવસેનામાં છગન ભુજબળનું વજન વધ્યું. 1973માં તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1973 અને 1984 ની વચ્ચે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી નેતા હતા. 1985 દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પહેલીવાર ભગવો લહેરાયો હતો અને ભુજબળને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બનાવવામાં આવ્યા.
ADVERTISEMENT
વિધાનસભામાં શિવસૈનિકની ત્રાડ સંભળાઇ!
1985માં વિધાનસભાની ચૂંટણી થઈ અને ભુજબળ ધારાસભ્ય બન્યા. વિધાનસભા ગૃહમાં છગન ભુજબળ બાળા સાહેબના વાઘ તરીકે ઉભરી આવ્યા. ભુજબળની વકતવ્ય શૈલીમાં ઠાકરેની ચોખ્ખી અસર વર્તાતી હતી. આ સમયગાળા દરમિયાન અમરાવતીમાં એક વખત દુર્ગા પૂજાને લઈને હોબાળો થયો હતો. આ ઘટના અંગે છગન ભુજબળે આપેલા નિવેદનનો શાસક કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો. તત્કાલીન મુખ્યમંત્રી શંકરરાવ ચવ્હાણ પણ નારાજ થયા. હોલમાં માર્શલો બોલાવવામાં આવ્યા અને ભુજબળને ખેંચીને બહાર લઈ જવામાં આવ્યા. અંતે સ્પીકરે એમને 15 દિવસ માટે સસપેન્ડ કરી દીધા.
બોલવા પર પાબંદી આવી તો બેનરોથી વિરોધ કર્યો
ભુજબળ એકમાત્ર ધારાસભ્ય હોવાથી તેમને બોલવાનો સમય આપવામાં ન આવ્યો તો ભુજબળે બેનર પર સરકાર વિરુદ્ધ લખાણ લખીને વિરોધ નોંધાવ્યો. મહારાષ્ટ્ર વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત બેનર યુદ્ધ થયું હતું. ફરીથી ભુજબળને માર્શલિંગ કરીને બહાર કરી દેવામાં આવ્યા. ભુજબળની આ સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી.
ADVERTISEMENT

બાલ ઠાકરે સામે બગાવતનું રણશિંગુ ફૂંકનાર છગન ભુજબળ
ADVERTISEMENT
બેલગામમાં દુબઇનો વેપારી ઇકબાલ શેખ ઉર્ફે....
વર્ષ 1986.
બેલગામમાં તત્કાલીન કર્ણાટક સરકાર દ્વારા કન્નડ થોપવા વિરુદ્ધ આંદોલન થયું. ત્યારે જનતા દળના રામકૃષ્ણ હેગડે ત્યાં મુખ્યમંત્રી હતા. બેલગામમાં મરાઠી ભાષીઓ પર બળજબરીથી કન્નડ ઓળખ થોપવાના પ્રયાસનો બેલગામના લોકોએ વિરોધ કર્યો.
મહારાષ્ટ્રમાંથી પણ વરિષ્ઠ નેતા એસ.એમ. જોશીના નેતૃત્વમાં બેલગામમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના તમામ નેતાઓને બેલગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તત્કાલીન વિપક્ષી નેતા શરદ પવાર અચાનક સુરેશ કલમાડી સાથે બેલગામમાં ઉતર્યા. આનાથી નારાજ હેગડે સરકારે આંદોલનને દબાવવાના પ્રયાસો તેજ કર્યા. શરદ પવાર પર લાઠીચાર્જ થયો હોવાની અફવાને કારણે બેલગામમાં રમખાણો થયા. પોલીસે કરેલા લાઠીચાર્જમાં બે લોકોના મોત થયા. આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ADVERTISEMENT
પોલીસે નક્કી કર્યું કે મહારાષ્ટ્રથી આવતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને એક પણ મરાઠી નેતાને બેલગામમાં પ્રવેશ કરવા ન દેવો. આ બધું થઈ રહ્યું હતું ત્યારે મરાઠી ભાષાના કટ્ટર સમર્થક શિવસેના આ મામલે મૌન રહે એવું તો શીદને બને? બાલાસાહેબ ઠાકરેએ તેમના કમાન્ડર-ઇન-ચીફને બેલગામના મરાઠી ભાષીઓના વિરોધમાં વ્યક્તિગત રીતે હાજરી આપવાનો આદેશ આપ્યો!
બાલા સાહેબના આદેશને માથે ચડાવીને એ યુવક બેલગામમાં દુબઇના વેપારીનો વેશ ધારણ કરીને પહોંચે છે. નામ રાખ્યું: ઈકબાલ શેખ. ગળામાં ટાઇ, મોઢામાં ચિરુટ…પોલીસને શંકા ઉપજવાનું એક પણ કારણ ન હતું. પોલીસને થાપ આપીને એ યુવક સ્થાનિક મરાઠી વેપારીને ત્યાં બે દિવસ સુધી રહે છે અને જ્યારે હુતાત્મા ચોકમાં મરાઠી ભાષામાં એ ‘દુબઇનો વેપારી’ ભાષણ આપે છે ત્યારે સૌ કોઇ ચકિત થઇ જાય છે. છગન ભુજબળ અહીં ક્યાંથી? ભુજબળની હાજરી સૌ કોઇ માટે કુતૂહલનો વિષય હતી!
ADVERTISEMENT
ચકલુંય ફરકી ન શકે એવા ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અચાનક ટપકી પડેલા ભુજબળને જોઈને ત્યાં એકઠા થયેલા લોકોમાં જોમ પુરાયું. પોલીસની આંખમાં ધૂળ નાખીને નાક કાપી લેનાર ભુજબળને પકડીને જેલમાં રાખવામાં પૂરવામાં આવ્યા. આ પછી તો એમને જામીન મળી ગયા અને કેસ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો પણ આ ઘટના છગન ભૂજબળના રાજકીય કરિઅરમાં ખૂબ ચર્ચાસ્પદ રહી.
બેલગામની આ ઘટના વખતે ત્યારે છગન ભુજબળના પત્નીનું ઓપરેશન થયું હતું. આવી પરિસ્થિતિમાં પણ છગન ભુજબળ બાળાસાહેબના આદેશ પર બેલગામના મિશન પર ગયા હતા. અહીં બાળાસાહેબની દેખરેખ હેઠળ તેમની પત્નીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે ઘરમાં મેડિકલ ઇમરજન્સી વચ્ચે પણ બાલા સાહેબ ઠાકરેના એક આદેશ પર બેલગામ મિશન પાર પાડનાર છગન ભુજબળને બાલા સાહેબ ઠાકરે સામે એવો તે શું વાંધો પડ્યો કે બગાવત કરવાની નોબત ઉભી થઇ? તો બહુધા રાજકીય વિશ્લેષકો માને છે પ્રમાણે આગળ જોઇએ તો..
અંગ્રેજી અખબારની હેડલાઇને ભુજબળનું નસીબ પલટાવી નાખ્યું!
1985 પછીની વિધાનસભા ચૂંટણીમાં મુંબઇની બહાર શિવસેનાને મજબૂત કરવાની જરૂરિયાત હતી. છગન ભુજબળે એ માટે પૂરજોશમાં તૈયારી આદરી. ભુજબળ આખા મહારાષ્ટ્રમાં ફરતા હતા. બેલગાવવાળા સ્ટંટથી ભુજબળની ખ્યાતિમાં વધારો થયો હતો. વિધાનસભામાં ભુજબળ આકરી શૈલીમાં પ્રશ્નો ઉઠાવતા જેના કારણે ભુજબળનું નામ રોજ ચમકતું હતું. મહારાષ્ટ્રમાં સેના સત્તામાં ન હતી પણ માત્ર ભુજબળનું નામ દૈનિક અખબારોમાં ચર્ચાતું હતું. ભુજબળે આ ચૂંટણીમાં વીસથી વધુ શિવસૈનિકોને ટિકિટ અપાવીને વિજયી બનાવ્યા હતા.
ભુજબળના પ્રયાસો અંગે એક અંગ્રેજી અખબારે હેડલાઇન છાપી: ભુજબળ મુંબઈમાંથી સેનાને લઈ જઈ રહ્યા છે, મરાઠવાડામાં સેનાને ભવ્ય સફળતા મળે તેવી શક્યતા..!

બે બગાવતી, એક ફ્રેમ!
‘હું ઓબીસીમાંથી આવું છું એટલે મને વિપક્ષ નેતા ન બનવા દીધો’
ચૂંટણી પહેલા આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જ ભુજબળના નસીબમાં 360 ડિગ્રીનો પલટો આવ્યો. ભુજબળ મહત્વાકાંક્ષી બની રહ્યા હોવાની વાત ધીમા સૂરે વહેતી થઇ. એમ કહેવાય છે કે ચૂંટણી બાદ ભુજબળના વધતા કદને કદ વેંતરવાનો નિર્ણય કરાયો!
એ વર્ષની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના સૌથી મોટી વિપક્ષ પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતાની પસંદગી કરવાની વાત આવી ત્યારે છગન ભુજબળ ઠાકરે સાથેની નજદીકીને અને પોતાની કામગીરીને કારણે આ પદ પોતાને મળશે એવી અપેક્ષા રાખતા હતા. જોકે છગન ભુજબળની ગણતરી ખોટી પડી અને બાલ ઠાકરેએ વિપક્ષ નેતાનું પદ મનોહર જોશીને આપી દીધું. છગન ભુજબળ આ ઘટનાને કારણે ખાસ્સા નારાજ થઇ ગયા.
ભુજબળે વિરોધ નોંધાવ્યો: ‘જોશી બ્રાહ્મણ હોવાથી એમને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે જ્યારે પોતે ઓબીસીમાંથી આવતા હોવાથી હટાવવામાં આવ્યા છે’
માતોશ્રીના બંગલે સમાધાનના પ્રયાસો
છગન ભુજબળે જાહેરમાં મનોહર જોશી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, મનોહર જોશી વિપક્ષ નેતા તરીકે અસફળ રહ્યા છે. ભુજબળના બગાવતી તેવર જોતા બાલ ઠાકરેએ જોશી અને ભુજબળ બંનેને માતોશ્રીના બંગલે બોલાવીને બેઠક યોજી અને સમાધાન કરાવ્યું. જોકે ભુજબળના ગુસ્સાને ઠંડક નહોતી વળી.

જ્યારે છગન ભુજબળ પહેલીવાર મુંબઇના મેયર બન્યા!
વી. પી. સિંહની ઓફર
1989માં કેન્દ્રમાં વી. પી. સિંહની નેશનલ ફ્રંટની સરકાર બની. જેણે મંડળ કમિશનનો રિપોર્ટ લાગુ કર્યો. આ રિપોર્ટ પ્રમાણે ઓબીસીને સરકારી નોકરીઓમાં 27 ટકા અનામત આપવાની ભલામણ હતી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં બનેલી પ્રથમ બિન કોંગ્રેસી સરકારે 20 ડિસેમ્બર, 1978ના રોજ બિંદેશ્વરી પ્રસાદ મંડલની આગેવાનીમાં એક પંચ બનાવ્યું. જેને 'મંડલ પંચ' કહેવામાં આવ્યું. આ પંચે 12 ડિસેમ્બર, 1980ના રોજ પોતાનો રિપોર્ટ પૂરો કર્યો, પણ ત્યાં સુધીમાં મોરારજી દેસાઇ સરકાર ટકી શકી નહોતી અને ઇમર્જન્સી બાદ સત્તામાંથી બેદખલ થયેલાં ઇંદિરા ગાંધી 1980માં ફરી પ્રધાનમંત્રી બની ગયાં હતાં. એ રિપોર્ટ ઇન્દિરા ગાંધી અને ત્યાર બાદ સત્તા પર આવેલા રાજીવ ગાંધીએ લાગુ કર્યો ન હતો. પણ વી. પી. સિંહે પોતાની ડૂબતી નૈયા બચાવવા માટે મંડળ કમિશનનો રિપોર્ટ લાગુ કર્યો હતો. શિવસેના મંડળ કમિશનનો વિરોધ કરી રહી હતી.
ઓબીસી સમાજમાંથી બિલોંગ કરતા ભુજબળને આ વાત ખટકી. વી. પી. સિંહ જ્યારે મુંબઇની મુલાકાતે આવ્યા ત્યારે એમણે છગન ભુજબળને જનતા દળમાં સામેલ કરવા આમંત્રણ પાઠવ્યું. શિવસેના પ્રત્યે છગન ભુજબળને નારાજગીની સાથે એક લગાવ પણ હતો એટલે એમણે જનતા દળમાં જોડાવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો. જોકે છગન ભુજબળ પાર્ટીના વલણથી હજી પણ નારાજ જ હતા.
“તમારે અમારો કચરો ઉપાડી લેવો જોઈએ”
શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે સામેનો વિદ્રોહ વધી રહ્યો હતો. બાળાસાહેબ ઠાકરે પોતે મંડળ કમિશનની વિરુદ્ધ હતા. ત્યારે ભુજબળે મંડલ પંચના પ્રસંગે પાર્ટી નેતૃત્વની ટીકા શરૂ કરી. ત્યારે કાર્યક્રમના અવસરે કોંગ્રેસના નેતા રામરાવ આદિક અને બાળાસાહેબ ઠાકરે એક મંચ પર હાજર હતા. પછી બાલાસાહેબે છગન ભુજબળ પર કટાક્ષ કરતા રામરાવ આદિકને કહ્યુ,“તમારે અમારો કચરો ઉપાડી લેવો જોઈએ.”
બાલાસાહેબનું આ નિવેદન એ છગન ભુજબળના અપમાનની પરાકાષ્ઠા હતી. છગન ભુજબળના શિવસેનામાં રહીને સમાધાન કરવાના દિવસો પૂરા થઈ ગયા હતા. લોનાવલામાં શરદ પવાર ભુજબળને મળ્યા અને તેમને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું.
ભુજબળે ચૂંટણીમાં પોતાના નજીકના લોકોને ટિકિટ આપી હતી. 20થી વધુ ધારાસભ્યો ભુજબળના સમર્થક હતા. પક્ષપલટા વિરોધી કાયદાને કારણે ઓછામાં ઓછા 20 ધારાસભ્યો ભુજબળ સાથે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા હતી. પરંતુ બાલાસાહેબના ખૌફને કારણે માત્ર અગિયાર ધારાસભ્યો ભુજબળ સાથે જોડાયા હતા.

બાલા સાહેબ ઠાકરે સામે બગાવત કરીને છગન ભુજબળે મોંઘી દુશ્મની નોતરી લીધી હતી!
છગન ભુજબળની બગાવત: ‘લખોબા’ ઘોષિત કર્યા, શું છે આ ‘લખોબા’?
શિવસેના પહેલીવાર બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. પાર્ટીની સ્થાપના બાદ પહેલીવાર કોઇએ બાલ ઠાકરે સામે બગાવતની હિંમત કરી હતી. ભુજબળની બગાવતને કારણે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 52માંથી ઘટીને 34 પર આવી ગઇ. બીજેપીએ વિપક્ષ નેતા હવે પોતાનો બનાવવાની માગ કરી. શિવસેનાએ બીજેપીની માગ સામે ઝુક્વુ પડ્યુ. અને બીજેપીએ ગોપીનાથ મુંડેને વિપક્ષ નેતા બનાવ્યા. છગન ભુજબળના વિદ્રોહથી ઠાકરે ભુજબળ પર બરાબરના બગડ્યા. ઠાકરેએ ભુજબળને ગદ્દાર ઘોષિત કર્યા. તેઓ ભુજબળને લખોબા કહીને સંબોધતા હતા. લખોબા મરાઠી નાટકનું એક પાત્ર છે. જે દગાબાજી માટે કુખ્યાત હોય છે. ઠાકરે ભુજબળને ગદ્દારીનો પાઠ ભણાવવા માગતા હતા.
શિવસૈનિકો હુમલો કરવા આવ્યા પણ ભુજબળ આવી યુક્તિથી બચી ગયા
શિવસૈનિકોના નિશાને હવે છગન ભુજબળ પહેલા ક્રમે હતા. ક્યારે, ક્યાં અને કેવી રીતે ભુજબળ પર હુમલો થશે એની કોઇ ખાતરી ન હતી. શરૂઆતમાં ભુજબળ નાગપુરના પાવર હાઉસ અને બાદમાં પદ્મસિંહ પાટીલના બંગલામાં છુપાયા. ત્યાં રાત્રે મોટી સંખ્યામાં શિવસૈનિકો આવી ચડ્યા. ભુજબળ બેન્ચ પર સાદી ધાબળો ઓઢીને સુતા હતા. જે સૈનિકો આવ્યા હતા તેમને કોઈ શંકા નહોતી કે બેન્ચ પર સૂતો વ્યક્તિ ભુજબળ ખુદ છે. ભુજબળના સદનસીબે તેઓ બચી ગયા!
શરદ પવારે ભુજબળને મહેસૂલ મંત્રી બનાવ્યા હતા અને તેમની પર મંડરાતા ખતરાને ધ્યાને રાખીને બ્લેકકેટ કમાન્ડોની સુરક્ષા પુરી પાડી હતી. જોકે તેમ છતાં શિવ સૈનિકોના હુમલાનો ભય તોળાતો હતો.
છગન ભુજબળની હાર થઇ, શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર બની
વર્ષ 1995ની ચૂંટણી આવી. છગન ભૂજબળ અને બાકીના વિદ્રોહી ધારાસભ્યો સામે ઠાકરે ખુદ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા. ઠાકરેએ ચૂંટણી સભામાં ખુલ્લેઆમ કહ્યું, ‘જો આ ચૂંટણી અમે હારી તો આ અમારી છેલ્લી ચૂંટણી હશે’. શિવસેનાએ છગન ભુજબળ સામે બાલ નંદગાવકરને ટિકિટ આપી હતી. બાલ ઠાકરેના ખૌફ સામે છગન ભુજબળની લોકપ્રિયતા ટૂંકી પડી અને છગન ભુજબળ મઝગાંવથી ચૂંટણી હારી ગયા. 1995માં શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર આવી.
છગન ભુજબળને વિધાન પરિષદમાં લઈ જઈને વિપક્ષના નેતા બનાવાયા હતા. આ સમયગાળા દરમિયાન ભુજબળ સરકાર સામે આકરા પાણીએ લડતા હતા. શિવસેનાના નાકમાં દમ લાવી દીધો હતો ભૂજબળે. પરિણામ એ આવ્યું કે ભુજબળ પર ફરી હુમલો કરવાનો પ્લાન ઘડાયો!
હુમલો: બંગલાની અંદર તોડફોડ, ફાઇલો સળગાવી, પોલીસનું ફાયરિંગ
વર્ષ 1997માં છગન ભુજબળ વિધાન પરિષદમાં વિપક્ષ નેતા હતા અને એમનો સરકારી બંગલો મુંબઇના નરિમાન પોઇન્ટ વિસ્તારમાં શિવસેના-બીજેપીના મંત્રીઓની પાસે ફાળવેલો હતો. ભુજબળને સજા આપવાના ઇરાદે સૌથી પહેલા તો એમને મળતી ઝેડ પ્લસ સુરક્ષા હટાવવામાં આવી. 13 જુલાઇની તારીખે સેંકડો શિવસૈનિકો શ્રમમંત્રી સાબિર શેખના બંગલા પર એકઠા થયા અને પછી અચાનક ભુજબળના બંગલા પર હુમલો કરી દીધો.
શિવસૈનિકો ભુજબળને શોધતા હતા પણ ભુજબળે તો પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ બંગલાની અંદર ખૂબ તોડફોડ કરી. ફર્નિચરને નુકસાન કર્યુ. ફાઇલો સળગાવી નાખી. પોલીસ દોડી ગઇ પણ શિવસૈનિકો રોક્યા રોકાય એમ ન હતા. આખરે એક પોલીસ કર્મીએ ફાયરિંગ કરતા હુમલાખોરો ભાગ્યા અને માંડમાંડ ભુજબળ બચ્યા!
બાલ ઠાકરેએ આ હુમલાને સમર્થન આપ્યું. પોલીસે આ મામલે 32 શિવસૈનિકો સામે કાર્યવાહી કરી. આ ઘટનાને કારણે ભુજબળના મનમાં બાલ ઠાકરે પ્રત્યે દુશ્મનાવટ ઔર વધી. ભુજબળ હવે હિસાબ ક્લીઅર કરવા માગતા હતા.
ઠાકરેની ધરપકડના આદેશ છૂટ્યા
વર્ષ 2000માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસ એનસીપી સરકાર આવી. ભુજબળને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભુજબળે ઠાકરે સામેનો હિસાબ ક્લીઅર કરવા માટે જુલાઇ મહિનાની પસંદગી કરી. ઠાકરે પર 1992-1993માં મુંબઇના રમખાણો દરમિયાન સામના અખબારમાં ભડકાઉ તંત્રી લેખ લખવાનો આરોપ હતો. પણ જે કલમ પ્રમાણે ફરિયાદ દાખલ થઇ હતી એ માટે સરકારની પરવાનગી જરૂરી હતી. ઠાકરે સામે દાખલ થયેલો આ કેસ ઠંડો હતો. છગન ભુજબળે ગૃહમંત્રી બન્યા બાદ આ કેસ ફરી ખોલ્યો અને મુંબઇ પોલીસને ઠાકરેની ધરપકડ કરવાના આદેશ છુટયા.
પોલીસ કમિશનરને કડકાઇ દાખવવા આદેશ, બહારથી પોલીસ બોલાવવામાં આવી
ઠાકરેની ધરપકડના પગલે મહારાષ્ટ્રભરમાં શિવસૈનિકો તરફથી હિંસક પ્રતિક્રિયા આવી શકવાની નક્કર સંભાવના હતી. આખા મુંબઇમાં અરાજકતાનો માહોલ સર્જાઇ શકે એમ હતો. પણ ભૂજબળ કોણ પણ હિસાબે ઠાકરેને પાઠ ભણાવવા માગતા હતા. એમણે તત્કાલીન પોલીસ કમિશનર એમ.એન. સિંહને કડકાઇ દાખવવા સખત આદેશ આપ્યો અને બહારથી પણ પોલીસ દળ બોલાવ્યું.
500 પોલીસકર્મીઓની ટુકડી માતોશ્રી બંગલે પહોંચી અને...
તારીખ 25 જુલાઇ,2000.
આ દિવસે મુંબઇમાં સવારથી જ તંગ માહોલ હતો. વેપારીઓએ હિંસાના ભયે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. અંદાજે 500 પોલીસ કર્મીઓની એક ટુકડી માતોશ્રી બંગલે પહોંચ્યા અને ત્યાંથી ઠાકરેને લઇને મેયર નિવાસ સ્થાને પહોંચી. મેયર નિવાસ પર ઠાકરેની ઔપચારિક રીતે ધરપકડ થઇ. આ પછી પોલીસની ટીમ એમને લઇને કોર્ટ પહોંચી. કોર્ટના પરિસરને પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખવામાં આવ્યું હતું.
કોર્ટમાં તંગ માહોલ, શિવસૈનિકોની ભીડ ઉમટી પડી
શિવસૈનિકોની ચિક્કાર ભીડ કોર્ટના પરિસરમાં જમા થઇ ગઇ હતી. કોર્ટના તણાવભર્યા માહોલમાં સુનાવણી શરુ થઇ. પોલીસે ઠાકરેને એડિશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સામે રજૂ કર્યા. ઠાકરેના વકીલોએ એમની જામીન અરજી રજૂ કરી. પણ જજે જામીન આપવાને બદલેૌ ઠાકરે સામેનો કેસ એમ કહીને પૂરો કરી નાખ્યો કે કેસની તપાસ માટેની સમય અવધિ પૂરી થઇ ગઇ છે!
કોર્ટ કાર્યવાહી પૂરી થયા બાદ બાલ ઠાકરે કોર્ટમાંથી બહાર નીકળ્યા અને પરિસરમાં ઉપસ્થિત શિવસૈનિકોને બે આંગળી દર્શાવીને સંદેશ આપ્યો કે એમની જીત થઇ છે. શિવસૈનિકોએ આ જીતને દિવાળીની જેમ સેલિબ્રેટ કરી. પણ ઠાકરેની ધરપકડ કરાવીને છગન ભુજબળની બદલાની ભાવનાને શાતા વળી હતી.
સમાધાન: મેં શિવસૈનિકોને માફ કરી દીધા છે!
વર્ષ 2008માં ભુજબળ અને ઠાકરે વચ્ચે સમાધાન થઇ ગયું. ભુજબળે ઠાકરે સામે કેટલાક માનહાનીના કેસ દાખલ કર્યા હતા જે ઠાકરેની કથળેલી તબિયતને પગલે એમણે પાછા ખેંચી લીધા. ઠાકરેએ પોતાની મૃત્યુના થોડા દિવસ પહેલા ભુજબળને પોતાના ઘરે પરિવાર સહિત જમવા પણ આમંત્રણ આપ્યું હતું. વર્ષ 2017માં સેશન્સ કોર્ટમાં ભુજબળનો હુમલા પરનો કેસ માટે ગવાહી લેવમાં આવી ત્યારે ભુજબળે કોર્ટમાં નિવેદન આપ્યું કે તેમણે હવે શિવસૈનિકોને માફ કરી દીધા છે!
ઉદ્ધવની જ કેબિનેટમાં મંત્રી બન્યા!
વર્ષ 2019માં એનસીપી નેતા અજીત પવારે નિવેદન આપ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ એ એક ભૂલ હતી. ભુજબળની તરફ ઇશારો કરતા શરદ પવારે કહ્યું કે એક નેતાની જીદને કારણે ઠાકરેની ધરપકડ કરવી પડી હતી. આ જ છગન ભુજબળ ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં મંત્રી બન્યા હતા કે જેના પિતાની એક સમયે ધરપકડ કરાવી હતી. આફટરઓલ ધીસ ઇઝ પોલિટિક્સ એન્ડ એવરીથીંગ ઇઝ ફેર ઇન વોર, લવ એન્ડ પોલિટિક્સ!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.