બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / કોમ્યુનિસ્ટ નેતાની હત્યા, બાલ ઠાકરે પર આરોપ, પણ પહેલીવાર શિવસેનાના ધારાસભ્ય ચૂંટાયા, જાણો લોહિયાળ ઘટનાક્રમ
Last Updated: 10:06 AM, 13 November 2024
‘તેં આપણા સંગઠન માટે કોઇ નામ વિચારી રાખ્યું છે?’
ADVERTISEMENT
‘નહીં. હજુ સુધી નહીં’
‘આપણી સંસ્થાનું નામ શિવસેના રહેશે’
ADVERTISEMENT
વર્ષ 1966ના મે મહિનાનો એક દિવસ. એક પિતા-પુત્ર વચ્ચે સંવાદ થયો. પિતા હતા કેશવ સીતારામ ઠાકરે અને દીકરો હતો બાલ ઠાકરે. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના થઇ. આ પછી ચાર વર્ષે શિવસેનાના પ્રથમ ધારાસભ્ય ચૂંટાયા હતા. આ ધારાસભ્યના ચૂંટાવા પાછળ એક રાજકીય હત્યા જવાબદાર હતી. આ રાજકીય હત્યાકાંડના છાંટા બાલ ઠાકરે પર પણ ઉડ્યા હતા.
શિવસેનાની સ્થાપના પાછળની ભૂમિકા:
તારીખ 23 જાન્યુુઆરી, 1927ના રોજ પૂણેમાં બાલાસાહેબ ઠાકરેનો જન્મ. પિતા કેશવ સીતારામ ઠાકરે. માતાનું નામ રમાબાઇ. મૂળ અટક તો હતી પનવેલકર પણ પછી કેશવ સીતારામ અંગ્રેજી નવલકથાકાર વીલિયમ મેકપીસ ઠાકરેથી એટલા પ્રભાવિત કે સરનેમ બદલીને ઠાકરે કરી નાખી. એક અંગ્રેજી લેખકથી પ્રભાવિત થઇને સરનેમ બદલી નાખનારા કેશવ સીતારામ ઠાકરે લેખક-પત્રકાર-નાટ્યકાર-ચિત્રકાર-સમાજ સુધારકની બહુમુખી પ્રતિભા હતા. એમણે પોતાનું ઉપનામ પ્રબોધન રાખ્યું હતું. પ્રબોધન એટલે કે નવજાગૃતિ. હિન્દુ ધર્મમાં પ્રચંડ આસ્થા ધરાવનાર પ્રબોધનકાર ઠાકરે જાતિગત ભેદભાવ અને જૂની પરંપરાને લઇને વિદ્રોહી વલણવાળા.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ચંદ્રસૈન્ય કાયસ્થ પ્રભુ કાસ્ટમાંથી બિલોંગ કરતા પ્રબોધનકાર ઠાકરેએ બિનબ્રાહ્મણ આંદોલન પણ ચલાવ્યું હતું. સંયુક્ત મહારાષ્ટ્ર મુવમેન્ટમાં પણ એમની આગળ પડતી ભૂમિકા હતી. મહાત્મા જ્યોતિબા ફૂલેએ શરૂ કરેલી સત્યશોધક ચળવળમાં પણ પ્રબોધનકાર જોડાયા હતા. પ્રબોધનકાર ઠાકરેનો જૂની પરંપરા સામેનો વિદ્રોહી મિજાજ ઉપરાંત ચિત્રકળા, પત્રકારત્વ અને વકતૃત્વનું કૌશલ્ય અને હિંદુ અસ્મિતાનું ગૌરવ બાલ ઠાકરેને વારસાગત મળ્યા હતા.

ADVERTISEMENT
બાલ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે અગ્રણી સમાજ સુધારક હતા
સંગીતકારને બદલે ઠાકરે બની ગયા કાર્ટૂનિસ્ટ
બાલ ઠાકરેનો પરિવાર પછી મુંબઇ પાસેના થાણે ડિસ્ટ્રીક્ટના ભીંવડી ટાઉનમાં શિફ્ટ થયો. બાલ ઠાકરેના પિતા પ્રબોધનકારે એક નાટક મંડળીની પણ સ્થાપના કરી હતી, જેનું નામ એમણે ડેક્કન સ્પાર્ક રાખ્યું હતું. ઐતિહાસિક મેદાન શિવાજી પાર્કથી પ્રબોધનકાર ઠાકરેનું ઘર બહું નજીક હતું. પ્રબોધનકાર ઠાકરે પછી 77-A, રાનડે રોડ, દાદર ખાતે રહેવા ગયા હતાં. એકવાર બાલ ઠાકરે માટે એમના પિતા બુલબુલ (એક સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ) લઇ આવ્યા હતા. જોકે બાલ ઠાકરેનો હાથ બેઠો નહીં. એમના હાથ તો પીંછી માટે બનેલા હતા. બાલ ઠાકરેના ભાઇ શ્રીકાંત ઠાકરે બુલબુલ વગાડતા શીખી ગયા. આ દરમિયાન બાલ ઠાકરેએ દીવાલો પર જાતભાતની ચિતરામણ કરતા. આ ચિત્રવિચિત્ર બાલ ચિત્રોમાંથી જ આગળ જતા પોલિટિકલ કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેનો જન્મ થવાનો હતો. આર્ટ તો બાલ ઠાકરેના લોહીમાં હતું. એમના પિતા એક અચ્છા કાર્ટૂનિસ્ટ હતા. બાલ ઠાકરેની રસરૂચિ જાણીને પ્રબોધનકારે એમને તાલીમ આપવાની શરૂઆત કરી અને ભવિષ્યમાં બાલ ઠાકરે એક ઉત્તમ પોલિટિકલ કાર્ટૂનિસ્ટ બનીને ઉભર્યા.
ADVERTISEMENT
ઠાકરેના કાર્ટુન પર સેન્સરશિપ
જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં જવાના અભરખા ધરાવતા ઠાકરેના ચિત્રો એકવાર પ્રખ્યાત બાબુરાવ પેઇન્ટરે જોયા તો એમણે આર્ટ સ્કૂલમાં જવાને બદલે કાર્ટૂનિસ્ટ તરીકે આગળ વધવાની સલાહ આપી. બાલ ઠાકરેએ પછી ફ્રી પ્રેસ જર્નલમાં પોલિટિકલ કાર્ટૂનિસ્ટ તરીકે કરિઅરનો આરંભ કર્યો. આ કાર્ટૂન વીકલીના તંત્રી હતા દક્ષિણ ભારતીય એ.બી નાયર. હવે એકવાર એવું બન્યું કે બાલ ઠાકરેએ એકવાર અગ્રણી સાંસદ અને સ્વતંત્ર પાર્ટીના દિગ્ગજ નેતા મીનુ મસાણીનું કાર્ટુન દોર્યું. એ.બી. નાયરે ઠાકરેને કેબિનમાં બોલાવ્યા અને સલાહ આપી: મીનુ મસાણી સારા માણસ છે. એમના પર કાર્ટૂન બનાવવાનું ટાળજો. ઠાકરે ગુસ્સામાં કેબિનમાંથી બહાર નીકળી આવ્યા. ઠાકરેએ આવી જ રીતે મહારાષ્ટ્રના નેતા એસ.કે. પાટીલનું કાર્ટૂન દોર્યું તો ત્યારે પણ ઠાકરેને કંઇક આવા જ પ્રકારની સલાહ મળી. બાલ ઠાકરેના આવા કેટલાય કાર્ટૂન પર એબી નાયરની કાતર ફરી વળતી એટલે પછી ઠાકરેએ એ.બી. નાયરને પત્રકારત્વની એબીસીડીની પણ ખબર પડતી નથી એમ કહીને રાજીનામુ ધરી દીધું.
‘વાચા આણી થંડ બસા’, ‘વાચા આણી ઉઠા’
બાલ ઠાકરેએ એકવાર મોરારજી દેસાઇને પણ નરરાક્ષસ કહીને ચીતર્યા હતા. ઠાકરે સામે કાયદાકીય કાર્યવાહીની સ્થિતિ નિર્માણ થઇ હતી અનેે ઠાકરેને અંડરગ્રાઉન્ડ રહેવાની નોબત ઉભી થઇ હતી. ફ્રી પ્રેસ જર્નલમાંથી નીકળ્યા બાદ બાલ ઠાકરેએ ક્યાંકથી પાંચ હજારનો મેળ પાડીને ભાઇ શ્રીકાંત ઠાકરે સાથે માર્મિક નામનું પોલિટિકલ કાર્ટૂન વીકલી શરુ કર્યું. વર્ષ હશે 1960નું. આ એ સમય હતો કે જ્યારે મરાઠી મેગેઝિનો બંધ થઇ રહ્યા હતા. પણ ‘માર્મિક’ મરાઠી માનસમાં છવાઇ જવા માટે જ જાણે સર્જાયું હતું.
ADVERTISEMENT
અહીં બાલ ઠાકરેને પૂરી આઝાદી હતી. કોઇ રોકનાર કે ટોકનાર ન હતું. ‘માર્મિક’ વીકલીમાં બાલ ઠાકરે પોતાના અસરકારક કાર્ટૂનથી તત્કાલીન સરકાર પર આકરા કટાક્ષબાણો ચાલતા. ‘માર્મિક’માં છપાયેલા બાલ ઠાકરેના કાર્ટૂનમાં મરાઠી માણસની સમસ્યાને વાચા મળતી હતી. મરાઠી પ્રજાના શાર્પ ઓબ્ઝર્વેશનમાંથી આવેલા ઠાકરેના ડાર્ક હ્યુમરની છાંટવાળા કાર્ટૂનમાં મરાઠી માનુસ આબાદ ઝીલાતું હતું. દક્ષિણ ભારતીયો પગદંડો જમાવીને મરાઠી માણસના હક પર તરાપ મારતા હોવાની આક્રોશયુક્ત મરાઠી વ્યથાને ઓળખીને ઠાકરેએ મરાઠી પ્રજાની નાડ પારખી લીધી હતી.
માર્મિકની મરાઠી પ્રજામાં લોકપ્રિયતા ધીમે-ધીમે રાજાની કુંવરીની જેમ વધતી ગઇ. એવી કે એકવાર કેટલાક બેરોજગાર મરાઠી યુવકોએ ઠાકરેનો સંપર્ક કર્યો અને મરાઠી માણસો માટે નોકરી ન હોવાની વ્યથા રજૂ કરી. ઠાકરેના મિત્ર શ્રીકાંત ગડકરીએ ટેલિફોન ડિરેકટરી આપી જેમાં ઠાકરેએ જોયું તો મહારાષ્ટ્રમાં મરાઠી માણસોને કોઇ સ્થાન જ ન હતું. ટોપ પોસ્ટ પર આંતરરાજ્યના અને ખાસ કરીને દક્ષિણ ભારતીય લોકો હતા. ઠાકરેએ આખી યાદી માર્મિકમાં જાહેર કરી અને ખાસ કોલમ શરૂ કરી. કોલમનું નામ: વાચા આણી થંડ બસા- વાંચો અને શાંત રહો. એકાદ મહિના પછી લોકોએ માર્મિકની ઓફીસે વધુ નામોની યાદી મોકલી આપી. આ વખતે ઠાકરેએ કોલમહેડ બદલાવીને લખ્યું: ‘વાચા આણી ઉઠા’- વાંચો અને જાગો.

બાલ ઠાકરેએ શરુ કરેલા 'માર્મિક' મેગેઝિનના કાર્ટુનમાં મરાઠીઓના પ્રશ્નોને વાચા મળતી હતી
‘મહારાષ્ટ્રીયન લોકો માટે એક સંગઠનનું ગઠન કરવું જોઈએ’
બાલ ઠાકરે બેરોજગાર મરાઠી યુવકોનો અવાજ બન્યા. ઠાકરેની સિગ્નેચર શૈલીમાં લખાયેલા જલદ પણ દરેકને સમજાય એવી સરળ શૈલીમાં લેખોમાં મરાઠી માનુસનો પડઘો ઝીલાતો હતો. પરિણામ એ આવ્યું કે માર્મિકના સરક્યુલેશનમાં એક વર્ષમાં જ બમણો ઉછાળો આવ્યો.
ઠાકરે પરિવાર સાથે નજીકથી જોડાયેલા પ્રમોદ નવલકર એક કિસ્સો યાદ કરતા કહે છે, એકવાર કેટલાક એકટિવીસ્ટ બાલ સાહેબને મળવા આવી ચડયા. આ એકટિવીસ્ટની માગ હતી કે મહારાષ્ટ્રીયન લોકો માટે એક સંગઠનનું ગઠન કરવું જોઇએ જે બહારના રાજ્યોના લોકો દ્વારા મરાઠીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી શકે. મરાઠી જનસમુદાયમાંથી અલગ સંગઠન બનાવવાની માંગમાંથી જન્મ થયો શિવસેનાનો.
ઠાકરેએ એવું આગઝરતું ભાષણ આપ્યું કે…
શિવસેનાની સ્થાપનાને અનુસંધાને દશેરાના દિવસે તારીખ 30 ઓકટોબર,1966ના રોજ બાલ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક જંગી સભાનું આયોજન થયું. એક અંદાજ પ્રમાણે ચાર લાખ મરાઠી લોકો આ સમારંભમાં ઉમટી પડ્યા. ઠાકરે આ સભામાં મરાઠી પ્રજાને થતા અન્યાય અંગે બેબાક અને બેખૌફ બોલ્યા. પિતા પ્રબોધનકારે પણ આ સભામાં તેજધાર ભાષણ આપતા કહ્યું, ‘ઇતિહાસ ગવાહ છે કે મહારાષ્ટ્ર નબળા અને ડરપોક લોકોની ભૂમિ નથી. એ તો વાઘની ભૂમિ છે’
આ ભાષણોએ મરાઠી યુવકોને એવું પાણી ચડાવ્યું કે દાદર સ્ટેશન પર સાઉથ ઇન્ડિયનના ધમધમતા મટકાઓના અડ્ડાઓનો ઉકળીને ધગેલ તાંબા જેવા બનેલા યુવકોએ સત્યનાશ કરી નાખ્યો. શહેરમાં બે સમુદાય વચ્ચે તંગ વાતાવરણની સ્થિતિ નિર્માણ થઈ. પોલીસ વિભાગે માંડ માંડ સ્થિતિ થાળે પાડી. બીજા દિવસે અખબારોની હેડલાઇન્સમાં ચમકીને ઠાકરેની લોકપ્રિયતા બેં વેંત ઉંચી હાલવા માંડી હતી.

બાલાસાહેબ ઠાકરે: બેખૌફ બવંડર, બેતાજ સિકંદર
શિવસેનાનો મહાનગરપાલિકામાં પ્રવેશ:
વર્ષ 1966ની 19 જૂનના રોજ મરાઠી અસ્મિતાના મુદ્દે શિવસેનાની સ્થાપના થઇ. આ પછી માત્ર બે જ વર્ષમાં એટલે કે 1968માં મુંબઈમાં પોતાની તાકાત બતાવી દીધી. શિવસેનાએ 1968ની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘પ્રજા સમાજવાદી પાર્ટી’ સાથે ગઠબંધન કર્યું. આ ચૂંટણીમાં શિવસેનાના 42 કોર્પોરેટર ચૂંટાયા. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજ્ય સ્તરે લોકોનું ધ્યાન શિવસેના તરફ ખેંચાયું ઓક્ટોબર 1970માં. શિવસેનાની સ્થાપનાનાં ચાર વર્ષ પછી, વામનરાવ મહાડિક શિવસેનાના પ્રથમ ધારાસભ્ય બન્યા. પરંતુ આ કોઈ સામાન્ય જીત નહોતી. એક કોમ્યુનિસ્ટ નેતાની હત્યા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેના જીતી હતી અને શિવસેના સુપ્રિમો બાલ ઠાકરે પર એ હત્યાનો આરોપ લાગ્યો હતો!
‘કોમરેડ કૃષ્ણ દેસાઇની હત્યા, શિવસેના પર શંકા’
તારીખ 6 જૂન, 1970ની સવારે, ત્યારે બોમ્બે કહેવાતા મુંબઇનાં તત્કાલીન અખબારોની હેડલાઈન્સ મુંબઇજનો માટે ચોંકાવનારી હતી. ખરેખર તો આ દિવસે શાળાની પરીક્ષાઓનાં પરિણામોના સમાચાર અખબારોની હેડલાઈન બનવાના હતા, પણ હેડલાઈન હતીઃ ‘મુંબઇમાં કોમરેડ કૃષ્ણ દેસાઈની ક્રૂર હત્યા, શિવસેના પર શંકા’.
કોણ હતા કૃષ્ણ દેસાઇ?
કોમરેડ કૃષ્ણ દેસાઈ મજૂર ચળવળમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેમનો જન્મ સંગમેશ્વર તાલુકાના કુંગુસ ગામમાં થયો હતો. નોકરીની શોધમાં મુંબઇ આવેલા કૃષ્ણ દેસાઈને રાજકારણમાં રસ હતો. તેમણે 1942ના આંદોલનમાં ભાગ લીધો હતો. 1945માં, જ્યારે તેઓ આઝાદ હિંદ સેનાના સુબેદાર શિંદેના સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે લાલબાગના તવારી પાડામાં યુવાનોને લશ્કરી તાલીમ પણ આપેલી. કૃષ્ણ દેસાઇ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ અને ગોવા મુક્તિ યુદ્ધમાં સામેલ હતા.
કૃષ્ણ દેસાઇએ ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીમાં કામ કરવાનું શરૂ કર્યું. એ સમય મજૂર આંદોલનનો હતો. કૃષ્ણ દેસાઈ જ્યારે મિલ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ હતા, ત્યારે એમણે કામદારોને વ્યાજબી વેતન, મોંઘવારી ભથ્થું, આઠ કલાક કામ, માંદગીની રજા, જેવા અનેક અધિકારો માટે મુંબઈમાં હડતાલ અને આંદોલનો કર્યા. કામદાર વર્ગ માટે સખત લડત આપવાની તેમની લડાયક તેમને કામદાર વર્ગના લોકપ્રિય હીરો બનાવી દીધા. કૃષ્ણ દેસાઈ જેલમાં હતા ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. મિલ કામદારોના સમર્થનથી તેઓ 1967માં મ્યુનિસિપલ સેક્રેટરી અને પછી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઇ આવ્યા.
શિવસેના વર્સિસ કોમ્યુનિસ્ટ: બાલ ઠાકરેએ થપ્પડ મારી અને…
શિવસેનાની રચના પહેલા મુંબઈમાં ટ્રેડ યુનિયનોનો દબદબો હતો. સામ્યવાદી નેતાઓના નેતૃત્વમાં ટ્રેડ યુનિયનો કામ કરી રહ્યા હતા. એટલે મુંબઈ પર વર્ચસ્વની લડાઈમાં હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાને વરેલા શિવસૈનિકો અને કામદાર વર્ગ માટે મસીહા બનેલા લાલ સામ્યવાદીઓ વચ્ચે જંગ જામ્યો હતો. શિવસેના અને કમ્યુનિસ્ટોને એ સમયે બારમો ચંદ્રમા હતો. બાલ ઠાકરે પોતાના ભાષણોમાં કોમ્યુનિસ્ટોને આડે હાથ લેતા હતા અને પોતાના વીકલી સામાયિક માર્મિકમાં પણ કોમ્યુનિસ્ટોને ટાર્ગેટ કરવાની એક તક ચૂકતા ન હતા.
1969માં બાલ ઠાકરે એક રેલીને સંબોધન કરવા માટે નાગપુર ગયા હતા. મુંબઇ પરત ફરતા હતા ત્યારે નાગપુર એરપોર્ટ પર મનોહર નાયડૂ નામના એક વ્યક્તિએ ઠાકરેની નજીક જઈને હુમલો કરવાની કોશિશ કરી. ઠાકરેએ ગુસ્સામાં એને થપ્પડ મારી દીધી. આ પછી શિવસૈનિકો અને કમ્યુનિસ્ટ કાર્યકરો વચ્ચે સામસામી મારામારી થઇ ગઇ. એક તરફ મુંબઇમાં બાલ ઠાકરે પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા હતા અને બીજી તરફ કોમ્યુનિસ્ટોને ઠાકરે આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. દિગ્ગજ કોમ્યુનિસ્ટ નેતા કૃષ્ણ દેસાઇ તો ઠાકરેના કટ્ટર રાજકીય દુશ્મન હતા.
કોમ્યુુનિસ્ટોના મુખ્યમથકે ભાંગફોડ, ઠાકરેએ છડેચોક લીધી જવાબદારી
એ સમયે, 1967માં, શિવસૈનિકોએ પરેલની દલવી બિલ્ડીંગ કે જે કોમ્યુનિસ્ટોનું મુખ્યમથક હતુ એમાં તોડફોડ કરી. ટાઇપરાઇટરો ભાંગી નાખ્યા. બાલ ઠાકરેએ ખુલ્લેઆમ સ્વીકાર્યુ, ‘હા, આ કામ અમારું છે. અમે દલવી બિલ્ડીંગને સળગાવી જ નાખવા માગતા હતા પણ ત્યાંના અન્ય ભાડૂતો અમારા મતદારો હતા, તેથી અમારે છોકરાઓને(શિવસૈનિકોને) રોકવા પડ્યા’
તારીખ 5 જૂન,1970ની એ રાતે શું થયું હતું?
જ્ઞાન પ્રકાશની બુક મુંબઇ ફેબલ્સ (જેના પરથી અનુરાગ કશ્યપે 'બોમ્બે વેલ્વેટ' બનાવી હતી એ બુક)માં લખ્યું છે એ પ્રમાણે કૃષ્ણ દેસાઇના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે 1967ના ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન શિવસૈનિકોએ કૃષ્ણ દેસાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. કૃષ્ણ દેસાઇએ હુમલાથી બચવા માટે પોતાની બ્રિફકેસને પોતાની ઢાલ બનાવી હતી. દેસાઇને બહુ સારી રીતે ખબર હતી કે ભવિષ્યમાં પોતાને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. તારીખ 5 જૂન, 1970ના રોજ હંમેશની જેમ કૃષ્ણ દેસાઇ પોતાના એક રૂમવાળા ઘરમાં આરામ કરી રહ્યા હતા. એમની પત્નીએ રાતનું ભોજન તૈયાર કરી રાખ્યું હતું. દેસાઇ જમવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યાં એમને એક કાર્યકર દ્વારા બહાર બોલાવવામાં આવ્યા. એમના પાર્ટીના સહયોગીઓ આગલા દિવસે આયોજિત લોક સેવા દળની યાત્રા પર ચર્ચા કરવા માંગતા હતા. દેસાઇ રાઇસ મિલ ખાતેના પોતાના કાર્યાલયે પહોંચ્યા. દેસાઇ પોતાના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા.
...ત્યાં જ એમને કેટલાક માણસોની આકૃતિ જોવા મળી..
લાઇટ ગુલ થઇ ગઇ હતી. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યાં જ કાર્યાલય બહાર કેટલાક માણસોની આકૃતિ જોવા મળી. દેસાઇએ મોટા અવાજે એ માણસોની ઓળખાણ પૂછી. દેસાઇના યુવા સાથી પ્રકાશ પાટકરે જઇને જોયું તો એક કાર પાસે કેટલાક માણસો ઊભેલા હતા. એ લોકો પાસે હથિયારો હતાં. પાટકરે જઇને દેસાઇને ચેતવણી આપી. પાટકરને પેલા હથિયારધારી માણસોએ ચાકુ મારી દીધું. થોડી જ મિનિટોમાં કૃષ્ણ દેસાઇને ઘેરી લેવામાં આવ્યા અને એમની પીઠમાં પણ ચાકુ મારી દેવામાં આવ્યું.
લોહીથી લથપથ કૃષ્ણ દેસાઇને મૂકીને હુમલાખોરો અંધારામાં ઓગળી ગયા. દેસાઇ માંડમાંડ બાજુના એક મિત્રના ઘરે પહોંચ્યા. એ મિત્રએ એમને હોસ્પિટલમાં પહોંચાડ્યા, પણ જીવલેણ ઘાને કારણે દેસાઇએ પ્રાણ ત્યાગી દીધા. કૃષ્ણ દેસાઇ જેવા એક લોકપ્રિય MLAની હત્યાાના આખા મહારાષ્ટ્રમાં ઘેરા પડઘા પડ્યા. મહારાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી.
અંતિમ સંસ્કારમાં દસ હજાર લોકોની ભીડ એકઠી થઇ
તારીખ 6 જૂને કોમરેડ કૃષ્ણ દેસાઈના અંતિમ સંસ્કાર માટે લગભગ દસ હજાર લોકોની ભીડ એકઠી થઈ. ત્યારે આ હત્યા પાછળ શિવસેનાનો હાથ હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં વેગ પકડ્યો. કોમરેડ યશવંત ચવ્હાણે આ હત્યાકાંડ માટે વસંતરાવ નાઈક અને બાલ ઠાકરેને જવાબદાર ઠેરવ્યા. બીજા દિવસે આચાર્ય અત્રેના તંત્રીપદ હેઠળ પ્રકાશિત થતા, 'મરાઠા' દૈનિકે હેડલાઇન સાથે આઠ કોલમમાં સમાચાર પ્રકાશિત કર્યા - 'કોમરેડ કૃષ્ણના અસલી હત્યારાઓ બાલ ઠાકરે અને વસંતરાવ નાઈક છે'.

કૃષ્ણ દેસાઈના અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડ
રાજકીય પ્રતિસ્પર્ધી છે પણ એનો મતલબ એમ નહીં કે…
જોકે બાલ ઠાકરેએ આ હત્યાની નિંદા કરી હતી અને હંમેશાં આ હત્યામાં પોતાની કોઇપણ જાતની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. બાલ ઠાકરેએ પોતાની સફાઇ આપતાં કહ્યું કે, 'કૃષ્ણ દેસાઇ રાજકીય પ્રતિસ્પર્ધી હતા પણ એનો મતલબ એમ નહીં કે શિવસેના એમની હત્યા કરી નાખે. કૃષ્ણ દેસાઇના મૃત્યુ સાથે જ મારી એમની સાથેની દુશ્મનાવટ પૂરી થઇ ગઇ છે'.
જો કે, કમ્યુનિસ્ટો ઠાકરે પર હત્યાનો આરોપ લગાવતા રહ્યા. ઉદ્ધવરાવ પાટિલ અને દાજીબા પાટિલ જેવા ખેડૂતો અને કામદાર પાર્ટી (PWP) નેતાઓએ પણ હત્યામાં બાલ ઠાકરેની ભૂમિકાની તપાસની માગ કરી.
કોમરેડ નેતા કૃષ્ણ દેસાઈની જ્યાં હત્યા થઇ એ સ્થળે એમનું બસ્ટ સ્ટેચ્યુ પણ લગાવવામાં આવ્યું છે.
‘જો અમે તેમને માર્યા ન હોત તો તેઓ સાહેબને મારી નાખત’
આ કેસમાં તારીખ 8 જૂન 1970ના રોજ ત્રણ શકમંદો દિલીપ હેતે, અશોક કુલકર્ણી અને વિશ્વનાથ ખટાટેને ચૌદ વર્ષની સજા કરવામાં આવી હતી, પરંતુ જેલમાં તેમની વર્તણૂકને કારણે સાત વર્ષ પછી તેમની સજામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ હત્યાકાંડમાં બાલ ઠાકરેની સીધી રીતે સંડોવણી ક્યારેય સાબિત થઈ ન હતી પણ આ કેસમાં સજા ભોગવ્યા પછી બહાર આવેલા, વિશ્વનાથ ખટાટેએ એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું, ‘જો અમે તેમને માર્યા ન હોત તો તેઓ સાહેબ (બાલ ઠાકરે) ને મારી નાખત’.
બાલ ઠાકરેએ વારંવાર કૃષ્ણ દેસાઈની હત્યાના આરોપને નકારી કાઢ્યા હતા, પરંતુ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કૃષ્ણા દેસાઇ પોતાની હત્યા કરવાનું કાવતરૂ ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
પહેલીવાર જ્યારે શિવસૈનિકની હત્યા થઇ
કમ્યુનિસ્ટ નેતા કૃષ્ણ દેસાઇ બાદ નાયગાંવમાં એક કાર્યકર્તા સદાકાંત ધવન પહેલા એવા શિવસૈનિક હતા કે જેની હત્યા કરવામાં આવી હોય. 26 જૂન, 1970ના રોજ નેહરુ નગરમાં એમની હત્યા કરી નાખવામાં આવી. દાદર સ્મશાન ઘાટ પર એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આ અંતિમસંસ્કારમાં બાલ ઠાકરે પણ ઉપસ્થિત હતા. ઠાકરેએ એ સમયે કહ્યું હતું: ‘સદાનંદની હત્યા એ શિવસૈનિકની છેલ્લી હત્યા હશે. વિરોધીઓ આ વાત ધ્યાનમાં રાખે નહીંતર....’
પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર સામે કૃષ્ણ દેસાઇની પત્નીએ ચૂંટણી લડી
કૃષ્ણ દેસાઇની હત્યા બાદ સપ્ટેમ્બર 1970માં પરેલમાં પેટાચૂંટણીની ઘોષણા થઇ. કમ્યુનિસ્ટ કૃષ્ણ દેસાઈ પરેલના ધારાસભ્ય હતા. જૂનમાં તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યાં 18 ઓક્ટોબર 1970ના રોજ પેટાચૂંટણી યોજાઈ. આ પેટાચૂંટણીમાં ડાબેરી પક્ષોએ કૃષ્ણ દેસાઈનાં પત્ની સરોજિની દેસાઈને ઉમેદવાર બનાવ્યાં. સમાજવાદી વિચારધારા સાથે સંકળાયેલ પક્ષ અને કોંગ્રેસ (આર)એ સરોજિની દેસાઈને ટેકો આપ્યો. કુલ 13 ડાબેરી પક્ષોએ સરોજિની દેસાઈને ટેકો આપ્યો હતો.
જ્યારે શિવસેનાએ પરેલના કાઉન્સિલર વામનરાવ મહાડિકને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. વામનરાવ મહાડિક બાલ ઠાકરેના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. બાળાસાહેબ ઠાકરેએ 20 સપ્ટેમ્બર, 1970ના રોજ પરેલના કામદાર મેદાનમાં વામનરાવ મહાડિક માટે ચૂંટણી સભા યોજી અને પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ડાબેરીઓની આકરી ઝાટકણી કાઢી. ઠાકરેએ ડાબેરીઓને રાષ્ટ્રવાદના વિરોધી ગણાવ્યા.
શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટી માટે પેટાચૂંટણી બની પ્રતિષ્ઠાનો સવાલ
સરોજિની દેસાઈના ચૂંટણી પ્રચાર માટે, 29 સપ્ટેમ્બર, 1970ના રોજ પરેલના નરે પાર્કમાં એક ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રીપાદ અમૃત ડાંગે (કમ્યુનિસ્ટ પાર્ટી), બાબુરાવ સામંત (યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી), સદાનંદ વર્દે (પ્રજા સમાજવાદી પાર્ટી), ટી. એસ. કારખાનીસ (PWP) અને દત્તા દેશમુખ (લાલ નિશાન), એ.બી વર્ધન જેવા દિગ્ગજ નેતાઓએ સરોજિની દેસાઈને જીતાડવા માટે અપીલ કરી. બીજી તરફ શિવસેનાના ઉમેદવાર વામનરાવ મહાડિક માટે કુલ 28 ચૂંટણી રેલીઓ યોજાઈ હતી. જેમાંથી બાલ ઠાકરેએ પોતે 15 રેલીઓમાં ભાષણો આપ્યાં હતાં. આ રસાકસીભરી ચૂંટણી ડાબેરી ચળવળ અને શિવસેના બંને માટે વટ્ટનો સવાલ બની ગઇ હતી.
વિધાનસભામાં શિવસેનાના પ્રથમ ધારાસભ્યનો પ્રવેશ
ડાબેરી પક્ષોને કૃષ્ણ દેસાઇ હત્યાકાંડની સહાનુભૂતિની આબોહવામાં સરોજિની દેસાઇ જીતી જવાની અપેક્ષા તો હતી પણ આ આશા ઠગારી નિવડી. કૃષ્ણ દેસાઈનાં પત્ની સરોજિની દેસાઈ આ પેટા ચૂંટણી હારી ગયાં!
તારીખ 20 ઓક્ટોબર 1970ના રોજ સાંજે જાહેર થયેલાં પરિણામોમાં, સરોજિની દેસાઈને 29,913 મત મળ્યા, જ્યારે શિવસેનાના વામનરાવ મહાડિકને 31,592 મત મળ્યા. વામનરાવ મહાડિક 1679 મતોની સરસાઈથી જીત્યા. આ રીતે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના પ્રથમ ધારાસભ્યનો પ્રવેશ થયો.

શિવસેનાના પ્રથમ ધારાસભ્ય વામનરાવ મહાડિક
વામનરાવ મહાડિક કોણ હતા?
ડાબેરીઓનો ગઢ ભાંગીને વિધાનસભામાં પ્રવેશેલા શિવસેનાના પ્રથમ ધારાસભ્ય વામનરાવ મહાડિકની સફર પણ સામાન્ય શિવસૈનિકો જેવી જ હતી, તેઓ એવા નેતા હતા જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે કામ કરતા વામનરાવ મહાડિક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રભાવિત હતા. પરેલમાં બાળાસાહેબ ઠાકરેની સભા બાદ તેમણે શિવસેના માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
સિંધુદુર્ગના કનકૌલીના તાલેરે ગામમાં 15 જુલાઈ 1925ના રોજ જન્મેલા વામનરાવ મહાડિક અભ્યાસ માટે મુંબઈ આવ્યા હતા. જોકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી વખતે તેઓ ટ્રેડ યુનિયનમાં જોડાયા હતા. શિવસેનામાં જોડાયા બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયા. તેઓ 16 વર્ષ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા.
1978માં તેઓ મુંબઈના મેયર બન્યા. અગાઉ, પરેલ પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને પછી 1980-86માં વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. વામનરાવ મહાડિક 1989માં દક્ષિણ-મધ્ય મુંબઈના સાંસદ તરીકે નવમી લોકસભાના સભ્ય બન્યા હતા. તેમણે કેન્દ્રની ઘણી સમિતિઓમાં કામ કર્યું. 1991માં તેઓ રાજાપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા. બાદમાં તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેઓ છેક સુધી શિવસેના સાથે રહ્યા. વામનરાવ મહાડિકનું 12 ઓક્ટોબર 1999ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું.
…અને બાલ ઠાકરે બન્યા મુંબઇના બેતાજ બાદશાહ!
વામનરાવ મહાડિકની જીત પછી બીજા જ દિવસે બાળાસાહેબ ઠાકરેએ દાદરના શિવાજી પાર્કમાં સભા કરી અને તીખીતમતી શૈલીમાં ડાબેરીઓ પર પ્રહારો કર્યા. વાતાવરણ શિવસૈનિકોના ડાબેરી વિરુદ્ધના સુત્રોચ્ચારોથી ગુંજી ઉઠ્યું. આ પેટાચૂંટણીની જીતથી શિવસેનાનું રાજકીય ભવિષ્ય મજબૂત બન્યું. આ જ શિવસેનાએ પછી ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું અને સરકાર ચલાવી. પણ બાલ ઠાકરે હંમેશા કિંગમેકર રહ્યા. 'માતોશ્રી'ના બંગલે બેઠા સત્તાનું રિમોટ કંટ્રોલ હંમેશા પોતાના હાથમાં રાખ્યું. કોઇના બાપની સાડીબારી ન રાખે એવી ઠાકરી જબાન, આક્રમક મિજાજ, હિટલરશાઇ તેવર, કટ્ટર હિન્દુત્વ, મરાઠી ગૌરવ...આ બધા જ પાસાઓને કારણે બાલ ઠાકરે લોકમાનસમાં બેખૌફ બવંડર અને બેતાજ સિકંદર તરીકે છવાઇ ગયા. એમની એક હાકથી મુંબઇ થંભી જતું. પણ મુંબઇમાં અને શિવસેનામાં જેનો પડ્યો બોલ ઝીલાતો, જેની એકચક્રી આણ પ્રવર્તતી હતી એ જ બાલ ઠાકરે સામે બગાવતનો સૂર પણ ઉઠ્યો. ક્યાકેરક બહારથી અને ક્યારેક અંદરથી!
સંદર્ભ: બાલ ઠાકરે એન્ડ ધ રાઇઝ ઓફ ધ શિવસેના, વૈભવ પુરંદરે
સમ્રાટ બાલા સાહેબ ઠાકરે, હાઉ ધ શિવસેના ચેન્જડ મુંબઇ ફોરેવર, સુજાતા આનંદન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.