ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 2009માં જ્યારે તેમના દીકરાને ઈજા થઈ ત્યારે તેમની મદદ માટે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આગળ આવ્યા હતા
2009માં ખતમ થઈ શકતું હતું ચેતેશ્વર પૂજારાનું કરિયર!
આવી રીતે સુપરસ્ટાર શાહરૂખ ખાને કરી હતી મદદ
VTV સાથેની વાતચીતમાં અરવિંદ પૂજારાએ કર્યો ખુલાસો
ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા તેમની 100મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે શુક્રવાર (17 ફેબ્રુઆરી)થી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ તેમની 100મી મેચ હશે. ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. પૂજારા 100 ટેસ્ટ રમનાર ભારતના 13મા ખેલાડી બનશે. આ મેચ પહેલા તેમના પિતા અરવિંદ પૂજારાએ એક મોટો ખુલાસો કર્યો છે.
ચેતેશ્વર પૂજારા અને અરવિંદ પૂજારા
2009માં શાહરૂખ ખાને કરી હતી મદદ
ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારાએ vtvgujarati.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 2009માં ચેતશ્વરની બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને મદદ કરી હતી. ચેતેશ્વર કોલકાતા નાઈટ રાઈડર્સ વતી IPL રમી રહ્યો હતો. 2009માં દક્ષિણ આફ્રિકામાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોલકાતા તરફથી રમતી વખતે તેને સ્નાયુની ઈજા થઈ હતી.
મારી સાથે શાહરૂખ ખાને કરી હતી વાતચીતઃ અરવિંદ પૂજારા
અરવિંદ પૂજારાએ જણાવ્યું કે, અમે ચેતેશ્વરને રાજકોટ પરત બોલાવીને સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે આ વાતની જાણ ટીમના માલિક શાહરૂખ ખાનને થઈ ત્યારે તેમણે મારી સાથે વાતચીત કરી હતી. તેમણે અમને ચેતેશ્વરની સર્જરી દક્ષિણ આફ્રિકામાં જ કરાવવા જણાવ્યું હતું. અમને શાહરૂખે આગ્રહ કર્યો હતો કે ચિન્ટુ (પૂજારા)ની સર્જરી દક્ષિણ આફ્રિકામાં થવી જોઈએ.
ચેતેશ્વરને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માંગતા હતા શાહરૂખ
પૂજારાના પિતાએ કહ્યું કે, શાહરૂખ ખાન ચેતેશ્વરને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માંગતા હતા. તેમણે મને કહ્યું હતું કે આ બેટ્સમેનનું ભવિષ્ય ઘણું સારું છે. આ કારણોસર તેને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળવી જોઈએ. શાહરૂખ ખાને મને જણાવ્યું હતું કે તમે અને તમારા પરિવારના સભ્યોને આફ્રિકા આવવું હોય એનું એક લિસ્ટ મોકલો હું બધી વ્યવસ્થા કરી આપીશ. સાથે જ તેમણે રાજકોટના ડોક્ટર નિર્ભય શાહને પણ દક્ષિણ આફ્રિકા લઈ જવાની ઓફર કરી હતી.
બધો ખર્ચ શાહરૂખ ખાને જ ઉઠાવ્યોઃ અરવિંદ પૂજારા
અરવિંદ પૂજારાએ જણાવ્યું કે, મારી પાસે પાસપોર્ટ નહોતો, આ દરમિયાન શાહરૂખ ખાને તમામ પ્રોસેસ પૂરી કરાવી હતી. જે બાદ હું અને નિર્ભય શાહ સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. અમારો બધો ખર્ચ પણ શાહરૂખ ખાને જ ઉઠાવ્યો હતો. ઉપરાંત સર્જરીનો પણ બધો ખર્ચ તેમણે જ ઉઠાવ્યો હતો.
ચેતેશ્વર પૂજારા અને શાહરૂખ ખાન
અત્યાર સુધીમાં રમી છે 99 મેચ
આપને જણાવી દઈએ કે, રાજકોટના ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં 99 મેચમાં 44.16ની એવરેજથી 7021 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 19 સદી અને 34 અડધી સદી ફટકારી છે.