બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, હજી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 1 August 2026
1/6
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ રાજ્યમાં અતિભારે વરસાદનો ખતરો મોટાભાગે ટળી ગયો છે. હાલ માત્ર 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિત કુલ 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
2/6
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા નવા વિકસિત વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જળભરાવના કારણે દૂધ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધિ પણ પ્રભાવિત થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
3/6
સુરેન્દ્રનગર શહેરમાં માત્ર ચાર ઈંચ વરસાદ પડતાં જ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક સોસાયટીઓના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે ઘરોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ છતાં વિસ્તારના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા ન હતા અને સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
4/6
મહીસાગર જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલોછલ વહેતા થયા છે, જેના પગલે આકલિયાના મુવાડા નજીક આવેલા મુવાડા-સારીઆ કોઝવે પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં સારીયા અને વીરપુર તરફ જતો મુખ્ય માર્ગ બંધ સમાન બન્યો છે. પરિણામે આકલિયાના મુવાડા ગામના લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના પ્રવાહને કારણે વાહનચાલકોને લાંબા અંતરનો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
5/6
સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં સાયલા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાયલા પંથકમાં અંદાજે 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. સાયલા ઉપરાંત નવા સુદામડા, થોરિયારી, કેરાળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં પણ પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
6/6
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે કુડા ગામને ધ્રાંગધ્રા સાથે જોડતો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતાં 15થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, સતત વરસાદના કારણે સતાપર ડેમ ઓવરફ્લો થયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ