ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વીજસંકટ વચ્ચે GETCOના અધિકારીની સ્પષ્ટતા, સાંજે કેમ મૂકવો પડે છે વીજકાપ? જાણો શું કહ્યું
Last Updated: 07:15 PM, 17 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં તહેવારોના દિવસો દરમિયાન વીજળીની માગ વધતાં વીજ પુરવઠો જાળવવો તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. એક તરફ ‘ઓક્ટોબર હીટ’ના કારણે વીજળીનો વપરાશ વધી રહ્યો છે, તો બીજી તરફ પવન ઊર્જાનું ઉત્પાદન આગાહી કરતાં ઓછું મળી રહ્યું છે. કોલસા અને ગેસની અછત તથા ઊંચા ભાવને કારણે વીજ ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. આ સ્થિતિમાં ઘરવપરાશનો વીજ પુરવઠો જાળવી રાખવા ખેતીવાડી, જ્યોતિગ્રામ અને ઔદ્યોગિક ફીડર પર તબક્કાવાર વીજકાપ મૂકવાની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT

કચ્છમાં વીજ પુરવઠાની સમસ્યા વચ્ચે ઔદ્યોગિક એકમો માટે ‘સ્ટેગર્ડ હોલિડે’ જાહેર કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત શનિવારે ઔદ્યોગિક વીજ પુરવઠો સ્થગિત રાખવામાં આવશે. આ દરમિયાન GETCOના ઇન્ચાર્જ કાર્યપાલક એસ.સી. ત્રિવેદીએ વીજસંકટ પાછળનાં કારણો અને વીજ પુરવઠો સામાન્ય બનાવવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે માહિતી આપી છે.
ADVERTISEMENT
GETCOના ઇન્ચાર્જ કાર્યપાલક એસ.સી. ત્રિવેદીના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન સોલાર ઊર્જાનું પૂરતું ઉત્પાદન થતું હોવાથી વીજ પુરવઠો જાળવવામાં સરળતા રહે છે. જોકે, સાંજના સમયે સોલાર ઉત્પાદન ઘટે છે અને વીજળીની માગ વધે છે. આ સમયે પવન ઊર્જા, કોલસા આધારિત વીજ ઉત્પાદન, પરમાણુ ઊર્જા અને વેસ્ટર્ન ગ્રીડમાંથી મળતી વીજળી પર આધાર રાખવો પડે છે. હાલમાં પવન ઊર્જાનું ઉત્પાદન આગાહી પ્રમાણે થઈ રહ્યું નથી અને ધારણા કરતાં ઓછો વીજ પુરવઠો મળી રહ્યો છે. બીજી તરફ, ભૌગોલિક અને ભૂરાજકીય પરિસ્થિતિને કારણે કોલસા અને ગેસની ઉપલબ્ધતા પર અસર પડી છે. ઇંધણના ભાવ ઊંચા જતાં ખાનગી વીજ ઉત્પાદકોની ઉત્પાદન પડતર વધી છે, જેના કારણે કેટલાક ઉત્પાદકોએ વીજ ઉત્પાદન ઘટાડ્યું છે.
ADVERTISEMENT
એસ.સી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ગ્રીડ સાથે જોડાયેલા પાંચ રાજ્યોમાં પણ વીજળીની માગ અને ઉત્પાદન વચ્ચે અસંતુલનની સ્થિતિ છે. તેના કારણે ગ્રીડમાંથી પૂરતી વીજળી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વીજળીની માગ સામે ઉત્પાદન ઓછું રહેતાં ગ્રીડની ફ્રિકવન્સી ઘટવાનો ભય રહે છે. જો ફ્રિકવન્સી ખૂબ નીચે જાય તો સમગ્ર રાજ્યમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ જવાની અને અંધારપટની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. આવી સ્થિતિ ટાળવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડર પર તબક્કાવાર વીજકાપ મૂકીને સિસ્ટમનું સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ખેતીવાડીના વીજ પુરવઠા અંગે સ્પષ્ટતા કરતાં એસ.સી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ખેડૂતોને દિવસ દરમિયાન અગાઉની વ્યવસ્થા પ્રમાણે જ આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે. હાલમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વીજકાપ કેટલા સમય સુધી ચાલુ રહેશે તે અંગે તેમણે કહ્યું હતું કે હાલ ચોક્કસ સમયમર્યાદા આપી શકાય તેમ નથી. GETCO, PGVCL અને વેસ્ટર્ન ગ્રીડ સાથે સંકળાયેલી વીજ કંપનીઓ પૂરતું ઉત્પાદન ઉપલબ્ધ થાય અને વીજ પુરવઠો સામાન્ય બને તે માટે સતત પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
GETCOના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં ઘરવપરાશનો વીજ પુરવઠો જાળવવો મહત્ત્વપૂર્ણ છે. જો વીજળીની અછત વધુ ગંભીર બનશે તો ઔદ્યોગિક એકમોમાં પણ વીજકાપ મૂકીને સમગ્ર વીજ વ્યવસ્થાનું સંતુલન જાળવવામાં આવી શકે છે. કચ્છમાં ઔદ્યોગિક એકમો માટે જાહેર કરાયેલી ‘સ્ટેગર્ડ હોલિડે’ પણ વીજળીની માગ અને ઉપલબ્ધ પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસોનો એક ભાગ છે.
આ પણ વાંચો : વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં શિક્ષક બરતરફ, જાફરાબાદની લૂંશાપુર શાળાનો મામલો ચર્ચામાં
વીજળીની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને લઈને એસ.સી. ત્રિવેદીએ લોકોને વાસ્તવિક પરિસ્થિતિ સમજવા અને સરકાર તથા વીજ કંપનીઓને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા લાંબા સમયથી વીજ પુરવઠો જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલની સ્થિતિમાં વીજ ઉત્પાદન અને માગ વચ્ચે અસંતુલન સર્જાયું છે, જેને દૂર કરવા માટે સંબંધિત વિભાગો અને કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. તેમણે લોકોને નકારાત્મક અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી. હાલ તંત્રનો મુખ્ય પ્રયાસ વીજ પુરવઠો શક્ય તેટલો ઝડપથી સામાન્ય બનાવવાનો અને તહેવારો દરમિયાન ઘરવપરાશના વીજ પુરવઠામાં વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.