Gondal's BJP candidate Geetaba Jayaraj Singh Jadeja won with a huge majority
રાજકીય સફર /
1998થી રાજ કરતો જાડેજા પરિવાર ગોંડલને કેમ પ્રિય? આ બે કામો રીબડાના વિરોધ પર પડ્યા ભારે
Team VTV11:33 AM, 11 Dec 22
| Updated: 11:35 AM, 11 Dec 22
જૂથવાદ...આંતરિક વિવાદ... આ બધું જ એક તરફ રહી ગયું અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ગોંડલની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા ગીતાબા જાડેજાની જંગી બહુમતીથી જીત થઈ, ગોંડલની જનતાએ સતત છઠ્ઠી વખત જાડેજા પરિવાર પર વિશ્વાસ મુક્યો અને ગીતાબા જાડેજાને વિજય અપાવ્યો.
જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે જૂથવાદ
વિવાદો વચ્ચે પણ ગીતાબાનો દબદબો
43 હજારથી વધુ મતની લીડે જીત્યા ગીતાબા
જાડેજા અને રીબડા જૂથ હતું આમને-સામને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત 8મી ડિસેમ્બરે જાહેર થઈ ચૂક્યા છે. 1લી ડિસેમ્બરે જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ દરેકની નજર સૌરાષ્ટ્રની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક ગણાતી ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણીના પરિણામ પર હતી. તેનું કારણ છે જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચેનો જૂથવાદ. આ ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથ આમને સામને હતા. ટિકિટને લઈને ચૂંટણી પહેલા જ આ બેઠક વિવાદોમાં ફસાઈ હતી અને અંતિમ દિવસોમાં રસાકસી જામી હતી. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ બન્યું હતું. ચૂંટણીના છેલ્લા દિવસો કટોકટી ભર્યા બન્યા હોય જીતના દાવા અંગે રાજકીય પંડીતો પણ માથુ ખંજવાળતા હતા. પરંતુ પ્રજાએ વિવાદને બદલે વિકાસને મહત્વ આપ્યું હોય તેમ ભાજપના ગીતાબા જાડેજાએ 43,313ની સન્માનિય લીડથી વિજય હાંસલ કર્યો.
ગોંડલમાં `જાડેજા' પરિવારનું રાજ
જાડેજા પરિવાર સતત ઘણા ટર્મથી રાજકારણમાં છે. જયરાજસિંહના પિતા ટેમુભા જાડેજાને 1998માં ભાજપે વિધાનાભાની ટિકિટ આપી હતી અને તેઓ બહુમતીથી જીત્યા હતા. 2002માં ભાજપે જયરાજસિહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ તે પછીના વર્ષોમાં ગોંડલનું રાજકારણ રક્તરંજીત બનતા જેલવાસને કારણે 2007માં જયરાજસિહ ચૂંટણી માત્ર 445 મતની નજીવી સરસાઈથી હાર્યા હતા. જ્યારે 2012માં ભાજપે તેમને રિપીટ કરતા તેઓએ ભારે બહુમતી સાથે સત્તા મેળવી હતી. ત્યારબાદ 2017ની ચૂંટણી પૂર્વે તેઓ કાનુની વિવાદમાં સપડાતા અને કોર્ટ દ્વારા ચૂંટણી લડવા અમાન્ય કરતા ભાજપે સરળ વ્યક્તિત્વ ધરાવતા ગૃહિણી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ચમત્કાર જ ગણો કે ક્યારેય જાહેર જીવનની કલ્પના સુધ્ધા નહીં કરનાર ગીતાબા માતબર સરસાઇ સાથે ચૂંટાઇ પતિના નકશે કદમ ધારાસભ્ય બન્યા એટલું જ નહીં ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનું બહુમાન પણ મેળવ્યું અને સદાય સંવેદનશીલ ગણાતા ગોંડલના ધારાસભ્ય તરીકે 5 વર્ષ યશસ્વી રીતે પૂર્ણ કરી ફરી ચૂંટણી લડી.
ગોંડલમાં ગીતાબાનું કામ બોલે છે
ગીતાબા જાડેજાનો જનતા પર પ્રભાવ તો છે જ પરંતુ તેની સાથે-સાથે ગોંડલ પંથકમાં જાડેજા પરિવારનું વર્ચસ્વ પણ છે. જયરાજસિંહનું કામ ગોંડલની જનતાના મુખે બોલે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. જ્યાં આજેપણ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે.
નાના માણસોને મદદ માટે હંમેશા અગ્રેસર
5 વર્ષના શાસન બાદ ફરી ગીતાબા જયરાસિંહ જાડેજા જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા છે. જનતાના આશીર્વાદ તેમના પર એટલા માટે વરસ્યા કારણ કે જ્યારે-જ્યારે નાના માણસોને મદદની જરૂર પડે છે. ત્યારે ગીતાબા જયરાસિંહ જાડેજા હાજર થઈ જાય છે. એટલું જ નહી શહેરથી લઇને ગામડા સુધી ગીતાબાએ વિકાસના કાર્યો કર્યાં છે અને ગોંડલમાં પાણીની એવી વ્યવસ્થા કરી છે કે, દુષ્કાળ પડે તો પણ પીવાનું પાણી ન ઘટે. ત્યારે જ તો અહીં ગોંડલના લોકોના મુખે ગીતાબાનાં કામ બોલે છે.
જંગી બહુમતિથી ચૂંટાયા ગીતાબા જાડેજા
ગોંડલ શહેરની વાત હોય... ગામડાઓના વિકાસની વાત હોય... માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના મુદ્દાની વાત હોય... કે નાના માણસને રોજગારી આપવાની વાત હોય... આ તમામ બાબતોમાં હંમેશા જાડેજા પરિવાર અંગ્રેસર રહ્યો છે. હાલ ગીતાબા ફરી એકવાર જંગી બહુમતીથી ચૂંટાયા છે. ત્યારે આવનાર 5 વર્ષમાં તેઓ જનતા વચ્ચે રહી કેવા કામ કરે છે.. તે જોવું રહ્યું..