બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / લાશમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, 57 લાશ ગણી, રસોઇમાંથી આવતી હતી બળેલા માંસની દુર્ગંધ, ગોધરાકાંડના આરોપીઓનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે…

પત્રકારની જુબાની / લાશમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, 57 લાશ ગણી, રસોઇમાંથી આવતી હતી બળેલા માંસની દુર્ગંધ, ગોધરાકાંડના આરોપીઓનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે…

Published By: Vikram Mehta

Last Updated: 06:22 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘ધ સાબરમતી રિપોર્ટ’. ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મ આજે રિલીઝ  થઇ રહી છે. વિક્રાંત મેસ્સી જેવા મંજાયેલા અભિનેતાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મમાં ગોધરા કાંડનું રિપોર્ટિંગ, અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામી ટકરાતી કાર્યશૈલી અને વિચારધારાની વાત છે. પણ જ્યારે ગોધરા કાંડ થયો, ત્યારે ઘટનાસ્થળે પહોંચેલા પત્રકારોએ ખરેખર શું જોયું? આ સવાલના જવાબમાં અમને મળ્યું  વરિષ્ઠ મહિલા પત્રકાર-લેખિકા જ્યોતિ ઉનડકટનું નામ. જ્યોતિબેન એ પત્રકારોમાં સામેલ છે જેમણે ગોધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઇને રિપોર્ટિંગ કર્યું હતું.  27 ફેબ્રુઆરી, 2002નો એ કાળમુખો દિવસ કેવો હતો? ગોધરા સ્ટેશન પર શું માહોલ હતો? સળગતા ડબ્બામાં લાશ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય? સાંભળો જ્યોતિ ઉનડકટ પાસેથી…

‘પાંચ…પંદર…પચ્ચીસ…પાંત્રીસ..પચાસ…’

તારીખ 27 ફેબ્રુઆરી, 2002, મંગળવારનો એ દિવસ ગુજરાતના ઇતિહાસમાં અમંગળ સાબિત થયો હતો. કટ્ટરતાના શૈતાની ઝનૂને અયોધ્યાથી પરત ફરી રહેલી કાર સેવકોથી ભરેલી સાબરમતી ટ્રેનના ડબ્બામાં  આગ ચાંપી હતી. કુલ સત્તાવન જિંદગી બળીને ભડથુ થઇ ગઇ હતી!

ગોધરા સ્ટેશન પર મુકેલા મડદાઓની પાંચ લાઇન વચ્ચે ઉભેલી એક મહિલા સંખ્યા ગણી રહી છે. એ મહિલા પત્રકાર છે. એની અંદર સન્નાટો વ્યાપી ગયો છે. ગુસ્સો, ડર અને સ્ત્રીસહજ ઋજુ સંવેદનાનું વાવાઝોડું ભીતર ઘેરી વળ્યું છે પણ  સમય પત્રકારધર્મ બજાવવાનો છે. બોઝિલ અને તંગ માહોલ વચ્ચે એ મહિલા જીવની પરવા કર્યા વગર, માનવીય સંવેદનાને પોતાના પત્રકારત્વ પર હાવી ન થવા દઇને આખી ઘટનાનું રિપોર્ટિંગ કરે છે અને ગુજરાતી પત્રકારત્વની નવી પેઢીની સામે એક નમૂનારૂપ પત્રકારત્વનો દાખલો મુકે છે. આ મહિલા છે વરિષ્ઠ પત્રકાર-લેખિકા એવા જ્યોતિ ઉનડકટ.

ગોધરાકાંડનો આખો માહોલ યાદ આવી ગયો!
ગોધરાકાંડ ગુજરાતના ઇતિહાસની એક એવી ગોઝારી ઘટના છે જેણે ગુજરાતની શાંતિમાં એક લોહીઝાણ ઉઝરડો કરી  નાખ્યો હતો. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગોધરાકાંડના એ ઝખમોની યાદ અપાવે છે. જ્યોતિ ઉનડકટ કહે છે, ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટ્રેલર જોયું ત્યારે ઘણી બધી જૂની વાતો તાજી થઇ ગઇ. જ્યારે ગોધરાકાંડના સૂત્રધારો પકડાયા ત્યારે  એમનો ઇન્ટરવ્યૂ કરવા માટે ગઇ હતી અને ત્યારે મારી સામે અંગ્રેજી પત્રકારત્વના બહું બઘા પત્રકારોની હાજરી હતી. આ ફિલ્મનું ટ્રેલર જોઇને  ગોધરા કાંડના રિપોર્ટીંગ સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓની યાદ આવી ગઇ.’

બેકગ્રાઉન્ડમાંથી ફાયરિંગનો અવાજ સંભળાતો હતો
જ્યોતિ ઉનડકટ એ દિવસને યાદ કરતા કહે છે, ‘અમે થોડો સમય પહેલા જ અમારી નવી કાર ખરીદી હતી. નવી કારની વધામણીમાં પાડોશીઓ પાર્ટીની માગ કરી રહ્યા હતા એટલે 27 ફેબ્રુઆરીનો દિવસ અમે પાર્ટી માટે નક્કી કર્યો હતો. અમે લોકો પાડોશીઓ સાથે એક હોટેલમાં લંચ માટે જવાના હતા. ગોધરા કાંડના સમાચારો આવવાના શરૂ થઇ ગયા હતા. સર (કૃષ્ણકાંત ઉનડકટ: જ્યોતિ ઉનડકટના જીવનસાથી, વરિષ્ઠ પત્રકાર-લેખક) ત્યારે ગુજરાત સમાચાર-બરોડા એડિશનના એડિટર હતા. એમના ગોધરા ખાતેના રિપોર્ટર નિલમ સોનીને મેં હકીકત જાણવા ફોન કર્યો ત્યારે બેકગ્રાઉન્ડમાં ફાયરિંગ અવાજ સંભળાતો હતો. ફિલ્મ કરતા રિઅલ ફાયરિંગ અવાજ જુદો હોય છે. છાપાવાળાની સવાર મોડી પડતી હોય છે એટલે હજુ અમે લોકો સુતા હતા. આ ઘટના ગંભીર હોવાનો અંદેશો મને આવી ગયો અને હું તુરંત જ પાર્ટીને તિલાંજલી આપીને ગોધરા જવા માટે ટેક્સી ભાડે કરીને નીકળી પડી!’

‘મરવું છે તમારે?’
જ્યોતિ ઉનડકટ કહે છે, ‘વડોદરાથી ગોધરાનું અંતર 80- 85 કિમી જેવું છે. દોઢેક કલાકમાં હું ગોધરા પહોંચી. જેવી ટેક્સી ગોધરામાં એન્ટર થઇ ત્યારે ત્યાં એક ટ્રાફિક પોલીસે મને અટકાવી અને પુછ્યું કે ક્યાં જવું છે? મેં કહ્યું, ‘રેલવે સ્ટેશન પર જવું છે’. એ પોલીસમેને મને કહ્યું, ‘શું તમારે મરવું છે?’ મેં પત્રકાર તરીકે મારી ઓળખ આપી અને રિપોર્ટિંગ માટે જવાની વાત કરી ત્યારે એણે જવાની પરવાનગી આપી.’

330px-Godhra_jn_railway_station

ગોધરાજંકશનનું પ્લેટફોર્મ કે જેની નજીકના અંતરે સાબરમતીના ડબ્બામાં આગ ચાંપવામાં આવી

ઠેર-ઠેર ઇંટના ભુક્કાઓ, સોડા બોટલના કાચ, સળગતા કાકડાઓ…
જ્યોતિ ઉનડકટ આગળ કહે છે, ‘અમે શહેરમાં પ્રવેશ કરીને આખો એક રસ્તો ક્રોસ કર્યો જે સ્ટેશન તરફ જતો હતો. આખો રસ્તો ડામરનો હોવા છતા પણ એ ડામરનો નહીં પણ ઇંટ અને સોડા બોટલના કાચનો બનેલો હોય એવો લાગતો હતો. ક્યાંક સળગતા કાકડા પણ પડ્યા હતા. આવા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતા અમે સ્ટેશને પહોંચ્યા હતા. હવે, ટેક્સીના ડ્રાઇવર પાછા મુસ્લિમ હતા. ઘટનાની સંવેદનશીલતા જોતા મેં કોઇને એમનું નામ ન કહેવાનું અને ગાડીમાં જ બેસી રહેવાનું સૂચન આપીને હું સ્ટેશન પર આવી. સાડા દસ કલાકે હું ગોધરા સ્ટેશને પહોંચી ત્યારે સમગ્ર વાતાવરણમાં એક ન સમજી શકાય એવી બેચેની છવાઇ ગઇ હતી’

પંખા સુધી લાશ ચોંટી ગઇ હતી!
જ્યોતિબેન કહે છે, ‘ફેબ્રુઆરીનો મહિનો હોવાથી વાતાવરણમાં ઠંડી અને ગરમી મિશ્ર અનુભવવાતી હતી. એ દિવસે આબોહવામાં સમગ્ર વાતાવરણમાં એક પ્રકારની બોઝિલતા અને તણાવ હતો. પત્રકારો, ફાયરમેન, પોલીસ અધિકારી સૌ કોઇ આવા તણાવગ્રસ્ત માહોલમાં પોતપોતાની કામગીરી બજાવી રહ્યા હતા. જે ડબ્બામાં આગ લગાડવામાં આવી એ એસ-6 ડબ્બાને છેલ્લા પ્લેટફોર્મ પર રાખી દેવામાં આવ્યો હતો. ડબ્બાની આગને હજું ઠારવામાં આવી હતી. ડબ્બામાંથી હજુ ધુમાડો નીકળી રહ્યો હતો. મૃતદેહોને હજુ બહાર નહોતા કાઢવામાં આવ્યા. મેં ડબ્બામાં પ્રવેશીને અને જોયું તો ભયાવહ દૃશ્ય મારી આંખ સામે જોવા મળ્યું. ટ્રેનની છતના પંખા સુધી ડેડબોડીનો ઢગલો હતો. સીટ પર મોત સામે લડીને થાકી ગયેલા, તરફડતી હાલતમાં પડેલા ડેડબોડીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો!’

પત્રકારત્વ વર્સિસ માનવીય સંવેદના
વિચાર કરો કે તમારી સામે ખાખ થઇ ગયેલા માણસના મડદાઓ છે. સીટ પર મોતની સામે લડીને થાકી ગયેલા કોઇ પુરુષના લાશની કિકી તમને તાકી રહી છે. તમારા ચંપલની નીચે કોઇ બળેલી સ્ત્રીની બંગડીનો રસ ચોંટી જાય છે…આ ભયાવહ અને બિભત્સ દૃશ્ય ભલભલાને થથરાવી મુકે. આ સમયે પત્રકારત્વ અને માનવીય સંવેદના-ભાવજગત વચ્ચે યુદ્ધ ખેલાવાની પૂરી શક્યતા છે!

આ સમયે શું અનુભૂતિ? શું પહેલી પ્રતિક્રિયા? જ્યોતિ ઉનડકટ કહે છે,‘જો, ફ્રેન્કલી કહું તો મને ત્યારે એક જ લાલસા હતી કે મને સૌથી વધુ માહિતી મળે. મેં મારા ફોટોગ્રાફરને સ્પષ્ટ સૂચના આપી કે, ‘આ ઘટના ભયંકર છે.આ ઘટનાના ઘેરા પડઘા પડવાના છે. શક્ય હોય એટલા વધારે ફોટા પાડજો’ મારું પહેલું વાક્ય આ હતું. જો એક પત્રકાર તરીકે મારા પર માનવીય સંવેદના હાવી થઇ જાય તો પછી હું ક્યારેય સારું રિપોર્ટિંગ ન કરી શકું.  અહીં મારે મારી જાતને સંભાળવાની હતી. માનવીય સંવેદનાઓને હાવી ન થવા દઇને પત્રકાર તરીકે મહત્તમ માહિતી એકઠી કરવાની હતી.  હું હંમેશા કહું છું કે આવી સ્થિતિમાં તમારે તમારો ધર્મ બજાવવાનો હોય છે. એક પત્રકારને ક્યારેય માહિતીથી સંતોષ ન થવો જોઇએ. મારો પત્રકારધર્મ મને કહેતો હતો કે આ બહું સંવેદનશીલ અને ગંભીર ઘટના છે. આનું મારે બહું સચોટ અને બેસ્ટ રિપોર્ટિંગ કરવું જોઇએ. મારા રિપોર્ટમાં ક્યાંય કચાશ ન રહેવી જોઇએ. સાચી અને નક્કર હકીકત સામે આવી જોઇએ આ એક જ વાત ત્યારે મારા પર સવાર હતી.’

thumb-1

સાબરમતી ટ્રેનના ડબ્બામાં લાગેલી આગ આખા ગુજરાતને ભડકે બાળવાની હતી!

હોસ્પિટલમાં સ્પિરીટની વાસ પર બળેલા શરીરની વાસ હાવી થઇ ગઇ હતી!
જયોતિ ઉનડકટ આગળનો ઘટનાક્રમ જણાવતા કહે છે, ‘ગોધરા સ્ટેશનેથી હું સરકારી હોસ્પિટલે ગઇ. હોસ્પિટલના સ્પિરીટની વાસ પર બળેલા શરીરોની વાસ હાવી થઇ ગઇ હતી. નબળા કે કાચાપોચા દિલનો માણસ આ માહોલ ન જીરવી શકે. હોસ્પિટલમાં ગોધરા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા પ્રહલાદ ભાઇ પટેલનો ઇન્ટરવ્યૂ કર્યો. રિપોર્ટિંગ કરીને ગોધરાની બહાર નીકળી ત્યારે જ મને સમાચાર મળ્યા કે જેનો થોડીવાર પહેલા ઇન્ટરવ્યૂ કર્યો એ પ્રહલાદ ભાઇ હવે જીવીત રહ્યા નથી’

નક્કી હવે કંઇક અઘટિત થવાનું છે!
ગોધરાની એ કોમી આગે આખા ગુજરાતને ભડકે બાળ્યું. હજારોએ જીવ ગુમાવ્યો. કોમી રમખાણને ડામવા માટે સેના ઉતારવી પડી. ગુજરાત ભારેલા અગ્નિના આસન પર બેઠું હતું. ગોધરાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડશે એનો અંદેશો આવી ગયો હતો? જ્યોતિ ઉનડકટ કહે છે, ‘હા, બિલકુલ  બેઝિકલી એવી ફિલીંગ થતી હતી કે કંઇક અઘટિત બનવાનું છે. જેના ઘા વર્ષો સુધી રૂઝાવાના નથી. એ દિવસની સાંજનું વાતાવરણ તો વધુ ભયાવહ બની ગયું હતું’

‘બેન, ડેડબોડી કાઢવામાંથી ફુરસદ મળે તો ગણવા બેસીએ ને!’
હોસ્પિટલેથી રિપોર્ટિંગ કર્યા બાદ પોલીસસ્ટેશને અને ત્યારબાદ જ્યોતિ ઉનડકટ ફરી ગોધરાસ્ટેશન પર આવે છે. સ્ટેશન પર સળગેલા ડબ્બામાંથી ફાયરમેનની ટીમ ડેડબોડી કાઢી રહી હતી. જ્યોતિ ઉનડકટ કહે છે, ‘મેં ફાયરમેનને જ્યારે મૃતક આંક અંગે પુછ્યું તો કહે, ‘બેન, ડેડબોડી કાઢવામાંથી ફુરસદ મળે તો ગણવા બેસીએ ને? આખરે જ્યારે બધા જ મૃતદેહોને બહાર કાઢીને પાંચ લાઇનમાં રાખવામાં આવ્યા. બીજી અને ત્રીજી લાઇનની વચ્ચે ઉભા રહીને એક પછી એક મેં ડેડબોડી ગણી. કુલ સત્તાવન લાશ હતી. આ પછી ચિત્રલેખાના મારા તંત્રી ભરતભાઇ ઘેલાણીને ફોન કરીને સાચો મૃતક આંક અને ઘટનાની વિગત જણાવી. એમણે તુરંત જ પ્રિન્ટીંગમાં ગયેલો અંક સ્ટોપ કરાવ્યો અને મને મહત્તમ બે હજાર શબ્દોમાં, રાતે અગિયાર સુધીમાં સ્ટોરી મોકલી આપવા કહ્યું. ગોધરા રિપોર્ટિંગ કરીને બરોડા આવી અને ત્યાં એક છાપાવાળાની લેબમાં મેં ફોટા ડેવલપ કરાવ્યા. એક અંડરગ્રાઉન્ડ સાયબર કાફેમાં ફોટા ઇમેઇલ કર્યા બાદ ઘરે આવીને સ્ટોરી લખી અને પાડોશીના ફેક્સ મશીનમાંથી ફેક્સ કર્યો. ચિત્રલેખાના અંકમાં આખી કવર સ્ટોરી છપાઇ. બીજા દિવસે મારા તંત્રી ભરતભાઇનો મેસેજ હતો: વેલ ડન’

‘જો બે કલાકમાં પાછી ન આવું તો મારા પતિને કહી દેજો કે બેન ગુજરી ગયા છે’
જ્યોતિ ઉનડકટે બીજા દિવસે પણ ગોધરા જઇને રિપોર્ટિંગ કર્યું હતું. તેઓ એક કિસ્સો જણાવતા કહે છે, ‘મારે ગોધરાના સંવેદનશીલ એરિયાનો માહોલ જોવો હતો. સિગ્નલ ફળિયાની બાજુનો વિસ્તાર એવા પોલન બજારમાં હું રિપોર્ટિંગ માટે જવા માગતી હતી. એ માટે મેં પોલીસ પ્રશાસનની પરવાનગી માગી તો મને સંવેદનશીલ એરિયા હોવાને કારણે પોલીસ પ્રોટેકશન વગર ન જવાનું સાફ કહેવામાં આવ્યું. એટલે સાડા દસથી લઇને છેક બપોરના એક વાગ્યા સુધી મેં પોલીસ પ્રોટેકશનની રાહ જોઇ. જોકે ત્રણ કલાક થઇ હોવા છતા પોલીસમાંથી કોઇ પ્રતિક્રિયા ન મળી એટલે મેં પોલીસ અધિકારીને સરનો નંબર આપ્યો. મેં એમને કહ્યું કે જો બે કલાક પછી હું પાછી ન આવું તો મારા પતિને કહી દેજો કે આ બેન પરલોક સિધાવી ગયા છે. જોકે પછી મને પોલીસે સુરક્ષા પૂરી પાડી હતી અને હું રિપોર્ટિંગ કરવા ગઇ હતી’

Jyoti Unadkat 1

'માનવીય સંવેદનાઓને હાવી ન થવા દઇને મારે મારો પત્રકારધર્મ બજાવવાનો હતો': જ્યોતિ ઉનડકટ

રસોઇમાંથી બળેલા માંસની દુર્ગંધ આવતી હતી!
ગોધરાકાંડના પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડયા હતા. ગોધરાની એ આગે કોમી રમખાણનું વિકરાળ રૂપ લીધું હતું. ઠેર-ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. ‘હવે માનવીય સંવેદનાની વાત આવે છે’ જ્યોતિ ઉનડકટ કહે છે, ‘તોફાનને કારણે ઘરે કોઇ કામવાળી બાઇ આવતી ન હતી. સંવેદનશીલ એરિયામાં રહેતા સરના ઓફિસની પરિચિતોને અમે અમારા ઘરે બોલાવી લીધા હતા. રસોઇ બનાવીએ ત્યારે મને એમ જ થતું કે મેં મસાલો નથી નાખ્યો. રસોઇમાંથી મને બળેલા માંસની દુર્ગંધ આવતી હતી. બહુ દિવસો સુધી આ પરિસ્થિતી રહી. આંખ બંધ કરું અને મારી સામે ગોધરાના ડબ્બાના મૃતકોની લાશનો ઢગલો સામે આવે. હું ઉંઘમાંથી ઝબકી જાઉં. આ સંવેદના પછી હાવી થઇ ગઇ. એ મૃતકોની પીડા મને અડધી રાતે હચમચાવી નાખતી હતી. જોકે પત્રકારની પહેલી ફરજ રિપોર્ટિંગની છે. પત્રકારને કોઇ એક ઘટનામાં ડૂબેલા રહેવું ન પોસાય એટલે પછી આ ઘટનાની અસરમાંથી બહાર આવી ગઈ’

ગોધરાકાંડ માટે 31 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના પછી ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને પણ આજીવન કેદમાં બદલી નાખી હતી.

ગોધરાકાંડ એક પૂર્વનિયોજીત ષડયંત્ર હતું
ગોધરાકાંડ પર જ્યોતિ ઉનડકટે સખત રિપોર્ટિંગ કર્યું છે. મૃતકોના પરિવારથી માંડીને આરોપીઓના ઇન્ટરવ્યૂઝ લીધા છે અને જ્યાં કાવતરું ઘડાયું એ અમન ગેસ્ટ હાઉસની મુલાકાત પણ એમા સામેલ છે. ગોધરાકાંડ એક આયોજિત ષડયંત્ર હોવાનું સાફ જાહેર થઇ ગયું છે પણ ગોધરા માટે નિમાયેલી જસ્ટીસ બેનરજીના વડપણ હેઠળની સમિતિએ ગોધરા માત્ર એક અકસ્માત હોવાનું પ્રતિપાદિત કર્યું છે. એટલે ગોધરાકાંડ માત્ર એક અકસ્માત હતો કે પછી ષડયંત્ર? એવો સવાલ પણ એક વર્ગ ઉઠાવે છે.

વધુ વાંચોઃ શિંદે, રાજ ઠાકરે પહેલા આ વ્યક્તિએ તોડી હતી શિવસેનાની તાકાત, જીવલેણ હુમલાઓ, ફાયરિંગ અને આખરે થયું સમાધાન

જ્યોતિ ઉનડકટને આ અંગે પુછવામાં આવતા તેઓ ગોધરાકાંડ એક પૂર્વનિયોજિત ષડયંત્ર હોવાની વાતમાં સહમતી પુરાવતા કહે છે, ‘ગોધરાકાંડનો આરોપી હાજી બિલાલ અને તેના અન્ય સાથીઓ લૉકઅપમાં રિમાન્ડ પર હતા ત્યારે મેં એમના ઇન્ટરવ્યૂઝ કર્યા હતા. ગોધરાના કાવતરામાં સામેલ લોકોએ ખુદ બધી વિગત કહી છે. ગોધરાના જે પેટ્રોલપંપ પરથી પેટ્રોલના કેરબાઓ ભરવામાં આવ્યા હતા એ પેટ્રોલપંપનો ફોટો પણ અમે છાપ્યો હતો. ઘટના પૂર્વે મસ્જિદમાંથી ભડકાઉ આદેશો છૂટ્યા હતા એ તો ઘણા લોકોએ કહેલી વાત છે. ગોધરાની પહેલા ચંચેલાવ નામના સ્ટેશને પણ ગાડી સળગાવી દેવાની યોજના સામે આવી હતી કારણકે ત્યાં પાટા અને રોડ પેરેલલ છે. ટ્રેન લેટ હોવાને કારણે સ્થળ ચેન્જ કર્યું હતું. આ એક થિયરી માટેની અરજીનો કેસ જે-તે વખતે પણ ચાલતો હતો. આણંદ પાસેના રુણ ગામની પાંચ સ્ત્રીઓ ડબ્બામાં સળગીને મૃત્યુ પામી હતી. મેં એ પાંચ સ્ત્રીઓના પરિવારની મુલાકાત લીધી હતી. રિપોર્ટિંગ દરમિયાન સામે આવેલી આ સ્ફોટક વિગતો ગોધરાકાંડ  પૂર્વનિયોજીત હોવાનો સાફ નિર્દેશ કરતી હતી’

Jyoti Unadkat book

જ્યોતિ ઉનડકટે ગોધરાકાંડ પરથી એક નવલકથા પણ લખી છે.

અચ્છા…આ રિપોર્ટિંગ દરમિયાન ઘરે શું માહોલ હતો?
‘ઘરની વાત કરું તો કોઇ ચિંતા ન હતી. કેમ કે સર પણ એક પત્રકાર છે. ઘરમાં પત્રકારત્વનો માહોલ હોવાને કારણે રિપોર્ટિંગ સરસ રીતે કરવાની સૂચના મળતી હતી’ જ્યોતિ ઉનડકટ હસતા હસતા કહે છે.

વધુ વાંચો: કોમ્યુનિસ્ટ નેતાની હત્યા, બાલ ઠાકરે પર આરોપ, પણ પહેલીવાર શિવસેનાના ધારાસભ્ય ચૂંટાયા, જાણો લોહિયાળ ઘટનાક્રમ

‘આગનો અજંપો’
જ્યોતિ ઉનડકટે ગોધરાકાંડને કેન્દ્રમાં રાખીને ‘આગનો અંજપો’ નામની નવલકથા પણ લખી છે. તેઓ આ નવલકથા લખવાના વિચાર અંગે કહે છે,‘મેં જેટલું રિપોર્ટિંગ કર્યું છે એ બધા જ ડોક્યુમેન્ટ્સ એક ફોલ્ડર બનાવીને સાચવી રાખ્યા છે. આ ફેક્ટ ડોક્યુમેન્ટના આધારે ભવિષ્યમાં એક દસ્તાવેજી પુસ્તક લખવાનો મારો વિચાર હતો પણ એના બદલે નવલકથા તરફ મંડાણ થયું અને માત્ર પંદર જ દિવસમાં આ નવલકથા લખાઇ ગઇ હતી’

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Godhra Riots Godhra train burning 2002 TheSabarmatiReport

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ