ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા ચૂંટણી: 44માંથી ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક, વોર્ડ-6માં કોંગ્રેસની પેનલ જીતી
Last Updated: 12:36 PM, 13 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકોનાં ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. ચૂંટણીમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે કોંગ્રેસે વોર્ડ નંબર 6માં ચારેય બેઠકો જીતીને મોટો રાજકીય ઉલટફેર સર્જ્યો છે. વોર્ડ નંબર 2માં એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે.
ADVERTISEMENT
સેક્ટર-15 સ્થિત કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી પૂર્ણ થતાં જ વિવિધ વોર્ડના પરિણામો સામે આવ્યાં હતાં.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ આપેલા જનાદેશ બાદ હવે વિવિધ વોર્ડમાં પક્ષોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
ADVERTISEMENT
ભાજપે આઠ વોર્ડમાં મેળવ્યો ચારેય બેઠકો પર વિજય
ચૂંટણીનાં પરિણામોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપના ઉમેદવારોએ ચારેય બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યો છે. આ આઠ વોર્ડમાં ભાજપે તમામ 32 બેઠકો પોતાના નામે કરી છે.
ADVERTISEMENT
વોર્ડ નંબર 2માં ભાજપે ત્રણ બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. બીજી તરફ, વોર્ડ નંબર 7માં ભાજપે ત્રણ બેઠકો મેળવી હતી અને કોંગ્રેસને એક બેઠક પર જીત મળી હતી.
ADVERTISEMENT
વોર્ડ નંબર 6માં કોંગ્રેસનો મોટો ઉલટફેર
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ પરિણામ વોર્ડ નંબર 6નું રહ્યું છે. અહીં કોંગ્રેસે ચારેય બેઠકો પર જીત મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ વોર્ડમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યો નથી. કોંગ્રેસની આ જીતે મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો પર પોતાની પકડ જાળવી રાખી છે. જોકે, વોર્ડ નંબર 6માં કોંગ્રેસની ચારેય બેઠકો પરની જીત અને વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવારની સફળતાએ ચૂંટણીનાં પરિણામોને રસપ્રદ બનાવ્યાં છે.
11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી હતી
ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુલ પાંચ મતગણતરી કેન્દ્રો ઊભાં કરાયાં છે. દરેક મતગણતરી કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવશે. મતગણતરીની કામગીરી સરળતાથી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્ટ્રોંગરૂમની બાજુમાં જ મતગણતરી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સવારે 9 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી બાદ વિવિધ વોર્ડનાં પરિણામો જાહેર થશે. હવે સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોનાં પરિણામો પર ટકેલી છે. મતગણતરી પૂર્ણ થયા બાદ કયા પક્ષને કેટલી બેઠકો મળે છે અને મહાનગરપાલિકામાં સત્તાની કમાન કોના હાથમાં જાય છે તે સ્પષ્ટ થશે.

ચૂંટણીમાં મતદારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

વોર્ડ-4માં સૌથી વધુ 74.78 ટકા મતદાન
ચૂંટણીના આંકડા મુજબ, વોર્ડ નંબર 4 મતદાનની ટકાવારીમાં સમગ્ર મહાનગરપાલિકામાં પ્રથમ ક્રમે રહ્યો હતો. અહીં કુલ 21,156 મતદારોમાંથી 15,820 મતદારોએ મતદાન કરતાં 74.78 ટકા મતદાન નોંધાયું હતું. આ વોર્ડમાં પુરુષોનું મતદાન 77.01 ટકા, જ્યારે મહિલાઓનું મતદાન 72.37 ટકા રહ્યું હતું.
વોર્ડ નંબર 1માં 71.22 ટકા મતદાન નોંધાયું હતું. અહીં 17,382 મતદારોમાંથી 12,379 લોકોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 2માં 19,516માંથી 13,602 મતદારો સાથે 69.70 ટકા મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 7માં 23,485 મતદારોમાંથી 15,587 લોકોએ મતદાન કરતાં 66.37 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 6માં પણ 61.98 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ આંકડા દર્શાવે છે કે કેટલાક વોર્ડમાં મતદારોનો ઉત્સાહ ઊંચો રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો સુધી પહોંચ્યા હતા.

મેયર વોર્ડ-5માં સૌથી ઓછું મતદાન
બીજી તરફ, ગાંધીનગર મનપાના રાજકીય ઇતિહાસમાં વિશેષ ઓળખ ધરાવતા વોર્ડ નંબર 5માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. મેયર વોર્ડ તરીકે જાણીતા આ વિસ્તારમાં માત્ર 48.63 ટકા મતદારોએ જ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 5માં કુલ 13,040 મતદારોમાંથી માત્ર 6,342 મતદારોએ મતદાન કર્યું હતું. ખાસ કરીને મહિલા મતદાનનો દર 45.44 ટકા રહેતાં મતદારોની ઓછી ભાગીદારી સામે આવી હતી.
આ વોર્ડનું રાજકીય મહત્ત્વ પણ વિશેષ રહ્યું છે. મનપાના શરૂઆતના વર્ષોમાં વર્ષ 2011માં મહેન્દ્રસિંહ રાણા, 2015માં હંસાબેન મોદી, 2016માં પ્રવીણ પટેલ અને 2019માં રીટાબેન પટેલ આ વોર્ડમાંથી ચૂંટાઈને મેયર બન્યાં હતાં. આ ઐતિહાસિક ઓળખ ધરાવતા વોર્ડમાં આ વખતે ઓછું મતદાન નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊભી થઈ છે.
વોર્ડ-8 અને વોર્ડ-10માં પણ મતદાન ધીમું
ઓછા મતદાનવાળા વોર્ડમાં વોર્ડ નંબર 10માં 50.80 ટકા અને વોર્ડ નંબર 9માં 51.54 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ 33,927 મતદારો ધરાવતા વોર્ડ નંબર 8માં પણ મતદાનનો દર 51.88 ટકા રહ્યો હતો. બીજી તરફ, સૌથી મોટા વોર્ડ નંબર 11માં કુલ 35,345 મતદારોમાંથી 20,390 લોકોએ મતદાન કર્યું હતું, જેના પગલે અહીં 57.69 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 3માં 59.26 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

હવે પરિણામ પર સૌની નજર
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં એક તરફ વોર્ડ નંબર 4 સહિતના વિસ્તારોમાં ઊંચું મતદાન જોવા મળ્યું છે, તો બીજી તરફ મેયર વોર્ડ નંબર 5 સહિત કેટલાક વિસ્તારોમાં મતદારોની ભાગીદારી પ્રમાણમાં ઓછી રહી છે. મતદાનની ટકાવારીમાં જોવા મળેલો આ તફાવત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ ભાવનગર ઘોઘાના કસ્બાતીવાડામાં યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત
જોકે, માત્ર મતદાનની ટકાવારીના આધારે ચૂંટણીનાં પરિણામો અંગે કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય નહીં. હવે મતગણતરી અને પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે મતદારોએ કયા પક્ષ અને ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો