બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી / પાણીના ટીપે-ટીપાની કિંમત સમજજો: અમદાવાદમાં 10 દિવસના પાણી કાપની જાહેરાત
Last Updated: 05:03 PM, 7 May 2026
અમદાવાદ શહેરમાં આગામી 10 દિવસ માટે પાણી પુરવઠામાં 11 થી 15 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સુન મેન્ટેનન્સ અને રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી કોતરપુર વોટર વર્ક્સ ખાતે પાણીની આવકમાં ઘટાડો થયો છે. આ સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
ADVERTISEMENT

અમદાવાદ શહેરના લાખો નાગરિકો માટે આગામી 10 દિવસ કપરા સાબિત થઈ શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં પાણી પુરવઠા પર કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) દ્વારા નર્મદાની મુખ્ય નહેરમાં કેનાલ લાઈનિંગ અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા પૂર્વેની આ જાળવણીની કામગીરીને કારણે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે પાણી આવે છે તેના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ દ્વારા શહેરને દૈનિક 1100 MLD (મિલિયન લીટર પ્રતિ દિવસ) જેટલું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે, જે હવે પ્રભાવિત થશે.
ADVERTISEMENT

કેનાલમાં સમારકામને પગલે અમદાવાદના મધ્ય, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ તમામ મુખ્ય ઝોનના આશરે 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી ઓછું પહોંચશે. એએમસી (AMC) ના વોટર પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા અનુસાર, પાણીના પુરવઠામાં અંદાજે 11 થી 15 ટકાનો ઘટાડો નોંધાશે. જોકે, કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોતરપુર વોટર વર્ક્સ ખાતે સ્ટેન્ડ-બાય પંપો કાર્યરત કરવામાં આવ્યા છે જેથી મહત્તમ પાણી ખેંચીને નાગરિકોની હાલાકી ઓછી કરી શકાય, પરંતુ તેમ છતાં સંપૂર્ણ જથ્થો પૂરો પાડવો અત્યારે પડકારજનક છે.
ADVERTISEMENT
શહેરના કયા કયા વિસ્તારોમાં આ કાપની માઠી અસર જોવા મળશે તેની વાત કરીએ તો, મધ્ય ઝોનમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર અને શાહીબાગ જેવા ગીચ વિસ્તારોનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા અને સાબરમતી જેવા વિસ્તારોમાં પાણીનું દબાણ ઓછું રહી શકે છે. તેવી જ રીતે પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, ઓઢવ અને નિકોલ તેમજ દક્ષિણ ઝોનમાં મણિનગર, વટવા અને ઇસનપુર જેવા વિસ્તારોના રહીશોએ પણ પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર ઝોનના બાપુનગર, નરોડા અને સરદારનગરમાં પણ 10 દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાઈ શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે આગામી 10 દિવસ સુધી પાણીનો સંગ્રહ કરી રાખવો અને તેનો અત્યંત સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો. બગીચામાં પાણી છાંટવું, વાહનો ધોવા કે પાણીનો બગાડ થાય તેવી અન્ય પ્રવૃત્તિઓ ટાળવા માટે તાકીદ કરવામાં આવી છે. શહેરના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉભી કરી શકાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 10 નહીં, હવે 5 વર્ષમાં જ સેલરી હાઇકની માંગ, કેન્દ્રીય કર્મીઓની થશે મોજ
ચોમાસા પહેલા નર્મદા કેનાલનું સમારકામ અત્યંત જરૂરી હોવાથી આ કામગીરી ટાળી શકાય તેમ નથી. જોકે, એએમસીએ ખાતરી આપી છે કે કામગીરી વહેલી પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ છે. ત્યાં સુધી અમદાવાદીઓએ તંત્રને સહયોગ આપવો પડશે અને પાણીના દરેક ટીપાનું મહત્વ સમજીને તેનો વ્યય અટકાવવો પડશે. આ ૧૦ દિવસ દરમિયાન જો પાણીની વધુ સમસ્યા સર્જાય તો નાગરિકો ઝોનલ ઓફિસનો સંપર્ક કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.