બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત જળબંબાકાર, 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, NDRF-SDRFની ટીમ તૈનાત

વરસાદી માહોલ / સુરત જળબંબાકાર, 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, NDRF-SDRFની ટીમ તૈનાત

Vishal Khamar

Last Updated: 05:36 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભારે વરસાદની પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત કલેક્ટર દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે કામ વગર ઘરની બહાર ન નીકળા સૂચન કર્યું છે. તેમજ ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજ અને આંગણવાડી બંધ રાખવાનો આદેશ કર્યો છે.

સરથાણામાં 37 બાળકો અને સ્કૂલના સ્ટાફનું કરાયું રેસ્ક્યૂ

સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સરથાણમાં ભારે વરસાદના લીધે સ્કૂલના બાળકો ફસાયા હતા. વરસાદના કારણે આદર્શ નિર્વાસિત સ્કૂલના બાળકો ફસાયા હતા. સરથાણામાં 37 બાળકો અને સ્કૂલના સ્ટાફનું રેસ્ક્યું કરાયું હતું. તમામ બાળકોને પોલીસે બચાવી દીધા છે.

28 મુસાફરોનું ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું

સુરતમાં જળબંબાકાર થતા અનેક વાહનો ફસાયા હતા. વ્રજચોકમાં પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ જવા પામી હતી. 28 મુસાફરોનું ટ્રેક્ટરથી રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ મુસાફરોને ટ્રેક્ટરમાં બેસાડી સલામત ખસેડાયા હતા.

નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે નદી કિનારે શરૂ કરાયો કંટ્રોલરૂમ

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે પૂર્ણા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટી સતત વધી રહી છે અને તે 19 ફૂટની નજીક પહોંચી છે, જેના કારણે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાતાં નદીકાંઠાના વિસ્તારોમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ લોકોને નદીકાંઠેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, પૂર્ણા નદી બે કાંઠે વહેતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ પાણી ખેતી અને જળસંચય માટે લાભદાયી બનશે. જોકે, જો વરસાદ યથાવત રહેશે તો પૂર્ણા નદીના વધતા જળસ્તરની અસર તાપી, સુરત અને નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પણ નીકળ્યા પેટ્રોલિંગમાં

સુરતમાં સતત ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર જાતે જ નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. તેમણે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જ્યાં લોકો ફસાયેલા હોવાની શક્યતા છે ત્યાં તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. શહેર પોલીસ અને અન્ય તંત્ર સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યા છે, જેથી શહેરીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વેસુના ખાટુશ્યામ મંદિર પાસે એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પર ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વેસુ વિસ્તારમાં આવેલા ખાટુશ્યામ મંદિર નજીક એક એમ્બ્યુલન્સ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનો અટવાઈ ગયા અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કામગીરી કરી રહ્યું છે.

અલગ-અલગ વિસ્તારમાં 2100 લોકોનું કરાયું રેસ્ક્યૂ

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ભારે અસર પડી છે. સતત વરસી રહેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 2,100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે અને અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. બાઈક, કાર, બસ સહિતના અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

રેડ એલર્ટના પગલે જિલ્લા કલેક્ટરે શહેરીજનોને કરી અપીલ

સુરત જિલ્લામાં સતત ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે હાલ તાપી નદીનું જળસ્તર નિયંત્રણમાં છે અને શહેરીજનોએ કોઈપણ પ્રકારની ગભરાહટ રાખવાની જરૂર નથી. જિલ્લાના તમામ તાલુકા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે વિવિધ વિસ્તારોમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયા છે જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા, કોલેજ અને આંગણવાડીઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતના કીમ ગામમાં મંદિરમાં ભરાયા પાણી

સુરત જિલ્લાના કીમ ગામમાં સતત વરસી રહેલા વરસાદને કારણે હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ અને અંબાજી મંદિરના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. હરિહરેશ્વર મહાદેવ અને રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચી જતાં શિવલિંગ પણ પાણીમાં ડૂબી ગયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ વ્યવસ્થા નબળી હોવાના કારણે મંદિરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી ભરાઈ જતાં દર્શન અને પૂજા-અર્ચના માટે આવતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક ભક્તો પાણીમાં ઉભા રહીને ભગવાનના દર્શન તથા પૂજા કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તંત્રને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ ભરૂચથી લઇને ગાંધીનગર સુધી..! રાજ્યમાં મેઘો મચાવશે તાંડવ, જાણો સ્કાયમેટની આગાહી

સુરતના બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં ભરાયા પાણી

ભારે વરસાદ બાદ બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા ગામના જનજીવન પર અસર પડી છે. બલેશ્વરથી નેશનલ હાઇવે-48 તેમજ ટુંડી–બગુમરા ગામને જોડતા માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દર વર્ષે ચોમાસામાં આવું જ દૃશ્ય સર્જાતું હોવાથી ગામ સંપર્કવિહોણું બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઇવે પર થયેલા આડેધડ બાંધકામ અને કુદરતી પાણીના કાંસ (નિકાલ માર્ગો) બંધ થઈ જતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. પરિણામે ખાડીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જો પાણીનો પ્રવાહ યથાવત રહેશે તો ખાડીની સામેથી આવેલા અંદાજે 45 જેટલા ઘરોનો સંપર્ક પણ સંપૂર્ણપણે તૂટી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગણી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat rainy weather Surat rain Surat
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ