બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:28 AM, 26 December 2025
થાઈલેન્ડમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમાને બુલડોઝરથી હટાવવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ખાસ કરીને ભારત અને કમ્બોડિયાએ આ પગલાની કડક નિંદા કરતા થાઈ સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે આ વિવાદ વચ્ચે થાઈલેન્ડ સરકારે પોતાની તરફથી સ્પષ્ટતા આપીને કહ્યું છે કે આ પ્રતિમા કોઈ ધાર્મિક સ્થળનો ભાગ નહોતી, પરંતુ સરહદી વિસ્તારમાં આવેલી એક “સજાવટી રચના” હતી, જેને સુરક્ષા કારણોસર દૂર કરવામાં આવી.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચ્યાની ચર્ચા શરૂ થઈ ગઈ. ભારતે આ મામલે પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરહદી વિવાદો હોવા છતાં આવી પ્રતિમાઓનું ધ્વંસ કરવું હિંદુ અને બૌદ્ધ શ્રદ્ધાળુઓની ભાવનાઓને દુભાવનારા છે, કારણ કે ભગવાન વિષ્ણુ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાની સાંઝી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે.
🚨 BIG BREAKING
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 23, 2025
Modi govt approves Amaravati as sole capital of Andhra Pradesh. pic.twitter.com/9ceqBBr2xi
ADVERTISEMENT
ભારતની કડક પ્રતિક્રિયા બાદ થાઈ સરકાર હરકતમાં આવી અને સત્તાવાર નિવેદન જાહેર કર્યું. થાઈલેન્ડના જણાવ્યા અનુસાર, જે પ્રતિમાને હટાવવામાં આવી તે કોઈ માન્ય કે નોંધાયેલ ધાર્મિક સ્થળમાં આવતી નહોતી. સરકારનું કહેવું છે કે આ રચના થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચેના વિવાદિત સરહદી વિસ્તારમાં આવેલી હતી અને ત્યાં સુરક્ષા તથા વિસ્તાર પર નિયંત્રણ જાળવવાના હેતુથી કાર્યવાહી કરવી જરૂરી બની હતી. નિવેદનમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો કે આ પગલાનો કોઈપણ ધર્મનું અપમાન કરવાનો ઉદ્દેશ્ય નહોતો.
થાઈલેન્ડના વડાપ્રધાન અનુટિન ચાર્નવીરાકુલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા વિવાદને વધુ તીવ્ર બનતા અટકાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે “એક તૂટી ગયેલી મૂર્તિની તુલના સૈનિકોના જીવ કે તેમના અંગોના બલિદાન સાથે કરી શકાય નહીં.” તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે થાઈ સરકાર આ ઘટનાને સુરક્ષા અને સરહદી પરિસ્થિતિના સંદર્ભમાં જોતી રહી છે, જ્યારે અન્ય દેશો તેને ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જોતા રહ્યા છે.
ADVERTISEMENT
આ તરફ કમ્બોડિયાએ પણ થાઈલેન્ડના પગલાની કડક ટીકા કરી છે. કમ્બોડિયાના પ્રાહ વિહાર પ્રાંતના પ્રવક્તાએ દાવો કર્યો કે આ પ્રતિમા તેમના દેશના અન સેસ વિસ્તારમાં આવેલી હતી અને થાઈ સેનાએ માત્ર આ પ્રતિમા જ નહીં, પરંતુ કેટલાક જૂના મંદિરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. જોકે, થાઈલેન્ડે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ ઐતિહાસિક અથવા ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો.
આ સમગ્ર વિવાદ એ સમયે સામે આવ્યો છે, જ્યારે થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે તાજેતરમાં જ સરહદી અથડામણો થઈ ચૂકી છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલેલા આ સંઘર્ષમાં થાઈલેન્ડમાં 23 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે સૈનિકો હતા, જ્યારે કમ્બોડિયામાં 21 નાગરિકોના મોતની માહિતી સામે આવી હતી. બંને દેશોએ એકબીજા પર સંઘર્ષ ભડકાવવાનો અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું
ADVERTISEMENT
ગૂગલ મેપ્સના આંકડાઓ અનુસાર, વિવાદિત પ્રતિમા સરહદ રેખાથી થોડી અંદર આવેલી હતી, પરંતુ તેના સ્થાનને લઈને બંને દેશો વચ્ચે મતભેદ છે. આ ઘટનાએ ફરી એકવાર થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચેના જૂના સરહદી વિવાદને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. સાથે સાથે, આ મામલો એ પણ યાદ અપાવે છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ધાર્મિક પ્રતીકો માત્ર આસ્થા નહીં, પરંતુ રાજકીય અને કૂટનીતિક સંવેદનશીલતાનો વિષય પણ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.