બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂની પેન્શન યોજના Vs નવી પેન્શન યોજના, કેમ સરકાર માટે જૂની પેન્શન યોજનાનો અમલ છે પડકારજનક?
Sanjay Vibhakar
Last Updated: 12:36 PM, 20 July 2024
Old Pension Scheme : સરકારી કર્મચારીઓ-અધિકારીઓ માટે લાગુ કરાયેલી નવી પેન્શન યોજના સામે ગુજરાતમાં જબરજસ્ત વિરોધ ઉઠી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષથી જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની માગણી સાથે આંદોલનો ચાલુ રહ્યા છે છતાંય હજુ સરકાર દ્રારા આ સંદર્ભમાં કોઈ જ નિર્ણય લેવાતો નથી. ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાને જૂની પેન્શન યોજનાનો અમલ કરી દીધો છે પરંતુ ગુજરાતમાં જ તેનો અમલ કરાયો નથી. રાજ્ય સરકાર જૂની પેન્શન યોજનાનો અમલ કરીને નવો નાણાકીય બોજો ઉઠાવવા માગતી નથી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે એપ્રિલ 2004માં નવી પેન્શન યોજના અમલમાં મુકી હતી. જુદી જુદી કમિટીના રિપોર્ટ પણ આવી ગયા હતા. સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેના વચનો પણ અપાયા છે. પરંતુ તેનો ક્યારેય અમલ કરાયો નથી.2005 પહેલાના તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે એવા આશ્વાસનો સાંભળીને કંટાળી ગયેલા શિક્ષકો હાઈકોર્ટમાં પણ ગયા છે. તો આ પેન્શન યોજના ચાલુ કરવા માટે કર્મચારીઓએ ગુજરાતના સાંસદોને પણ મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમજ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની માગણી પણ કરી હતી. જો કે, સાંસદોના પણ પેટનું પાણી હલતું નથી.
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી અને જૂની તથા નવી પેન્શન યોજનાના જાણકાર મનોજ પટેલ જણાવે છે કે, “સરકારી તીજોરી પર વધુ નાણાકીય બોજો પડશે એવા બ્હાના કાઢીને સરકાર જૂની પેન્શન યોજનાનો અમલ કરી રહી નથી. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2004થી નવી પેન્શન યોજનાનો અમલ કર્યો છે તે જ તારીખથી ગુજરાતમાં પણ અમલ થવો જોઈએ.સાથોસાથ જે કર્મચારીઓ 1લી એપ્રિલ 2004થી જોડાયા છે તેઓને પણ જૂની પેન્શન યોજનામાં જ સમાવી લેવા જોઈએ.” તેઓ વધુમાં કહે છે કે,” 2004 પહેલા ભરતી કરાયેલા અને કર્મચારીઓનો સમાવેશ પણ નવી પેન્શન યોજનામાં કરી દેવાયો છે. આવા કર્માચારીઓને જૂની પેન્શન યોજનામાં લઈ લેવા જોઈએ. અમે આંદોલનો કર્યો તે સમયે સરકારે જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની બાંહેધરી આપી હતી પણ તેનો ક્યારેય અમલ કર્યો નથી.“
જૂની પેન્શન યોજનાઃ સૌથી મોટો તફાવત એ છે કે, જૂની પેન્શન યોજના એ સલામત છે. આ યોજનામાં કર્મચારીઓના જીપીએફના રોકાણની રકમ સરકારમાં જમાં થાય છે. સામાન્ય રીતે એક કર્ચમારીના દર મહીને 5000 કે તેનાથી થોડી વધુ રકમ જમા થતી હોય છે. એ સિવાય કર્મચારીઓના પગારમાંથી કોઈપણ કપાત કરાતી નથી. કર્મચારીની નિવૃત્તિ પર પેન્શન મેળવવા જીપીએફમાંથી કોઈપણ પ્રકારનુ રોકાણ કરવુ પડતુ નથી. ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ માટે છ મહીના પછી મોંઘવારી ભથ્થુ મેળવવાની જોગવાઈ પણ છે. કર્મચારીઓના જીપીએફના ઉપાડ પર કોઈ ટેક્સ લાગતો નથી. કર્મચારીઓ તેના જીપીએફના ફંડમાથી મહત્તમ 75 ટકા જીપીએફ ઉપાડી શકે છે. જીપીએફનો ઉપાડ જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ વર્ષમાં એકવાર કરી શકાય છે. જો કે, કર્મચારીઓ તેની સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલીવાર ઉપાડ કરી શકે છે. જ્યારે કર્મચારીઓની નિવૃત્તિ સમયે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીની રકમ મળે છે. છેલ્લા બેઝીકના 50 ટકા રકમ પેન્શન મળે છે. જેમાં કોઈ શરતો હોતી નથી. 40 ટકા રકમ પેન્શન રોકડ રૂપાંતરણ અંગેની જોગવાઈ છે. કર્ચમારીઓ જીવે ત્યાં સુધી પેન્શનની રકમ મળતી રહે છે. તેના મૃત્યુ બાદ પણ તેના પત્ની જીવે ત્યાં સુધી પેન્શનની રકમ મળે છે.
નવી પેન્શન યોજનાઃ નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી 10 ટકા બેઝીક અને 10 ટકા મોંઘવારી ભથ્થાની કપાત થાય છે. છ મહીના પછી મોંઘવારી ભથ્થુ મેળવવાની કોઈ જોગવાઈ નથી. મેડીકલ ફેસીલીટીની સ્પષ્ટ જોગવાઈ નથી. એટલે કે, માત્ર 25 ટકા સીપીએફ પાડ કરી શકાય છે. સમગ્ર નોકરી દરમિયાન માત્ર બે વાર જ ઉપાડ કરી શકાય છે. ગ્રેચ્યુઈટીની રકમ મળવાપાત્ર હોતી નથી. નવી પેન્શન યોજનામાં 40 ટકા તથા 60 ટકાની ટકાવારીમાં પરત મળે છે. 40 ટકા રકમ પેન્શન રોકડ રૂપાંતરણ અંગની કોઈ જોગવાઈ નથી. બીજી બાજુ કર્મચારીઓને કોઈ જ ગેરેન્ટી અપાતી નથી જેને કારણે તેઓ નાણાકીય સલામતી લાગતી નથી. આ યોજનામાં કર્મચારીઓનુ રોકાણ શેરબજારમાં ઈક્વિટીમાં થાય છે. શેરબજાર આધારીત રકમ હોવાથી આવકવેરો એનપીએસ ઉપાડ પર ચૂકવવો પડે છે. નિવૃત્તિ પર પેન્શન મેળવવા એનપીએનસીના ફંડના 40 ટકાનુ રોકાણ કરવુ પડે છે. નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને જીવે ત્યાં સુધી પેન્શન આપવુ પડતુ નથી. ઉપરાંત કર્મચારીના મૃત્યુ પછી તેની પત્નીને પણ પેન્શન આપવાની જરૂરત રહેતી નથી.
રાજ્ય સરકારને નવી પેન્શન યોજનાથી કોઈ ફાયદા છે ?
પ્રશ્ન એ થાય છે કે, સરકાર શા માટે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરતી નથી અને માત્ર નવી પેન્શન યોજનાને વળગી રહી છે. આ સંદર્ભમાં કર્મચારીઓનું કહેવું છે કે, ગુજરાતમાં હાલની સ્થિતિમાં સાડા નવ લાખ જેટલા કર્મચારી-પેન્શનરો છે. દર વર્ષે આ નિવૃત્ત કર્મચારીઓને કરોડો રૂપિયાનુ પેન્શન ચૂકવવુ પડે છે. જેને કારણે સરકાર પર દર વર્ષે અબજો રૂપિયાનો બોજો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે 1 જૂલાઈ 2022ની અસરથી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો તેમજ 1 જાન્યુઆરી 2023ની અસરથી બીજા ચાર ટકાનો વધારો આપવાની જાહેરાત કરી હતી. જેને કારણે એ વખતે પણ સરકારની તીજોરી પર વાર્ષિક રૂપિયા 4156 કરોડનો વધુનો નાણાકીય બોજો પડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જો ફરીથી જૂની પેન્શન યોજનાને અમલી કરવામાં આવે તો સરકાર પર તેનાથી પણ વધુ નાણાકીય બોજો આવે. સરકાર હવે આ પ્રકારનો નવો નાણાકીય બોજ લેવા માગતી નથી. જેથી જ જૂની પેન્શન યોજનાને દૂર કરીને નવી યોજના લાગુ કરી દીધી છે.
જૂની પેન્શન યોજના લાગુ થાય તો વાર્ષિક 24 હજાર કરોડનો બોજો
ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર કહે છે કે, જૂની પેન્શન યોજનામાં ગુજરાત સરકાર પર વાર્ષિક 24 હજાર કરોડનો બોજો પડે છે. જે રાજ્યના કુલ બજેટના 8 ટકા જેટલી રકમ થાય છે. હવે 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓ 30 વર્ષ પછી નિવૃત્ત થવાના હોય, સરકાર પર હાલની સ્થિતિમાં કોઈ નાણાકીય બોજો આવવાનો નથી. પણ જો હવે સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરે તો તેનો લાભ નવા નિવૃત્ત થનાર કર્મચારીઓને પણ આપવો પડે, જેને કારણે 24 હજાર કરોડ જેટલી મસમોટી રકમની જોગવાઈ રાજ્ય સરકારે કરવી પડે. કર્મચારીઓ પોતાના ભવિષ્યની ચિંતા કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, જૂની પેન્શન યોજના મૂળભૂત રીતે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી પછી ત્રીજા લાભ તરીકે અપાતી હતી. નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને પૂછવામાં આવે છે કે તમારે શેમાં રોકાણ કરવાનુ છે. હવે તમામ કર્મચારીઓને તેની જાણકારી ન હોવાથી તેઓની મુશ્કેલી વધી ગઈ છે.જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત કર્મચારીઓને 10 વર્ષના પેન્શનની 40 ટકા રકમ કેસમાં લઈ શકાતી હતી. બાકીની 60 ટકા રકમનુ દર મહીને પેન્શન મળતુ હતુ. ઉપરાંત મોંઘવારી ભથ્થુ પણ મળતુ હતુ. હવે એ બધુ જ બંધ થઈ ગયુ છે.
નિવૃત્ત કર્મીઓને છેલ્લા પગારના 50 ટકા રકમ પેન્શનમાં આપવાનો નિર્ણય લેવાશે
સચિવાલયના સૂત્રો જણાવે છે કે, નવી પેન્શન યોજનાનો કોંગ્રેસ સહીતના અને પક્ષોએ જબરજસ્ત વિરોધ કર્યો છે. આખરે કેન્દ્ર સરકાર પણ હવે કંઈક રસ્તો કાઢવાના મુડમાં છે. આગામી બજેટમાં તેની જાહેરાત કરી દેવાય એવી શક્યતાઓ છે. જે મુજબ, છેલ્લા પગારના 50 ટકાની રકમ કર્મચારીઓને પેન્શનમાં અપાશે. આ નિર્ણય લેવાશે તો તે મોટો હશે. તેમજ વિરોધ પક્ષોના મોઢા પણ સિવાય જશે. જો કે, કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજનાનો ફરીથી અમલ કરવા માગતી નથી. પરંતુ સોમનાથન કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે તેનો આધાર લઈને છેલ્લા પગારના 50 ટકા રકમ પેન્શનમાં આપવાનો નિર્ણય લઈ શકે છે.સરકાર આ સંદર્ભમાં જૂદા જૂદા નિષ્ણાતો સાથે સલાહ મસલતો કરી રહી છે. 30મી જૂલાઈએ કેન્દ્ર સરકારના રજૂ થનારા બજેટમાં આની જાહેરાત કરી શકાય છે.
વધુ વાંચો : દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે, આ તારીખ સુધી મુશળધાર, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત સરકારે 2022મા કરેલી જાહેરાતનો અમલ જ ન કર્યો
ગુજરાત સરકારના તત્કાલીન પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ 16 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેરાત કરી હતી કે, કેન્દ્રના ધોરણે 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે તેમજ સીપીએફમાં 10 ટકાને બદલે સરકાર 14 ટકા રકમ ઉમેરશે. કેન્દ્રના કર્માચારીની જેમ 10,20,30નુ ઉચ્ચતર પગાર ધોરણ અપાશે.કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની યોજનામાં સમાવાશે. ઉપરાંત સી.પી.એફમાં 10 ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરાશે. ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ અપાશે. સરકારની આવી સત્તાવાર જાહેરાત બાદ પણ હજુ સુધી તેનો કોઈ જ અમલ થયો નથી. જેને કારણે હવે કર્મચારીઓને સરકારના વચનો ઉપર પણ વિશ્વાસ રહ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.