બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Get Set Go - લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ જોતા પહેલા આ વાંચી લેજો, કેવી છે એક્શન થ્રિલર ફિલ્મ?
Last Updated: 12:39 PM, 8 August 2026
અર્ણવ કુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગુજરાતી સિનેમાના પડદા પર સાયકલિંગને માત્ર રમત તરીકે નહીં, પરંતુ વાર્તાના મહત્વના ભાગ તરીકે રજૂ કરે છે. ફિલ્મમાં એક્શન, ચેઝ, સસ્પેન્સ અને મિત્રતાની સાથે સામાજિક ન્યાયનો મુદ્દો પણ જોડવામાં આવ્યો છે. જોકે ફિલ્મમાં કેટલીક જગ્યાએ થ્રિલ જાળવવામાં સફળતા મળે છે, તો કેટલીક જગ્યાએ વાર્તા ક્યાં જઈ રહી છે તેનો અંદાજ પહેલેથી આવી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિલ્મની વાર્તા VD નામના સાયકલિંગ ચેમ્પિયનની આસપાસ ફરે છે. વર્ષો પછી તેની મુલાકાત કાવ્યા સાથે થાય છે અને આ મુલાકાત તેને ‘ધ ચિરંજીવીઝ’ નામની એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. આ ગેંગ સામાન્ય ચોરોની નથી. તેઓ ભ્રષ્ટાચારથી કમાયેલા પૈસાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. તેમની નજર એક શક્તિશાળી અને ભ્રષ્ટ ઉદ્યોગપતિ જયરાજ મહેતા પર છે. આ મિશન માટે તેમને VDની સાયકલિંગ કુશળતાની જરૂર પડે છે. બીજી તરફ ઇન્સ્પેક્ટર કાર્તિક આ ગેંગની પાછળ છે. અહીંથી ફિલ્મમાં ચેઝ શરૂ થાય છે અને વાર્તા ધીમે-ધીમે એક્શન અને સસ્પેન્સ તરફ આગળ વધે છે. ફિલ્મનો આ બેઝિક આઈડિયા રસપ્રદ છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મમાં સાયકલિંગને એક્શન-થ્રિલરના કેન્દ્રમાં મૂકવાનો પ્રયાસ અલગ લાગે છે.
ADVERTISEMENT
‘ગેટ સેટ ગો’નો સૌથી મજબૂત પાસો જો કોઈ હોય તો તે તેના એક્શન અને સાયકલિંગ સિક્વન્સ છે. સાયકલ પર કરવામાં આવેલા ચેઝ અને સ્ટન્ટ્સ ફિલ્મને એક અલગ એનર્જી આપે છે. દિગ્દર્શક અર્ણવ કુમારે આ સિક્વન્સને માત્ર દેખાડા પૂરતા રાખ્યા નથી, પરંતુ તેને વાર્તાનો ભાગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ આ સિક્વન્સને વધુ અસરકારક બનાવે છે. અમદાવાદના લોકેશન્સનો ઉપયોગ ફિલ્મને સ્થાનિક કનેક્શન આપે છે. ગુજરાતી ફિલ્મોમાં એક્શન જોનરમાં હજુ ઘણી જગ્યા છે અને ‘ગેટ સેટ ગો’ એ જગ્યા ભરવાનો પ્રયાસ કરતી ફિલ્મ છે.
ADVERTISEMENT
ફિલ્મનો સ્ક્રીનપ્લે શરૂઆતમાં પાત્રો અને તેમની દુનિયા સ્થાપિત કરવામાં થોડો સમય લે છે. પ્રથમ ભાગમાં ગતિ કેટલીક જગ્યાએ ધીમી લાગે છે. પરંતુ વાર્તા આગળ વધે છે તેમ મિશન, પોલીસની તપાસ અને ગેંગ વચ્ચેનો ખેલ ફિલ્મને પકડી રાખે છે. ચેઝ અને સસ્પેન્સના કારણે ફિલ્મમાં રસ જળવાઈ રહે છે. પરંતુ અહીં ફિલ્મની એક મોટી કમજોરી પણ છે. ફિલ્મનું સસ્પેન્સ તમને સતત વિચારતા રાખે છે, પરંતુ કેટલીક ઘટનાઓનો અંદાજ પહેલેથી આવી જાય છે. એટલે ફિલ્મ સંપૂર્ણપણે અનપ્રિડિક્ટેબલ થ્રિલર બની શકતી નથી. તેમ છતાં ફિલ્મનો અંત રસપ્રદ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ક્લાઇમેક્સ સુધી પહોંચતા ફિલ્મ ફરી એકવાર દર્શકનું ધ્યાન ખેંચે છે.
ADVERTISEMENT
ફિલ્મની મલ્ટીસ્ટાર કાસ્ટમાં દીપક તિજોરી ખાસ ધ્યાન ખેંચે છે. અરુણ ગોહિલના પાત્રમાં તેમની સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મને વજન આપે છે. તેમનો અભિનય ઓવર ધ ટોપ જવાનો બદલે પાત્રને જરૂરી ગંભીરતા આપતો લાગે છે. બીજી તરફ ભૌમિક સંપત VDના રોલમાં ફિલ્મની એનર્જી છે. ખાસ કરીને સાયકલિંગ અને એક્શન સિક્વન્સમાં તેમની મહેનત સ્પષ્ટ દેખાય છે. આ પાત્ર માટે જરૂરી શારીરિક તૈયારી તેમણે સારી રીતે પકડી છે. ઝીનલ બેલાણી કાવ્યાના પાત્રમાં જોવા મળે છે અને ફિલ્મના લેખન સાથે પણ જોડાયેલી છે. રૌનક કામદાર ઇન્સ્પેક્ટર કાર્તિકના રોલમાં અસરકારક લાગે છે. ઓમ ભટ્ટ, સંવેદના સુવાલ્કા અને ધર્મેન્દ્ર ગોહિલ સહિતના કલાકારો પોતાની ભૂમિકાઓને યોગ્ય રીતે સંભાળે છે.
ADVERTISEMENT
ફિલ્મમાં એક્શન અને સસ્પેન્સ જેટલું ધ્યાન ખેંચે છે, એટલું ફિલ્મનું મ્યુઝિક કરી શકતું નથી. ફિલ્મ જોયા પછી યાદ રહી જાય એવું કોઈ ગીત નથી. વાર્તાની ગતિ સાથે ગીતોનો પ્રભાવ પણ લાંબો સમય ટકતો નથી. એક્શન ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે, પરંતુ ગીતોની બાબતમાં ફિલ્મ વધુ અસરકારક બની શકતી હતી.
ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ છે કે કેટલીક જગ્યાએ તે દર્શકથી એક ડગલું આગળ રહેવાને બદલે દર્શકની સાથે-સાથે ચાલતી લાગે છે. થ્રિલર ફિલ્મમાં જ્યારે દર્શકને આગળ શું થવાનું છે તેનો અંદાજ આવી જાય ત્યારે સસ્પેન્સની અસર ઓછી થાય છે. ‘ગેટ સેટ ગો’માં પણ અમુક જગ્યાએ આવું બને છે. જો સ્ક્રીનપ્લેને થોડું વધુ ટાઇટ કરવામાં આવ્યું હોત અને કેટલાક ટ્વિસ્ટને વધુ અસરકારક રીતે છુપાવવામાં આવ્યા હોત તો ફિલ્મનો ઈમ્પેક્ટ ચોક્કસપણે વધી શક્યો હોત.
આ પણ વાંચો : તૈયાર રહેજો! આજે જ આવી રહ્યું છે Toxicનું ટ્રેલર, જુઓ કેટલાં વાગ્યે થશે રિલીઝ?
જો તમને ગુજરાતી ફિલ્મોમાં કંઈક અલગ જોવું છે, એક્શન અને થ્રિલર પસંદ છે અને સાયકલિંગ સાથે જોડાયેલી નવી પ્રકારની વાર્તા જોવામાં રસ છે, તો ‘ગેટ સેટ ગો’ એક વખત જોઈ શકાય. આ ફિલ્મ પરફેક્ટ એક્શન-થ્રિલર નથી. તેની વાર્તા કેટલીક જગ્યાએ પ્રિડિક્ટેબલ બને છે અને મ્યુઝિક યાદ રહી જાય એવું નથી. પરંતુ તેની એક્શન સિક્વન્સ, સાયકલિંગ ચેઝ, મલ્ટીસ્ટાર કાસ્ટ અને રસપ્રદ ક્લાઇમેક્સ ફિલ્મને જોવાલાયક બનાવે છે. ગુજરાતી સિનેમામાં એક્શન-એડવેન્ચર જોનર માટે આ એક સારો પ્રયાસ છે. ફિલ્મ કદાચ થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી લાંબા સમય સુધી મનમાં ન રહે, પરંતુ બે કલાક માટે તમને એક અલગ પ્રકારની રાઈડ પર લઈ જવામાં સફળ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.