બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / દિલ્હીના જ એક્સપર્ટે જણાવ્યા પ્રદૂષણ ઘટાડવાના કાયમી ઉપાય, જો કે કૃત્રિમ રેઇન પદ્ધતિ સાથે નથી સહમત, જાણો કેમ નથી ઘટતું પ્રદૂષણ

દિલ્હી પ્રદૂષણ / દિલ્હીના જ એક્સપર્ટે જણાવ્યા પ્રદૂષણ ઘટાડવાના કાયમી ઉપાય, જો કે ઓડ ઈવન પદ્ધતિ સાથે નથી સહમત, જાણો કેમ નથી ઘટતું પ્રદૂષણ

Published By: Vikram Mehta

Last Updated: 09:54 AM, 21 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીને વાયુ પ્રદૂષણના રાક્ષસે ભરડામાં લીધી છે. દિલ્હી- એનસીઆરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ચિંતાજનક સ્તરે વધારો આવ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેકસ છેક 500 સુધી પહોંચવા આવ્યો છે. એક તારણ પ્રમાણે દિલ્હીની હવામાં શ્વાસ લેવો એ 40 સિગારેટ પીવા બરાબર છે. દિલ્હીની ઓફિસોમાં તાળા મારીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું છે. શાળાઓમાં રજાઓ પાડી દેવાઇ છે. આ ઝેરી હવાની જનજીવન પર એટલી માઠી દશા બેઠી છે કે તેને કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં સુધી કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ સ્થિતિને એક મેડિકલ ઇમરજન્સી ગણાવી છે. દર વર્ષે શિયાળામાં દિલ્હીની ઝેરી હવા દેશભરમાં ચર્ચાનો મુદ્દો બને છે. આખરે ક્યા કારણોસર દિલ્હીની હવા ઝેરી બને છે? દર શિયાળે માથુ ઉંચકતા આ વાયુ પ્રદૂષણના દૈત્યને નાથવાનો કાયમી ઉકેલ શું? દિલ્હીમાં પર્યાવરણને લઇને કાર્યરત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ સંસ્થાના પર્યાવરણવિદ્ વિવેક ચટ્ટોપાધ્યાય પાસે આનો જવાબ છે.

દિલ્હીની ભૌગોલિકતા અને પ્રદૂષણ
દિલ્હીના વાયુ પ્રદૂષણના મુખ્ય કારણો અંગે જણાવતા વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે,‘પ્રદૂષણ અત્યારે દિલ્હીનો એક અતિગંભીર પ્રશ્ન છે. અત્યારે દિલ્હીનું એર પોલ્યુશન લેવલ સેફ લેવલને પાર કરી ગયું છે. અંદાજે સાઠ ટકા જેટલું પોલ્યુશન ઓછું થાય ત્યારે સેફ લેવલ પર પહોંચી શકીએ એમ છીએ. આ પરિસ્થિતિના પ્રમુખ કારણોમાં જોઇએ તો દિલ્હીનું ભૌગોલિક સ્થાન પણ પ્રદૂષણ વધારા માટે કારણભૂત છે. દિલ્હી એક લેન્ડ લોક્ડ શહેર છે. શહેરનો ફેલાવો વધ્યો છે અને હવે સેટેલાઇટ શહેરો પણ દિલ્હીમાં સામેલ થઇ ગયા છે ત્યારે દિલ્હી એનસીઆર અત્યારે ઇકોનોમીનો એક બહુ મોટો સોર્સ છે. એટલે અહીં કમર્શિયલ એક્ટિવીટીનું પ્રમાણ પણ વધારે છે જે શહેરના પ્રદૂષણમાં સિંહફાળો આપે છે’

વિવેક ચટ્ટોપાધ્યાય આગળ કહે છે,‘શિયાળામાં હવાની ગતિ થંભી જવાને કારણે પ્રદૂષિત પાર્ટિકલ્સ ઘટતા નથી. વળી શિયાળાના સમયમાં જ આવતા દિવાળી જેવા તહેવારને કારણે પણ પ્રદૂષણ વધે છે. આ સમયે જ ખેડૂતો પરાળી બાળે છે, જે હવાને દૂષિત કરે છે. બે પ્રકારના સ્ત્રોત દિલ્હીના પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર છે. જેમાં એક સતત ચાલુ સોર્સ છે. જેમાં વેહિકલ્સ, પાવર પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીઝ, નાના ઉદ્યોગો સામેલ છે. આ ઉપરાંત લોકલ સોર્સિસ જોઇએ તો ધૂળ, કચરાનું બાળવું, સ્ટબલ (પરાળી) બર્નિંગ જેવા પરિબળો પ્રદૂષણના સ્તરમાં વધારો કરે છે’

Screenshot 2024-11-20 181401

'સાંઠ ટકા જેટલું પ્રદૂષણ ઓછું થાય ત્યારે દિલ્હી સેફ લેવલ પર આવી શકશે': વિવેક ચટ્ટોપાધ્યાય

રોગપ્રતિકારક શક્તિ પર અસર
પ્રદૂષણના કારણે પાર્ટિક્યુલેટ મેટર કણો બેકાબુ બને છે. પીએમ એટલે કે પાર્ટિકયુલેટ મેટર એ હવામાં રહેલા સૂક્ષ્મ કણો છે. આ કણોનું કદ માઇક્રોમીટરમાં માપવામાં આવે છે. આ કણોના મુખ્યત્વે બે પ્રકારમાંના એક એવા PM 2.5 સીધા જ ફેફસામાં પ્રવેશે છે અને રક્તવાહિનીમાં ભળી જાય છે. જ્યારે PM 10 નાક અને ગળામાં અટવાઇ જાય છે. આ કણો શ્વાસ સંબધિત ગંભીર બીમારીઓ નોતરે છે.

વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે,‘હેલ્થ સ્ટડીઝના આંકડાઓ એ દર્શાવે છે કે પ્રદૂષણના વધતા સ્તરને કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળે છે. આ કારણે પ્રોડકટીવીટી લોસ, ઇકોનોમીકલ લોસ અને હેલ્થ લોસ એમ ત્રણ સ્તરે નુકસાન થાય છે. શિયાળામાં શ્વાસ સંબંધિત અને ફેફસા-હદય સંબંધિત સમસ્યામાં વધારો થતો હોવાને કારણે ઠંડીમાં હોસ્પિટલની મુલાકાતે આવતા દર્દીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થઇ જાય છે.  પ્રદૂષણને કારણે ઇમ્યુન સીસ્ટમ પર અસર થવાથી વાઇરસ-બેકેટેરિયા શરીર પર અસર કરે છે. કોવિડ બાદ આમ પણ ફેફસાને વધારે અસર થઇ છે ત્યારે  હેલ્થ બેનિફીટને ધ્યાનમાં રાખીને સરકારે પોલીસી બનાવવી જોઇએ’

ANI-20230630125424

પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારો
વિવેક ચટ્ટોપાધ્યાય ભાર દઇને કહે છે,‘જો દિલ્હીની હવાને પ્રદૂષિત થતી બચાવવી હશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવો પડશે.  પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાને કારણે વ્યકિતગત સ્તરે થતું પ્રદૂષણ ઓછુ થઇ જાય છે. પબ્લિક બસોની સુવિધા વધારવાથી પણ ઘણો ફેર આવે એમ છે. પણ એક ખામી એ રહી ગઇ કે બસોની સંખ્યા વધારવાને બદલે ઘટાડી દેવામાં આવી છે. દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોની સંખ્યા વધારવાની પણ જરુરિયાત છે. શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે. સરકારે લોંગ ટર્મ પ્લાનિંગ સાથે કામ કરવું પડશે. વ્હિકલના પોલ્યુશન ટેસ્ટિંગનો કાર્યક્રમ અમલી બનાવવો પડશે અને અન્ય શહેરોની જેમ પબ્લિકને સરકારી ટ્રાન્સપોર્ટ સુવિધા તરફ મહતમ વાળવી પડશે. મુંબઇ અને કલકત્તામાં 68 ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જ્યારે દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.  જો સરકાર દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી પ્રમાણમાં સુવિધા મળશે તો દરેક નાગરિકને જાહેર પરિવહનમાં મુસાફરી કરવા તરફ આસાનીથી દોરી શકાશે’

ઓડ ઇવન સિસ્ટમ કેટલી કારગત નીવડે?
વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે,‘ઓડ-ઇવન સિસ્ટમને કારણે વાહનોની સંખ્યા ઓછી થાય છે. આ પ્રકારની સિસ્ટમથી ટ્રાફિકની સમસ્યામાંથી બિલકુલ રાહત મળે છે. પણ દિલ્હીમાં ટ્રાન્સપોર્ટેશન સેકટર પચાસ ટકા જેટલો ફાળો આપે છે. ખરેખર તો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેકટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું પડશે. એ વધારે કારગત ઉપાય છે’

‘કૃત્રિમ વરસાદથી મોસમ સાથે છેડછાડ થશે’
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રદૂષણ નિવારણ માટે કૃત્રિમ વરસાદનો પણ વિચાર મુક્યો છે. નવેમ્બર 2023માં પણ દિલ્હી સરકારે ક્લાઉડ સીડિંગ માટે સુપ્રિમ કોર્ટ પાસે પરવાનગી માગી હતી. કૃત્રિમ વરસાદની અસરકારકતા અંગે પૂછવામાં આવતા વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે,‘આર્ટિફીશયલ રેઇનનો મોટા ફલક પર હજુ આપણે ત્યાં ઉપયોગ નથી કરવામાં આવ્યો. સાઉદી અરેબિયામાં પાણીની તંગીના નિવારણ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે દિલ્હીમાં માત્ર ફોગ છે. એક રીતે આ પ્રદૂષણને માત્ર હવામાંથી  દૂર કરવાની વાત છે. આ એક કામચલાઉ ઉપાય છે. આર્ટિફિશીયલ વરસાદ આર્થિક રીતે પણ મોંઘો પડે વળી એની અસર પણ નાના ક્ષેત્ર સુધી સીમિત રહેશે. વિશાળ એરિયામાં એની અસર ખાસ નહીં થાય. ઉલટાની કુદરતી મોસમ સાથે પણ છેડછાડ કરવા જેવું થશે એટલે  પ્રદૂષણ સ્ત્રોતને જ ઓછા કરવામાં આવે એ જ સૌથી અસરકારક ઉપાય છે’

ગ્રીન કવરને પ્રોત્સાહન
પ્રદુષણના નિવારણના એક ઉપાય તરીકે વિવેક ચટ્ટોપાધ્યાય ગ્રીન કવરની મહતા અંગે વાત કરતા કહે છે,‘દિલ્હીના ગ્રીન કવરમાં વધારો થઇ રહ્યો છે પણ બીજી તરફ અરવલ્લીના પહાડોમાં મોટા પાયે ખનન, વૃક્ષ છેદન થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો આશંકા જતાવી રહ્યા છે કે જો અરવલ્લીના પહાડોને પ્રોટેકટ નહીં કરવામાં આવે તો રાજસ્થાનનું રણ અહીં સુધી ફેલાઇ શકે છે. પાર્ટિક્યુલેટ મેટરને કંટ્રોલ કરવા માટે, શહેરની આબોહવાને શુદ્ધ રાખવા માટે પ્રદૂષણ ઓછું કરીને ગ્રીન કવરને પ્રોત્સાહન આપવું જ પડશે’

પંજાબમાં પાક બદલો, પરાળીનો આવી રીતે ઉપયોગ કરો
પંજાબ-હરિયાણામાં બાળવામાં આવતી પરાળી પ્રદૂષણના વધારા માટે બહુ જવાબદાર પરિબળ છે, ત્યારે વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે,‘જુઓ, ચોખાની ખેતી બહુ પાણી માગી લેતી ખેતી છે. ચોખાની ખેતી માટે દક્ષિણની જમીન કે જ્યાં વરસાદ વધારે છે એ વધુ અનુકુળ છે. પંજાબ અને હરિયાણામાં ક્રોપ ડાઇવર્સીફિકેશન તરફ આપણે પ્રયાસ કરવાની જરૂર છે કે જેમાં પાણીની જરૂર ઓછી પડે. પંજાબ-હરિયાણામાં પરાળીનો ચારા કે ઇંધણની જેમ ઉપયોગ કરવાને બદલે બાળવામાં આવે છે. અહીં પણ બદલાવ આવે એ ખૂબ જરૂરી છે. પાવરપ્લાન્ટમાં પણ કોલસાને બદલે પરાળીની જેમ ઉપયોગ કરવામાં તો સ્થિતિમાં ઘણો સુધાર આવી શકે. બાકી લોંગ ટર્મ સોલ્યુશન એ છે કે ક્રોપ ડાઇવર્સિફિકેશન એટલે કે પાક બદલવામાં આવે કે જેથી વધુ પરાળી ન નીકળે, ત્યાંની જમીન અને મૌસમને વધુ અનુકૂળ આવે, ઓછા પાણીની જરૂર પડે એવા પાકનું વાવેતર કરવું જોઇએ’

640px-NP_India_burning_48_(6315309342)

'પરાળીને બાળવાને બદલે ઇંધણ કે ચારા તરીકે ઉપયોગ કરવો જોઇએ': વિવેક ચટ્ટોપાધ્યાય

પોલ્યુશન કંટ્રોલ કમિટી આ જગ્યાએ કાચી પડે છે!
દિલ્હીમાં દર શિયાળાના સમયે દૂષિત હવાનો પ્રશ્ન કનડે છે ત્યારે દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીની કામગીરી અંગે પૂછવામાં આવતા વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે, ‘દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીએ પ્રમાણમાં ઘણા પરિવર્તનો કર્યા છે. એપ્રુવ ફ્યુઅલ પોલિસી મુજબ કોલસાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેનાથી મહતમ પ્રદૂષણ ફેલાય છે એ પેટકોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં પાવરપ્લાન્ટ કોલસાને બદલે નેચરલ ગેસથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ સારી કામગીરીની સાથે ઘણી ખામીઓ પણ રહી ગઇ છે. જેમકે ઘણા રહેણાંક સ્થળે ઇન્ડસ્ટ્રી આવેલી છે. દિલ્હીમાં તેરથી ચૌદ વિસ્તાર એવા છે કે જે હોટ સ્પોટ છે. જ્યાં પ્રદૂષણ સૌથી વધારે થાય છે. પોલ્યુશન કંટ્રોલ કમિટી અને મ્યુનિસિપાલિટીએ કચરાનો યોગ્ય નિકાલ લાવવાની જરૂરિયાત છે પરંતુ કચરાના મહાકાય ગંજ ખડકાયેલા છે. કેટલીક વાર મિથેન વાયુની હાજરીને કારણે આ કચરો આપોઆપ સળગી ઉઠે છે જેના કારણે પ્રદુષણ ફેલાય છે. આ કચરાને રિસાયકલ કરીને તેનો ઓલ્ટરનેટિવ યુઝ કંઇ રીતે કરી શકાય એ અંગે આપણે વિચારવું પડશે. કેટલાક પ્રદૂષિત એરિયાની અસર આખા શહેરની સ્થિતી પર પડે છે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ, ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ યુનિટ, રાજસ્થાન પોલ્યુશન કંટ્રોલ યુનિટ વગેરેએ મળીને પોલ્યુશનનાં સોલ્યુશન માટે કામ કરવું પડશે’

thumb-2

અભી નહીં તો કભી નહીં…
વિવેક ચટ્ટોપાધ્યાય મુલાકાતને અંતે કહે છે,‘1998માં પ્રદૂષણ વધારે હતું. એ સમયે ક્લીન ફ્યુઅલ અવેલેબલ ન હતું. ડીઝલમાં સલ્ફર લેવલ 5000 ppm હતું. અત્યારે સલ્ફર લેવલ 10 ppm છે જે બહું જ મોટો ઘટાડો કહેવાય.એ રીતે જોઇએ તો સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. શહેરમાં ટ્રક માટે બાયપાસ બનાવવામાં આવ્યો છે, મેટ્રોની સુવિધા ઉભી થઇ, દસ વર્ષ જૂના ડીઝલ વ્હીકલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વ્હીકલની પરવાનગી નથી. આ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે જે આવકાર્ય છે. 2001-2008 સુધીમાં પ્રદુષણમાં ઘણો ઘટાડો આવ્યો પણ પછી શહેરનો વિસ્તાર વધ્યો એમ વ્હિકલની સંખ્યા પણ વધી જેના કારણે પ્રદૂષણનું સ્તરની સપાટી ફરી ઉંચી આવી. વસ્તીવધારો, વાહન વધારો, વિસ્તાર વધારો આ કારણે પ્રદૂષણ વધતું ચાલ્યું પણ એના નિવારણ માટે જે સિસ્ટમ ડેવલપ કરવી જોઇએ એ ન થઇ. પરિણામ આપણે જોઇ રહ્યા છીએ. સમયની માગ છે કે આપણે વિચારીએ કે આપણે કઇ દિશામાં વિકાસ કરી રહ્યા છીએ. અન્યથા આપણું ભવિષ્ય બહું ભયાનક હશે’

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Delhi Air Quality Delhi Air Pollution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ