ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / માતા વૈષ્ણોદેવીની યાત્રા ભૈરવનાથના દર્શન વગર કેમ અધૂરી ગણાય ? જાણો પૌરાણિક રહસ્યો અને ગુફાનું ધાર્મિક મહત્વ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:01 PM, 4 October 2026
1/6
જમ્મુ-કાશ્મીરના કટરા નજીક ત્રિકુટા પર્વત પર વિરાજમાન માતા વૈષ્ણોદેવીનું ધામ ભારતભરના કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે કટરા પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે માતા વૈષ્ણોદેવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્રિકુટા પર્વત પર સ્થિત પવિત્ર ગુફામાં માતાને ત્રણ પિંડીઓ તરીકે કેમ પૂજવામાં આવે છે? અને માતાજીની યાત્રા ભૈરવનાથના દર્શન કર્યા વિના કેમ અધૂરી માનવામાં આવે છે? ચાલો આ પવિત્ર ધામ સાથે જોડાયેલા પૌરાણિક ઇતિહાસ અને રહસ્યો વિશે વિગતવાર જાણીએ.
2/6
પૌરાણિક માન્યતા અનુસાર, માતા વૈષ્ણોદેવી એ મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી – આ ત્રણેય મહાશક્તિઓનું એકીકૃત સ્વરૂપ છે. કટરામાં ત્રિકુટા પર્વત પર સ્થિત ભવનની પવિત્ર ગુફામાં ત્રણ પ્રાકૃતિક પિંડીઓ આવેલી છે. આ ત્રણેય પિંડીઓને ત્રણેય દેવીઓનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. આ સંયુક્ત શક્તિસ્વરૂપને ભક્તો 'માતા વૈષ્ણોદેવી' તરીકે પૂજે છે.
ADVERTISEMENT
3/6
માતા વૈષ્ણોદેવીના ધામની શોધ સાથે પંડિત શ્રીધરની કથા વણાયેલી છે. જમ્મુ ક્ષેત્રના કટરા નજીક હંસલી ગામમાં અત્યંત ધાર્મિક અને સરળ સ્વભાવના પંડિત શ્રીધર રહેતા હતા. સંતાન ન હોવાને કારણે તેઓ અવારનવાર દુઃખી રહેતા હતા. એકવાર તેમણે ગામના લોકો માટે ભંડારાનું (મહાપ્રસાદ) આયોજન કર્યું. પરંતુ ભંડારાની પૂર્વસંધ્યાએ તેમની પાસે પૂરતી સામગ્રી ન હોવાથી તેઓ ચિંતામાં પડી ગયા. બીજા દિવસે પૂજા-અર્ચના દરમિયાન એક અત્યંત સુંદર અને તેજસ્વી કન્યા ત્યાં આવી પહોંચી, જેણે પોતાનું નામ વૈષ્ણવી બતાવ્યું. આ દિવ્ય કન્યાએ ભંડારાની તમામ વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી અને અદ્ભુત રીતે તમામ ગ્રામજનોને પેટ ભરીને ભોજન કરાવ્યું. ભંડારો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તે કન્યા અચાનક અદ્રશ્ય થઈ ગઈ.
4/6
ત્યારબાદ એક રાત્રે કન્યા વૈષ્ણવીએ પંડિત શ્રીધરના સ્વપ્નમાં આવીને તેમને ત્રિકુટા પર્વત પર આવેલી પવિત્ર ગુફાનો માર્ગ બતાવ્યો અને તેમને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. પંડિત શ્રીધર સમજી ગયા કે તે કન્યા સામાન્ય નહોતી પરંતુ સ્વયં માતા વૈષ્ણોદેવી હતા. સ્વપ્નમાં મળેલા સંકેતના આધારે પંડિત શ્રીધરે પવિત્ર ગુફાની શોધ કરી અને ત્યારથી આ ધામમાં માતાજીની પૂજા-અર્ચના અને દર્શનની પરંપરા શરૂ થઈ.
ADVERTISEMENT
5/6
પૌરાણિક કથા અનુસાર, ગુરુ ગોરખનાથના શિષ્ય ભૈરવનાથે પંડિત શ્રીધરના ભંડારામાં અહંકારવશ અસાત્વિક ભોજનની માંગ કરી હતી. કન્યા વૈષ્ણવીએ સાત્વિક ભોજનની વાત કરી ત્યારે ભૈરવનાથે તેમને પકડવાનો પ્રયાસ કર્યો. માતા વૈષ્ણોદેવી ત્યાંથી નીકળીને ત્રિકુટા પર્વત તરફ ચાલવા લાગ્યા અને ભૈરવનાથ પણ તેમની પાછળ પડ્યો. યાત્રા દરમિયાન માતાની રક્ષા માટે હનુમાનજી સાથે હતા. માર્ગમાં જ્યારે હનુમાનજીને તરસ લાગી, ત્યારે માતાએ પોતાના ધનુષમાંથી બાણ ચલાવીને જમીનમાંથી એક પવિત્ર જળધારા પ્રગટ કરી, જેને આજે 'બાણગંગા' તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર નદીમાં માતાએ પોતાના કેશ પણ ધોયા હતા. માન્યતા છે કે બાણગંગામાં સ્નાન કરવાથી સાધકના તમામ પાપો નષ્ટ થાય છે.ત્યારબાદ માતા એક ગુફામાં 9 મહિના સુધી તપસ્યામાં લીન રહ્યા, જેને આજે 'અર્ધકુંવારી' અથવા 'અર્ધકુમારી' કહેવામાં આવે છે. અહીં હનુમાનજીએ ગુફાના દ્વાર પર પહેરો ભર્યો હતો. ભૈરવનાથ ત્યાં પણ આવી પહોંચતા માતા ગુફામાંથી બીજો માર્ગ બનાવીને બહાર નીકળ્યા હતા.
6/6
ગુફામાંથી બહાર આવ્યા બાદ માતા વૈષ્ણોદેવીએ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે ભૈરવનાથ પોતાની હઠ પર અડી રહ્યો, ત્યારે હનુમાનજી અને ભૈરવનાથ વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ લાંબુ ચાલતા માતાએ સ્વયં ભૈરવનાથનો સંહાર કર્યો. ભૈરવનાથનું મસ્તક જે સ્થાન પર જઈને પડ્યું તે આજે 'ભૈરવ ઘાટી' તરીકે ઓળખાય છે. મૃત્યુ સમયે ભૈરવનાથને પોતાની ભૂલનો પસ્તાવો થયો અને તેણે ક્ષમાયાચના કરી. માતા વૈષ્ણોદેવીએ દયાળુ થઈને તેને ક્ષમા આપી અને વરદાન આપ્યું કે, "જે પણ ભક્ત મારા ભવનના દર્શન કરશે, તેની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નહીં ગણાય જ્યાં સુધી તે ભૈરવનાથના દર્શન નહીં કરે." આ વરદાનને કારણે જ આજે પણ ભવનમાં માતાજીના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ ભૈરવનાથના મંદિરે દર્શન કરવા ચોક્કસ જાય છે. આમ, માતા વૈષ્ણોદેવીની પવિત્ર તીર્થયાત્રા માત્ર એક મંદિર પૂરતી સીમિત નથી, પરંતુ બાણગંગા, અર્ધકુંવારી, મુખ્ય ભવન અને ભૈરવ ઘાટી જેવા દિવ્ય પડાવોમાંથી પસાર થતી એક અત્યંત આધ્યાત્મિક અને આસ્થાથી ભરેલી યાત્રા છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
14 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ