બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / માનસરોવર તળાવ કિનારે રામ અને શ્યામનું દિવ્ય મંદિર, લાલજી મહારાજને પ્રભુએ પુર્યા પરચા
Last Updated: 06:30 AM, 15 May 2025
દિવ્યભૂમિ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ જેવા તીર્થક્ષેત્રો, ગિરનાર અને બીજા તીર્થના ધામરૂપ પર્વતો અને પવિત્ર નદીઓ આવેલા છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ પણ અહિં જ આવેલી છે. અનેક સંતો, મહંતો અને ભક્તોએ આ ભૂમિને ઉજ્જવળ કરેલી છે. શ્રદ્ધાવાન ભૂમિ ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલું સાયલા ભગતનું ગામ તરીકે પ્રચલિત છે. અને ભગત એટલે લાલજી મહારાજ. ભગતનું ગામ સાયલામાં આવેલા ભવ્ય રામજી મંદિરની સ્થાપના લાલજી મહારાજે કરી હતી અને સમયાંતરે મંદિરના વિકાસની સાથે તેના બાંધકામમાં પણ સુધારા થતા રહ્યા છે. રામજી મંદિર સાયલાના સુંદર માનસરોવર તળાવ કિનારે આવેલું છે. મંદિરે પહોંચતા પહેલા તળાવ કિનારેથી પસાર થઈએ ત્યારે જ કુદરતી સૌંદર્ય આકર્ષિત કરે છે અને જેવા રામજી મંદિરના પરિસરમાં પ્રવેશ કરીએ ત્યારે મનને પ્રફ્ફુલિત કરતા દિવ્ય વાતાવરણનો અલૌકિક અહેસાસ થાય છે.
ADVERTISEMENT
બાવન સ્તંભ પર ઉભા કરવામાં આવેલા ભવ્ય રામજી મંદિરના દરેક સ્તંભ પર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મુર્તિઓ જડવામાં આવેલી છે. દરેક સ્તંભ પરની મુર્તિઓ મંદિરના આકર્ષણનું કેન્દ્ર છે. નાની મોટી રંગબિરંગી મુર્તિઓથી સજાવવવામાં આવેલા ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિરના સોનાથી મઢેલા મુખ્ય ગર્ભગૃહમાં રામ લક્ષ્મણ જાનકી બિરાજમાન છે. લાલજી મહારાજે મંદિરની સ્થાપના કરી ત્યારથી શ્રીરામજી, માતા સીતાજી અને લક્ષ્મણજીની મુર્તિ અહિં બિરાજમાન કરવામાં આવેલી છે સમયાંતરે મંદિરનો વિકાસ અને જીર્ણોદ્ધાર થયો ત્યારે અને ત્યાર પછી પણ આ મુર્તિઓને અહિં જ રાખવામાં આવેલી છે જ્યાં તેમને સૌ પ્રથમ બિરાજમાન કરવામાં આવી હતી. રામ, લક્ષ્મણ, જાનકીની બાજુના ગૃહમાં રાધાક્રૃષ્ણ બિરાજમાન છે. માથે મુગટ, સુંદર ઘરેણાં અને સુંદર વસ્ત્રોમાં સોનાથી મઢેલા ગર્ભગૃહમાં બિરાજમાન રાધાકૃષ્ણની સુંદર મુર્તિઓનુ દિવ્ય સ્વરુપ અલૌકિક દર્શન આપે છે.
ધર્મના પ્રચાર પ્રસાર માટે લાલજી મહારાજ ભારત ભ્રમણ કરતા અને બે ચાર વર્ષ પછી સાયલા આવતા અને ફરી ભ્રમણમાં નીકળી જતા, એકવાર લાલજી મહારાજ સાયલામાં હતા ત્યારે શેષનારાયણ ભગવાને તેમના સ્વપ્નમાં આવી સૂચન કર્યુ કે મને દીવમાંથી લઈ જા, સવારે લાલજી મહારાજ સાધુસંતો સાથે ભગવાનને લેવા દીવ રવાના થયા. ત્યાં પહોંચીને બ્રાહ્મણને કહ્યુ કે તમે મુર્તિની પૂજા કરી લો અમારે ભગવાનને અમારી સાથે સાયલા લઈ જવાના છે. બીજા દિવસે મુર્તિને રથમાં રાખી ત્યાં તો ફીરંગીઓના સૈનિકોએ લાલજી મહારાજ અને તમામ સાધુ સંતોને ઘેરી લીધા, ત્યારે લાલજી મહારાજે પોતાના સ્વપ્નમાં ભગવાને કરેલા સૂચનથી વાકેફ કર્યા અને જેમ દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરમાં ગયા તેવી જ રીતે દીવ બંદરથી શેષનારાયણ ભગવાન સાયલા આવ્યા હતા. જ્યાં ભગવાન સુતેલી મુદ્રામાં બિરાજે છે.
ADVERTISEMENT
રામજી મંદિરના ત્રીજા ગર્ભગૃહમાં મહાદેવજી બિરાજમાન છે. મહાદેવજીના પાછળ મા પાર્વતીજી બિરાજે છે. સોનાથી મઢવામાં આવેલા મહાદેવજીના ગર્ભગૃહમાં બારેય જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય છે. નિત્ય દર્શને આવતા ભાવિકો મહાદેવજીને બિલી, ફૂલો, જળ અને દૂધનો અભિષેક કરે છે અને મહાદેવજીની આરાધના કરી શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે.
ગર્ભગૃહની બહાર ગણપતિદાદા રિદ્ધી સિદ્ધિ સાથે બિરાજમાન છે ગણપતિજીની અને રિદ્ધિ સિદ્ધિની સુંદર મુર્તિ દિવ્ય અને અલૌકિક લાગે છે.
ગણપતિદાદાની બરાબર સામે હનુમાનજીની મુર્તિ સ્થાપિત કરવામાં આવે છે. માથે મુગટ, સુંદર વસ્ત્રો, હાથમાં ગદા અને બીજા હાથમાં સંજીવની પર્વત સાથે હનુમાનજીની મુર્તિના દર્શન કરવાથી જાણે દાદા ભક્તોમાં શક્તિનો સંચાર કરતા હોવાની અનુભૂતિ કરાવે છે.
વર્ષો પહેલા લાલજી મહારાજે અહિં સદાવ્રત ચાલુ કર્યુ હતુ અને મંદિરની સ્થાપના કરી હતી. મંદિર પરિસરમાં લાલજી મહારાજની પણ સુંદર પ્રતિમા રાખવામાં આવી છે.
આ પણ વાંચો: મઢડામાં બિરાજે સોનલ આઈ, 51 વર્ષની જિંદગીમાં આપ્યા અનેક સંદેશા, જીવન જ એક પરચો
રામજી મંદિરમાં ધર્મસ્તંભ આવેલો છે. ભગવાનની પ્રતિષ્ઠા કરી તે પહેલા એક વર્ષ સુધી મુર્તિને બહાર જે જગ્યા પર રાખવામાં આવી હતી, ત્યાં ધર્મસ્તંભ બનાવવામાં આવ્યો છે જેના પર મંદિરની ધજા ફરકે છે અને જ્યાં ધજા ફરકતી હોય ત્યાં રોટલો અને ઓટલો હોય છે. એટલે અહિં આવતા લોકોને પ્રસાદમાં ભોજન આપવામાં આવે છે અને તેમને અહિં રોકાવું હોય તો તેના માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે.
વર્ષ દરમ્યાન આવતા તહેવારોમાં જન્માષ્ટમીના દિવસે મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં સાયલા અને આજૂબાજૂના ગામના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાય છે. આ દિવસે મંદિરે આવતા દરેક ભાવિકોને ફળાહાર આપવામાં આવે છે અને રાત્રે પંજરી વહેંચવામાં આવે છે, જેનો લાભ લાખો ભાવિકો લઈ ધન્ય થાય છે. ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રીરામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને યોગાનુયોગે લાલજી મહારાજનો જન્મ દિવસ પણ આ જ દિવસે છે. સાયલામાં રહેતા લોકોના દિવસની શરૂઆત રામજી મંદિરમાં દર્શન કરીને જ થાય છે ગ્રામવાસીઓની મંદિર સાથે જોડાયેલી શ્રદ્ધા અતૂટ છે.
મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો દર્શન કર્યા પછી તળાવ કિનારે જઈ માછલીઓને મમરા નાખી પુણ્યકાર્ય કર્યોનો સંતોષ માની ધન્ય થાય છે. ઘણા ભાવિકો પેઢી દર પેઢીથી દૂરદૂરથી રામજી મંદિરે વર્ષ દરમ્યાન નિયમિત દર્શન કરવા આવે છે. તેમની આ મંદિર સાથે અતૂટ આસ્થા જોડાયેલી છે.
175 વર્ષ પહેલાં પહેલા નિર્માણ કરવામાં આવેલા ભવ્ય રામજી મંદિરનો થોડા વર્ષો પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. લાલજી મહારાજે સદાવ્રતની સ્થાપના કરી હતી, જે વર્તમાનમાં પણ અવિરત ચાલી રહ્યુ છે. વર્ષોથી સદાવ્રતમાં દરેક વર્ણના લોકો આવીને લાભ લઈ શાંતિનો અહેસાસ કરે છે. સદાવ્રતની સાથે સાથે મંદિરમાં ગાયોની સેવા અને વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવી લાલજી મહારાજે શરૂ કરેલી પરંપરાને યથાવત રાખી છે અને એટલે જ આ મંદિરમાં ભજન, ભોજન, ભક્તિ અને વિદ્યાનો અનોખો સંગમ થાય છે.
સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા સાયલામાં ચાલતા સદાવ્રતમાં બે હજાર ગામમાંથી સ્વયં સેવકો ઘઉં, બાજરો, ચોખા, તુવેરદાળ, તેલ, ખાંડ, ઘી અને ચણા દાન સ્વરુપે આપે છે. શિયાળા અને ઉનાળાના આઠ મહિના સુધી આ સંસ્થાની પચ્ચીસ પચ્ચીસ લોકોની ત્રણ મંડળીઓ દરેક ગામમાં જઈ ભજન કીર્તન કરે છે અને ત્યાંથી આપવામાં આવતુ દાન લઈ ભગતના ગામ સાયલા લાવે છે. આમ વર્ષોથી નિરંતર આ સદાવ્રત ચાલે છે. જ્યાં દરરોજ બપોરે બે હજાર અને રાત્રે સાતસોથી આઠસો લોકો ભોજન પ્રસાદનો લાભ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.