બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / ભાવનગર, ડાંગ, નર્મદામાં ભારે વરસાદ, ધંધુકામાં એટલો પડ્યો કે રસ્તા દેખાતા બંધ થયા
6 ફોટો ગેલેરી
Last Updated: 10:08 PM, 24 June 2026
1/6
ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પાલીતાણાના નાગરાજ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉપરાંત વિરપુર, જામવાળી, લુહારવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે બદલાયેલા વાતાવરણને કારણે લોકો પણ રાહતનો અનુભવ કરી રહ્યા છે.
2/6
ધંધુકા તાલુકાના ઊંચડી ગામ ખાતે હવામાનમાં અચાનક પલ્ટો આવતા સાંજના સમયે તેજ પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં ગામ તેમજ આસપાસના સીમ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. અચાનક બદલાયેલા હવામાનને કારણે ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
3/6
વિંછીયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. વિંછીયા, હાથસણી, મોઢુકા, પીપરડી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે વરસાદ વરસતાં જનજીવનને રાહત મળી હતી. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ખેડૂતોનું માનવું છે કે આ વરસાદ ખેતી કાર્યો માટે લાભદાયી સાબિત થશે અને આગામી વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે.
4/6
નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડીયાપાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી છે. સતત ભારે વરસાદને કારણે વિસ્તારની નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે અનેક સ્થળોએ પાણી છલકાઈ રહ્યું છે. ડેડીયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં પણ પાણીનો પ્રવાહ વધતા ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સીઝનના શરૂઆતના જ વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
5/6
6/6
નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સાગબારા અને સેલંબા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાતા અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલ રાત્રિથી શરૂ થયેલા સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધતાં કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સેલંબા નજીક માત્ર એક મહિના પહેલાં બનાવવામાં આવેલું નાળું ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં વિકાસકાર્યોની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત સેલંબાથી નવાપાડા જતો માર્ગ પણ બંધ થઈ ગયો હોવાથી વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોની અવરજવર પર અસર પડી છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ