બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / હમાસના સ્થાપકનો દીકરો જ જ્યારે ઇઝરાયલનો જાસૂસ બન્યો, એક સ્ફોટક સત્યકથા!

બાપ Vs બેટા / હમાસના સ્થાપકનો દીકરો જ જ્યારે ઇઝરાયલનો જાસૂસ બન્યો, એક સ્ફોટક સત્યકથા!

Vikram Mehta

Last Updated: 04:12 PM, 28 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસના ટોપ લીડર યાહ્યા સિનવારને મારીને ઇંટનો જવાબ પથ્થરની ફિતરતવાળા ઇઝરાયલે પોતાનો પ્રતિશોધ પૂરો કર્યો છે ત્યારે અસંખ્યને ભરખી જનારા ઇઝરાયલ -હમાસના આ લોહીયાળ સંઘર્ષમાંથી જન્મતી એક સ્ફોટક સત્યકથાના પન્ના તમારી સામે ખુલે છે…

‘ટર્ન ઓફ ધ એન્જિન એન્ડ સ્ટોપ ધ કાર’
કારમાં ડ્રાઇવીંગ સીટ પર સવાર યુવાનના મોતિયા મરી ગયા. પડછંદ કાયાના, કરડાટી ચહેરા વાળા સાતેક સોલ્જરો હાથમાં કાળના દૂત જેવી મશીનગન લઇને ઉભેલા દેખાતા હતા. એક સોલ્જરે કારનો દરવાજો ખોલીને પેલાને ખેંચીને બહાર કાઢ્યો અને ઢસડતા ચેકપોઇન્ટ પર લઈ ગયા. એ યુવકના હાથ પાછળ બાંધીને આંખે પાટો બાંધી દેવામાં આવ્યો. પેલા યુવાને જરાક હલન-ચલન કરવાની કોશિશ કરી ત્યાં તો એક સોલ્જરે M16 રાઇફલના બટનો પ્રહાર કર્યો…

પેલા યુવાનના મનમાં એકસાથે અનેક વિચારોનું વાવાઝોડુ ફુંકાયું. આ સૈનિકો મને હંમેશ માટે બંધક બનાવી લેશે તો? મારા પિતાને તો ઓલરેડી આ લોકોએ જેલમાં પૂરેલા છે જ. જો આ લોકોને કુબુદ્ધિ સુજી અને મને મારી નાખ્યો તો...

સન ઓફ હમાસ: એક સ્ફોટક બાયોગ્રાફી
કોણ હતો આ યુવક? શા માટે એને બંધક બનાવવામાં આવ્યો હતો? એ યુવક હતો મોસાબ હસન યુસુફ. એની ઓળખ એ છે કે એ પેલેસ્ટાઇનની મુક્તિ માટે બનેલા આતંકી સંગઠન હમાસના સાત ફાઉન્ડર્સમાંના એક એવા શેખ હસન યુસુફનો તે દીકરો છે. એક સમયે જેને હમાસ સંગઠનના આગામી લીડર તરીકે જોવામાં આવી રહ્યો હતો. એ મોસાબ પછી ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા 'શીન બેત'નો જાસૂસ બની ગયો હતો.

અહીં તમે વિરોધાભાસ જુઓ કે બાપ ઇસ્લામિક વિચારધારાને વરેલા આતંકી સંગઠનનો ફાઉન્ડર હોય, ઇઝરાયેલ સાથે એને બાપે માર્યા વેર હોય એનો ખુદનો જ દીકરો એની કટ્ટર વિચારધારા સામે સવાલ ઉઠાવે. એના દુશ્મન દેશ ઇઝરાયલ માટે જ જાસૂસીનું કામ કરે અને ત્યાં સુધી કે પોતાનો ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ સુદ્ધા અપનાવી લે!!

'સન ઓફ હમાસ: અ ગ્રિપિંગ અકાઉન્ટ ઓફ ટેરર, બિટ્રેયલ, પોલિટિકલ ઇન્ટ્રીગ એન્ડ અનથિન્કેબલ ચોઇસીસ' નામે મોસાબ હસને જ્યારે પોતાની ઑટોબાયોગ્રાફી લખી ત્યારે ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા એકાદ વર્ષથી  ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ યથાવત છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઇઝરાયલી સેનાએ હમાસના ચીફ યાહ્યા સિનવારને ઉડાવી દીધો છે. એક વર્ષ પહેલા ઇઝરાયલ પર થયેલા હુમલામાં યાહ્યા સિનવાર માસ્ટરમાઇન્ડ હતો. આ યાહ્યા સિનવારના મોતથી હમાસની કરોડરજૂ ભાંગી ગઇ છે. જો પોતાના બંધક બનાવેલા નાગરિકોને છોડી મુકવામાં આવશે તો જ યુદ્ધ સમાપ્ત કરવાની શરત ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ હમાસ સમક્ષ મુકી છે. આ દરમિયાન શનિવારે હિઝબુલ્લાહના આતંકીઓએ ઇઝરાયલના વડાપ્રધાનના ઘર પર ડ્રોન એટેક કર્યો હતો.

હવે, હમાસ પોતાના નવા સુકાનીની શોધમાં છે. એ વાત તો સ્પષ્ટ છે કે ઇઝરાયલ અને હમાસના યુદ્ધનો એમ આસાનીથી અંત નહીં આવે. આ જંગ હજુ લોહીયાળ બનવાના સ્પષ્ટ એંધાણ છે ત્યારે ઇઝરાયલ અને હમાસની દુશ્મની હવે ક્યો નવો વળાંક લેશે એના પર સૌની નજર છે. આ સંદર્ભે મોસાબની આ ઑટોબાયોગ્રાફી વિશે વાત કરવી છે આપણે. ઇઝરાયલ અને હમાસના સંઘર્ષમાં કેવી રીતે એક આતંકી બાપ અને એના દીકરાના સંબંધ સમીકરણો હંમેશ માટે પલટાઇ ગયા એની વાત કરતી મોસાબની આ ઓટોબાયોગ્રાફી વાચવા હાથમાં લીધા પછી તમે ઉભા થવાનું નામ નહીં લો એની સંપૂર્ણ ખાતરી. હ્યુમન ઇમોશન્સથી માંડીને સિક્રેટ થ્રિલર ઓપરેશન્સ અને ઇન્ટરનેશનલ ટેરેરિઝમ સુધીના એરિયાને કવર કરતી આ બુકમાં ઓસ્કાર લેવલે જઇ શકે એવી ધાંસુ ફિલ્મનો વિષય બની શકવાની તાકાત છે. આ બારૂદ જેવી સ્ફોટક અને દળદાર ઑટોબાયોગ્રાફીનો આપણે ત્રણ હપ્તામાં આસ્વાદ કરવાનો છે,પણ એ પહેલા ઇઝરાયલ-પેલેસ્ટાઇન-ગાઝા પટ્ટી વિવાદનાં ઇતિહાસ તરફ એક નજર નાખવી જરૂરી બની જાય છે...

WhatsApp Image 2024-10-19 at 2.42.06 PM

મોસાબ હસન યુસુફની સ્ફોટક ઑટોગ્રાફી

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કાયમનો સંઘર્ષ કેમ છે?
આપણા કચ્છથી પણ અડધું ક્ષેત્રફળ ધરાવતો યહૂદી દેશ ઇઝરાયલ. છ આરબ દેશોથી ઘેરાયલો. ઉત્તરે લેબનોન. દક્ષિણમાં ઈજિપ્ત અને જોર્ડન, તો ઇઝરાયલના પૂર્વમાં સ્થિત છે સીરિયા. જે વેસ્ટ બેંક તરીકે ઓળખાય છે. ઈઝરાયલના પશ્ચિમ ભાગમાં જગવિખ્યાત 'મેડિટેરેનિયન સી' આવેલો છે. તેમજ દક્ષિણ પશ્ચિમે ગાઝા પટ્ટી છે. વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. આરબ દેશો પેલેસ્ટાઇનને સર્મથન આપે છે. યહૂદીઓ અહીંથી ઉચાળા ભરે અને આખો વિસ્તાર પેલેસ્ટાઇનને સોંપી દેવામાં આવે એવું આ આરબ દેશો માને છે.

ઓટોમન સામ્રાજ્યની હાર અને સંઘર્ષનાં બીજ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષનાં બીજ પ્રથમ વિશ્વયુદ્ધમાં રોપાયાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટોમન શાસનની હાર થઈ. પેલેસ્ટાઈન તરીકે જાણીતા આ ભાગ પર બ્રિટને કબજો લીધો. એ સમયે ઈઝરાયલ નામના કોઈ દેશનું અસ્તિત્વ જ નહીં. ઈઝરાયલથી લઈને વેસ્ટ બેંક સુધીના વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે જ ઓળખવામાં આવતો. ત્યાં અલ્પસંખ્યક યહૂદી અને બહુસંખ્યક આરબ લોકો વસવાટ કરતા હતા.

યહૂદીઓ માટે નેશનલ હોમ
જ્યારે બ્રિટને પેલેસ્ટાઈનને યહૂદી લોકો માટે 'નેશનલ હોમ' તરીકે સ્થાપિત કરવા કહ્યું ત્યારે પેલેસ્ટાઈન અને યહૂદીઓ વચ્ચે વિવાદની શરૂઆત ત્યારે થઈ. યહૂદીઓ માનતા હતા કે, આ તેમના પૂર્વજોનું ઘર હતું. બીજી બાજુ, પેલેસ્ટિનિયન આરબો અહીં પેલેસ્ટાઈન નામનો નવો દેશ બનાવવા માગતા હતા. તેમણે બ્રિટનના નવા દેશ બનાવવાના પગલાનો સખત વિરોધ કર્યો.

જ્યારે ઇઝરાયેલની સ્થાપના થઇ
વર્ષ 1947માં યુનાઈટેડ નેશન્સે યહૂદીઓ અને આરબો માટે અલગ દેશ બનાવવા માટે મત માગ્યો. સંયુક્ત રાષ્ટ્રએ પણ કહ્યું કે, જેરુસલેમને આંતરરાષ્ટ્રીય શહેર બનાવવામાં આવશે. યહૂદીઓએ સંયુક્ત રાષ્ટ્રના આ નિવેદનનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આરબ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. વર્ષ 1948માં યહૂદીઓએ ઇઝરાયેલ બનાવવાની જાહેરાત કરી. પેલેસ્ટિનિયનોએ તેનો વિરોધ કર્યો અને આ રીતે બંને પક્ષો વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થયું. ઇઝરાયેલે જમીનનો એક મોટો હિસ્સો જીતી લીધો હતો!

640px-Declaration_of_State_of_Israel_1948

ઇઝરાયલ રાષ્ટ્રની ઘોષણા કરતા પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન ગુરિઅન

જેરુસલેમ: ત્રણ ધર્મ વચ્ચે વિવાદનું કેન્દ્ર
જ્યારે 1967માં ફરીથી યુદ્ધ શરૂ થયું, ‘સિક્સ ડે વોર’ તરીકે ઓળખાતું આ યુદ્ધ માત્ર છ દિવસ સુધી ચાલ્યું હતું. સામે કદાવર પેલેસ્ટાઇન હોવા છતાં ઇઝરાયેલનું પલડું ભારે રહ્યું. ત્યારે આ સમયે ઇઝરાયલે પૂર્વ જેરુસલેમ અને ગાઝા પટ્ટી પર કબજો કર્યો. ઇઝરાયલ પૂર્વ જેરુસલેમને તેની રાજધાની તરીકે દાવો કરે છે, જ્યારે પેલેસ્ટિનિયન તેને તેમની ભાવિ રાજધાની માને છે. જેરુસલેમ શહેર ત્રણેય ધર્મો, યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અલ-અક્સા મસ્જિદ જેરુસલેમમાં આવેલી છે, જે ઇસ્લામની સૌથી પવિત્ર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. અહીં 'ટેમ્પલ માઉન્ટ' પણ છે, જ્યાં યહૂદી ધર્મના લોકો પ્રાર્થના કરે છે. જ્યારે 'ચર્ચ ઓફ હોલી સ્પિરિટ' જેરુસલેમમાં ખ્રિસ્તીઓના ક્વાર્ટરમાં આવેલું છે, જે તેમનું મુખ્ય સ્થાન છે. આ સ્થાન ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનની વાર્તાનું કેન્દ્ર છે. આ જ કારણ છે કે, આ શહેરને લઈને ત્રણેય ધર્મના લોકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

JERUSALEM

ઇઝરાયલની રાજધાની જેરુસલેમ

લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા પેલેસ્ટાઇનની ઇચ્છા છે કે, ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠાનો સમગ્ર વિસ્તાર પેલેસ્ટાઈનને મળે. જેરુસલેમ બાબતે પેલેસ્ટાઈનનો મત છે કે, જેરુસલેમને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચવામાં આવવું જોઈએ. જેરુસલેમનો આખો પૂર્વી ભાગ પેલેસ્ટાઈનને આપવો જોઈએ. ઇઝરાયલ જેરુસલેમને પોતાના તાબા હેઠળ ઇચ્છે છે. પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક અને અલ અક્સા મસ્જિદ પર ઇઝરાયેલનો સંપૂર્ણ કંટ્રોલ છે. અલ અક્સા મસ્જિદને હમાસ ઇઝરાયેલના કબજામાંથી મુક્ત કરાવવા માગે છે. આ સંઘર્ષનાં મૂળિયાં અહીં જડાયેલાં છે. આટલી પૂર્વભૂમિકા બાદ હવે આપણે આવીએ મોસાબની ઑટોબાયોગ્રાફી પર.

372px-Map_of_Israel,_neighbours_and_occupied_territories.svg

મોસાબનો જન્મ અને બાળપણ
વેસ્ટ બેંકના રામલ્લામાં મોસાબનો જન્મ થયો. વર્ષ 1978માં. એક અતિરૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં. દાદા શેખ યુસુફ દાઉદ અલ-જાનિયા નામના ગામના ધાર્મિક ગુરુનો દરજજો ભોગવતા હતા. ગામમાં એમનું વર્ચસ્વ અને માન હતું. એમના ઘરના દરવાજા અજાણ્યા મુલાકાતીઓ-મહેમાનો માટે કાયમ ખુલ્લા રહેતા. ગામમાં યુસુફ દાઉદ ઇમામનો દરજજો ભોગવતા હતા. અંદાજે ચારસો લોકોની વસ્તી ધરાવતા અલજાનિયા ગામ ખૂબ સુંદર. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર.

મોસાબનો પિતા હસન એ શેખ યુસુફ દાઉદનો સૌથી લાડકો દીકરો હતો. ઇસ્લામ ધર્મના નીતિ-નિયમો હસન પિતા પાસેથી શીખ્યો. ઇસ્લામ ધર્મમાં રુચિ ધરાવતા હસનને ઇસ્લામિક શિક્ષણ, શરિયા શીખવવા માટે હસનને જેરુસલેમ અને બાદમાં જોર્ડન મોકલવામાં આવ્યો. એ વખતે હસનની ઉંમર હતી માત્ર બાર વર્ષ. હસન એના પિતાથી અતિપ્રભાવિત. હસનને પોલિટિક્સ કે ઇકોનોમિક્સમાં બિલકુલ રસ નહીં એ તો માત્ર એના ફાધર જેવો બનવા માગતો હતો.

મુસ્લિમ બ્રધરહૂડ સાથે જોડાયો હસન
વર્ષ 1928માં હસન અલ બન્ના નામના એક યંગ મુસ્લિમ શિક્ષકે મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું લક્ષ્ય હતું ઇસ્લામિક પ્રિન્સિપલ્સ (સિદ્ધાંતો)ની લોકોને સાચી સમજ આપવી. ઇજિપ્તમાં 1935માં આ સંસ્થાની શાખાઓ પણ ખૂલી. 1949માં હસન બન્નાની હત્યા થઇ. પણ બ્રધરહૂડે પોતાની ગતિ ચાલુ રાખી. ઇજિપ્તમાંથી આ સંસ્થા ફેલાઇને જોર્ડન અને સીરિયામાં પણ ફેલાઈ ગઈ. વર્ષ 1970માં હસન જોર્ડન પહોંચ્યો. આ સમયે મુસ્લિમ બ્રધરહૂડ વેલ એસ્ટાબ્લિશ્ડ થઈ ચૂકેલી. આ સંસ્થાની વિચારધારાથી હસન આકર્ષાયો. હસન બ્રધરહૂડના કેટલાક નેતાને મળ્યો. હસન પોતે જે ઇસ્લામ માટે કરવા માગતો હતો એ એ કામગીરી એને બ્રધરહૂડ કરતી દેખાઇ અને હસન બ્રધરહૂડ સાથે જોડાઈ ગયો.

Screenshot 2024-10-19 171559

મુસ્લિમ બ્રધરહૂડની જેણે સ્થાપ્મા કરી હતી એ હસન અલ બન્ના

માય ફાધર, માય આઇડલ
અઢાર વર્ષની ઉંમરે હસન રામલ્લા પાછો ફરે છે. એક મસ્જિદનો ઇમામ બને છે. જોર્ડનમાંથી ઇસ્લામિક શિક્ષણ મેળવ્યા બાદ હસન મુસ્લિમો માટે એક નવી હોપ જોઈ રહ્યો હતો. જોર્ડનમાં ઇબ્રાહિમ અબુ સલેમે મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના કરી હતી. એની બહેન એટલે મોસાબ યુસુફની માતા અને હસનની પત્ની. વર્ષ 1977માં એની સાથે સંસાર માંડ્યો હસને. આ દરમિયાન મુસ્લિમ બ્રધરહૂડ આરબ દેશોમાં લોકપ્રિય બની ચૂકી હતી. વેલ એસ્ટાબ્લિશ્ડ થઈ ગઈ હતી. જ્યારે મોસાબ સાત વર્ષનો હતો ત્યારે પરિવાર રામલ્લામાં સ્થાયી થઈ ગયો. અલઅમારીના રેફ્યૂજી કેમ્પમાં હસને ઇમામ તરીકે કામગીરી શરૂ કરી. મોસાબ લખે છે એ પ્રમાણે ‘મારા ફાધરે ઇમામ તરીકે જીવ રેડી દીધો હતો.’ દિવસ રાત ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં રત હસનનું ઘરમાં ધ્યાન ઓછું રહેતું. ઘરની તમામ જવાબદારી મોસાબની માતાના ખભે હતી.

…અને આમ જન્મ થયો હમાસનો!
મુસ્લિમ બ્રધરહૂડ માનતી હતી કે, ઇઝરાયલના પેલેસ્ટાઇન પરના દાવા અંગે સંસ્થાએ કોઇ સ્ટેન્ડ લેવું જોઈએ. વર્ષ 1987માં સાઉથ બેથલેહામની દક્ષિણે આવેલા હેબ્રોનમાં એક સિક્રેટ મિટિંગનું આયોજન થાય છે. આ મિટિંગમાં સાત લોકો હાજર હતા:

1)શેખ અહેમદ યાસિન

2)મોહમ્મદ જમાલ અલ નતેશા

3)જમાલ મન્સૂર

4)મોહમ્મદ શેખ

5)જામીલ હમામી

6)અયમાન અબુ તાહા અને

7)શેખ હસન યુસુફ

યસ! આ મિટિંગમાં હસનની પણ હાજરી હતી. જોકે હસને પોતે મોસાબથી વર્ષો સુધી આ વાત ગુપ્ત રાખી હતી! પેલેસ્ટાઇનીઓમાં અન્યાયની લાગણી બળવત્તર બની હતી અને ઇઝરાયલ સામેનો આક્રોશ હવે હિંસાત્મક માર્ગે વળવાનો હતો. પથ્થરો ફેંકવાથી કે બસના ટાયર સળગાવવાથી શરૂ થયેલો વિરોધ રોકેટ હુમલાનું સ્વરૂપ ધારણ કરવાનો હતો.

મોસાબને ઇઝરાયેલી સૈનિકો પકડી ગયા ત્યારે શું થયું?
ઇઝરાયલ પ્રત્યે કટ્ટરવાદનું બીજ નાનકડા મોસાબમાં પણ રોપાઇ ગયું હતું. મોસાબ પોતાની ટોળકી સાથે ઇઝરાયેલીઓ પર ચોરીછૂપીથી પથ્થરો ફેંકતો. ઇઝારાયલના નાગરિકોની કાર પર પથ્થરોથી હુમલો કરતો. એકવાર કોઇ ઇઝરાયલના નાગરિકની કારના વિન્ડશીલ્ડ પર પથ્થર ફેંકેલો. કારચાલક પાછળ દોડ્યો એટલે મોસાબ કબ્રસ્તાનમાં છુપાઇ ગયો. રાતના અંધકારમાં પેલાની કબ્રસ્તાનમાં એકલા જવાની હિંમત ન થઈ.

એકવાર ગલીની આડશમાં બસ સમજીને પથ્થર માર્યો તો ઇઝરાયેલ ડિફેન્સનું વાહન નીકળ્યું. સોલ્જરો પકડીને મોસાબને લઈ ગયા. હજુ અણસમજુ છે એમ માનીને ખાસ પનિશમેન્ટ તો ન આપી, પણ એના શૂઝ લઈ લીધાં અને મોસાબને ઉઘાડા પગે ઘરે રવાના કરી દીધો. રસ્તામાં કાંકરા-પથ્થરો મોસાબના કૂણા પગને ખૂંચ્યા. મોસાબ મોડી સાંજે ઘરે પહોંચ્યો. મોસાબ જે લોહીઝાણ રસ્તા પર ચાલી રહ્યો હતો એમાં હજુ ઘણું સહન કરવાનું બાકી હતું!

જ્યારે શાંતિ હોય ત્યારે હું ઘરે કંટાળી જતો હતો!
ગાઝા પટ્ટીમાં એક ઇઝરાયલી સેલ્સમેનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી. અને સામા પક્ષે ગાઝાના રેફ્યૂજી કેમ્પના ચાર લોકો મરાયા. ટ્રાફિક એક્સિડેન્ટમાં. એમ કહેવાય છે કે આ અકસ્માતમાં ઇઝરાયલનો હાથ હતો. જબાલિયામાં રમખાણો ફાટી નીકળ્યાં જેમાં એક સત્તર વર્ષનો છોકરો મોતને ભેટ્યો. ગાઝા અને વેસ્ટ બેન્કમાં લોકો રસ્તા પર આવી ગયા. હમાસ લીડ કરી રહ્યું હતું. પેલેસ્ટાઇન લોકો યહૂદી સમુદાય સામે પથ્થરબાજી કરતા, હુમલો કરતા સામા પક્ષે તોફાનીઓને ડામવા માટે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) ફાયરિંગ કરતી ત્યારે મૃતક આંક વધી જતો. કર્ફ્યૂ સામાન્ય હતો. આ કારણે શિક્ષણ પર અસર પડતી. પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલને આર્થિક ફટકો આપવા માટે હડતાળ પર ઊતરીને ધંધા-રોજગાર બંધ રાખતા કે જેથી સેલ્સ ટેક્સ ઓછો દેવો પડે.મોસાબ લખે છે, 'ચોતરફ અફરા-તફરી અને હિંસાનો એટલો માહોલ હતો કે, જ્યારે શાંતિ હોય ત્યારે હું ઘરે બોર થઇ જતો!'

thumb-1

હાલ મોસાબ હસન હમાસની વિચારધારા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યો છે!

મોસાબના પિતાની ધરપકડ, આર્થિક નૈયા હાલકડોલક
વર્ષ 1989. રાતનો સમય. હથિયારથી સજ્જ ઇઝરાયલી સોલ્જર્સ મોસાબના ઘરે આવે છે અને હસનને પકડીને લઇ જાય છે. હસનની ધરપકડ થતા ઘરની આર્થિક નૌકા હાલકડોલક થવા માંડી. મોસાબની માતા માંડ માંડ ઘરનું ગાડુ ગબડાવે જાય છે. મોસાબની માતાએ હસનના મિત્રો, ભાઈ સામે આર્થિક મદદના હાથ લંબાવ્યા પણ બધાએ મોઢું ફેરવી લીધું. ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય એવી સ્થિતીમાં મોસાબને રોડ પર પેસ્ટ્રી વેચવાનો વારો આવ્યો!

હસનનું ઇન્ટ્રોગેશન: સખત માર અને ઇલેક્ટ્રોનિક શોક
આ તરફ મોસાબના પિતાની શીન બેત (ઇઝરાયલની જાસૂસી સંસ્થા)ના માણસો દ્વારા ઇન્ટ્રોગેશન સેન્ટરમાં સખત પૂછપરછ કરવામાં આવી. હમાસ જેવા ઉગ્રવાદી આતંકી સંગઠનને લીડ કરી રહેલા માણસ પાસેથી ગુપ્ત વિગતો કઢાવવી સહેલી નહોતી. હસનનું સખત ટોર્ચરિંગ કરવામાં આવ્યું. મોસાબ લખે છે એ પ્રમાણે હસનને અહીં ઇલેક્ટ્રોનિક શોક્સ પણ આપવામાં આવતા હતા. હસનને સખત માર પણ મારવામાં આવ્યો. જોકે શીન બેત હસન પાસેથી કશી મહત્ત્વની વાત ઓકાવી ન શકી!

હસનને  છોડી મૂકવામાં આવ્યો. રિલીઝ થયા પછી હસને ખ્રિસ્તી સ્કૂલમાં ભણતા છોકરાઓને ઇસ્લામિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ રીતે એક ચોક્કસ આવક આવતી થઈ. આર્થિક પ્રશ્ન હલ થયો. ગાડી ફરીવાર પાટા પર ચડી, પણ થોડા મહિનામાં જ હસનને ફરી બંધક બનાવવામાં આવ્યો!

સદામ હુસેનનો હુમલો:અમારો ભાઇ અમારી મદદે આવ્યો!
વર્ષ 1990. ઓગસ્ટ મહિનો. હસન કેદ હતો ત્યારે સદામ હુસેને કુવૈત પર આક્રમણ કર્યું. પેલેસ્ટાઇનીઓમાં આનંદ છવાઇ ગયો. 'અમારો ભાઇ અમારી મદદે આવ્યો'નો હર્ષોઉલ્લાસ કરતા પેલેસ્ટાઇનના લોકો રસ્તા પર આવીને નાચવા માંડ્યા. ઇઝરાયલ પર ચાલીસથી વધારે મિસાઇલનો મારો થયો. મોસાબ લખે છે  'એ દિવસે મારા કાકાના ઘરના છાપરા પરથી અમે પહેલી મિસાઇલ પડતી જોઈ’. અલબત પેલેસ્ટાઇનની ખુશીનું આયુષ્ય બહું લાંબુ ન હતું. 1990ના એ ગલ્ફ વોરમાં યુએન ફોર્સિસે સદામ હુસેનને પાછો બગદાદ ખદેડી દીધો. મોસાબ સહિતના પેલેસ્ટાઇનીઓ દુઃખી અને હતાશ થઈ જાય એ સ્વભાવિક વાત છે. સદામ હુસેનમાં જાગેલી આશા વામણી પુરવાર થઈ!

હમાસની આર્મ્ડ વિંગ: ઇઝરાયલી પોલીસ અધિકારીની હત્યા થઈ અને…
હમાસે આર્મ્ડ વિંગનું ગઠન કર્યું. નામ: અલ કસમ. અનેક ઇઝરાયલી સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર ઇમાદ અકીલને તેનો વડો બનાવવામાં આવ્યો.

તારીખ 13 ડિસેમ્બર,1992.
અલ કસમના પાંચ ઉગ્રવાદીઓએ ઇઝરાયલી બોર્ડર પોલીસ અધિકારી નીસીમ તોલેદાનોનીનું તેલ અવીવ પાસેથી અપહરણ કર્યુ અને બદલામાં શેખ અહેમદ યાસિનની મુક્તિની માગ કરી. ઇઝરાયલ તૈયાર ન થયું. બે દિવસ પછી તોલેદાનોની લાશ મળી આવી. ભુરાયા થયેલા ઇઝરાયેલે હમાસ સંગઠન પર મોટાપાયે તવાઈ બોલાવી.   હમાસ અને મુસ્લિમ બ્રધરહૂડના નેતાઓ સહિત છસ્સોથી વધારે પેલેસ્ટાઇનીઓને પકડ્યા. જેમાનો એક હસન પણ હતો. મોસાબ લખે છે, ‘અમને ખબર પણ ન હતી કે મારા પિતાને ક્યાં રાખવામાં આવ્યા છે. એકવાર ટેલિવિઝન ચેનલમાં એમનો ચહેરો જોયો હતો. બસ આટલું જ. એ સિવાય એક મુલાકાત પણ નહોતી થઈ શકી’

યાસર અરાફતે સમજૂતી કરી, હમાસના સમર્થકો નારાજ
વર્ષ 1964માં 'પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન'ની સ્થાપના થઈ. પીએલઓની માગણી હતી કે, ઇઝરાયલે પેલેસ્ટાઇનને એની જમીન પાછી આપવી જોઇએ. PLOએ આ માટે આંતકવાદનો રસ્તો લીધો હતો. જોર્ડન, લેબનોન અને ટ્યુનિશિયામાં બેઝ બનાવ્યા. પેલેન્સ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન અને હમાસ વચ્ચે વૈચારિક વાંધા-વચકા હતા પાછા. પેલેસ્ટાઇન મુક્તિમોરચાની આગેવાની કરનાર યાસર અરાફતે સમય જતાં ઇઝરાયલ સાથે સમજૂતી કરી. જેને 'ઓસ્લો સમજૂતી' તરીકે ઓળખવામાં આવે છે. અરાફતના આ પગલાથી હમાસના સમર્થકો નારાજ હતા. પેલેસ્ટાઇનીઓએ આટલા સમય સુધી રેડેલાં લોહીનું શું? આવો સવાલ સૌ કોઈના મનમાં હતો.

Bill_Clinton,_Yitzhak_Rabin,_Yasser_Arafat_at_the_White_House_1993-09-13

ઓસ્લો એકોર્ડ: ઇઝરાયલના વડાપ્રધાન સાથે યાસર અરાફતની સમજૂતી

...અને હમાસે તેલ અવીવના બસ સ્ટેશનમાં પહેલું સ્યુસાઇડ બોમ્બિંગ કર્યું!
તારીખઃ 25 ફેબ્રુઆરી, 1994.
રમઝાન મહિનો. અમેરિકામાં જન્મેલો ફિઝિશિયન બરુચ ગોલ્ડસ્ટેઇન અલ ઇબ્રાહિમી નામની મસ્જિદમાં પ્રવેશે છે અને ત્યાં નમાઝ પઢી રહેલા પેલેસ્ટાઇની પર અંધાધૂંધ ગોળીબારી કરે છે. આ હુમલામાં 29 જણનાં મોત થાય છે અને 100થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ટેલિવિઝન પર આ સમાચાર જોઈ રહેલો મોસાબ એક ક્ષણ માટે સુન્ન  થઇ જાય છે. હમાસ સંગઠનની અંદર બદલાનો લાવા ભભૂકે છે.

એપ્રિલ 6, 1994
અફૂલામાં એક બસમાં બ્લાસ્ટ. આઠનાં મોત. ચાલીસથી વધુ ઘાયલ. આ જ દિવસે બે ઇઝરાયલીની ગોળી મારીને હત્યા. આ હમાસે હેબ્રોન માટે લીધેલો બદલો હતો

અઠવાડિયા પછી...
તારીખઃ 13 એપ્રિલ, 1994.
લેબનોનમાંથી હસનને રિલીઝ કરવામાં આવે છે એ જ દિવસે એકવીસ વર્ષનો આમિર સાલાહ દિઆબ હાદેરા બસ સ્ટેશન કે જે તેલ અવીવ અને હૈફા વચ્ચે આવેલું છે ત્યાં ઊતરે છે. એની પાસે એક બેગ છે. બેગમાં વિસ્ફોટકો છે. આખરે સવારના નવ કલાક અને ત્રીસ મિનિટે એક જોરદાર બ્લાસ્ટ થાય છે..છનાં મોત. ત્રીસથી વધુ ઘાયલ. આ હતું હમાસનું પહેલું સ્યુસાઇડ બોમ્બિંગ!

ઇઝરાયલ વર્સિસ હમાસના આ વિષચક્રમાં મોસાબ કેવી રીતે ઇઝરાયલની ચપળ નજરે ઝડપાઇ ગયો? ટોર્ચર સેલમાં મોસાબ પર સામ,દામ,દંડ, ભેદના કેવા કેવા હથકંડાઓ પ્રયોજાયા? આનો જવાબ આવતીકાલના એપિસોડમાં...

(તસવીર સૌજન્ય: વિકિપીડિયા, ફેસબુક, ટવીટર)

વાંચો ભાગ-2:મોસાબ પર જેલમાં અમાનુષી ત્રાસ, ઇઝરાયલનો જાસૂસ બન્યો, દિલધડક ઓપરેશનો, એક દિવસ હમાસના સ્યુસાઇડ બોમ્બર્સ સાથે ભેટો થયો અને..

સંકળાયેલા મુદ્દાઓ

YAHYA SINWAR Hamas ISRIALATTACK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ