બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / મોસાબ પર જેલમાં અમાનુષી ત્રાસ, ઇઝરાયલનો જાસૂસ બન્યો, દિલધડક ઓપરેશનો, એક દિવસ હમાસના સ્યુસાઇડ બોમ્બર્સ સાથે ભેટો થયો અને..
Last Updated: 04:13 PM, 28 October 2024
‘આ કોઇ હથિયાર કામના નથી. બધી ગન્સ બગડેલી છે. પેલો આર્મ ડિલર તને મુર્ખ બનાવી ગયો લાગે છે’
ADVERTISEMENT
‘તારામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં. આમ ફોન પર વાત ન કરાય. ઇઝરાયલી એજન્સીવાળા ફોન પણ ટેપ કરતા હોય છે જો કાલ સવારે ક્યાંકથી એ લોકોને ખબર પડશે ને તો..’
ફોનની આ તરફ હતો મોસાબ હસન અને બીજી બાજુ હતો એનો મિત્ર ઇબ્રાહીમ…
ADVERTISEMENT
મોસાબ હજું અઢારમાં વર્ષમાં પણ નહોતો પ્રવેશ્યો ત્યાં એણે એક હિમાલય જેવડી મહાકાય ભૂલ કરી નાખી. મોસાબે એના એક મિત્રની મદદથી હથિયારો ખરીદ્યાં. બે સબમશીન ગન અને એક હેન્ડગન. આની પાછળનું કારણ એ કે મોસાબનો બાપ હસન ઇઝરાયલના હિટલીસ્ટમાં આવી ગયો હતો. હસનની ઇઝરાયલ દ્વારા ધરપકડ થઇ અને તેને જેલમાં નાખી દેવામાં આવ્યો. જેલમાં ટિફીન દેવા જતો મોસાબ પિતાની હાલત જોઇને દ્રવી ઉઠતો. પોતાના પિતા પર અમાનુષી અત્યાચાર આચરનાર ઇઝરાયલ સામે બદલો લેવા માટે મોસાબે ઘાતક હથિયારની તપાસ આદરી. ખિસ્સુ ખાલી હતું એટલે ગન મળવી મુશ્કેલ હતી. મોસાબનો એક મિત્ર વહારે આવ્યો અને પૈસા આપ્યા.
વાંચો પહેલો ભાગ:હમાસના સ્થાપકનો દીકરો જ જ્યારે ઇઝરાયલનો જાસૂસ બન્યો, એક સ્ફોટક સત્યકથા!
ADVERTISEMENT
મોસાબના કઝિન યુસુફ દાઉદે એક શખ્સનો મોસાબ સાથે પરિચય કરાવ્યો. એ શખ્સ પાસેથી મોસાબે હથિયારોની ખરીદી કરી. મોસાબે પોતાના મિત્ર ઇબ્રાહિમને આ હથિયારો સાચવવા માટે આપી દીધા. પણ ગન તો નકામી નિવડી. ઇબ્રાહીમે ફોન કરીને મોસાબને ન્યૂઝ આપ્યા અને બીજી તરફ હસનના પરિવારજનની એકએક ગતિવીધી પર ચિત્તાની જેમ નજર નાખી રહેલા ઇઝરાયલી એજન્સીના માણસોની આંખમાં શિકાર ફસાયાની ચમક આવી. ઇઝરાયલની ગુપ્તચર સંસ્થાના તેજતર્રાર અફસરો મોસાબ અને ઇબ્રાહીમની વાતચીત ટેપ કરી રહ્યા હતા. અને આખરે એક દિવસ એ જ થયું જેનો મોસાબને આછેરો ભય હતો. મોસાબ ઇઝરાયલના હાથે માછલી જાળમાં ફસાઇ એમ ઝડપાઇ ગયો!

ADVERTISEMENT
મોસાબ હસન: લાગણી અને તર્કના તુમુલ યુદ્ધ વચ્ચે ઝૂલતી જિંદગી!
ડાર્ક નાઇટ, દર્દનાક ચીસો, પિતાની યાદ
મોસાબને પકડીને હવા-ઉજાસ વગરની એક છ ફૂટની ગંદી સિક્રેટ સેલમાં રાખવામાં આવ્યો. મોસાબને જ્યાં રાખવામાં આવ્યો હતો એ ઇઝરાયલનું ઇન્ટ્રોગેશન સેન્ટર હતું. ડાર્ક નાઇટ તરીકે જાણીતા આ ઇન્ટ્રોગેશન સેલમાં ખતરનાક આતંકીઓ ભાંગી પડતા. મોસાબ પર પણ અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો. મોસાબ કહે છે એ પ્રમાણે બીજી સેલોમાંથી રાતે આખો દિવસ ટોર્ચર થયેલા કેદીઓની દર્દનાક ચીસો સંભળાતી.
ADVERTISEMENT
જો અમારા વતી કામ નહીં કરે તો…
મોસાબને એક-બે દિવસ પછી એક ખાલી રૂમમાં લઇ જવામાં આવ્યો. એ ખાલી રૂમમાં એક વ્યક્તિ આવ્યો અને ભીત પર જડાયેલા સફેદ બોર્ડ પર ત્રણ શબ્દો લખ્યા: હમાસ, વેપન્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન. અને પછી કહ્યું ‘ મારે આ ત્રણ વિશે બધું જ જાણવું છે ’
એ વ્યક્તિ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા 'શીન બેત' સંસ્થાનો વડો લોઆઇ હતો. મોસાબની ઉલટ ઢબે તપાસ આદરી પણ મોસાબે મોં ન ખોલ્યું. લોઆઇએ રૂમ છોડી દીધો અને થોડીવારમાં ચિકન-રાઇસ અને સૂપની ડિશ લઇને આવ્યો.
ADVERTISEMENT
‘પ્લીઝ મોસાબ, જમી લે. હું તારા પિતાને બહુ લાંબા સમયથી ઓળખું છું. એ સારા માણસ છે અમે તને ટોર્ચર કરવા નથી માગતા, શા માટે તારી જાતને જોખમમાં મૂકે છે?' જમાનો ખાઇ ચુકેલા લોઆઇએ હવે ઇમોશનલ કાર્ડ ખેલ્યું. મોસાબ થોડો પિગળ્યો પણ તુરંત સતેજ થઇ ગયો. લાગણીના પ્રવાહમાં તણાતા પોતાની જાતને રોકી લીધી.
‘તમે મારા પિતાને અરેસ્ટ કર્યા છે. તમે અમારા દુશ્મન છો’ મોસાબે ઘૃણા અને આક્રોશથી કહ્યું.
‘એ ઇઝરાયલની વિરુદ્ધ છે. લોકોને ઇઝરાયલ વિરુદ્ધ લડવા માટે ઉશ્કેરણી કરે છે. આ કારણે એમને બંધ કરવા પડે છે.’ લોઆઇએ દલીલ કરી.
મોસાબ અને લોઆઇ વચ્ચે ખાસ્સી લાંબી દલીલબાજી થઇ. આખરે લોઆઇ સેલની બહાર નીકળી ગયો. હવે સીધી આંગળીએ ઘી નીકળે એમ ન હતું!
'તે આવું શું કામ કર્યું, મોસાબ?'
બીજા દિવસે મોસાબના એક પરિચિત સાથે લોઆઇ આવ્યો. એ યુસુફ હતો. મોસાબનો કઝીન બ્રધર. મોસાબને હથિયાર આપવામાં જેણે મદદ કરી એ. યુસુફ અમેરિકનને પરણ્યો હતો અને એક બાળકનો બાપ હતો. યુસુફને બાજુની સેલમાં પૂરવામાં આવ્યો. સખત ટોર્ચર કરવામાં આવ્યો. એની ચીસો મોસાબને સંભળાતી:
'તેં આવું શું કામ કર્યું, મોસાબ?' યુસુફ રડી પડે છે. અને મોસાબ પણ!
અને આખરે મોસાબ જાસૂસ બનવા તૈયાર થાય છે!
શીન બેતનો વડો લોઆઇ મોસાબને ઇઝરાયલ માટે જાસૂસી કરવા ઓફર કરે છે. સામ, દામ, દંડ, ભેદથી મનાવે છે. એકબાજુ લોઆઇનું ગણતરીબાજ માનવીય વલણ, બીજી બાજુ ભલભલાને ભાંગી નાખતો ઇન્ટ્રોગેશન સેન્ટરનો માહોલ અને કઝિન બ્રધર પર તોળાતી ખતરાની તલવાર.
આખરે મોસાબ કમને ઇઝરાયલનો જાસૂસ બનવા માટે તૈયાર થાય છે. લોઆઇ છ જ મહિના પછી મોસાબને છોડી મુકે છે. હવે, મોસાબના બે ચહેરા હતા. હમાસ એને પિતા હસનના અનુગામી તરીકે જોતું હતું અને ઇઝરાયલ એક જાસૂસ તરીકે. હવે મોસાબના જીવનના એક નવા દિલધડક પ્રકરણનો ઉઘાડ થવાનો હતો..

ઇઝરાયલના જાસૂસ તરીકે મોસાબે હમાસના કેટલાય ખતરનાક આતંકીઓને પકડાવી દીધા હતા.
મોસાબ ઉર્ફે ગ્રીન પ્રિન્સનું પહેલું ઓપરેશન:
‘એવા રિપોર્ટ્સ મળ્યા છે કે, માહિર ઓદેહને કેટલાક અજાણ્યા માણસો મળી રહ્યા છે. તારે એની તપાસ કરવાની છે કે આ અજાણ્યા લોકો કોણ છે અને માહિર ઓદેહ સાથે એનું શું કનેક્શન છે?’ શીન બેત તરફથી મોસાબને પહેલું અસાઇનમેન્ટ મળ્યું.
મોસાબને શીન બેત તરફથી કોડનેમ આપવામાં આવ્યું: ‘ ધ ગ્રીન પ્રિન્સ’. ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં નવાં નવાં ગ્રૂપ્સ પણ બની રહ્યાં હતાં. જેમાં એક ગ્રૂપ હતું: અલ અક્સા. ઇઝરાયલ ડિફેન્સ આર્મીના સોલ્જર્સ આ ગ્રૂપના ટાર્ગેટ હતા. શીન બેત પણ કન્ફ્યુઝ હતી. અઠવાડિયામાં એક વખત આ લોકો સૈનિકોની બસ પર હુમલા કરતા હતા. જેમાં આ ગ્રૂપની સંડોવણી હોવાની પૂરી સંભાવના હતી.
માહિર ઓદેહ હમાસનો ટોચનો લીડર હતો. હમાસની સિક્યોરિટી વિંગનો હેડ હતો અને શીન બેતના વોન્ટેડ લિસ્ટમાં હતો. માહિર ઓદેહ સિક્રેટિવ હતો એટલે એને પકડવો થોડું અઘરું કામ બની રહ્યું હતું. શીન બેતને શંકા હતી કે સૈનિકો પર હુમલો કરતા આ આતંકીજૂથનો સૂત્રધાર માહિર ઓદેહ છે.
મોસાબ હજુ આવા કોઇ જાસૂસી ઓપરેશન માટે ટ્રેઇન થયેલો ન હતો. મોસાબ લખે છે એમ- એની પાસે માત્ર કાર અને આંખ જ હતી. મોસાબ પોતે એક સમયે જાસૂસી ફિલ્મો જોતો એટલે એમાં બતાવાતી યુક્તિ-પ્રયુક્તિઓ મોસાબે જાસૂસી માટે કામે લગાડી. મોસાબે માહિર ઓદેહના એપાર્ટમેન્ટની એક તરફ કાર પાર્ક કરી અને બિલ્ડિંગ પર બાજ નજર માંડી.
રાતના સમયે મોસાબ જોયું કે, કેટલાક આધુનિક હથિયારધારી માણસો એ બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહ્યાં છે અને ઇઝરાયલી ટેગ મારેલી એક ગ્રીન શેવરલે કારમાં એન્ટર થઇ રહ્યા છે. મોસાબ આ ગ્રીન શેવરલે કારનો પીછો કર્યો. જો પેલા લોકોને જરાસરખો પણ અણસાર આવી જાત તો હજુ શિખાઉ જાસૂસ એવા મોસાબને જાનથી હાથ ધોવા પડત!

મોસાબ હસન પર એક ડૉક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે!
મોસાબ કાર વોશ કરાવવા ગયો અને રહસ્ય ખૂલ્યું કે...
બીજા દિવસે મોસાબ પોતાની કાર વોશ કરાવવા માટે એક ગેરેજમાં ગયો તો ત્યાં રાતે જોયેલી જ કાર અને એ જ હથિયારધારી માણસોને જોયા. મોસાબે ગેરેજવાળા પાસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ લોકો ‘ફોર્સ 17’ના માણસો છે. પેલેસ્ટાઈની મુક્તિ મોરચાના ટોચના લીડર એવા યાસર અરાફતના ગાર્ડ્સ છે. મોસાબ લોઆઇની સૂચનાથી યાસર અરાફતના એપાર્ટમેન્ટ સામે વોચ ગોઠવી. મોસાબે જોયુ કે યાસર અરાફતના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક સિલ્વર BMW કાર પાર્ક થયેલી છે. મોસાબે લોઆઈને આ કાર અંગે જણાવ્યું તો લોઆઈ ખુશીથી ઊછળી પડ્યો. હવે પાક્કી ખાતરી થઇ ગઇ હતી કે એ લોકો અરાફતના ગાર્ડ્સ હતા. વાત એમ હતી કે આ BMW કારનો ઉપયોગ છેલ્લા મહિનામાં થયેલા ઇઝરાયલીઓ સામેની ગોળીબારીમાં થયો હતો. મોસાબે એક મહત્ત્વનું ઓપરેશન પાર પાડ્યું હતું. મોસાબે આપેલા પુરાવાઓને ઇઝરાયલ યાસર અરાફત વિરુદ્ધ યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં રજૂ કરવાનું હતું.
એ કન્ફર્મ હતું કે, માહિર ઓદેહને મળતા અજાણ્યા માણસો અલ અક્સા બિગ્રેડના છે જે યાસર અરાફતના ગાર્ડ્સની બિગ્રેડ છે. અહેમદ અને અબુ હલાવા આ બિગ્રેડના ચીફ કમાન્ડર હતા. આ લોકોએ ડઝનથી વધારે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી. હવે IDF (ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ)એ ડ્રોનની મદદથી ગુપ્ત માહિતી એકઠી કરવાનું શરુ કર્યું. જોકે અહેમદને અરાફતનું પોલિટિકલ પ્રોટેક્શન હતુ એટલે ઇઝરાયલની પણ મર્યાદા હતી. એક દિવસ મોસાબને સમાચાર મળે છે: અજાણતાં જ ગનનું ટ્રીગર દાબી દેતાં અહેમદનું મોત! ભવિષ્યમાં અબુ હલાવાનો વારો હતો!

પેલેસ્ટાઇન મુક્તિ મોરચાની આગેવાની કરનાર યાસર અરાફત
ધારો કે ઇઝરાયલ પેલેસ્ટાઇન પરથી કબજો હટાવી લે તો?
એકવાર મોસાબનો ભેટો ખ્રિસ્તી મિશનરી સાથે થયો. મોસાબને એ લોકોએ બાઇબલની ભેટ આપી. જેમ જેમ મોસાબ બાઇબલ વાંચતો ગયો એમ એમ એ ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થતો ગયો. મોસાબ વાંચે છે: 'તમારા દુશ્મનને પણ ચાહો, જે તમારી સતામણી કરે છે એના સારા માટે પણ પ્રાર્થના કરો. આમ કરવાથી સ્વર્ગના પિતાના તમે વ્હાલસોયા પુત્ર બનશો.'
મોસાબ આ શબ્દોથી પ્રભાવિત થતો એક ક્ષણ માટે જાણે થીજી જાય છે. પોતે વર્ષોથી કોઈ સત્ય તપાસતો હોય અને એ સત્ય એને મળી ગયું હોય એમ લાગ્યું. મોસાબને લાગ્યું કે, દુશ્મન બાહ્ય નથી એ તમારી જાતની અંદર છે. બાઇબલનો ગહન અભ્યાસ કરી રહેલો મોસાબ ખ્રિસ્તી ધર્મની નજીક જઈ રહ્યો હતો અને પોતાના ધર્મથી જ દૂર. આ વાતની કદાચ ખુદ મોસાબને પણ ખબર ન હતી!
મોસાબ વિચારે છે: 'ધારો કે કાલે સવારે ઇઝરાયલ પેલેસ્ટાઇન પરથી કબજો હટાવી લે તો શું થશે. શું યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાઇ જશે? ના, અમે તો પણ લડતા રહીશું. કોઇ જ મુદ્દા વગર.’ વર્ષ 1999નું એ વર્ષ હતું અને મોસાબ ધર્મની વિભાવનાને લઈને કન્ફ્યુઝ થઈ રહ્યો હતો. પોતાના જ ધર્મ પ્રત્યે હવે એને સવાલો ઊભા થઈ રહ્યા હતા.'
મોસાબની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થવા માંડી હતી. એક તરફ પિતા હસન પ્રત્યે તીવ્ર લાગણી અને બીજી તરફ પિતા જેનું વડપણ કરતા હતા એ હમાસની આતંકી વિચારધારા પ્રત્યે એના મનમાં સવાલોનો વંટોળ ફૂંકાયો હતો. હવે મોસાબ પેલેસ્ટાઇન મુક્તિની ચળવળના સિક્કાની બીજી બાજુને ઇઝરાયલના ચશ્માથી જોતો થયો હતો. મોસાબની જિંદગીમાં હજું તો અનેક વળાંકો આવવાના બાકી હતા!
મોસાબના ઘરે સ્યુસાઇડ બોમ્બર્સ આવી ચડ્યા!
માર્ચ 2002નો એક દિવસ. મોસાબના ઘરની ડોરબેલ રણકે છે.
‘અમે લોકો હમાસના માણસો છીએ અમારે શેખ હસન યુસુફનું કામ છે.' મોસાબે દરવાજો ઉઘાડ્યો તો એની સામે બે ભેદી જણાતા માણસો ઊભા હતા. મોસાબ માટે આ બંનેના ચહેરા અજાણ્યા હતા. મોસાબે બંનેને આવકાર્યા.
'અમે સ્યુસાઇડ બોમ્બર્સ છીએ અને જોર્ડનથી આવ્યા છીએ. અમે કુલ પાંચ સ્યુસાઇડ બોમ્બર્સ છીએ. અમારી પાસે એક્સપ્લોઝિવ અને બોમ્બ ભરેલી કાર છે જે રાખવા માટે અમે કોઈ સલામત સ્થળની તપાસમાં છીએ.' એકે પોતાની ઓળખ આપી.
મોસાબે થોડું વિચારીને બંને પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેને ઘરના ગેરેજમાં પાર્ક કરી દીધી. બંનેને થોડા પૈસા આપીને સાંજે મળવાનું કહ્યું.
પેલા બંને મોસાબના ઘરેથી જેવા રવાના થયા એટલે તુરંત જ મોસાબે લોઆઇને ફોન કર્યો અને કાર શીન બેતને સોંપી દીધી. મોસાબની સૂચના પ્રમાણે સાંજે પેલા પાંચ બોમ્બર્સ મોસાબના ઘરે પાછા ફર્યા. વિસ્ફોટો ભરેલી કાર ગેરેજમાં સલામત હોવાની ખાતરી આપીને મોસાબે પાસો ફેંક્યો: 'હું તમને ટાર્ગેટ આપીશ, લોકેશન્સ આપીશ, ટ્રાન્સપોર્ટેશન સહિતની જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી પાડીશ. આ વાત અત્યંત સિક્રેટ રાખજો.' મોસાબે વાતવાતમાં પાંચેય જ્યાં રોકાયા હતા એ એડ્રેસ જાણી લીધું. મોસાબના ઘરેથી નિકળીને પેલા પાંચેય પોતાના રોકાણસ્થળે પાછા ફર્યા પણ એ લોકોને ક્યાં ખબર હતી કે તેઓએ મોસાબના ઘરે જઇને સાક્ષાત કાળને નોંતરું આપ્યું હતું!

આત્મઘાતી બોમ્બર્સ છાશવારે ઇઝરાયલની પબ્લીક બસોને ઉડાવી દેતા હતા!
હું લોકોને મારી નાખવાના ઓપરેશનોમાં નથી જોડાતો!
શીન બેતને મોસાબ આ પાંચ લોકોનું એડ્રેસ આપે છે. લોઆઈ આ પાંચેયને મારવાનો આદેશ આપે છે પણ...
'જો એમ થશે તો આ મારું લાસ્ટ ઓપરેશન હશે.' મોસાબે વિરોધ કર્યો.
‘હું લોકોને મારી નાખવાનાં ઓપરેશનોમાં નથી જોડાવા માગતો. તમે લોકો એને અરેસ્ટ કરી શકો છો.’ મોસાબે દલીલ લંબાવી.
આખરે મોસાબની જીદ આગળ લોઆઇ નમતું જોખે છે અને પેલા પાંચેયને જીવતા પકડવા માટે રાજી થાય છે.
…અને એક પ્રચંડ઼ બ્લાસ્ટ થયો!
એક પ્લાન ઘડવામાં આવ્યો. મોસાબ બીજા દિવસે પાંચેય જ્યાં રોકાયા હતા એ ફ્લેટમાં પહોંચ્યો. ફર્નિચરની કેટલીક વસ્તુઓ આપવાના બહાને. એ ફર્નિચરમાં મોસાબે એક નાનકડું માઇક્રોફોન ચીપકાવેલું હતું. હવે પાંચેય વચ્ચે થયેલી આંતરિક વાતચીત શીન બેત સાફ સાંભળી શકતી હતી!
આરંભ હૈ પ્રચંડ..
મોડી રાતનો સમય. પાંચેય લોકો વચ્ચે વાતચીત એકદમ બંધ હતી. ફ્લેટમાં ટાંચણી પડે તો પણ સંભળાય એવો કાતિલ સન્નાટો પથરાઇ ગયો હતો. પાંચેય લોકો ઘસઘસાટ સૂઇ ગયા હતાં. ઓપરેશનના શ્રીગણેશ થયા. મોસાબ દૂરથી છુપાઇને ઇઝરાયલી કમાન્ડોની ગતિવિધી અધ્ધર જીવે જોઇ રહ્યો હતો. સહેજપણ કાચુ કપાવાને અવકાશ ન હતો.
ઇઝરાયલી કમાન્ડોએ પહેલા તો એપાર્ટમેન્ટનો દરવાજો એક્સ્પ્લોઝિવથી બ્લાસ્ટ કરી નાખ્યો. કાનનો પડદો ફાડી નાખે એવા પ્રચંડ અવાજથી પાંચેય સફાળા જાગી ઉઠ્યા. પણ કોઇ વળતી પ્રતિક્રિયા આપે એ પહેલ તો ઇઝરાયલી કમાન્ડોએ એમને દબોચી લીધા. જોકે એક કમાન્ડોના મજબૂત પંજામાંથી જેમતેમ કરીને છટકી ગયો અને નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી. બીજા ચાર બોમ્બર્સને પકડીને કમાન્ડો જીપમાં બેસાડી રહ્યા હતા ત્યારે એક બોમ્બર ગુસ્સાથી બરાડી ઉઠ્યો: આ બધું જ પેલા મોસાબને કારણે થયું છે. આ વિશ્વાસઘાતની એને એવી સજા આપીશું કે…
મોસાબનો ભાંડો ફૂટી ગયો હતો. ઇઝરાયલના જાસૂસ તરીકેનો એનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. જો પેલાએ પોતાની અસલીયત હમાસને, એના પિતાને જણાવી દીધી તો આ ગદ્દારીની એને કેવી કિંમત ચૂકવવી પડશે એની કલ્પના કરતા જ મોસાબ એક ક્ષણ માટે કંપી ઉઠ્યો. એના કપાળે પરસેવો બાજી ગયો… મોસાબ પોતાની સામે સાક્ષાત મોતના ભયાવહ તાંડવનાચને ભાળી રહ્યો હતો. હવે શું થશે મોસાબનું? મોસાબ હમાસથી બચી શકશે કે પછી…જવાબ કાલના ત્રીજા અને છેલ્લા એપિસોડમાં…
તસવીર સૌજન્ય: વિકિપીડિયા, ફેસબુક, ટવીટર
વાંચો ભાગ-3:પિતાને જીવતા રાખવા માટે પુત્રએ દુશ્મન દેશ સાથે સોદો કર્યો, કર્યું એવું કામ કે પરિવારે પણ સંબંધો તોડી નાખ્યા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.