બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / પિતાને જીવતા રાખવા માટે પુત્રએ દુશ્મન દેશ સાથે સોદો કર્યો, કર્યું એવું કામ કે પરિવારે પણ સંબંધો તોડી નાખ્યા

પ્રતિશોધ / પિતાને જીવતા રાખવા માટે પુત્રએ દુશ્મન દેશ સાથે સોદો કર્યો, કર્યું એવું કામ કે પરિવારે પણ સંબંધો તોડી નાખ્યા

Vikram Mehta

Last Updated: 10:09 AM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસાબે ઇઝરાયલના જાસૂસ તરીકે કેવા ખતરનાક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા? મોસાબે પોતાની હકીકત પિતાને જણાવી ત્યારે શું થયું? લાગણી અને તર્કના તુમુલ યુદ્ધ વચ્ચે ચાલતી કથા ‘સન ઓફ હમાસ’નો રૂંવાડા ઉભા કરી દેતો ક્લાઇમેક્સ..

સેન્ટ્રલ વેસ્ટ બેન્કમાં આવેલા રામલ્લા શહેરના એક મહોલ્લામાં ભયનો અને અફરાતફરીનો માહોલ હતો. એ મહોલ્લામાં નિવાસ સ્થાન હતું મોસાબનું. મોસાબે બેડરૂમની બારીમાંથી ડોકિયુ કર્યું તો ઇઝરાયલી ફોર્સની ટેન્કો મોસાબના ઘરની આસપાસ ચકરાવા લેતી દેખાઇ. ઇઝરાયલ ફોર્સના કમાન્ડોએ મોસાબના ઘરના સેકન્ડ ફ્લોર સ્થિત બેડરૂમ પર બસોથી વધારે બુલેટ્સનો મારો ચલાવ્યો. એક મિસાઇલ મોસાબના ઘરની બહારના ખુલ્લા મેદાનમાં ફેંકવામાં આવી. ઇઝરાયલી કમાન્ડો મોસાબના ઘરમાં ઘૂસ્યા અને એક એક ખૂણાની તપાસ કરી પણ મોસાબ તો બીજા માળની બારીમાંથી છટકી ગયો હતો. આખા શહેરમાં મોસાબની ચર્ચા જાગી હતી. એક જ દિવસમાં મોસાબ મોસ્ટ વોન્ટેડ આતંકી બની ગયો હતો. પણ સૌથી મોટો સવાલ એ હતો કે મોસાબ તો ઇઝરાયલ માટે કામ કરતો હતો. તો પછી?

શું મોસાબે ઇઝરાયલ સાથે દગાબાજી કરી હતી? શું શીન બેતે મોસાબ સાથે કોઈ રમત રમી હતી? ના, આવું કંઈ જ ન હતું. વાત એમ હતી કે મોસાબની ઓળખ જાહેર ન થઈ જાય, કોઈને એના પર લગીરેય શંકા ન જાય એટલા માટે આ નકલી ઓપરેશનનું નાટક રચવામાં આવ્યું હતું. એક વેલ પ્લાન્ડ સ્ક્રિપ્ટ હતી આ. ગઇકાલના હપ્તામાં આપણે જેની વાત કરેલી એ મોસાબને ઓળખી ગયેલા પેલા બોમ્બરને પણ બીજા આતંકી સાથીઓથી દૂર દુર્ગમ વિસ્તારની એક જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો કે જેથી કોઇ બીજા આતંકીઓનો એ સંપર્ક ન કરી શકે!

એક ગેબી અવાજ સંભળાયો અને…
રામલ્લા શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. અરાફતનું સંગઠન ખાસ્સું મંદ પડી ગયું હતું. ઇઝરાયલ ચેક પોઇન્ટ્સ પરથી એમ્બ્યુલન્સ સિવાય કોઇ વાહનને પ્રવેશ કરવા દેવામાં આવતું ન હતું. અલ ફરનાસ અરાફતનો ખાસ માણસ હતો. ઇઝરાયલનો ટાર્ગેટ હતો. અહેમદ અલફરનાસ એકવાર મોસાબને રામલ્લાના એક સ્થળે મળવા બોલાવ્યો. મોસાબ અહેમદને પિકઅપ કરે છે. ત્યાં જ અહેમદને ફોન પર યાસર અરાફતના હેડ ક્વાર્ટર્સથી ફોન આવ્યો. ઇઝરાયલી હેલિકોપ્ટર્સ ફોલો કરી રહ્યાં હોવાથી સચેત રહેવાની અહેમદને ફોનમાં સૂચના અપાઇ.

આ દરમિયાન મોસાબને અંદરથી એક ગેબી અવાજ સંભળાયો:

'ગેટ આઉટ ઓફ ધ કાર.' મોસાબેે ચિલ્લાઇને કહ્યું. અહેમદ અને મોસાબ બંને કારનો દરવાજો ખોલીને ભાગ્યા અને એક સલામત જગ્યાએ છુપાઈ ગયા કે જેથી ઇઝરાયલી લડાકુ હેલિકોપ્ટરથી બચી શકાય. જો બંને એ કારમાં જ રહ્યા હોત તો કદાચ શક્ય છે કે ઉપર ટાર્ગેટ માટે મંડરાઇ રહેલા ઇઝરાયલી લડાકૂ હેલિકોપ્ટર્સના નિશાને આવી ગયા હોત. પણ પાઇલટે જોયું કે કારના બંને દરવાજા ખુલ્લા છે અને કારમાં કોઈ નથી એટલે પ્લાન કેન્સલ કર્યો!

1080px-2010-08_Ramallah_40

સેન્ટ્રલ વેસ્ટ બેન્કમાં આવેલું રામલ્લા શહેર

આતંકીઓની વાતચીત માઇક્રોફોનથી રેકોર્ડ કરી
મોસાબે 'યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ' નામની એક અમેરિકન કંપનીના એક પ્રોજેક્ટમાં નોકરી કરવાની શરૂ કરી દીધી હતી. મોસાબ એના પિતાની સાથે પડછાયાની જેમ રહેતો હતો. પેલેસ્ટાઇનનાં તમામ ઉગ્રવાદી સંગઠનના ટોચના લીડરો યાસર અરાફત સાથે સંપર્કમાં હતા. દરરોજ એના નિવાસસ્થાને ઇઝરાયલ વિરુદ્ધની સ્ટ્રેટેજીની ચર્ચા થતી. હસન હમાસને રિપ્રેઝન્ટ કરી રહ્યો હતો. જે સૌથી મોટું સંગઠન હતું. મીટિંગમાં જે મુદ્દાની ચર્ચા થતી હતી હસન એ એક ડાયરીમાં ટપકાવી લેતો હતો. મોસાબ ચોરીછૂપીથી આ ડાયરી વાંચતો અને અગત્યના ઇનપુટ્સ શીન બેત સાથે શેર કરે. પિતા હસન સાથેની મુલાકાત દરમિયાન મોસાબે હમાસના અમુક લીડર્સના ઘરે નાનાં માઇક્રોફોન પણ લગાવી દીધેલાં હતાં, કે જેથી એ લોકોની પરસ્પરની વાતચીતમાં કોઇ મહત્ત્વનાં ઇનપુટ્સ મળી શકે.

બાળકોને આપણી લડાઇમાં સામેલ ન કરો, સામેવાળાને માફી આપી દો!
પેલેસ્ટાઇનનાં તમામ ઉગ્રવાદી સંગઠનો હવે સ્યુસાઇડ બોમ્બિંગ તરફ વળ્યાં હતાં. ઇઝરાયલ સૈન્ય દળો સામે પેલેસ્ટાઇનીઓ નાના છોકરાઓને પણ સામેલ કરતા. આ છોકરાઓ સૈન્ય પર પથ્થરબાજી કરતા. ઇઝરાયલી દળોની જવાબી ગોળીબારીમાં અસંખ્ય બાળકો મોતને ભેંટતાં. મોસાબ પિતાને સવાલ કરતો: ઇઝરાયલ સામેની લડાઈમાં આપણે માસૂમ બાળકોને કેમ સામેલ કરીએ છીએ. હસન કહેતો: આપણે નથી સામેલ કરતા, એ લોકો આવવા માગે છે!

જેમ જેમ મોસાબ બાઇબલ વાંચતો જાય છે એમ એમ મોસાબને આ હમાસ સહિતના પેલેસ્ટાઇનીઓનો ઉદ્દેશ અર્થહીન લાગવા માંડ્યો. આ હિંસાથી એને ઘૃણા જન્મવા માંડી. મોસાબ કહે છે, 'સામેવાળા માણસને માફ કરી દેવાથી અને સામેવાળા માણસને ચાહવાથી જ આ લોહિયાળ પ્રકરણ પર પડદો પડશે'

ઇઝરાયલીઓ પ્રત્યે પણ મોસાબના દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવ્યું. શીન બેતના કેટલાક ઓફિસરો સાથે ઘરોબો કેળવ્યા પછી તો મોસાબને પાક્કા પાયે અનુભૂતિ થઇ ગઇ કે ઇઝરાયલ આપણે ધારીએ છીએ એટલું મોટું દુશ્મન નથી. પણ આ તો ફક્ત મોસાબની બદલાયેલી માન્યતા અને માનસિકતા હતી. પેલેસ્ટાઇનના નામે નિર્દોષોનું લોહી રેડતા આતંકીઓની રક્તતરસ સંતોષાવાનું નામ નહોતી લઇ રહી!

ટીનએજ છોકરાઓની લાશો ઢળી ગઇ
જૂન, 2001.
તેલ અવીવના ડોલ્ફી નામના ડિસ્કોથેકમાં એક ટીનેજર છોકરા-છોકરીઓનું ગ્રૂપ પોતાની મોજ-મસ્તીમાં ઝુમી રહ્યું હતું. આ ગ્રૂપમાં મોટાભાગના રશિયાથી માઇગ્રન્ટ થયેલાં દંપતીના છોકરા-છોકરી હતા. ત્યાં જ એક સગીર વયનો છોકરાએ ડિસ્કોથેકમાં પ્રવેશ કર્યો. ડિસ્કોથેકમાં ઝૂમી રહેલા સૌ કોઇ પર એણે એક નજર નાખી. એ લોકોને ખબર નહોતી કે તેઓ જિંદગીનું આખરી નૃત્ય કરી રહ્યા છે. થોડી જ વારમાં…એક પ્રચંડ બ્લાસ્ટ!

એ સગીર છોકરા સહિતના બીજા એકવીસ લોકોની જિંદગીના ચિથડા ઉડી ગયા. આ એક સ્યુસાઇડ હુમલો હતો. આ હુમલાને અંજામ આપનાર હતો પેલો સગીર છોકરો. જેનું નામ સઇદ હોસ્તારી હતું. એ પેલેસ્ટાઇની હતો. આ હુમલાના ઘેરા પડઘા પડ્યા.

આ સ્યુસાઇડ બોમ્બિંગમાં પત્રકાર જમાલ મનસૂરની ભૂમિકા બહાર આવી. ઇઝરાયલનો હિસાબ બહું સાફ છે. ‘જો તમે અમારી સામે આંખ ઉંચી કરીને જોશો તો અમે તમારી આંખો ખેંચી કાઢીશું’. જમાલ મનસૂરની ઓફીસે ઇઝરાયલી દળોના હેલિકોપ્ટરોએ બોમ્બમારો કરીને પોતાનો હિસાબ પૂરો કર્યો. જમાલ મનસૂરીનો ખેલ ખતમ. આ હુમલા પછી મોસાબને પોતાના પિતાની ચિંતા હતી.

એક ગ્રીક સાધુની છાતીમાં તેર બુલેટ્સ ધરબી દેવાઈ
અબુ હલાવા ફોર્સ-17નો કમાન્ડર હતો. હંમેશાં ખભે મશીનગન રાખતો. આ હલાવાએ કોઈ આતંકીને બે એકે-47 અને બુલેટ્સનું એક બોક્સ આપેલું. આ આતંકી અને તેના એક સાગરીતે એક ગ્રીક સાધુની છાતીમાં તેર બુલેટ્સ ધરબી દીધી. હલાવાએ ખુશ થઈને આ આતંકીને વધારે એકે-47નો જથ્થો પહોંચાડ્યો. હવે એ આતંકી હિબ્રુ યુનિવર્સિટી પર એટેકનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

શીન બેત માટે કોઈ પણ રીતે આ અબુ હલાવાનું કામ તમામ કરવું જરૂરી હતું. હલાવાને આઇડેન્ડિફાય કરી શકે, જાળમાં ફસાવી શકે એવો એક જ વ્યક્તિ શીન બેતને દેખાતો હતો. અફકોર્સ એ હતો મોસાબ. મોસાબ જોકે હલાવાને મારવાના મતની વિરુદ્ધમાં હતો. મોસાબ લખે છે, ‘એ દિવસે મેં બાઇબલ ખોલી મને બાઇબલમાંથી એ મર્ડરને જસ્ટિફાઇ કરી શકાય એવું કશું ન મળ્યું.’  મોસાબે મનોમન ગોડની માફી માગી અને અબુ હલાવાનું ગુપ્ત ઠેકાણું શીનબેતને આપી દીધું.

WhatsApp Image 2024-10-22 at 5.08.34 PM

ઇઝરાયલ માટે જાસૂસી કરતા મોસાબનો દૃષ્ટિકોણ સમય જતા ધડમૂળથી બદલાયો

તારીખઃ 4 ઓગસ્ટ, 2001
અબુ હલાવાની કાર પર ઇઝરાયલ ડિફેન્સ સર્વિસના કમાન્ડો વોચ રાખીને બેઠા હતા. જેવો અબુ હલાવા કારની અંદર બેઠો એટલે કારની વિન્ડશીલ્ડ પર મિસાઇલ છૂટી. ભયંકર હદે ઝખમી થયેલો અબુ હલાવા દર્દથી ચિત્કારતો શેરીઓમાં ભાગ્યો અને કમાન્ડોની શાર્પ નજરને થાપ આપીને ભીડમાં અલોપ થઇ ગયો.

અબુ હલાવા એક હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. બીજા દિવસે મોસાબ એના પિતા હસન સાથે હોસ્પિટલમાં એના ખબર-અંતર પૂછવા ગયો. હલાવાનો ચહેરો એટલો ભયંકર હદે બળીને વિકૃત થઈ ગયો હતો કે મોસાબ હલાવાની સામે પણ જોઈ શકતો નથી. જોકે ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં હલાવા બચી ગયો અને ઇઝરાયલી દળોથી સંતાતા-ભાગતા ફરીને પણ પોતાના આતંકી કારનામા ચાલુ રાખ્યા પણ અબુ હલાવાનું આયુષ્ય વધારે લાંબું ટકવાનું ન હતું.

સાતેક મહિના બાદ ઇઝરાયલી જાસૂસોએ હલાવાનું ઠેકાણુ ખોળી કાઢ્યું. અબુ હલાવા મિત્રો સાથે ફ્રાઇડ ચિકન ઝાપટીને એક રેસ્ટોરન્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે આકાશમાં આવી ચડેલા બે લડાકૂ ઇઝરાયલી હેલિકોપ્ટર્સ અબુ હલાવાની માથે ઝંળુબવા માંડ્યા. હેલિકોપ્ટર્સમાંથી મિસાઇલો છૂટી અને અબુ હલાવાની કહાની પર કાયમ માટે પડદો પડી ગયો!

'તારો દોસ્ત ચાલ્યો ગયો છે, સોરી!'
મોસાબનો ખાસ મિત્ર સાલેહ. હમાસનો ખતરનાક આતંકી. હિબ્રુ યુનિવર્સિટી સહિતનાં અનેક સ્થળોએ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એની સંડોવણી હતી. મોસાબે એને સમજાવી જોયો પણ સાલેહને એમ પાછો વાળવો શક્ય ન હતો. મોસાબે લોઆઇ પાસે સાલેહને મારવાને બદલે ધરપકડની વિનંતી કરી, પણ સાલેહનો અપરાધ શીન બેત માટે અક્ષમ્ય હતો. કોઈ પણ ભોગે એને જીવતો છોડવાથી હજારો ઇઝરાયલી નાગરિકો પર જીવનું જોખમ ઊભું થાય એમ હતું. ઇઝરાયલી સિક્યોરિટી એજન્ટ્સ સાલેહને બે મહિનાથી મોનિટર કરી રહ્યા હતા.

તારીખઃ 1 ડિસેમ્બર, 2003
સાલેહ અને તેના સાથીદાર સૈયદને ઇઝરાયલી સિક્યોરિટી ફોર્સ ઘેરી લીધો. પણ સાલેહ એમ આસાનીથી તાબે થાય એમ ન હતો. સાલેહ પાસે આધુનિક હથિયારોનો મસમોટો જથ્થો હતો. સાલેહ અને ઇઝરાયલી દળો વચ્ચે ધાણીફૂટ ગોળીબારી થઈ. મોસાબને પણ પોતાના ઘરેથી આ ફાયરિગનો અવાજ સંભળાયો.

સવારે છ કલાકે મોસાબના ફોનની રિંગ વાગી: 'તારો દોસ્ત ચાલ્યો ગયો છે, આઇ એમ સો સોરી.' લોઆઇ ગળગળા અવાજે કહ્યું.

હમાસના ટોચના આતંકીઓ સાલેહની અંતિમવિધિમાં આવ્યા હતા. એ લોકોની આપસી વાતો મોસાબ સરવા કાને સાંભળી રહ્યો હતો. મોસાબ અત્યારે એક જાસૂસ હતો કે પછી ખાસ મિત્રની અંતિમવિધિમાં આવેલો એક અંગત દોસ્ત? આ પ્રશ્નનો જવાબ તો કદાચ મોસાબ પાસે પણ નહીં હોય!!

'લાસ્ટ સપર'
હમાસ દ્વારા ઇઝરાયલ દળો પર ચાલીસથી વધારે મિસાઇલથી એટેક કરવામાં આવ્યો તો ઇઝરાયલે એક મેજર ઓપરેશન હમાસ સામે લોન્ચ કર્યું. ઇઝરાયલે હસનને ક્યારનોય ઉડાવી દીધો હોત પણ એનો દીકરો મોસાબ આડે આવી જતો હતો. શીન બેત માટે કામ કરવાની મોસાબની એક શરત એ પણ હતી કે પિતા હસનને તેમજ અન્ય આતંકીઓને ખતમ કરવાને બદલે એમને માત્ર અરેસ્ટ કરવામાં આવે એટલે હસનની માત્ર ધરપકડ થઇ.

હસનના અરેસ્ટની સૂચના લોઆઈ તરફથી મોસાબને મળી ત્યારે મોસાબ રડી પડ્યો. હસને મોસાબને ફ્રેશ કરવા કહ્યું, ‘ચાલ આપણે બંને તારી માતા અને બહેન માટે ડિનર બનાવીએ’ બંનેએ ડિનર તૈયાર કર્યું અને સાથે ભોજન લીધું. મોસાબને ખબર હતી કે કદાચ છેલ્લીવાર બંને સાથે ડિનર લઇ રહ્યા છે.

મોસાબ પિતા હસનને એકલા જેલમાં મોકલવા નથી માગતો. લોઆઇને ફોન કરીને મોસાબે પોતાની ધરપકડ માટે પણ સામેથી તૈયારી દર્શાવી. મધ્ય રાત્રિએ સિક્યોરિટી ફોર્સ આવી પહોંચી  અને બંને બાપ-દીકરાની ધરપકડ કરી. મોસાબે જેલમાં બાઇબલનો ગહન અભ્યાસ કર્યો. વર્ષ 2005માં મોસાબને રિલીઝ કરવામાં આવ્યો. જ્યારે હસનને જેલમાં જ રાખવામાં આવ્યો.

WhatsApp Image 2024-10-21 at 5.16.19 PM (1)

મોસાબ આજે પણ હમાસની વિચારધારા સામે બેખૌફ બોલે છે

ઇઝરાયલના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ વિફળ બનાવ્યો
મોસાબે ઇઝરાયલનાં અનેક ઓપરેશનો સક્સેસફુલ બનાવ્યા. મારવાન બરઘૌટી જેવા ખતરનાક આતંકીઓને પકડાવાથી માંડીને ઇઝરાયલ રાષ્ટ્રપતિ શિમોન પેરેઝની હત્યાનો પ્રયાસ વિફળ બનાવવા સુધીનાં ઓપરેશનોમાં મોસાબની મહત્ત્વની ભૂમિકા રહી, પણ મોસાબ આ બે ચહેરાવાળી જિંદગીથી હવે થાકી ગયો હતો. હવે એ બધું જ છોડી દેવા માગતો હતો!

'મેં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે!'
વર્ષ 2008.
મોસાબે પેલેસ્ટાઇન છોડીને, જાસૂસીને રામરામ કરીને અમેરિકામાં શરણ લીધું. હસન ત્યારે હજુ જેલમાં જ હતો. મોસાબે એક પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘટસ્ફોટ કર્યો: ‘મેં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે’. બીજા દિવસે ઇઝરાયલના અખબારમાં આ સમાચાર પ્રગટ થયા ત્યારે આખા પેલેસ્ટાઇનમાં ખળભળાટ મચી ગયો.

મોસાબના પરિવાર સાથે સૌ કોઇ છેડો ફાડી નાખ્યો. આ સમાચાર જ્યારે હસનને મળે છે ત્યારે? હસન એક નાના બાળકની જેમ રડી પડે છે. દિવસો સુધી સેલમાં પુરાઇને રહે છે. જેલમાં બંધ હમાસના આતંકીઓ આશ્વાસન આપે છે: અમે સૌ કોઈ તમારા બાળકો છીએ!

‘તમારો અવાજ મને સાંભરે છે’
કેટલાક કેદીઓ જેલમાં ચોરીછૂપીથી સેલફોન પણ રાખતા હતા. એક કેદીના ફોન પરથી હસન પોતાની પત્ની-પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. માતા પાસેથી મોસાબને હસનનો નંબર મળે છે. મોસાબ ધ્રુજતા હાથે પિતાને ફોન લગાવે છે:

હસન: હેલો

મોસાબ: ‘કેમ છો? તમારો અવાજ મને સાંભરે છે’

હસન: ‘તું કેમ છે? અમેરિકામાં તારી લાઇફ કેવી ચાલી રહી છે?’

મોસાબ: ‘મારી લાઈફ બહુ સારી રીતે ચાલી રહી છે. હું એક બુક લખી રહ્યો છું. એમાં..’ મોસાબ આગળ બોલવા જાય છે ત્યાં જ...

હસન: ‘જે પણ કાંઇ થયું. તું હજુ મારો બાળક છો. ભલે તારી વિચારધારા જુદી હશે, પણ તું હજુ મારો નાનો દીકરો જ છે.’

મોસાબે હિંમત કરીને પિતા સમક્ષ  ઇઝરાયલનો જાસૂસ હોવાની કબુલાત કરતા કહ્યું, ‘તમને જીવતા રાખવા માટે મારે આમ કરવું પડ્યું, આઇ લવ યુ, યુ વિલ ઓલવેઝ બી માય ફાધર’. વળતા જવાબમાં સામા છેડે એક સ્તબ્ધ મૌનનો સન્નાટો સંભળાયો. આગળ વાતચીત માટે બંને બાજુથી શબ્દો જાણે થીજી ગયા હતા. મોસાબ ફોન કટ કરે છે!

(નોંધ: ઇઝરાયલ પર તારીખ 7 ઓકટોબર,2023ના રોજ થયેલા હુમલા બાદ હસન યુસુફની ધરપકડ કરવામાં આવી હતી. મોસાબનો રવૈયો હજુ બરકરાર છે. એ હમાસની આતંકી વિચારધારા સામે બેખૌફ બોલે છે. બાપ-દીકરાનું વૈચારિક યુદ્ધ હજુ સમાપ્ત નથી થયું. બંનેની વિચારધારા વચ્ચે આજે પણ બે ક્ષિતીજો જેટલું અંતર છે!)

વાંચો ભાગ પહેલો:હમાસના સ્થાપકનો દીકરો જ જ્યારે ઇઝરાયલનો જાસૂસ બન્યો, એક સ્ફોટક સત્યકથા!

વાંચો ભાગ બીજો:મોસાબ પર જેલમાં અમાનુષી ત્રાસ, ઇઝરાયલનો જાસૂસ બન્યો, દિલધડક ઓપરેશનો, એક દિવસ હમાસના સ્યુસાઇડ બોમ્બર્સ સાથે ભેટો થયો અને..


સંકળાયેલા મુદ્દાઓ

YAHYA SINWAR sonofhamas Hamasattack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ